આપણે સૌ ખરેખર એક રોમાંચક સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ. આપણા પરિવારમાં ઘણા લોકો એવા મળી આવશે જેમણે ફાનસના અજવાળે જીવાતી ને ફક્ત રેડિયોના અવાજ થકી દુનિયા સાથે તાલ મિલાવતી જિંદગી જોઈ છે. એ જ લોકો આજે પલકના ઝપકારે, વિશ્વના ખૂણે ખૂણા સુધી પહોંચતું કમ્યુનિકેશન પણ જોઈ રહ્યા છે!
પાછલાં વર્ષો તરફ જોઈએ તો ‘ગતિ’ અને ‘પ્રવેગી ગતિ’ શબ્દો વચ્ચેનો તફાવત બરાબર સમજાય છે. અત્યારે ગજબની તેજ, પ્રવેગી ગતિએ પરિવર્તનો થઈ રહ્યાં છે. ઈ-મેઇલથી કમ્યુનિકેશન હજી નવું લાગતું હતું ત્યાં તરત ઇન્સ્ટન્ટ મેસેજિંગ આવ્યું. ઇન્ટરનેટ સાથે જોડાયેલા ‘કમ્પ્યુટરજી’ને પૂછતાં એ દુનિયા આખીની માહિતીનો ઢગલો કરી દે એની નવાઈ લાગતી હતી, ત્યાં આપણા પૂછ્યા વગર, આપણે માટે જરુરી માહિતી ઇન્ટરનેટ સામે ચાલીને, આપોઆપ આપણને બતાવવા લાગે એવો જમાનો આવી ગયો છે!
ગૂગલની નોલેજ ગ્રાફ ટેક્નોલોજી અને લેટેસ્ટ સ્માર્ટફોનમાં સામેલ ‘ગૂગલ નાઉ’ સર્વિસ વધુ એક વાર આપણી જિંદગીમાં મોટું પરિવર્તન લાવે તેમ છે. અલબત્ત, આ અંકની કવર સ્ટોરીમાં આપણે ગૂગલ નાઉની વાત ઓછી અને ઇન્ટરનેટ સાથેના વર્બલ કમ્યુનિકેશન વિશે વધુ વાત કરી છે.
‘સાયબરસફર’માં ગૂગલ વિશેના લેખોનું પ્રમાણ વધી રહ્યું છે, પણ આઇટીમાં અત્યંત દૂરગામી અસરવાળી પહેલો કરવામાં – અને એ પણ ચાર-પાંચ હજાર રૂપિયાનો સ્માર્ટફોન લઈ શકે એવી વ્યક્તિને પણ જેનો લાભ મળે એવી સેવાઓ વિક્સાવવામાં આ જ કંપની સૌથી આગળ છે.
પેટમાં પહોંચીને પોતાનું સ્ટેટસ અપડેટ કરતી દવા વિક્સાવવાનું સંશોધન ચાલી રહ્યું છે જે મેડિકલ ક્ષેત્રનું નજીકનું ભાવિ કેવું હશે એનો અણસાર આપે છે. આ અંકથી, અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ કેળવવામાં મદદરૂપ થાય તેવી વેબસાઇટ્સ વિશે પણ નિયમિત વાત કરીશું.
– હિમાંશુ

