(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

મેપ્સનું અમદાવાદી સિટી બસ કનેક્શન!

જો હાથમાં સ્માર્ટફોન હોય તો અમદાવાદની એએમટીએસ બસના સ્ટેન્ડ પર વાસણા કે મણીનગર જવા માટે કઈ બસ કેટલા વાગે, ક્યાંથી મળશે એ જાણવા ફાંફાં મારવાં નહીં પડે. આ બધું જ તમને કહેશે ગૂગલ મેપ્સ.

આગળ શું વાંચશો?

  • મેપ્સમાં નેવિગેશન
  • શું છે આ જીપીએસ?

ધારો કે તમને કોઈ સારી કંપનીમાં નોકરી માટે ઇન્ટરવ્યૂનો કોલ આવ્યો છે. તમે એ કંપનીનું પોસ્ટલ એડ્રેસ લઈને ઇન્ટરવ્યૂ માટે નીકળ્યા છો, પણ ઓફિસનું લોકેશન જરા અટપટું છે એટલે શોધવામાં તકલીફ પડી રહી છે. તમે શુું કરશો? કંપનીના ફોન નંબર પર એડ્રેસ પૂછશો તો તમારી છાપ બગડશે (ઓફિસ શોધી નથી શકતા એ સારું કામ શી રીતે કરશે?!) અને ઓફિસ શોધવામાં ઇન્ટરવ્યૂનો સમય નીકળી જાય એ પણ પોસાય તેમ નથી.

હવે? તમારા ખિસ્સામાં જીપીએસ એનેબલ્ડ સ્માર્ટ ફોન હશે અને તમે પોતે સ્માર્ટ હશો તો ફોનમાં ગૂગલ મેપ્સમાં ડિરેક્શન્સની લિંક પર ક્લિક કરશો. માય લોકેશન પર ક્લિક કરી તમારું એક્ઝેક્ટ લોકેશન નક્કી કરશો અને એન્ડ પોઇન્ટ તરીકે પેલી કંપનીનું એડ્રેસ લખી ત્યાં પહોંચવાનો ટર્ન-બાય-ટર્ન રસ્તો જાણી લેશો અને આત્મવિશ્ર્વાસથી છલકાતા ઇન્ટરવ્યૂ માટે સમયસર પહોંચી જશો!

આખી વાતમાં જીપીએસના મુદ્દે અટક્યા? સ્માર્ટફોન તો સમજ્યા, પણ આ જીપીએસ એક્ઝેક્ટલી શું છે અને તેનો ઉપયોગ કઈ રીતે કરી શકાય? તો પહેલાં નીચે આપેલું બોક્સ વાંચીને આગળ વધો.

હવે ફરી ગૂગલ મેપ્સ પર આવીએ. આપણે કવરસ્ટોરીમાં આગળ જોયું તેમ ડેસ્કટોપર પર ગૂગલ મેપ્સમાં જઈને આપણે જુદાં જુદાં સ્થળ, બિઝનેસ, એક સ્થળેથી બીજા સ્થળે જવાનો રસ્તો, અંતર વગેરે જાણી શકીએ છીએ. આ જ ગૂગલ મેપ્સ જ્યારે સ્માર્ટફોનમાંના નકશા તરીકે આપણા હાથમાં આવે છે ત્યારે આખી વાતમાં એક નવું પરિમાણ ઉમેરાય છે – આપણે પોતે! એટલે કે નકશામાં આપણું પોતાનું લોકેશન!

સ્માર્ટફોનમાં નકશા પર આપણું લોકેશન બે રીતે નક્કી થાય છે. તમે ફોનના સેટિંગ્સમાં ‘લોકેશન એન્ડ સિક્યુરિટી’ ઓપ્શનમાં જઈને જોશો તો અહીં બે વિકલ્પ છે. પહેલો વિકલ્પ ‘યુઝ વાયરલેસ નેટવર્ક્સ’નો છે. આ વિકલ્પમાં આપણે કોઈ સ્થળે વાઇ-ફાઇનો ઉપયોગ કરી રહ્યા હોઈએ તો તેના આધારે અને/અથવા મોબાઇલ નેટવર્કના ટાવર્સનાં સિગ્નલ્સના આધારે મેપ્સ જેવી સર્વિસમાં આપણું લોકેશન નક્કી થાય છે. બીજો વિકલ્પ જીપીએસ સેટેલાઇટ્સનો ઉપયોગ કરવાનો છે (બધા ફોનમાં જીપીએસની સુવિધા હોય જ એવું નથી). જીપીએસનો ઓપ્શન ઓન કરતાં ફોનની બેટરી વધુ વપરાય છે અને ડેટા પણ વધુ વપરાય છે, એટલે આ જરા મોંઘી સુવિધા છે એ યાદ રાખશો.

હવે મેપ પર આપણે જ્યાં હોઈએ ત્યાંથી બીજા કોઈ પણ સ્થળે જવા માટે માત્ર ડિરેક્શન જાણવી હોય કે અમદાવાદ, દિલ્હી, બેંગલોર જેવાં શહેરોમાં બસના ટાઇમિંગ્સ જાણવા હોય તો જીપીએસ ઓન કરવાને બદલે, માત્ર વાયરલેસ નેટવર્ક્સથી કામ ચલાવીએ તો પણ ચાલે.

પણ જો, આપણે રસ્તે જતા કોઈ વાહનમાં હોઈએ અને કોઈ જગ્યાએ પહોંચવા માટે આપણે દરેક વળાંક મુજબ માર્ગદર્શન (આ શબ્દનો સાવ સાચો અર્થ નકશાના સંદર્ભે જ સમજાય!) જોઈતું હોય તો, અંગ્રેજીમાં તેને નેવિગેશન કહે છે અને ગૂગલ મેપમાં નેવિગેશનનો લાભ લેવા માટે જીપીએસની સુવિધા ઓન કરવી જરુરી છે.

ગૂગલ મેપ્સ જેવી સર્વિસમાં, દુનિયા આખીની સેટેલાઇટ ઈમેજીસ, રોડમેપ, સ્ટ્રીટ વ્યૂસ, વિવિધ લોકેશન્સ, બિઝનેસીસ અને તેને સંબંધિત માહિતી વગેરે બધું હતું જ, હવે તેમાં જીપીએસની સુવિધા ઉમેરાતાં આખી વાતને ખરેખર નવું પરિમાણ, નવું ડાયમેન્શન મળી ગયું.

અહીંથી આગળ આપણે મોબાઇલમાં ગૂગલ મેપ્સની જે સુવિધાઓ જાણીશું, તેમાંની ઘણી ખરીનો પીસીમાં ગૂગલ મેપ પર પણ લાભ લઈ શકાય છે, પણ મોબાઇલમાં જીપીએસની સુવિધાને કારણે વાત કેટલી આગળ વધી શકે છે એ તમે પણ અનુભવી શકશો (સ્માર્ટફોન ન હોય તો પણ ગૂગલ મેપ્સનાં ઘણાં નવાં પાસાં જાણવા મળશે!)


ગૂગલ મેપ્સનો લાભ એન્ડ્રોઇડ સિવાયના ફોન્સમાં પણ મળી શકે છે, અહીં આપણે એન્ડ્રોઇડ ફોનને ધ્યાનમાં રાખીને વાત કરીશું. અહીંથી આગળની વાત, પહેલા પુરુષ એકવચનમાં, એટલે કે આ લખનારનો, મારો અનુભવ.

તો આપણી આ નવી સફરનું પહેલું પગલું છે, એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ગૂગલ મેપ્સમાં જવાનું. મેપમાં પહોંચતાં મેં સૌથી પહેલું કામ મેપ પર મારું લોકેશન જાણવાનું કર્યું.. આ લેખ ‘સાયબરસફર’ની ઓફિસમાં બેસીને લખાયો એટલે આપણે આપણી સફરના કેન્દ્ર તરીકે તેને જ સ્વીકારવું પડશે. પણ, યાદ રહે, મેં મેપને ‘માય લોકેશન’ પૂછ્યું છે, હેન્ડસેટ ‘સાયબરસફર’ની ઓફિસમાં જ છે એવી માહિતી એને આપી નથી.

હવે આગળની વાત સમજવા માટે આ સાથે આપેલા મોબાઇલના સ્ક્રીનશોટ્સ જોતા રહેજો. અત્યારે મેપ મારું લોકેશન ૬૦ મીટરની એક્યુરસી સાથે બતાવે છે. મારે એક્યુરસી વધારવી હોય તો જીપીએસ સુવિધા ઓન કરવી જોઈએ (જીપીએસનાં સિગ્નલને સેટેલાઇટ સુધી પહોંચવામાં કોઈ અંતરાય ન નડે તે જોવું જરુ‚રી છે).

હાલ પૂરતું આપણે ૬૦ મીટરની એક્યુરસીથી કામ ચલાવી લઈએ છીએ. હું લોકેશન પર ક્લિક કરું છું. હવે હું જાણવા માગું છું કે આ લોકેશનમાં મારી આસપાસ શું શું છે? મેપ કહે છે કે ‘રેડિયો મીરચી એન્ડ મોર’ (જુઓ-૧). તેના પર ક્લિક કરતાં, જે યાદી મળે છે તેમાં સાયબરસફર એજ્યુમીડિયા અને બીજી કેટલીક કંપનીનાં એડ્રેસ છે (જુઓ-૨)! આ બધી કંપનીઓએ ગૂગલ પ્લેસીઝમાં પોતાની માહિતી આપી હશે. હવે ધારો કે હું આસપાસમાં કોઈ સારું રેસ્ટોરાં શોધું છું. સર્ચ બોક્સમાં રેસ્ટોરાં લખી સર્ચ કરતાં મેપ પર નજીકનાં સંખ્યાબંધ રેસ્ટોરાંનાં પ્લેસમાર્ક ઉપસી આવે છે (રેસ્ટોરાંની જેમ એટીએમ, પેટ્રોલ પમ્પ, પોસ્ટઓફિસ વગેરે પણ શોધી શકાય છે. એટીએમ શોધીએ તો બેન્કના નામ સાથે એટીએમનું પૂરું એડ્રેસ જોવા મળે છે).

એમાંનું એક, સાવ નજીકનું સંગમ રેસ્ટોરાં હું પસંદ કરું છું (આ સરસ રેસ્ટોરાં હમણાં જ બંધ થયું, ગૂગલને એ તાજી માહિતી પહોંચી નથી!) સંગમના પ્લેસમાર્ક પર ક્લિક કરતાં, મેપ પર તેનું પેજ ઓપન થાય છે (જુઓ-૩). સાથે તેનો ફોન નંબર પણ છે. ‘કોલ’ પર ક્લિક કરતાં સીધો ફોન જોડાય છે. હું ફોન કટ કરું છું, એટલે સિસ્ટમ મને પૂછે છે, ‘નંબર સાચો તો હતોને?’ (જુઓ-૪).

હવે હું સંગમ પર જાતે જ પહોંચી જવાનું વિચારું છું. ડિરેક્શન્સ પર ક્લિક કરતાં ત્રણ વિકલ્પ મળે છે, કારમાં જવું છે, પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જવું છે કે ચાલીને? (જુઓ-૫). કારનો વિકલ્પ પસંદ કરતાં, તેનો જરા લાંબો રસ્તો મળે છે (જુઓ-૬). ચાલીને જવાનું નક્કી કરતાં ટૂંકો રસ્તો જાણવા મળે છે (જુઓ-૭). ચાલીને રોંગસાઇડમાં જઈ શકાય, કારમાં નહીં (એટલીસ્ટ કાયદેસર રીતે!) એટલે બંને ‚ટનો તફાવત નકશામાં ખાસ નોંધજો.

હવે જરા દૂરના કોઈ સ્થળે, કણર્વિતી ક્લબ જવાનો વિચાર આવ્યો. કારમાં જતાં કેટલું અંતર છે, કેટલો સમય લાગશે, ચાલીને ટૂંકા રસ્તે જશો તો કેટલું અંતર, કેટલો સમય લાગશે વગેરે બધું જ જાણવા મળશે.

હવે આપણે વિકલ્પ પસંદ કર્યો, પબ્લિક ટ્રાન્સપોર્ટનો (જુઓ-૮). તો મેપ મને કહેશે કે તમારા લોકેશનથી જમણે-ડાબે વળીને સંજય ટાવર પહોંચો. અહીંથી તમને આટલા વાગ્યે ૪૦/૧ નંબરની ઇસ્કોન જતી બસ મળશે. આ બસમાં કર્ણાવતી ક્લબ જવા મારે કયા સ્ટોપ પર ઉતરવાનું છે અને વચ્ચે કયાં કયાં સ્ટોપ આવશે એ પણ મેપ પર હું જાણી શકીશ (જુઓ-૯, ૧૦). બસમાંથી નિર્ધારિત સ્ટોપ પર ઉતરતાં, મારી ડાબી તરફ કર્ણાવતી ક્લબ હશે એ પણ મેપ મને કહેશે!

આપણા અમદાવાદની સિટી બસનાં સ્ટોપેજ સહિતની આટલી બધી વિગતવાર માહિતી ગૂગલ પાસે કેવી રીતે આવી? જવાબ એ છે કે ગૂગલે માત્ર અમદાવાદ નહીં, વિશ્ર્વનાં સંખ્યાબંધ શહેરોની પબ્લિક ટ્રાન્સપોર્ટની વિગતો એકઠી કરી છે. ગૂગલની આ પ્રકારની સર્વિસ ગૂગલ ટ્રાન્ઝિટ તરીકે ઓળખાય છે. તમે ડેસ્કટોપ પર http://www.google.co.in/transit પર જઈને સ્ટાર્ટ એડ્રેસમાં અમદાવાદ, દિલ્હી, બેંગલોર વગેરેનું કોઈ પૂરું સરનામું લખી, ડેસ્ટિનેશન એડ્રેસમાં કોઈ પૂરું સરનામું લખીને સર્ચ કરશો અંતે ગૂગલ મેપ્સ પર જઈને તેની માહિતી મેળવી શકશો. જોકે સ્માર્ટફોન પર વધુ વિગતવાર માહિતી મળે છે.

ટ્રાન્ઝિટ સર્વિસની શરૂઆત ડિસેમ્બર ૨૦૦૫માં એક લેબ પ્રોજેક્ટ તરીકે થઈ હતી અને ઓક્ટોબર ૨૦૦૭માં તેને ગૂગલ મેપ્સમાં ફૂલ સર્વિસ તરીકે સમાવી લેવામાં આવી. ટ્રાન્ઝિટમાં વિશ્વનાં ૪૫૦ જેટલાં શહેરોની પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસની માહિતી સમાવવામાં આવી છે, જેમાં ભારતનાં દિલ્હી, મુંબઈ, બેંગલોર, પૂણે અને અમદાવાદ પણ સામેલ છે!

મેપ્સમાં નેવિગેશન

અત્યાર સુધી આપણે ગૂગલ મેપ્સની જે ખાસિયતો જોઈ એમાંની ઘણી ખરી ડેસ્કટોપ અને સ્માર્ટફોન/ટેબલેટમાં બંનેમાં ઉપયોગ કરી શકાય એવી હતી. હવે જેની વાત કરવી છે, એ નેવિગેશનની સર્વિસ માત્ર મોબાઇલ ડિવાઇસમાં ઉપલબ્ધ છે.

ફરી, આપણે જાતઅનુભવની રીતે જ આ સર્વિસ સમજીએ. ધારો કે હું ગાંધીનગરથી એસ.જી. હાઇવે પર કારમાં અમદાવાદ આવી રહ્યો છું. અમદાવાદ મારા માટે અજાણ્યું છે અને મારે ‘સાયબરસફર’ની ઓફિસે પહોંચવું છે. હું અમદાવાદમાં ગોતાનો ઓવરબ્રિજ વટાવ્યા પછી સ્માર્ટફોનમાં મેપ્સની એપ ઓપન કરું છું. મારે નેવિગેશનની સગવડ જોઈએ છે એટલે માટે જીપીએસ કનેક્શન ઓન કરવું પડશે. કાર એક તરફ લઈને મેં મેપમાં નેવિગેશન સિસ્ટમ ઓન કહીને કહ્યું કે મારા કરન્ટ લોકેશનથી મારે ‘સાયબરસફર એજ્યુમીડિયા’ સુધી પહોંચવું છે. કંપનીનું નામ લખતાં સિસ્ટમે મને આખું એડ્રેસ બતાવી ક્ધફર્મ કર્યંુ કે અહીં જ જવું છેને?

હવે રસ્તા પર કાર ને મેપ પર કારનું લોકેશન બતાવતી નિશાની આગળ વધવા લાગી. નેવિગેશનમાં વોઇસ ગાઇડન્સની સુવિધા છે, એટલે સિસ્ટમ કહે છે ‘એસ.જી. હાઇવે પર આગળ વધતા રહો’. આ સિસ્ટમ કેટલી પાવરફૂલ છે એ જોજો. ઇસ્કોન મંદિર પાસેનો ઓવર બ્રિજ શ‚ થવામાં હતો ત્યારે સિસ્ટમે મને ચેતવ્યો કે આગળ બે ફાંટા પડશે, તમારે જમણી તરફ રહેવાનું છે (એટલે કે બ્રિજ ઉપર ચઢવાનું છે).

બ્રિજ વટાવી આગળ વધતાં આનંદનગરનો વળાંક નજીક આવતાં સિસ્ટમે મને કહ્યું કે ૬૦૦ મીટર પછી જમણી તરફ વળી જજો. નેવિગેશનને ફોલો કરતાં કરતાં હું રસ્તામાં એટીએમ, પેટ્રોલપમ્પ વગેરે સર્ચ પણ કરી શકું છું. વિદેશનાં શહેરોમાં રસ્તે દેખાતી જાણીતી શોપ, રેસ્ટોરાં કે બેન્ક વગેરેનાં બોર્ડ પણ મેપ પર જોઈ શકાય છે.

મેં કાર જમણી તરફ વાળી. સિસ્ટમે કહ્યું કે હવે ૨ કિલોમીટર સીધા જ હંકારતા રહો. મારે તો સિસ્ટમ ચકાસવી હતી એટલે પ્રહલાદનગર ગાર્ડન સુધી પહોંચ્યા પછી સીધા જવાને બદલે હું ડાબી તરફ વળી ગયો. સામાન્ય રીતે, આ પ્રકારની નેવિગેશન સિસ્ટમમાં આપણે ખોટો વળાંક લઈએ તો સિસ્ટમ સતત ટોકે કે તમે ખોટા રસ્તે જાવ છો. જ્યારે ગૂગલ નેવિગેશન ધારી લે છે કે હું કોઈ ખાસ કારણથી બીજા રસ્તે જઈ રહ્યો છું. આથી સિસ્ટમ મને કહે છે કે તમે બીજી તરફ જઈ રહ્યા છો, પણ પછી એ રીરુટિંગ કરીને ફરી નવેસરથી રસ્તો બતાવવાનું શ‚રુ કરે છે. પહેલાં એ યુટર્ન લેવાનું સૂચવે છે. હું યુટર્ન લેવાને બદલે ફક્ત જમણી તરફ કાર વાળું છું, તો સિસ્ટમ ફરી રીરુટિંગ કરી, આગળ જઈને જમણી તરફ વળવા કહે છે અને પછી ૨૦૦ મીટર જઈને ફરી આનંદનગર રોડ પર ડાબી તરફ વળવા કહે છે.

આ રીતે હું સિસ્ટમને ગૂંચવવા મથું છું અને એ દરેક વખતે સાચો રસ્તો બતાવે છે, ક્યારેક એ કહે છે કે હવે તમારી ડાબી તરફ ફલાણી રેસ્ટોરાં આવશે (જે બિલકુલ તાજી જ ખૂલી છે) ત્યાંથી જમણી તરફ વળી જાઓ કે બિલેશ્ર્વર મહાદેવથી ડાબી તરફ વળો. છેવટે હું અમારા બિલ્ડિંગના દરવાજે પહોંચું છું, ત્યારે સિસ્ટમ કહે છે કે ‘યોર ડેસ્ટિનેશન હેઝ એરાવ્ડ, ઇટ ઇઝ ઓન યોર લેફ્ટ સાઇડ!’
આ સગવડ આપણે માટે બિલકુલ અજાણ્યા શહેરમાં કેટલી કામ લાગે એ વિચારી જુઓ!

શું છે આ જીપીએસ?

જીપીએસ એટલે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. અત્યારે જે આપણી મુઠ્ઠીમાં આવી ગઈ છે એ ટેક્નોલોજી મૂળ તો અમેરિકાએ લશ્કરી અને જાસૂસીનાં કારણોસર વિક્સાવી. અમેરિકાએ અવકાશમાં કુલ ૨૪ સેટેલાઇટ્સ એવી રીતે ભ્રમણકક્ષામાં ફરતા કર્યા કે જો પૃથ્વી પરથી આ સેટેલાઇટ જોઈ શકાતા હોય તો કોઈ પણ સમયે, પૃથ્વી પરના કોઈ પણ સ્થળેથી આમાંના ચાર સેટેલાઇટ જોઈ શકાય. મતલબ કે આપણા હાથમાં એવું કોઈ સાધન હોય જે આ સેટેલાઇટ્સનાં સિગ્નલ ઝીલી શકે તો આપણે કોઈ પણ સમયે ઓછામાં ઓછા ચાર સેટેલાઇટનાં સિગ્નલ ઝીલી શકીએ. આ ચારમાંથી ત્રણ સેટેલાઇટને આધારે, સિગ્નલ ઝીલનાર સાધન પૃથ્વી પર બરાબર કયા અક્ષાંશ અને રેખાંશના મિલન સ્થળ પર છે તે નક્કી થાય, ચોથો સેટેલાઇટ આ ગણતરીની ખરાઈ કરે અને આ રીતે પૃથ્વી પર સિગ્નલ ઝીલનારની પોઝિશન નક્કી થાય (ચોથો સેટેલાઇટ પૃથ્વીથી ઊંચાઈ નક્કી કરવામાં પણ ઉપયોગી થાય છે).

આ ટેક્નોલોજીની સાવ સાદી સમજ થઈ. લશ્કરી હેતુ માટે વિક્સાવાયેલી આ ટેક્નોાલોજી અમેરિકાની સરકાર નાગરિકોના હાથમાં આપવા માગતી નહોતી, પણ આ ટેક્નોલોજીનાં સાધનો વિક્સાવનારી કંપનીઓના દબાણથી છેવટે ૨૦૦૦માં અમેરિકન પ્રમુખે જીપીએસના બિનલશ્કરી ઉપયોગને મંજૂરી આપી અને હવે દુનિયાભરમાં ગમે ત્યાંથી આ ટેક્નોલોજીનો લાભ લઈ શકાય છે. જીપીએસ મધદરિયે જહાજનું લોકેશન જાણવામાં, ડૂબેલાં જહાજોનો ભંગાર શોધવામાં, ટ્રાન્સપોર્ટના ટ્રક કે ટ્રાવેલ્સની બસ કે સ્કૂલબસનું કરન્ટ લોકેશન જાણવામાં વગેરે ઘણી બધી રીતે ઉપયોગી છે. આ બધા માટે જીપીએસ રીસીવર તરીકે ઓળખાતાં સાધનોનો ઉપયોગ થાય છે, પણ સેલફોનમાં જીપીએસની સુવિધા આવી ગયા પછી તેનો ઉપયોગ ધરમૂળથી બદલાવા લાગ્યો છે. કેટલીક કારમાં જીપીએસની મદદથી ચાલતી નેવિગેશન સિસ્ટમ હોય છે, જે ક્યાં પહોંચવું છે એ કહ્યા પછી ચાલકનું યોગ્ય માર્ગદર્શન કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!