અંગ્રેજીમાં કી-બોર્ડ પર ફટાફટ ટાઇપિંગની ફાવટ આવી જાય તે પછીનો મુકામ છે ગુજરાતી, હિન્દી જેવી સ્થાનિક ભાષામાં પણ એટલી જ ઝડપ કેળવવાનો. આ કામ થોડું મુશ્કેલ એટલા માટે બને કે તેમાં આપણે અંગ્રેજી અક્ષરો લખેલા કી-બોર્ડની મદદથી ગુજરાતીમાં ટાઇપ કરવાનું હોય છે!
ગુજરાતી કી-બોર્ડની વાત કરતાં પહેલાં, થોડી વાત ઇંગ્લિશ સિવાયની ભાષાઓમાં થતા ટાઇપિંગ વિશે કરી લઈએ. કમ્પ્યુટરમાં આપણે બે રીતે સ્થાનિક ભાષામાં ટાઇપિંગ કરી શકીએ છીએ : એક, ટ્રાન્સલિટરેશન પદ્ધતિ, જેના વિશે હવે ઘણા બધા વાચકો જાણે જ છે. અંગ્રેજીમાં કોઈ શબ્દ લખીને સ્પેસબાર પ્રેસ કરતાં એ શબ્દ ગુજરાતી લિપિમાં લખાય એને ટ્રાન્સલિટરેશન કહે છે. ગૂગલ ઉપરાંત બીજી ઘણી સાઇટ આ સગવડ આપે છે. ઝડપી અને ચોક્સાઈભર્યું ટાઇપિંગ કરવું હોય તો બીજી પદ્ધતિ છે ઇનસ્ક્રિપ્ટ કી-બોર્ડ.
અંગ્રેજીની સરખામણીમાં ભારતીય ભાષાઓની લિપિ ઘણી મુશ્કેલ છે, તેમાં સ્વર અને વ્યંજન ઉપરાંત અનુનાસિક શબ્દો, જોડાક્ષરો વગેરે હોય છે અને મૂળાક્ષર સાથે જોડાતી માત્રાઓ પણ હોય છે. આ બધું ધ્યાને રાખીને ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ (ડીઓઇ)એ ૧૯૮૬માં એક કી-બોર્ડ લેઆઉટ તૈયાર કર્યો અને ૧૯૮૮માં તેમાં ફેરફારો કર્યા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (બીઆઇએસ)એ ઇનન્સ્ક્રિપ્ટ (ઇન્ડિયન સ્ક્રિપ્ટનું ટૂકું) કી-બોર્ડ લેઆઉટને નેશનલ સ્ટાન્ડર્ડ તરીકે જાહેર કરેલ છે.
આ કી-બોર્ડનો લેઆઉટ શબ્દોના ઉચ્ચારને આધારે તૈયાર કરવામાં આવ્યો છે, તેમાં બધા મૂળાક્ષરો (સ્વર) એકતરફ અને વ્યંજન (માત્રાઓ) બીજી તરફ એ રીતે, વિચારપૂર્વક ગોઠવણી છેે. ફાવટ આવતાં કદાચ થોડી વાર લાગે, પણ એક વાર કી-બોર્ડ પર પકડ ગોઠવાઈ ગઈ તો કી-બોર્ડ પર જોયા વિના જ, ખરેખર વિચારની ઝડપે ટાઇપ થઈ શકે છે. કી-બોર્ડ પર જોવાનું જ ન હોય, પણ પછી તેના પર અંગ્રેજી અક્ષરો લખ્યા હોય તોય શું ફેર પડે છે?
ઇન્સ્ક્રિપ્ટ કી-બોર્ડની મજા એ છે કે તમે એક ભાષામાં ટાઇપ કરતાં શીખી જાવ પછી બીજી કોઈ પણ ભાષા એ જ રીતે ટાઇપ કરી શકો છો!
ગુજરાતી ભાષામાં ટાઈપિંગ વિશે વધુ માહિતી માટે
- google.com/intl/gu/inputtools/cloud/try
- gujarati.anirdesh.com
- dhavalshah.com/Webhome/Write_in_Gujarati.html
- algari.blogspot.in/p/blog-page.html
- mavjibhai.com/GKBL.htm
- vishalon.net/PramukhIME/PramukhTypePad.aspx
