વર્ષભર દબદબો રહ્યો મોબાઇલ ડિવાઇસીઝનો
ઇન્ફર્મેશન ટેક્નોલોજીની દૃષ્ટિએ વર્ષ ૨૦૧૨માં રાજ ચાલ્યું મોબાઇલનું. આ વર્ષમાં સ્માર્ટફોન અને ટેબલેટ જેવાં મોબાઇલ સાધનો વધુ શક્તિશાળી, વધુ સસ્તાં અને વધુ ઉપયોગી બન્યાં. ભારતમાં આકાશ અને બીએસએનએલનાં અત્યંત સસ્તાં ટેબલેટ છેવટે હકીકત બનવાને કારણે આવનારા સમયમાં વધુ ને વધુ લોકોના હાથમાં ટેબલેટ જોવા મળશે એ નક્કી છે.
મોબાઇલ અને ટેબલેટમાં ઊથલપાથલ
૧૪ વર્ષથી મોબાઇલ હેન્ડસેટ ક્ષેત્રે રાજ કરતી નોકિયા કંપનીને આખરે, ૨૦૧૨માં સેમસંગે પાછળ રાખી દીધી. આ રેસમાં એપલ ત્રીજા નંબરે છે. સ્માર્ટફોનમાં ફરી સેમસંગ નંબર વન, એપલ બીજા નંબરે અને નોકિયા ત્રીજા નંબરે છે. આ વર્ષે સાઇઝમાં પણ ઊથલપાથલ જોવા મળી. સેમસંગે સ્માર્ટફોન મોટા બનાવ્યા તો એપલ અને ગૂગલે પોતાનાં ટેબલેટને નાનાં બનાવ્યાં!
ઈ-મેઇલનાં ૪૦ વર્ષ
આ વર્ષે ઈ-મેઇલે ૪૦ વર્ષ પૂરાં કર્યાં. ઇન્સ્ટન્ટ મેસેજિંગનાં જુદાં જુદાં સ્વરૂપો વિકસ્યાં હોવા છતાં, ઈ-મેઇલનું મહત્ત્વ સતત વધતું જ જાય છે. યાહૂને ઓવરટેક કરીને આગળ નીકળી ગયેલા જીમેઇલને હંફાવવા માટે માઇક્રોસોફ્ટે હોટમેઇલને આઉટલૂકનું નવું સ્વરૂપ આપ્યું, પણ વાત જોઈએ એટલી જામી નહીં.
ભારતમાં ફોર-જી, હા જી!

ભારતમાં મોબાઇલ ક્ષેત્રે ૨-જીના હોબાળા હજી શમ્યા નથી ત્યાં ૩-જી અને હવે ૪-જી સર્વિસ પણ આવી ગઈ છે. મે ૨૦૧૨માં એરટેલે કોલકાતા અને બેંગાલૂરુમાં ભારતની પહેલી ૪-જી સર્વિસ (ઇન્ટરનેટ માટે, ટેલિફોની માટે નહીં) લોન્ચ કરી. ૩-જી કરતાં ચાર-પાંચ ગણી ઝડપી એવી આ સર્વિસ સામાન્ય લોકોના વપરાશમાં આવે એ દિવસો હજી દૂર છે કેમ કે ભારતમાં એને માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હજી નથી. ભવિષ્યમાં આ ક્ષેત્રે એરટેલ અને રિલાયન્સની હરીફાઈ જોવા મળશે.
ઇન્ટરનેટનું સ્વાતંત્ર્ય
ઇન્ટરનેટનો સ્વાતંત્ર્યનો મુદ્દો ૨૦૧૨માં ઘણો ચર્ચાયા. ભારત સહિતના વિવિધ દેશો ઇન્ટરનેટ પર જુદી જુદી રીતે અંકુશ હોય તેવું ઇચ્છે છે અને અમેરિકાએ સોપા અને પીપાના નામે જાણીતા બે ખરડા પસાર કરવાનો પ્રયાસ કરીને આ દિશામાં સારી એવી પ્રગતિ કરી, પણ તેનો જબરજસ્ત વિરોધ પણ થયો. સૌથી બોલકો વિરોધ વિકિપીડિયાએ કર્યો, દુનિયાભરમાં સૌથી વધુ જોવાતી સાઇટ્સમાંની એક એવી આ સાઇટ ૨૪ કલાક માટે સંપૂર્ણ બંધ રહી!
ભારત અને સોશિયલ મીડિયાનું સ્વાતંત્ર્ય
ઇન્ટરનેટ, ખાસ કરીને સોશિયલ મીડિયાનો નિરંકુશ મિજાજ ભારતમાં સતત ચર્ચાનો વિષય રહ્યોે. ફેસબુક, ટ્વીટર વગેરેમાં ‘બેફામ, બદનક્ષીભરી’ કમેન્ટ્સથી ભારત સરકાર અકળાયેલી હતી અને ગૂગલ, ફેસબુક વગેરે સામે પગલાં લેવાની હદે પહોંચી હતી, તેમાં પૂર્વોત્તર ભારતમાં તોફાનો થયા પછી, કુદરતી આફતો સમયે થયેલી તારાજી સાથે આસામનું ફૂટેજ મિક્સ કરીને ઇન્ટરનેટ પર ઠાલવવામાં આવ્યું, જેના પગલે ભારતના બીજા ભાગોમાંથી પૂર્વોત્તર ભારતના લોકો ઉચાળા ભરવા લાગ્યા.
ફેસબુકના ઉતાર-ચઢાવ
વર્ષ ૨૦૧૨માં સૌથી વધુ સર્ચ થયેલ ટર્મ અને સૌથી વધુ વિઝિટ્સ ધરાવતી સાઇટ – આ બંને રીતે ફેસબુક વર્ષભર ચર્ચામાં રહી. આ વર્ષે ફેસબુકનો ઇતિહાસનો સૌથી મોટો ઇન્ટરનેટ આઇપીઓ આવ્યો, કંપનીને ૧૦૦ અબજનું વેલ્યુએશન પણ મળ્યું, પણ પછી તેના શેર જબરજસ્ત ગગડવા લાગ્યા. છતાં, ફેસબુકે ૭૧૫ મિલિયન ડોલરમાં ઇન્સ્ટાગ્રામ નામની અત્યંત લોકપ્રિય સર્વિસ ખરીદીને ધડાકો કર્યો.
એપલ-સેમસંગ આમનેસામને
દુનિયાની બે સૌથી મોટી સ્માર્ટફોન બનાવતી કંપની એપલ અને સેમસંગ ટેક્નોલોજીના પેટન્ટના મુદ્દે દુનિયાના ચાર ખંડોમાં એકમેક સામે કેસ લડી રહી છે. એકબીજાની પ્રોડક્ટમાં પોતાની ટેકનોલોજી વપરાઈ હોવાના દાવા સાથે એકબીજાની પ્રોડક્ટના વેચાણ સામે પ્રતિબંધ મૂકવા લડતી આ કંપનીઓની લડાઈ ૨૦૧૨માં ચરમસીમાએ પહોંચી, એપલને મોટી જીત પણ મળી, પણ હવે સમાચાર છે કે બંને કંપનીઓ કોર્ટેને બદલે માર્કેટમાં લડી લેવા મન મક્કમ કરી રહી છે. આવી જ ઓછી જાણીતી લડાઈ ગૂગલ અને ઓરેકલની પણ છે.
માઇક્રોસોફ્ટ ફરી જોરમાં
ઇન્ટરનેટના વધતા આક્રમણ સામે ઓફલાઇન કમ્પ્યુટિંગમાં જેનો દબદબો હતો તે માઇક્રોસોફ્ટની પીછેહઠ થવા લાગી હતી, પણ ૨૦૧૨માં આ આઇટી જાયન્ટે ફરી હરણફાળ ભરી, ખાસ તો ઓફલાઇન અને ઓનલાઇન વચ્ચેનું અંતર ઘટાડવામાં. અત્યાર સુધી આ કંપનીએ બીજી કંપનીનાં હાર્ડવેર માટે પોતાનાં સોફ્ટવેર વેચ્યાં. આ વર્ષે પહેલી વાર માઇક્રોસોફ્ટે મેન્યુફેક્ચરિંગમાં ઝંપલાવીને સરફેસ ટેબલેટ લોન્ચ કર્યું, સાથોસાથ વિન્ડોઝ ૮ અને ઓફિસ ૩૬૫ સર્વિસથી કંપની ફરી પોતાનું વર્ચસ જમાવવા લાગી છે.
દુનિયા દેખો યુટ્યૂબ પર
કોરિયન સ્ટાર ગંગનમનો વીડિયો યુટ્યૂબ પર ટોપ ટ્રેન્ડિંગ વીડિયો બન્યો, પણ દુનિયા માત્ર સ્ટાઇલની દીવાની નથી. સુપરસ્ટોર્મ સેન્ડી, અમેરિકન પ્રેસિડન્ટની ચૂંટણી, ફેલિક્સ બોમગાર્ટનગરનો ઐતિહાસિક કૂદકો વગેેરે ઇવેન્ટ્સને લાખો લોકોએ યુટ્યૂબ પર જોઈ. હરીકેન્ડ સેન્ડનું કવરેજ ૭૦ કલાક સુધી સતત લાઇવ સ્ટ્રીમ તરીકે રજૂ થયું એ પણ એક રેકોર્ડ હતો!

