(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

પાણીમાંથી પાતાળદર્શન

ફિલ્મ ‘યે જિંદગી ના મિલેગી દોબારા’માં રીતિક રોશન જિંદગીમાં પહેલી વાર સ્ક્યુબા ડાઇવિંગ કર્યા પછી દરેક શ્વાસે  જિવાતી જિંદગીનો અનુભવ કરે છે એ દૃશ્ય યાદ છે?

એ ફિલ્મમાં તો પાણીના ડર અને પછીની અનુભૂતિની વાત છે, પણ દરિયાના પેટાળમાં સમાયેલું અપાર વૈવિધ્ય માનવને સદીઓથી આકર્ષતું રહ્યું છે.

માનવે પૃથ્વીના પેટાળ અને અવકાશનાં રહસ્યોનો તાગ મેળવવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે, પરંતુ મહાસાગરોનાં ઊંડાણ ઘણે અંશે માનવની પહોંચની બહાર રહ્યાં છે. અલબત્ત, વૈજ્ઞાનિક અને આર્થિક બંને પ્રકારનાં કારણોસર મહાસાગરનો તાગ મેળવવા માટે સતત પ્રયાસો થતા રહે છે.

છેક ૧૫૨૧માં ફર્ડિનાન્ડ મેગલન નામના એક પોર્ટુગીઝ સાગરસાહસિકે પોતાના જહાજમાંથી ૨,૩૦૦ ફૂટ લાંબું દોરડું દરિયામાં ઉતાર્યું હતું અને એ પેટાળ સુધી પહોંચ્યું નહીં એટલે તેણે તારણ બાંધ્યું કે મહાસાગર અગાધ છે! કદાચ ત્યારથી શરૂ થયેલી સફર હમણાં, માર્ચ ૨૦૧૨માં ફિલ્મ સર્જક જેમ્સ કેમેરુન પ્રશાંત મહાસાગરમાં લગભગ ૩૫ હજાર ફૂટની ઊંડાઈએ પૃૃથ્વીના સૌથી ઊંડા સ્થળ સુધી પહોંચ્યા ત્યાં સુધી વિસ્તરી છે.

ઓસ્ટ્રલિયામાં શરુ થયેલા એક રોમાંચક અભ્યાસના સંદર્ભ સાથે આપણે પણ દરિયાના પેટાળમાં વિવિધ રીતે ખાંખાંખોળા કરવાનો આનંદ માણીએ અને કંઈક અંશે જિજ્ઞાસા સંતોષીએ!

આગળ શું વાંચશો?

  • મહાસાગરોના પેટાળનો અભૂતપૂર્વ અભ્યાસ
  • શું છે આ કોરલ રીફ?
  • આપણા રસની વાત
  • સર્વે પાછળની ટેકનોલોજી
  • આ પણ ગમશે…

મહાસાગરોના પેટાળનો  અભૂતપૂર્વ અભ્યાસ

પૃથ્વી પરના મહાસાગરો દરરોજ પૃથ્વી પરની દર ચાર વ્યક્તિમાંથી એકની ભૂખ સંતોષે છે. આપણે જેને શ્વાસમાં લઈને જીવન ટકાવીએ છીએ એ વાતાવરણમાંનો પ્રાણવાયુ અડધોઅડધ મહાસાગરોને પરિણામે પેદા થાય છે. મહાસાગરો છે તો આપણી પૃથ્વીના વાતાવરણનું ચક્ર ચાલે છે અને પૃથ્વી પર જીવન શક્ય બને છે.

છતાં, અમેરિકાની નેશનલ ઓશિયેનિક એન્ડ એટમોસ્ફરિક એડ્મિનિસ્ટ્રેશન (જે સ્થાન અવકાશન સંશોધનમાં નાસાનું છે, એ જ સ્થાન દરિયાઈ સંશોધનમાં આ એનઓએએનું છે) સંસ્થાના આંકડા પ્રમાણે, મહાસાગરોનો પૂરો ૯૫ ટકા વિસ્તાર માનવઆંખે હજી જોયો જ નથી!

વૈજ્ઞાનિકો કહે છે કે મહાસાગરોની સ્થિતિ સતત કથળી રહી છે, પરંતુ મહાસાગરોની જીવસૃષ્ટિમાં આવી રહેલાં પરિવર્તનોના અભ્યાસને જરૂરી હોય એવી ટેક્નોલોજી હજી પૂરતી વિકસી જ નથી.

હવે સ્થિતિ પલટાઈ રહી છે.

સંશોધન ક્ષેત્રે દુનિયાભરમાં અવ્વલ ગણાતી ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ઓફ ક્વીન્સલેન્ડના ગ્લોબલ ચેન્જ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટરે ‘કેટલીન સીવ્યૂ સર્વે’ નામે એક હાઈ-ટેક સર્વે આરંભ્યો છે. જેના અંતર્ગત વિશ્ર્વમાં પહેલી જ વાર, ગ્લોબલ કોરલ રીફ રેકોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યો છે.


શું છે આ કોરલ રીફ?

મહાસાગરોમાં અલગ અલગ સ્થળોએ કોરલ રીફ તરીકે જાણીતી, અસીમ વિવિધતા ધરાવતી જીવસૃષ્ટિઓ આવેલી છે. પૃથ્વી પરના મહાસાગરોની કુલ સપાટીમાંથી માંડ ૦.૧ ટકા વિસ્તારમાં આ કોરલ રીફ વિસ્તરેલી છે, પણ કુલ દરિયાઈ જીવો અને પ્રજાતિઓમાંથી ૨૫ ટકા આ વિસ્તારોમાં જોવા મળે છે! કોરલ રીફનું જબરજસ્ત આર્થિક અને પયર્વિરણીય મહત્ત્વ છે. તેનું વાર્ષિક આર્થિક મૂલ્ય ૩૭૫ અબજ યુએસ ડોલર આંકવામાં આવે છે, પરંતુ તેની સ્થિતિ સતત કથળી રહી છે. હિંદ મહાસાગર સહિતના ઇન્ડો-પેસિફિક રીજનમાં વિશ્વની ૯૧.૧ ટકા કોરલ રીફ આવેલી છે. આપણા જામનગર પાસેના પરવાળાના ટાપુઓને આ સમૃદ્ધિને કારણે જ ભારતના પહેલા મરીન નેશનલ પાર્કનું બહુમાન મળ્યું છે.

કોરલ રીફની વાત નીકળે એટલે પહેલું નામ લેવાય ઓસ્ટ્રેલિયાની ગ્રેટ બેરિયર રીફનું. ચંદ્ર પરથી પણ જોઈ શકાતી ગ્રેટ બેરિયલ રીફ ૨,૩૦૦ કિલોમીટર લાંબી છે અને ૪૦૦ પ્રકારના કોરલ (પરવાળા) અને ૨,૦૦૦ પ્રકારની માછલીઓનું આ ઘર છે.

કેટલીન સીવ્યૂ સર્વેની શરૂઆત સપ્ટેમ્બર ૨૦૧૨માં થઈ. એક તરફ દરિયાની સપાટીથી ૧૨ મીટર ઊંડે સુધીની છીછરી ગણાતી રીફની જીવસૃષ્ટિનો અભ્યાસ હાથ ધરાયો અને બીજી તરફ ૩૦થી ૧૦૦ મીટર ઊંડે સુધીની અત્યાર સુધી લગભગ અજાણી રહેલી ડીપ રીફનો પણ અભ્યાસ હાથ ધરાયો.

આપણા રસની વાત

આપણા રસની વાત હવે જ આવે છે. આ આખા સર્વે દરમિયાન દરિયાનાં પાણીની અંદર ૫૦,૦૦૦થી વધુ સ્ટીચ્ડ ઇમેજીસ લેવામાં આવશે (સ્ટીચ્ડ ઇમેજીસને બીજા શબ્દોમાં, એક જ સ્થળની અલગ અલગ એંગલથી લેવાયેલી તસવીરોને એકબીજા સાથે બરાબર મેળવીને તૈયાર કરવામાં પેનોરમા કહી શકાય – આપણે ‘સાયબરસફર’ના એપ્રિલ ૨૦૧૨માં પેનોરમિક ફોટોગ્રાફીની વિગતવાર વાત કરી ગયા છીએ).

આ તમામ તસવીરોનો અત્યાધુનિક ઇમેજ રેકગ્નિશન સોફ્ટવેરની મદદથી અભ્યાસ કરવામાં આવશે અને છેવટે હાલમાં અલગ અલગ રીફની સ્થિતિ કેવી છે તે દશર્વિતો બેન્ચમાર્ક રિપોર્ટ તૈયાર કરાશે. જેથી ભવિષ્યમાં આ પ્રકારનો ફરી અભ્યાસ થાય ત્યારે બંને સ્થિતિને સરખાવી શકાય.

આપણા રસની મૂળ વાત એ કે આ તસવીરો આપણે પણ જોઈ શકીએ છીએ!

જેમ આપણે ગૂગલ સ્ટ્રીટ વ્યૂની મદદથી પૃથ્વીની સપાટી પરનાં વિવિધ સ્થળોની જાતમુલાકાત જેવો અનુભવ કરી શકીએ છીએ, બિલકુલ એવો જ અનુભવ દરિયાની અંદર ડૂબકી લગાવીને મેળવી શકીએ છીએ.

સર્વે પાછળની ટેકનોલોજી

મહાસાગરોમાં ૩૦થી ૧૦૦ મીટરની ઊંડાઈએ કોરલ રીફની જીવસૃષ્ટિની તસવીરો લેવા માટે રિમોટલી ઓપરેટેડ વિહિકલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમને નામ અપાયું છે ડીપકેટ ડીપ વોટર રોબોટ.

આ રોબોટ સાગરના પેટાળમાં કોઈ પણ દિશામાં જઈ શકે છે અને જે તે મિશનની જરુરિયાત અનુસાર વિવિધ પ્રકારનાં સાધનો પોતાની સાથે લઈ જઈ શકે છે.

આ દરેક રોબોટમાં રિમોટ-કંટ્રોલથી ચાલતી ડીએસએલઆર સિસ્ટમ ફિટ કરવામાં આવી છે, જેની મદદથી ફૂલ લાઇટિંગ સાથે હાઈ-ડેફિનિશન વાઇડ એંગલ વીડિયો લઈ શકાય છે. દરેક રોબોટમાં જીઓ-પોઝિશનિંગ સિસ્ટમ પણ છે, જેની મદદથી મહાસાગરમાં રોબોટનું ચોક્કસ સ્થાન, તળિયાથી તેની ઊંચાઈ, તાપમાન, વીડિયોગ્રાફીના ચોક્કસ અંગલ વગેરે સતત રેકોર્ડ થતું રહે છે. રોબોટને માણસને નડે તેવી કોઈ મર્યાદા નડતી નથી એટલે સંશોધકો ધારે તેટલા લાંબા સમય સુધી તેને પાણીની અંદર રાખી તેની પાસેથી કામ લઈ શકે છે.

ખાસ આ સર્વે માટે દરિયાના પાણીની અંદર રહીને પણ ઓપરેટ કરી શકાય એવું એક ટેબલેટ વિકસાવવામાં આવ્યું છે. સર્વે દરમિયાન, ડૂબકીમારો પોતાની સાથેના ટેબલેટથી ઇન્ટરનેટ સાથે કનેક્ટ થાય છે અને પોતે પાણીની અંદર રહીને બાકીની દુનિયા સાથે લાઇવ કોમ્યુનિકેશન કરે છે. મે ૧૯, ૨૦૧૨ના દિવસે આ રીતે ગૂગલ પ્લસમાં દુનિયાની પહેલી અન્ડરવોટર પોસ્ટ મુકાઈ હતી!

જોકે સંશોધકો કહે છે કે આ ટેબલેટ માત્ર સોશિયલ મીડિયા માટે વિકસાવાયું નથી, તેનો હેતુ કોરલ રીફના સંશોધનને અલગ રીતે ડોક્યુમેન્ટ કરવાનો છે.

જોકે આ સર્વેનું સ્ટાર ઇક્વિપમેન્ટ છે સીવ્યૂ એસવી-વન કેમેરા. ફક્ત ત્રણ મહિનામાં તૈયાર કરાયેલો આ કેમેરા પાણીની અંદર રહીને એકધારી ગતિએ, સતત ૩૬૦ ડિગ્રીની પેનોરમિક ઇમેજીસ લઈ શકે છે. કેમેરા સાથે જોડેલાં બીજાં સાધનો સાથે તેનું કુલ વજન ૬૫ કિલો જેટલું થાય છે.

ખરેખર આ સાધનમાં કેનન કંપનીના કુલ ત્રણ અલગ અલગ ફાઇવ-ડી કેમેરા ફિટ કરેલા છે. તેની મદદથી અન્ડરવોટર ફોટોગ્રાફી કરવા માટે ફક્ત એક ઓપરેટરની જરૂર પડે છે. ઓપરેટર આ કેમેરા સાથે એક કલાકમાં ત્રણ-ચાર કિલોમીટરની ખેપ ખેડે છે અને દરેક આંટે ૩,૬૦૦ જેટલી ઇમેજીસ ઝડપી લે છે.

સંશોધકો કહે છે કે આ કેમેરા પાણીની અંદર જોરદાર કામ આપે છે, પણ તેની વિચિત્ર ડિઝાઇનને કારણે જમીન પર એને સંભાળવો મુશ્કેલ બને છે. દરિયાની અંદર તરતા રહેતા કાચબા કે માછલીઓને પણ આ વિચિત્ર સાધનમાં રસ પડ્યો લાગે છે કેમ કે તેઓ કેમેરાની પાસે આવીને તેના વાઇડ-એંગલ લેન્સમાં પોતાનું પ્રતિબિંબ ચકાસતા હોય એવી તસવીરો અવારનવાર આ કેમેરામાં ઝડપાય છે!

એસવી-ટુ કેમેરાની વિશિષ્ટતા એ છે કે તેમાં લેવાતી દરેક તસવીર સાથે તે ક્ષણે દરિયાની અંદર કેમેરાનું ચોક્કસ જિયો-લોકેશન અને કેમેરાની ડિરેક્ટર પણ નોંધાઈ જાય છે. પરિણામે, ભવિષ્યમાં આ જ જગ્યાની જીવસૃષ્ટિમાં કેવાં પરિવર્તન આવ્યાં એ જાણવું હોય તો બરાબર એ જ જગ્યાએથી, બરાબર એ જ એંગલેથી ફરી તસવીરો લઈ શકાય છે (બેન્ચમાર્કિંગ સ્ટડીની ખાસિયત આ જ હોય છે, તેમાં એક જ બાબતનો જુદા જુદા સમયે અભ્યાસ કરી તફાવત જાણવામાં આવે છે).

આ કેમેરાને ટેબલેટની મદદથી ઓપરેટ કરી શકાય છે અને તેનાં સેટિંગ્સ બદલવા, ઇમેજીસ ડાઉનલોડ કરવા કે તેને રિચાર્જ કરવા માટે કેમેરાને પાણી સામે રક્ષણ આપતું કવચ ખોલવાની જરુર ન રહે એ જ રીતે તેને ડિઝાઇન કરવામાં આવ્યો છે. અત્યારે દુનિયામાં આવા ફક્ત બે જ કેમેરા છે.

આ કેમેરાની મદદથી સર્વેના પ્રાથમિક તબક્કામાં ઇમેજીસ લેવાઈ અને ત્યાર પછી તેમાં સુધારાવધારા કરીને સીવ્યૂ એસવી-ટુ વર્ઝન તૈયાર કરાયું. ગૂગલના સ્ટ્રીટ વ્યૂ કેમેરા જે રીતે જમીન પરનાં ચોતરફનાં દૃશ્યો ઝડપે છે એ જ રીતે આ કેમેરા અન્ડરવોટર ફોટોગ્રાફી કરે છે. કલાકના ચાર કિલોમીટરની ઝડપે ગતિ કરતા આ કેમેરાની મદદથી દર ત્રીજી સેક્ધડે એક ૩૬૦ ડિગ્રીની ઇમેજ કેપ્ચર કરવામાં આવે છે. પાછળથી આ બધી તસવીરોને એકમેક સાથે જોડીને ઇન્ટરનેટ પર એ રીતે રજૂ કરવામાં આવે છે કે ડેસ્કટોપ પીસી, લેપટોપ, ટેબલેટ કે સ્માર્ટફોન ધરાવતી કોઈ પણ વ્યક્તિ જબરજસ્ત સ્પષ્ટતા ધરાવતાં દૃશ્યો સાથે ‘વર્ચ્યુઅલ ડાઇવ’નો આનંદ માણી શકે છે!

આપણા જેવા લોકો માટે આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત આ જ વાતમાં છે. અત્યાર સુધી, આપણે ટીવી પર ડિસ્કવરી કે નેશનલ જ્યોગ્રોફિક જેવી ચેનલ પર ડોક્યુમેન્ટરી ફિલ્મમાં આવું કંઈક જોઈ શકતા હતા. હવે પહેલી વાર એવું બન્યું છે કે બહુ મોટા પાયે, નવી ટેક્નોલોજીથી શરુ‚ થયેલા સંશોધનના દરેક તબક્કે આપણે તેની સાથે જોડાયેલા રહી શકીએ છીએ, ઘેરબેઠાં!

આ પણ ગમશે…

કોરલ રીફના સર્વેક્ષણમાં સામેલ થયા પછી તમને દરિયાઈ જીવસષ્ટિમાં રસ પડ્યો હોય તો આ જ દિશામાં ચાલતી – અને જેમાં આપણે પણ કંઈક ભાગ લઈ શકીએ એવી – બીજી કેટલીક પ્રવૃત્તિઓ પણ જાણી લો. ઓસ્ટ્રેલિયાના જ દરિયાકાંઠે દરિયાઈ જીવોનું ટેગિંગ કરીને (એમનું દરિયામાં હલનચલન ટ્રેક કરી શકે તેવાં સાધનો લગાવીને) સંશોધન કરવામા આવે છે. http://www.oceantracks.csiro.au સાઇટ પર આપણે વિશાળ દરિયાઈ જીવના દરિયામાં હલનચલનનું ૩ડી એનિમેશન જોઈ શકીએ છીએ. અલબત્ત, એ માટે તમારી ૧૮ એમબીનું એક સોફ્ટવેર ડાઉનલોડ કરવું પડશે (સાઇટ પર તેની લિંક આપેલી છે).

પૃથ્વીનાં વિવિધ રહસ્યો રસપ્રદ રીતે સમજવાં હોય તો અમેરિકાની નાસા જેવી નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફરિક એડમિનિસ્ટ્રેશન સંસ્થાએ ખાસ વિદ્યાર્થીઓ માટે તૈયાર કરેલી એક એક્ટિવિટી બુક ડાઉનલોડ કરી લો. આખી બુક ૧૨૧ એમબીની છે, પણ તમને રસ પડે તેટલાં પ્રકરણો અલગ અલગ રીતે પણ ડાઉનલોડ કરી શકો છો

http://celebrating200years.noaa.gov/edufun/book/welcome.html#book


  • આ સર્વે માટે ખાસ તૈયાર કરાયેલી વેબસાઈટ પર જઈને તમે પણ પાણીમાં ડૂબકી લગાવીને અપાર વિવિધતા ધરાવતી જીવસૃષ્ટિની ૩૬૦ ડિગ્રીની પેનોરમિક ઝલક મેળવી શકો છો અને વિવિધ રીતે સર્વેની પ્રગતિ સાથે તાલ મિલાવી શકો છો.
    www.catlinseaviewsurvey.com
  • માહિતી અને તમામ તસવીરોઃ
    http://catlinseaviewsurvey.com/
  • ગૂગલ પ્લસ પર આ સર્વેના લેટેસ્ટ અપડેટ મેળવી શકાય છે.
    http://plus.google.com/+catlinseaviewsurvey
  • આ સર્વે દરમિયાન લેવાયેલી અનેક તસવીરો જોવા/ડાઉનલોડ કરવા માટે જુઓ આ સાઈટઃ
    http://catlinseaviewsurvey.zenfolio.com/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!