ઇન્ટરનેટ પર શું શું છે એ સવાલ નથી, સવાલ તો જે છે એ સહેલાઈથી કેમ મેળવવું એનો છે. આપણી દુનિયાની અનેક બાબતોની ટૂંકી, સરળ ને મુદ્દાસર માહિતી આપતી એક સાઇટ આ કામ સહેલું બનાવી આપે છે. તેની વારંવાર મુલાકાત લેવા જેવી છે.
આગળ શું વાંચશો?
- કેવી રીતે થઈ કોકા-કોલાની શોધ?
- વર્ષોવર્ષ ચાલે તોય માંડ ઘસાય એવું રબર શોધાયં, એક અકસ્માતથી
- જાણો હાઉસ્ટફવકર્સ પર..
ફોર એ ચેન્જ, આ લેખ તમે જુદી રીતે વાંચી શકો છો. પહેલાં બંને બોક્સ વાંચો અને પછી અહીં પરત ફરો!
બંને કિસ્સા રસપ્રદ લાગ્યા? આ પ્રકારની અનેક રોમાંચક, વધુ ને વધુ જાણવાની ઇચ્છા જગાવે એવી હકીકતોમાં ઊંડા ઊતરવું હોય તો તમારે ખપની સાઇટ છે આ : www.howstuffworks.com. જાણીતી ડિસ્ક્વરી કોમ્યુનિકેશન્સ કંપનીની માલિકીની આ સાઇટ એક સાદા સવાલના જવાબમાં તૈયાર થઈ છે અને સતત વિકસી રહી છે – હાઉ સ્ટફ વર્ક્સ? આપણી આ દુનિયામાં રહેલી જાતભાતની અનેક વાતો, બાબતો, વસ્તુ ખરેખર કઈ રીતે ચાલે છે?
૧૯૯૮માં એક પ્રોફેસરે શરૂ કરેલી આ સાઇટ અત્યારે વિશ્વભરના દરેક ઉંમરના લોકો માટે જુદી જુદી બાબતો વિશેની વિશ્ર્વસનીય, તટસ્થ અને ખાસ તો તદ્દન સહેલાઈથી સમજાય એવી ભાષામાં માહિતી મેળવવા માટેનું ક્લિકવગું સાધન બની ગઈ છે.
કાર એન્જિનથી માંડીને સર્ચ એન્જિન અને સેલ ફોનથી માંડીને સ્ટેમ સેલ્સ અને તેના જેવા અસંખ્ય વિષયો પર અહીં તમને સરળ માહિતી મળશે. સાઇટને ટાઇમ મેગેઝિનની ‘૨૫ વેબસાઇટ્સ વી કાન્ટ લીવ વિધાઉટ’માં બે વાર અને પીસી મેગેઝિનની ‘ટોપ ૧૦૦ વેબસાઇટ્સ’ યાદીમાં ચાર વાર સ્થાન મળ્યું છે. ડિસ્ક્વરી ચેનલ પર તેનો એક કાર્યક્રમ પણ ચાલે છે.
જ્યારે સમય મળે અને કરવા જેવું બીજું કશું સૂઝે નહીં ત્યારે આ સાઇટમાં ખાબકવા જેવું છે!
કેવી રીતે થઈ કોકા-કોલાની શોધ?
વાત ૧૨૬ વર્ષ પહેલાંના મે મહિનાની છે, વર્ષ ૧૮૮૬. અમેરિકાના એટલાન્ટામાં ડો. જ્હોન રિટધ પેમ્બર્ટન નામના એક ફાર્મસિસ્ટ માથાના દુખાવાની કંઈક દવા શોધવાની મથામણમાં પોતાનું માથું દુખાડતા હતા. એમણે પોતે બનાવેલા એક સિરપમાં (એ સિરપમાં શું હતું એ પૂછશો નહીં, એ તો આટલાં વર્ષો પછી પણ ટોપ સિક્રેટ છે.) કાર્બોનેટેડ વોટર ઉમેર્યુ અને જે ‘દવા’ બની એ ચાખી જોઈ. જીભને અને માથાને બંનેને કંઈક સારું લાગ્યું એટલે એમણે પાંચ સેન્ટ (આજના ભાવ પ્રમાણે બે-ત્રણ રૂપિયા!)માં એ દવાને એક હેલ્થ ટોનિક તરીકે બજારમાં વેચવા મૂકી. એ ફાર્મસિસ્ટનો હિસાબ-કિતાબ સંભાળતા ફ્રેન્ક રોબિન્સને એ દવાનું નામ સૂચવ્યું અને એક કાગળ પર મરોડદાર અક્ષરોમાં એ નામ લખી બતાવ્યું. પૂરાં આઠ વર્ષ સુધી એ ટોનિક દવાની દુકાનોમાં વેચાયું અને ત્યાર પછી લોકોને એનો એવો ચસકો લાગ્યો કે આજે તે દુનિયાભરની કદાચ સૌથી વધુ પ્રખ્યાત બ્રાન્ડ બની : કોકા-કોલા!
શરૂઆતમાં પેમ્બર્ટન રોજના થોડા ગ્લાસ કોકા-કોલા જ વેચી શકતા હતા કેમ કે દરેક વખતે સિરપમાં કાર્બોનેટેડ વોટર (સોડા) ભેળવીને વેચવું પડતું હતું. એક વર્ષ પછી, ૧૮૮૭માં તેમણે પોતાની પ્રોડક્ટનું વેચાણ વધારવા ફ્રી સેમ્પલ માણવા માટે કૂપન વહેંચવાનું શ કર્યંુ. નવા ગ્રાહક આકર્ષવા માટે ફ્રી સેમ્પલિંગ કરવાનો એ દુનિયાનો પહેલો પ્રયોગ હોવાનું મનાય છે. સાતેક વર્ષ પછી, ૧૮૯૪માં કેન્ડી બનાવીને વેચતા એક સાહસિકે કોકા-કોલાને બોટલમાં તૈયાર પીણા તરીકે વેચવાનો કીમિયો સૂચવ્યો. ૧૮૯૦થી ૧૯૦૦ના એક દસકામાં કોકા-કોલાના વેચાણમાં ૪,૦૦૦ ટકાનો વધારો થયો હતો! આજે કંપની દુનિયાના ૨૦૦થી વધુ દેશોમાં રોજનાં (રિપીટ, રોજનાં) ૧.૩ અબજ પીણાં વેચે છે!
કોકા-કોલાના મ્યુઝિમમાં લટાર લગાવો :http://www.worldofcoca-cola.com/
વર્ષોવર્ષ ચાલે તોય માંડ ઘસાય એવું રબર શોધાયું, એક અકસ્માતથી!
સામાન્ય રીતે, રબર એક એવો પદાર્થ છે જે ગરમ થાય તો પીગળવા લાગે અને ઠંડો પડે તો બરડ બનીને બટકણો થઈ જાય. ૧૮મી સદીની શરુઆતમાં, કેટલાય ભેજાબાજો રબર પર અખતરા કરવા લાગ્યા હતા, એમને લાગતું હતું કે રબર છે તો કામની વસ્તુ, ફક્ત એ સહેલાઈથી પીગળવું કે બટકવું જોઈએ નહીં. આ ભેજાબાજોમાં એક હતા ચાર્લ્સ ગૂડયર.
ગૂડયરે લગભગ એક દાયકા સુધી જાતભાતના પ્રયોગો કયર્િ અને એક દિવસ આવા પ્રયોગ દરમિયાન અકસ્માતે તેમનાથી રબર, સલ્ફર અને સીસાંનું મિશ્રણ ગરમ સ્ટવ પર ઢોળાયું. મિશ્રણ લગભગ બળીને સખત બન્યું, પણ પીગળ્યું કે બરડ બન્યું નહીં! પછી તો ગૂડયરે એ અકસ્માતે થયેલા પ્રયોગને આગળ વધાર્યો અને તેમાંથી જગતને ‘વલ્કેનાઇઝ્ડ રબર’ની ભેટ મળી, જે ટાયર, જૂતાંનાં તળિયાં વગેરે માટે અનિવાર્ય બન્યું.
નોંધવાની વાત એ છે કે ગૂડયરે વલ્કેનાઇઝ્ડ રબરનાં શીટ્સ બનાવીને તેમાંથી કપડાં બનાવવાના પ્રયાસ પણ કર્યા કોઈ રોકાણકારને તેમની આ શોધમાં રસ પડે એવી આશાએ તેમણે પોતાની પ્રોડક્ટ્સ યુરોપ મોકલી. થોમસ હેન્કોક નામના બીજા એક રબરના પ્રયોગવીરને ખરેખર રસ પડ્યો, પણ તેણે ગૂડયરની પહેલાં વલ્કેનાઇઝિંગ પ્રોસેસની પેટન્ટ લેવા અરજી કરી. આ અને તેના જેવા બીજા અનેક કેસો લડવામાં અને રબર પર વધુ પ્રયોગો કરવામાં ગૂડયરે પોતાની જિંદગી અને સંપત્તિ ખર્ચી નાખી અને ૧૮૬૦માં ગરીબીમાં છેલ્લા શ્વાસ લીધા. જોકે જગવિખ્યાત ટાયર અને રબર કંપનીને તેમનું નામ મળ્યું ખરું!
રબર અને ગૂડયર વિશે વધુ જાણો અહીં :http://goo.gl/LAhhC
જાણો હાઉસ્ટફવર્ક્સ પર…
- મુંબઇના સી-લિંક જેવા બ્રિજ કેવી રીતે કામ કરે છે? (http://goo.gl/WwuPM)
- દરિયામાં ઢોળાયેલા ઓઇલની સફાઇ કેવી રીતે થાય છે? (http://goo.gl/YyZZn)
- ભવિષ્યના ઇન્ટેલિજન્ટ હાઇવે કેવી રીતે કામ કરશે? (http://goo.gl/qFFSd)
- માનવજાતિ કઈ રીતે વિકસે છે? (http://goo.gl/zNC1n)
- વિજ્ઞાનીઓ હવે નાના નાના ગ્રહો પર ખનીજોનું ખોદકામ વિચાર રહ્યા છે, કેમ અને કેવી રીતે? (http://goo.gl/KEvGn)
- રાઇટેબલ સીડી કેવી રીતે કામ કરે છે? (http://goo.gl/r6fwR)
- દિમાગ ચકરાવે ચઢાવે એવાં પૃથ્વીનાં પાંચ રહસ્યો કયાં છે? (http://goo.gl/1pOFq)

