ઇન્ટરનેટનું અર્થતંત્ર
૧૯૮૫માં પહેલું ડોમેઇન રજિસ્ટર થયું ત્યારથી આજ સુધી ઇન્ટરનેટનો ફેલાવો અનેક ચડતીપડતી (અને ડોટ.કોમ બબલ્સ)ને પાર કરીને આગળ વધી રહ્યો છે.
બોસ્ટન ક્ધસલ્ટિંગ ગ્રુપ (બીસીજી) નામની એક ગ્લોબલ મેનેજમેન્ટ ક્ધસલ્ટન્સી ફર્મના તારણ મુજબ ૨૦૧૬ સુધીમાં આખા વિશ્વમાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા ત્રણ અબજે પહોંચશે.
માત્ર જી-૨૦ દેશો (વાંચો બાજુનું બોક્સ)માં ઇન્ટરનેટનું અર્થતંત્ર ૪.૩ ટ્રિલિયન ડોલરના આંકડે પહોંચશે. આ આંકડો કેટલો મોટો છે એ સમજવા, જો આપણે એમ ધારી લઈએ કે ઇન્ટરનેટ પણ એક દેશ છે, તો તેનું અર્થતંત્ર અમેરિકા, ચીન, જાપાન અને ભારત પછી પાંચમા નંબરે આવે તેમ છે!
ભારત વિશે બીસીજીના અહેવાલમાં લખાયું છે કે ભારતમાં ઇન્ટરનેટ ઇકોનોમી રુ. ૧૦.૮ ટ્રિલિયનના આંકડે પહોંચશે, જે બીજા ઘણા વિકાસશીલ દેશો કરતાં ઘણી વધુ છે. ઇન્ટરનેટના સૌથી ઝડપી વિકાસની દૃષ્ટિએ જી-૨૦ દેશોમાં ભારતનું સ્થાન બીજું છે.
બીસીજીએ ભારતમાં કરેલા સર્વેક્ષણ અનુસાર, ભારતીયોને રોજબરોજની જિંદગીમાં ઇન્ટરનેટ એટલું ઉપયોગી લાગવા માંડ્યું છે કે સર્વેમાં આવરી લેવાયેલા ૩૬ ટકા લોકોએ કહ્યું કે તેમની ઇન્ટરનેટ એક્સેસ અકબંધ રહેતી હોય તો તેઓ એક વર્ષ માટે નહાવાનું પણ છોડી દેવા તૈયાર છે. ૬૪ ટકાએ કહ્યું કે તેઓ ચોકલેટ છોડી દેશે, ૬૩ ટકા કોફી છોડી દેવા તૈયાર છે.
મજાની વાત એ છે કે ૭૦ ટકા લોકોએ કહ્યું કે તેઓ ઇન્ટરનેટ માટે દારુ પણ છોડવા તૈયાર છે!
