વ્યવસાયે એન્જિીયર જીજ્ઞેશ અધ્યારુએ તેમા સાહિત્યપ્રેમને બ્લોગના માધ્યમથી એક નવો વળાંક આપ્યો છે. હોંશ જેટલી જ ચીવટથી ગમતાનો ગુલાલ કરતા જીજ્ઞેષ પોતે કલમ ચલાવે છે ત્યારે મોટા ભાગે કોઈ ઉમદા હેતુથી જ લખે છે. તમને બ્લોગ બનાવવાની ઇચ્છા થતી હોય તો આ લેખ ઘણી નવી દિશા આપશે.
દિવસો આવે છે અને જાય છે, આપણે જીવ્યા કરીએ છીએ એ જ રોજિંદી ઘરેડમાં, એક જેવી જ સવાર અને એક જેવી જ સાંજ. જીવનમાં ઘણા દિવસો સુખદાયક હોય, ઘણા દુ:ખદાયક અને મોટા ભાગના સામાન્ય, પરંતુ રોજેરોજ જીવનમાં સામાન્ય જીવવા કરતાં કાંઈક અનન્ય મેળવવાની ઝંખના રાખવી શું ખોટી વાત છે? એવી ઝંખના દ્વારા અંતે પોતાની જાત સાથે સંવાદ સાધવાનો પ્રયત્ન કરવો, એ તાંતણાને વધુ ઊંડો – વધુ માર્મિક બનાવવો એ શું બિનજરૂરી છે? સામાન્ય ઘરેડમાં રહીને પણ વૃત્તિઓને પારખીને છૂટ્ટી મૂકવી, ગમતાંનો ગુલાલ કરવો કે ઉપલબ્ધ માધ્યમ દ્વારા પોતાના શોખને, આવડતને, રચનાત્મકતાને એક નવું પરિમાણ આપવું એ અપાર સુખ આપનારું કાર્ય હોઈ શકે!
અમારી ગુજરાતી વેબસાઇટ અક્ષરનાદ અમારા માટે રોજિંદી ઘરેડમાંથી થોડીક હકારાત્મક પળો આપે છે. દિવસ તો રોજ થાય, સૂર્ય તો રોજ ઊગે, પરંતુ જીવનમાં કાંઈક વધારાનું, કશુંય મેળવવાની ઝંખના વગર કરેલું કાર્ય એક અનન્ય ઉજાસની આભા ઊપસાવે છે, રોજિંદા કામમાં પણ હકારાત્મકતાનો, ઉત્સાહનો અને જોશનો નવો વરસાદ કરે છે. અક્ષરનાદ.કોમના અસ્તિત્વ પહેલાં નિ:શુલ્ક બ્લોગિંગ સુવિધા આપતી વર્ડપ્રેસ.કોમ પર બ્લોગ અધ્યારુનું જગત દ્વારા આ સફર શરૂ થયેલી અને એકાદબે મોટા વિરામને બાદ કરતાં આ સફર સદાય સુખરૂપ રહી છે.
ઘણા વેબ મિત્રો સંપર્ક કરતાં પૂછતા રહે છે કે “મારે બ્લોગ શ કરવો છે, પણ શું લખું? તેઓ કહે છે કે “જો હું કોઈ મનગમતી કવિતા કે વાર્તા મૂકવાનું વિચારું તો એ કોઈક ને કોઈકની વેબસાઇટ પર મળી જ આવે, અને જે ઉપલબ્ધ છે એને મૂકવાનો અર્થ નથી. જોકે એ બધા મિત્ર ઓનલાઇન મિત્રો હતા, તેમના કદી ન જોયેલા ચહેરાની પાછળ પણ એક સુંદર ભાવનાશીલ હૃદય ધબકે છે એ સતત તેમના ઈ-મેઇલ અને પ્રતિભાવોથી પ્રતીત થયા કરે, પણ ‘શું લખું?’ એ સવાલનો જવાબ આપવો કદાચ અશક્ય છે.
જોકે નવા બ્લોગ શરૂ કરનારા મિત્રોએ એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે જે લોકો અત્યારે બ્લોગિંગના ક્ષેત્રના પ્રસ્થાપિત નામ છે, તેમને પણ આ સવાલ કદીક ઉદભવ્યો જ હશે. (અપવાદો બધે જ હોઈ શકે, કોઈકને પહેલા વિષય મળ્યો હોય અને તેના પછી તેમણે વિધિવત્ બ્લોગ શરુ કર્યો હોય. જેમ કે મિત્ર કાંતિલાલ કરશાળા, તેમનો બ્લોગ ગાયત્રી જ્ઞાન મંદિર (http://www.gayatrigyanmandir.org/) પૂર્ણપણે ગાયત્રી પરિવાર અને તેના સાહિત્યને સમર્પિત છે અને તેઓ વિષયાંતર કરતા નથી.
બ્લોગિંગ માટે તમને વિષયસૂચન તમારા પોતાના સિવાય કોઈ ન કરી શકે, કારણ કે તમને તમારી જેટલું બીજું કોણ જાણી શકે? દરેકની કોઈક ને કોઈક ક્ષેત્રમાં આવડત અનન્ય હોય જ છે. “હું વિદ્યાર્થી છું, તો હું મારા મનગમતા વિષય પર બ્લોગિંગ કરી શકું, હું ગૃહિણી છું તો હું વાનગીઓ બનાવવાની રીતો પર બ્લોગિંગ કરી શકું, હું પ્રવાસ આયોજક છું તો વિવિધ સ્થળોની ભાતીગળ વિશેષતાઓ વિશે, ત્યાં શું ફરવા કે જોવા જેવું છે એ વિશે બ્લોગિંગ કરી શકું, જો હું ફોટોગ્રાફર છું તો હું મારા ફોટાઓ સાથે, ફોટોગ્રાફીની વિવિધ પદ્ધતિઓ અને વિશેષતાઓ વિશે બ્લોગિંગ કરી શકું.
બ્લોગ માટે ફક્ત કવિતા, ગઝલ કે વાર્તાઓ જ હોવાં જોઈએ એવું કોણે કહ્યું? અરે એક ડોક્ટર પોતાના અનુભવો વિશે, લોકોમાં રોગપ્રતિકારક ક્ષમતા અને જીવનપદ્ધતિ વિકસાવવા માટે પણ બ્લોગ લખી જ શકે ને? એક વકીલ પોતાના કાયદાકીય જ્ઞાનનો ઉપયોગ બ્લોગ મારફત લોકોને મદદ કરવા કરી શકે (હિન્દી ભાષાનો એક અનન્ય બ્લોગ તીસરા ખંભા આવો જ બ્લોગ છે), તો છેલ્લે કાંઈ ન મળે તો રોજના અનુભવો કે નિરીક્ષણો વિશે પણ બ્લોગ લખી શકાય.
મને લાગે છે કે બ્લોગિંગનાં અનેક પરિમાણોમાંથી ગુજરાતી ભાષાએ હજુ ખૂબ જૂજ પરિમાણોમાં જ ખેડાણ જોયું છે. એનું જીવંત ઉદાહરણ છે સાયબર બ્લોગિંગ. અનેક મિત્રો આ કામ ખૂબ સુંદર અને પ્રભાવી રીતે કરી જ રહ્યા છે, પરંતુ આ એટલું વિશાળ ક્ષેત્ર છે કે એ બધાંયને સમાવી શકે. એટલે જો તમે કાંઈક નવું લખવા માગતા હોવ, અને કવિતા કે ગઝલની રચના મારી જેમ તમારા પણ ગજા બહારની વાત જણાય તો આ અને ઉપર દશર્વ્યિા છે તેવાં અનેક ક્ષેત્ર ઉપલબ્ધ છે.
વિવિધ વાનગીઓ બનાવવાની રીતો પર ગુજરાતીમાં હજુ કોઈ સ્વતંત્ર બ્લોગ નથી, એ ક્ષેત્ર તો સાવ વણખેડાયેલું છે, તો એકાદબે ડોક્ટર મિત્રોને બાદ કરતા વૈદ્યકીય બાબતો પર બ્લોગ પણ ખૂબ નહીવત્ છે. ગઝલો લગભગ બધા જ બ્લોગ પર અપાર છે, પણ એ કેમ લખવી એ પૂર્ણપણે સમજાવતો કોઈ (સ્વતંત્ર) બ્લોગ નથી. ઇન્ટિરિયર ડિઝાઇન વિશે પણ બ્લોગ લખી શકાય, તો આપણા વિવિધ ઉત્સવો, ઉજવણીઓ, રહેણીકરણી જેવા અનેકો વિષયો હજી તદન અછૂતા પડ્યા છે. સવાલ છે ફક્ત પોતાની આવડતને ઓળખવાનો અને તેને એક સુંદર સાચા અને બિનવિવાદાસ્પદ બીબામાં રજૂ કરવાનો. રૂઢિવાદો અને ધાર્મિક માન્યતાઓ વિશે બ્લોગિંગ થઈ શકે તો ખેતી વિશે પણ બ્લોગિંગ થઈ શકે.
બ્લોગ વિશેષતા માગે છે. તમારા બ્લોગ પર કે વેબસાઇટ પર એવું શું છે જેને લીધે લોકો તેને વાંચવા પોતાની થોડીક પણ મિનિટો ફાળવે એ વાત વિચારીને બ્લોગ લખવા જેવો ખરો! આ વાત મને પણ એટલી જ લાગુ પડે છે જેટલી વિશ્વના પ્રથમ બ્લોગર જસ્ટિન હેલને લાગુ પડી હશે. બ્લોગ લખીને રાતોરાત પ્રસિદ્ધ થઈ જવાતું નથી. (હવે, અહીં પણ અપવાદો છે, સિંગાપોરમાં બે ચાઈનીઝ મિત્રોને પોતાના બ્લોગ પર મુસ્લિમવિરોધી ટિપ્પણીઓ કરવા બદલ જેલ થયેલી અને તે રાતોરાત ચમકી ગયેલા!)
અરે, બ્લોગ કેમ લખવો કે બ્લોગિંગની બારીક પદ્ધતિઓ, સોફ્ટવેર, પ્લગઇન, થીમ વગેરે વિષય પર પણ બ્લોગ લખી શકાય છે.
ગુજરાતીમાં પોતાનો બ્લોગ શરુ કરવા અનેક મિત્રો તૈયાર છે, ફક્ત વિષયની રાહ જોઈ રહ્યા છે અને મારા મતે હવે સાહિત્ય સિવાય પણ ઘણાં ક્ષેત્રો એવાં છે જેમાં બ્લોગિંગની જરુરત છે, અને એ પણ ગુજરાતીમાં. ફોટો બ્લોગને કોઈ ભાષાનું બંધન નથી નડતું, પણ આપણા વિસ્તારની તસવીરો બતાવતા બ્લોગ કેટલા? ફોટોબ્લોગર બનવા શું પ્રસ્થાપિત ફોટોગ્રાફર હોવું જરૂરી છે?
બ્લોગ તમારી એક અજાણી છબી લોકો સમક્ષ રજૂ કરે છે, ઓનલાઇન વાચકોના મનમાં એ તમારી પ્રથમ ઓળખાણ બની રહે છે – એ તમને એક નવું માધ્યમ આપે છે એવા લોકો સુધી પહોંચવાનું જે તમને ફક્ત ઓનલાઇન જાણે છે અને પ્રથમ ગ્રાસે મક્ષિકાસમા ઉઠાંતરીના સાધન સમિધથી તમારા બ્લોગની આહુતિ કેમ બગાડવી?
કહે છે કે બ્લોગ એ અભિવ્યક્તિનું માધ્યમ છે, તો એ માધ્યમમાં શબ્દો બીજાના ન જ હોઈ શકે, એ તો આપણો મનોભાવ હોવો ઘટે. અમિતાભ બચ્ચન વિશે એ પોતે લખે એનાથી વિશેષ બીજું કોઈ શું લખી શકવાનું કે તબલાં વિશે ઝાકીર હુસૈન લખે એથી વિશેષ આપણે કેટલું શોધી શકવાના? આ તો સેલિબ્રિટી થયા, આમિર ખાન કે અમિતાભના બ્લોગ છે એટલે મારો બ્લોગ પણ હોવો જ જોઈએ (!) એ વિચારવું મુર્ખામી છે. પણ મારામાં કે મારી પાસે એવું કાંઈક વિશેષ છે જે હું લોકો સુધી પહોંચાડવા માગું છું અને તે સ્વપમાં હજુ લોકો સુધી પહોંચ્યું નથી, મારી પાસે વિષય છે અને વસ્તુ છે તો હું ચોક્કસ બ્લોગ લખી શકું.
બ્લોગની સફળતાના માપ તરીકે કોમેન્ટની સંખ્યા ક્યારેય ન જોવી એમ મારું માનવું છે. પ્રતિભાવો આપવાની સ્વતંત્રતા જેટલી મળતી જાય છે, સ્વચ્છંદતા એટલી જ વધતી જાય છે. એક વાક્યની પોસ્ટ પર એક આખું પાનું ભરીને પ્રતિભાવ આપતા લોકો છે તો દરેક કૃતિ પર પહેલેથી પ્રતિભાવ બાંધી રાખતા પણ અનેક લોકો છે. વાંચ્યા વગર પ્રતિભાવ આપતા લોકો પણ અસંખ્ય છે, તો ખરેખર સાચો અને સુંદર પ્રતિભાવ આખો લેખ વાંચીને શિષ્ટપણે આપનારા પણ અનેક છે, પરંતુ પ્રતિભાવોમાંથી યોગ્ય તારવવા એ નીરક્ષીરનો વિવેક માગે છે.
દરેક સ્વતંત્રતા એક સરહદની અંદર જ સલામત રહી શકે, દરેક સમાજ એક નિશ્ર્ચિત પદ્ધતિ કે કાયદાઓને લીધે જ સભ્ય સમાજ રહી શકે, અને અભિવ્યક્તિના આ તદ્દન સ્વતંત્ર અને સરળ માધ્યમ માટે તો આ વાત ઊલટાની વધુ લાગુ પડવી જોઈએ. એટલે જો તમે નવો બ્લોગ કે વેબસાઇટ શરુ કરવા માગતા હોવ તો કોઈ ઉતાવળ કર્યા વગર તમારી જાતને પૂછો કે, હું જે લખી રહ્યો છું એ વાંચવું મને ગમશે? જવાબ હામાં હોય, તો કરો કંકુના.
જોકે કોઈ પુસ્તકનો લેખ ટાઇપ કરીને મૂકવો એમાં કયું સર્જન છે એમ તમે મને અક્ષરનાદ.કોમ માટે પૂછો તો હું કહીશ કે મારા માટે એ નવસર્જન જ છે, હું લેખ વાંચું છું, શક્ય હોય ત્યાં સુધી આચરણમાં પણ ઉતારવાનો પ્રયત્ન કરું છું અને દસમાંથી એક લેખને, વહેંચવાલાયક લાગે ત્યારે, શક્ય હોય તો લેખકની પરવાનગી મેળવીને અથવા સ્રોત દશર્વિીને ગમતાનો ગુલાલ કરું છું, મારા માટે આ આંતરીક સર્જનની પ્રક્રિયા છે. કહેવાય છે કે ચાઇનામાં થતા વાંસના બીજને જમીનમાં વાવવામાં આવે તો સમય જતાં તેમાં કોઈ ફેરફાર કે વિકાસ દેખાતો નથી, મહિનાઓ અને વર્ષો વીતતાં રહે છે, પરંતુ એ કળી વિકસતી હોય તેવાં કોઈ લક્ષણ દેખાતા નથી અને આમ પાંચ વર્ષ નીકળી જાય છે, પરંતુ પાંચમા વર્ષે એક દિવસ અચાનક તે જમીનથી અનેક ફૂટ ઊંચું ઊગી નીકળે છે. જાણો છો આટલાં વર્ષ શું થાય છે? એ જમીનમાં પોતાના મૂળ પ્રસારે છે. આંતરિક સર્જનની પ્રક્રિયા આ ચાઇનાના વાંસ જેવી હોવી જોઈએ. જ્યાં સુધી આંતરિક સમૃદ્ધિ એટલી ન વધે કે એ બાહ્ય દેખાવને બળ આપી શકે ત્યાં સુધી એ સપાટી પર ન આવવી જોઈએ.
સ્થૂળ અર્થમાં અક્ષરનાદ પર કોપી પેસ્ટ થતું નથી, પણ પુસ્તકમાંથી વેબસાઇટ પર કોપી પેસ્ટ અવશ્ય થાય છે. રોજ સવારે એક અને સાંજે એક મૌલિક કવિતા લખવી કે લેખ રચવો એમ મને કોઈએ લમણે બંદૂક મૂકીને કહેતું નથી, એટલે એ જ્યારે પણ થાય, એ મારી મનગમતી પ્રવૃત્તિ જ હોય છે. મારા માટે મારી મૌલિક રચના સમયને ધ્યાનમાં રાખીને નથી થતી, સંજોગોને આધારિત અનાયાસ સર્જાય છે – સર્જાઈ જાય છે.
આ વિષય પર લખવાની ઇચ્છા લાંબા સમયથી હતી, પરંતુ આ સલાહ આપવાની મારી યોગ્યતા પર મને પોતાને પ્રશ્ન હોય ત્યાં બીજાને મારે શું સમજાવવું? છતાંય મને પૂછનારા મિત્રોને જવાબ આપવો પણ જરુરી લાગ્યો, એટલે આ લખ્યું. સલાહ આપવી સૌને ગમે અને લેવી કોઈને ન ગમે, એટલે કાંઈક વધુ અપાઈ ગયું હોય તો, આપીને જ ગયો છે, લીધું નથી એવી ઉદાત્ત ભાવના સાથે હકારાત્મક મને એ આ વિચારને મૂલવવા વિનંતી.

