એન્ડ્રોઇડ એપ્સમાં વધી રહ્યો છે ખતરો
ટ્રેન્ડ માઇક્રો નામની એન્ટિવાઇરસ સોફ્ટવેર બનાવતી કંપનીએ કહ્યું છે કે એન્ડ્રોઇડ ડિવાઈસીઝમાં માલવેરનો ખતરો સતત વધી રહ્યો છે. આ કંપનીના દાવા મુજબ, આ વર્ષની શરૂઆતમાં તેણે ગૂગલની એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમને નિશાન બનાવતી ૫૦૦૦ મલિશિયસ એપ્લિકેશન્સ શોધી કાઢી હતી. જે સંખ્યા હવે વધીને વીસેક હજાર થઈ ગઈ હશે. કંપની અંદાજ મૂકે છે કે આ વર્ષ પૂરું થશે ત્યાં સુધીમાં તો આવી જોખમી એપ્લિકેશન્સની સંખ્યા ૧,૩૦,૦૦૦ જેટલી થઈ જશે (યાદ રહે, ગૂગલ પ્લે પર અત્યારે કુલ એપ્લિકેશન્સની સંખ્યા છ લાખ જેટલી છે).
એકાદ વર્ષ પહેલાં, જ્યારે ગૂગલ પ્લે એન્ડ્રોઈડ માર્કેટ તરીકે ઓળખાતું હતું ત્યારે જ નેટના નિષ્ણાતોએ ગણગણાટ શ કર્યો હતો કે ગૂગલના એન્જિનિયર્સ માલવેર ધરાવતી એપ્લિકેશનને એન્ડ્રોઇડ માર્કેટમાં પ્રવેશતાં અટકાવવામાં નિષ્ફળ રહ્યા છે. ટ્રેન્ડ માઇક્રો કંપની કહે છે કે આવી ડઝન જેટલી જોખમી એપ્લિકેશન્સ ગૂગલે તેના પ્લેટફોર્મ પરથી દૂર કરી તે પહેલાં સાતેક લાખ વાર ડાઉનલોડ થઈ ચૂકી હતી.
મોબાઇલ માર્કેટમાં એન્ડ્રોઇડનો હિસ્સો ૫૦ ટકા કરતાં વધુ છે.
