
જો તમે તમારા ફોટો અને વીડિયો સ્ટોર કરવા માટે ગૂગલની ફોટોઝ સર્વિસનો ઉપયોગ કરતા હો તો તમારે માટે આ જાણવા જેવી વાત છે. આ મજાની સર્વિસમાં ટૂંક સમયમાં આપણા વીડિયો એડિટ કરવા માટે એક નવી સગવડ મળશે.
તમે જાણતા જ હશો કે ફોટોઝ એપ એકદમ યૂઝર ફ્રેન્ડલી છે. તેમાં આપણે પોતાના ફોટોગ્રાફ જાતે અપલોડ કરવા સિવાય કશું કરવાનું હોતું નથી. ફોનના કેમેરાથી લીધેલા ફોટોગ્રાફ સીધા જ આ એપમાં અને ત્યાંથી આપણા ગૂગલ એકાઉન્ટમાં પહોંચે છે. આપણે ફોટોગ્રાફને તારીખ-મહિના કે વર્ષ મુજબ જાતે ગોઠવવા પડતા નથી. ફોટોગ્રાફમાં કઈ વ્યક્તિ કે અન્ય બાબતો છે એવી કોઈ માહિતી એપને આપવી પડતી નથી. તેમ છતાં આપણે ધારીએ એ મુજબ એપમાં સર્ચ કરી શકીએ છીએ.

આ એપમાં વખતોવખત નવાં ફીચર ઉમેરાતાં રહે છે. એપ ફોટો અને વીડિયો સ્ટોર કરવા તથા શેર કરવા માટે જેટલી ઉપયોગી છે એટલી જ ઉપયોગી ફોટો અને વીડિયોના એડિટિંગ માટે પણ છે. તેનાં વિવિધ ટૂલ્સની મદદથી આપણે ફોટો અને વીડિયોમાં સંખ્યાબંધ પ્રકારના ફેરફાર કરી શકીએ છીએ (હજી હમણાં આપણે ‘સાયબરસફર’માં જાણ્યું તેમ આ એપમાં ફોટો-વીડિયો એડિટિંગમાં આર્ટિફિશિયલ ઇન્ટેિજન્સ (એઆઇ)નો ઉપયોગ પણ બેહદ વધી રહ્યો છે).
હવે ફોટોઝ એપમાં વીડિયોનું એડિટિંગ વધુ સહેલું બનશે. તેમાં વીડિયોને ફટાફટ એડિટ કરવા પ્રી-સેટ ઓપ્શન્સ ઉમેરાય તેવી શક્યતા છે. એટલે કે વીડિયોમાં જોઇતા ફેરફાર કરવા માટે આપણે ફક્ત જે તે પ્રી-સેટ ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. એ ફેરફારો માટે જરૂરી બધાં સેટિંગ એપ આપોઆપ કરી લેશે.
આ નવા ફેરફાર મુજબ ફોટઝ એપમાં વીડિયો એડિટિંગ માટે નીચેના ચાર પ્રી-સેટ ઓપ્શન મળે તેવી શક્યતા છે(૧) બેઝિક કટઃ આ પ્રી-ઓપ્શન સિલેક્ટ કરીને આપણે વીડિયોમાંની સૌથી મહત્ત્વની મોમેન્ટ આપોઆપ ટ્રીમ કરી શકીશું, તેમ જ વીડિયોમાંના કલરની ક્લેરિટી પણ વધારી શકીશું. (૨) સ્લોમોઃ નામ મુજબ આ પ્રી-સેટ ઓપ્શન પસંદ કરતાં વીડિયોમાંની આપણે પસંદ કરેલી ફ્રેમ્સમાં સ્લો મોશન ઇફેક્ટ્સ ઉમેરી શકાશે. (૩) ઝૂમઃ આ પ્રી-સેટ ઓપ્શન પણ તેના નામ મુજબ વીડિયોમાં આપણે પસંદ કરેલા ભાગને ઝૂમ ઇન કે ઝૂમ આઉટ કરશે અને એ ચોક્કસ ભાગને હાઇ-લાઇટ કરશે. (૪) ટ્રેકઃ આ પ્રી-સેટ ઓપ્શનની મદદથી આપણે વીડિયોમાંના મુખ્ય સબ્જેક્ટને સિલેક્ટ કરીને તેના પર ફોકસ રહે અને તે ઝૂમ ઇન થાય એવું સેટિંગ કરી શકીશું. દેખીતું છે કે આ ફીચર્સમાં એઆઇની ભૂમિકા રહેશે. જોકે આ ફેરફારો ગૂગલ ફોટોઝની એપમાં ઉમેરાવાય લાગ્યા છે. તેમનો લાભ આપણા સુધી પહોંચતાં થોડી વાર લાગી શકે છે. |

