
પાછલાં થોડાંક વર્ષોથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) આખી દુનિયા, ખાસ કરીને ટેકદુનિયા પર હાવી થઈ ગઈ છે. ઓપનએઆઇ કંપનીએ આ બાબતે લીડ લીધા પછી માઇક્રોસોફ્ટ, ગૂગલ વગેરે જેવી કંપની પોતપોતાનાં સર્ચ એન્જિન, બ્રાઉઝર, ઓફિસ પ્રોગ્રામ્સ વગેરેમાં ગમે તેમ કરીને એઆઇ ઉમેરવા લાગી છે. સેમસંગ, એપલ જેવી કંપની પોતાના સ્માર્ટફોનમાં વિવિધ રીતે એઆઇ ઉમેરવા લાગી છે. એ સિવાય આપણે માટે ખાસ જાણીતી નથી એવી અનેક કંપની જુદી જુદી કેટલીય રીતે એઆઇ સર્વિસ ઓફર કરવા લાગી છે.
એ દિશામાં આગળ વધતાં ગૂગલે હવે તેના પ્લે સ્ટોરમાં પણ મોટા ફેરફાર કર્યા છે, જેમાંના ઘણા ખરા એઆઇ આધારિત હોવાનો દાવો છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) હવે આપણા જીવન પર રીતસર હાવી થવા લાગી છે. અન્ય કંપની, સર્વિસની જેમ હવે પ્લે સ્ટોરમાં પણ એ મુજબ મોટા ફેરફાર થયા છે.
વાસ્તવમાં હવે જેને ‘એઆઇ આધારિત’ કહેવામાં આવે છે, એ બદું જ આખરે તો પહેલાંની જેમ કમ્પ્ૂયટર અલ્ગોરિધમ આધારિત છે. ઇન્ટરનેટ પરની વિવિધ સર્વિસ, આપણા ઉપયોગ કે અન્ય બાબતોનો જેમ બને તેમ વધુ ડેટા એકઠો કરી, તેનું એનાલિસિલ કરી, તેમાંથી ચોક્કસ પેટર્ન પકડીને એ મુજબ આપણને કંઈક વધારાની સગવડ ઓફર કરતી આવી છે. એ જ બધું હવે એઆઇના નામે ઓફર કરવામાં આવી રહ્યું છે. પરંતુ એટલું ચોક્કસ કે જે ફેરફારો આવી રહ્યા છે તે ખાસ્સા રસપ્રદ અને્ લાંબા ગાળાની અસર કરે તેવા છે. અત્યારે પ્લે સ્ટોરના ફેરફારો તપાસીએ.

અત્યારે આપણે ગૂગલ પ્લે સ્ટોરમાંથી જે કોઈ એપ પોતાના ફોનમાં ઇન્સ્ટોલ કરી હોય તેની માહિતીને આધારે ગૂગલ આપણને વિવિધ પ્રકારની જાહેરાતો બતાવે છે. હવે આ બાબત પર આપણને થોડો વધુ અંકુશ મળશે અને ફોનમાંની કઈ એપ આપણને વ્યક્તિગત જાહેરાત બતાવવા માટે ધ્યાને લેવામાં આવે અને કઈ એપને તેમાંથી બાકાત રાખવામાં આવે તે આપણે નક્કી કરી શકીશું.
ગૂગલનો સમગ્ર બિઝનેસ જાહેરાતો આધારિત છે. પરંતુ હવે એ બાબતે પ્લે સ્ટોરમાં આપણને કંઈક અંકુશ મળશે.
મતલબ કે તમે તમારા ફોનમાં શેરબજારમાં ઇન્વેસ્ટમેન્ટ સંબંધિત કોઈ એપ ઇન્સ્ટોલ કરી હોય અને પછી તેને જેવી બીજી કોઈ એપની જાહેરાતો તમને બતાવવામાં ન આવે તેવું ઇચ્છતા હો તો એ કંટ્રોલ આપણને મળશે.
અત્યારે પ્લે સ્ટોરમાંની લાખો ગેમ્સમાંથી આપણને ઉપયોગી થઈ શકે કે રસ પડી શકે તેવી એપ પસંદ કરવા માટે પ્લે સ્ટોર એપ્સને ફિલ્ટર કરવાની સગવડ મળે છે. જેમ કે કામકાજ સંબંધિત એપ કે ગેમ્સ વગેરે. એપમાં વિવિધ કેટેગરી પણ મળી શકે. પરંતુ અત્યારે આપણે માંડ એક કે બે પ્રકારના ફિલ્ટરનો ઉપયોગ કરીને એપ્સને એ મુજબ તારવી કરી શકીએ છીએ.

હવે પ્લે સ્ટોરમાં મલ્ટિ-સિલેક્ટ ફિલ્ટર્સ આવી ગયાં છે. મતલબ કે આપણે પ્લે સ્ટોરમાં ગેમ્સની એપ ફંફોસી રહ્યા હોઇએ તો એકશન, એડવેન્ચર, બોર્ડ, કાર્ડ, એજ્યુકેશન, પઝલ વગેરે સંખ્યાબંધ ફિલ્ટર જોવા મળશે. તેમાંથી બે-ચાર ફિલ્ટર સિલેક્ટ કરીને આપણે જોઇતી એપ્સની શોધખોળ ઘણી વધુ ધારદાર બનાવી શકીશું.

મોટા ભાગે એવું બનતું હોય કે આપણે પ્લે સ્ટોરમાંથી કોઈ એક ચોક્કસ કેટેગરીની એપ ઇન્સ્ટોલ કરવા માગતા હોઇએ ત્યારે કોઈ એક એપ ઉપરાંત તેના જેવી બીજી બે-ત્રણ એપ આપણી નજરમાં હોય. તેમાંથી આપણે કઈ એપ ઇન્સ્ટોલ કરવી તે આપણે નક્કી કરી શકતા ન હોઇએ.

હવે આ કામ સહેલું બનશે. ગૂગલ તેના પોતાના જેમિનિ એઆઇ મોડેલની મદદ લઇને પ્લે સ્ટોરમાં વિવિધ એપના ફીચર્સની સરખામણી આપશે.
એક જ પ્રકારનું કામ આપતી બે-ત્રણ એપ તમારી નજરમાં હોય, તો હવે પ્લે સ્ટોરમાં એ બધી એપનાં ફીચર્સ પણ સરખાવી શકાશે.
જેમ કે આપણે કોઈ ફોટો એડિટિંગ એપ ઇન્સ્ટોલ કરવા માગતા હોઇએ તો જેમનિ એઆઇ તેના જેવી જ બીજી એપ પણ સૂચવશે તથા આ બધી એપનાં વિવિધ ફીચર્સ તારવી આપશે. જેથી આપણને કઈ એપ વધુ ઉપયોગી થશે તે આપણે સહેલાઈથી નક્કી કરી શકીએ.
સ્માર્ટફોન માટેના પ્લે સ્ટોરમાં એક નવું ફીચર આવી રહ્યું છે. જેની મદદથી આપણે પોતાના ફોનમાં ઇન્સ્ટોલ કરેલી એપ્સનાં કલેકશન ક્રિએટ કરી શકીશું.

આમ જુઓ તો અત્યારે આપણે પોતાના સ્માર્ટફોનમાં ચોક્કસ પ્રકારની એપ્સના ફોલ્ડર બનાવી શકીએ છીએ, તેના જેવી આ વાત થઈ. જેમ કે ગૂગલ કે માઇક્રોસોફ્ટના ફોલ્ડર બનાવીને બંનેમાં જે તે કંપનીની એપ્સના આઇકન ઉમેરી શકાય. એવી જ રીતે વિવિધ ઓટીટી એપ્સ કે સોશિયલ મીડિયા એપ્સ કે શોપિંગ સાઇટ, ન્યૂઝ સાઇટ વગેરેનાં ફોલ્ડર બનાવી શકાય છે.
પરંતુ કલેકશન આ વાતને નવા લેવલે લઇ જશે. આપણે ફોનમાં પ્લે સ્ટોરના આઇકન પર જરા લાંબો સમય પ્રેસ કરીશું તો તે ફોનના હોમસ્ક્રીન પર કલેકશન નામનું વિજેટ ઉમેરવાની સગવડ મળશે. એ પછી આપણે પોતાના રસના વિષયો મુજબ એપ્સનાં કલેકશન્સ બનાવી શકીશું. આપણે જાતે ક્રિએટ કરેલા ફોલ્ડર અને આ નવા પ્રકારના કલેકશન્સમાં મોટો ફેર એ રહેશે કે કલેકશન્સમાં જે તે એપ ઓપન કરવાનો શોર્ટકટ તો હશે જ, એ સાથે જેનો વધુ ઉપયોગ કરતા હોઇએ તેવી એપનું કન્ટેન્ટ પણ જોવા મળશે.
કલેકશન્સમાં જે તે એપ ઓપન કરવાના શોર્ટકટ ઉપરાંત, આપણે વધુ ઉપયોગ કરતા હોઇએ તેવી એપનું કન્ટેન્ટ પણ જોવા મળશે.
જેમ કે વીડિયો કે ઓટીટી કે મ્યુઝિક માટેના કલેકશનમાં આપણે કોઈ વીડિયો જોઈ રહ્યા હોઇએ કે મ્યુઝિક સાંભળી રહ્યા હોઇએ તે તેને કન્ટીન્યૂ કરવાની લિંક પણ કલેકશનમાં મળી જશે. આપણે એ એપ કે તેમાં જે તે મૂવી કે મ્યુઝિક શોધવા જવું પડશે નહીં.

આપણે અગાઉ વાત કરી ગયા છીએ કે ગૂગલ પ્લે સ્ટોરમાંની કેટલીક એપ એન્ડ્રોઇડ સ્માર્ટફોન ઉપરાંત પીસી પર પણ રમી શકાય છે. અલબત્ત અત્યારે એક સમયે માત્ર એક ગેમ રમી શકાય છે. ટૂંક સમયમાં આ સ્થિતિ બદલાશે. પીસી પર ગૂગલ પ્લે ગેમ્સમાં એકથી વધુ ગેમ્સ એક સમયે રમી શકાશે. આપણે પીસીમાં અલગ અલગ ગેમ અલગ અલગ વિન્ડોમાં ઓપન કરી શકીશું અને તેમને એક સાથે ચલાવી શકીશું.

જો આપણે પ્લે સ્ટોરમાં કોઈ ચોક્કસ એપ શોધી રહ્યા હોઈએ તો આપણું કામ સહેલું છે, કેમ કે આપણે એ એપ કેવી છે? કેવી સગવડ આપે છે? વગેરે જાણીએ છીએ. ફક્ત એ એપ સુધી પહોંચવાનું છે.
પરંતુ જ્યારે એપ વિશે ખાસ ખબર ન હોય ત્યારે વાત થોડી મુશ્કેલ બને. ફક્ત એપના ઓવરવ્યૂથી એ એપ વિશે ખ્યાલ ન આવે તો આપણે એપ ડાઉનલોડ કરીને જ તપાસવી પડે.
ઉપાય તરીકે, હવે પ્લે સ્ટોરમાં એઆઇ જનરેટેડ ‘એપ હાઇલાઇટ્સ’ આવી રહી છે, તેને ઓપન કરતાં, એ એપનાં ખાસ ફીચર્સ આપણે જાણી શકીશું અને તેને આધારે, એપ આપણને ઉપયોગી થશે કે નહીં તે નક્કીને ઇન્સ્ટોલ કરવા વિશે નિર્ણય લઈ શકીશું.
