(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આઇફોન યૂઝર્સ નવી રીતે નિશાન બન્યા

તમારા આઇફોન પર એપલ આઇડીના પાસવર્ડ રિસેટ કરવા માટેના પ્રોમ્પ્ટ આવી શકે છે - એક સાથે સો-સો મેસેજ!

હજી હમણાં સુધી એપલના યૂઝર્સ એક વાત પોરસાતા હતા – એન્ડ્રોઇડ કરતાં એપલમાં પ્રાઇવસી અને સિક્યોરિટી, બંને ચઢિયાતાં! એમનો આ દાવો સાવ ખોટોય નથી, પણ હમણાં હમણાં એપલના યૂઝર્સ હેકર્સના નિશાને ચઢ્યા છે.

વાત આમ તો સાવ સાદી છે – એપલની (અને એન્ડ્રોઇડની પણ!) સિક્યોરિટી મજબૂત છે, એટલે આપણે  તેમાં પોતાનો પાસવર્ડ બદલવા માગતા હોઈએ, તો કંપની એવી ખાતરી ઇચ્છે કે આપણે પોતે જ પાસવર્ડ બદલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, બીજું કોઈ નહીં. એટલા માટે કંપની તેની પાસેના આપણા ઇમેઇલ કે ફોનનંબર પર એક પ્રોમ્પ્ટ મોકલીને કહે છે કે તમે પાસવર્ડ બદલવા માગતા હો, તો આ પ્રોસેસ એલાઉ કરો, નહીંતર નહીં.

હેકર્સ આ સીધીસાદી, પણ મજબૂત વ્યવસ્થાનો ગેરલાભ ઉઠાવીને એક સાથે સો-સો પ્રોમ્પ્ટ મોકલવા લાગ્યા છે! તમારી પાસે આઇફોન ન હોય તો પણ, આ શી ગરબડ ચાલી રહી છે, એ સમજવા જેવું છે.

એપલ કંપનીએ તેના એકાઉન્ટનો પાસવર્ડ રિસેટ કરવાની પ્રોસેસ સહેલી છતાં સલામત બનાવી છે. પરંતુ હેકર્સ તેને દુરુપયોગ કરીને, વિવિધ યૂઝર્સને તેમના પાસવર્ડ રિસેટ કરવાની સૂચનાનો મારો કરી રહ્યા છે. કંપની પોતે આનું સોલ્યુશન શોધે નહીં ત્યાં સુધી આપણે ધીરજપૂર્વક દરેક સૂચના નકાર્યા કરવી પડે તેમ છે.

માની લો કે તમારી પાસે સરસ મજાનો આઇફોન કે આઇપેડ કે મેક છે. તમે તેના પર પોતાનું કામ કરી રહ્યા છો. ત્યાં, સ્ક્રીન પર એક પોપ-અપ ઝબકે છે  ‘‘તમારો પાસવર્ડ રિસેટ કરો. આ આઇફોન (કે અન્ય ડિવાઇસ)નો ઉપયોગ કરીને તમારો એપલ આઇડી પાસવર્ડ રિસેટ કરો.’’ તરત આપણને ઝાટકો લાગે – આપણે તો પાસવર્ડ રિસેટ કરવાની કોઈ રિક્વેસ્ટ કરી નથી! આવી સૂચના કેમ આવી?

 

જેમ એન્ડ્રોઇડ સ્માર્ટફોનના યૂઝર્સ માટે ગૂગલ એકાઉન્ટનો પાસવર્ડ મહામૂલો છે, એમ એપલનાં વિવિધ ડિવાઇસ અને સર્વિસિસના યૂઝર્સ માટે એપલ આઇડી અને તેનો પાસવર્ડ અત્યંત મહત્ત્વનો છે.

એ એક પાસવર્ડને કારણે આપણું એપલ એકાઉન્ટ સલામત રહે છે. કંપની પણ તેને સલામત રાખવા માટે આપણા વતી પૂરતી કોશિશ કરે છે. ખાસ તો આપણે બદલે બીજી કોઈ વ્યક્તિ આપણા એપલ એકાઉન્ટમાં ઘૂસી ન શકે એ માટે કંપની તેને ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશનથી સલામત રાખે છે. એટલે કે આપણે પોતે પણ, એપલ એકાઉન્ટમાં લોગ ઇન થવું હોય અને તેનો પાસવર્ડ આપીએ એ પછી આપણા અન્ય ડિવાઇસમાં તેનું બીજા તબક્કાનું વેરિફિકેશન થાય અને એ પછી જ આપણે તેમાં લોગ ઇન થઈ શકીએ.

એ વાત એપલ આઇડીનો પાસવર્ડ રિસેટ કરતી વખતે પણ કામ લાગે.

આપણે કોઈ નવા ડિવાઇસમાંથી એપલની ઓફિશિયલ વેબસાઇટ પર જઇને પોતાના એકાઉન્ટનો પાસવર્ડ રિસેટ કરવા માટે વિનંતી કરીએ ત્યારે કંપની આપણે જેનો નિયમિત ઉપયોગ કરતા હોઇએ તેવા અન્ય એપલ ડિવાઇસ પર એક પ્રોમ્પ્ટ (એક પ્રકારની સૂચના) મોકલે છે.

આપણે એ સૂચના અનુસાર મંજૂરી આપીએ એ પછી જ આપણો પાસવર્ડ બદલી શકીએ છીએ.

હવે ફરી લેખની શરૂઆતમાં વાત કરી એ સૂચના પર આવી જઇએ.

આપણે પાસવર્ડ રિસેટ કરવાની કોઈ રિકવેસ્ટ કરી ન હોય તેમ છતાં આઇફોન કે આઇપેડમાં પાસવર્ડ રિસેટ કરવાની પ્રોસેસ દર્શાવતો પ્રોમ્પ્ટ આવતાં આપણને ચોક્કસ મૂંઝવણ થાય. એ પ્રોમ્પ્ટ સાથે બે વિકલ્પ જોવા મળે ઃ ‘ડુ નોટ એલાઉ’ અને ‘એલાઉ’.

કંઈક ભૂલ થઈ હશે અને એ કારણે આપણને આવો પ્રોમ્પ્ટ આવ્યો હશે એવું માનીને આપણે પાસવર્ડ રિસેટની પ્રોસેસ નકારવા માટે ‘ડુ નોટ એલાઉ’ વિકલ્પ પસંદ કરીએ. તકલીફ એ થાય કે એટલું કરવાથી વાત પતે નહીં.

તરત ને તરત ફરી એનો એ પ્રોમ્પ્ટ આપણા સ્ક્રીન પર પોપ-અપ થાય. આપણે ફરી ‘ડો નોટ એલાઉ’ બટન પર ક્લિક કરીએ.  પોપ-અપ ગાયબ થાય અને અને એની જ એ જ ક્ષણે ફરી એ સ્ક્રીન પર આવે!

હવે આપણને કંટાળો તો આવે જ, પરંતુ મનમાં ડર પણ પેસે – કોઈ આપણી સાથે રમત રમી રહ્યું છે? કોઈ આપણા એપલ આઇડીનો પાસવર્ડ બદલવા માટે કોશિશ કરી રહ્યું છે?

હાલમાં પોતાના એપલ એકાઉન્ટ પાસવર્ડ રિસેટ કરવાનો આવો મેસેજ ઘણા લોકોને જોવા મળી રહ્યો છે. આવા લોકોએ ઇન્ટરનેટ પર સોશિયલ મીડિયા, ખાસ કરીને એક્સ પ્લેટફોર્મ પર પોતાના અનુભવો શેર કર્યા છે.

તમે માનશો? ઘણા લોકોએ લખ્યું છે કે તેઓ ‘ડુ નોટ એલાઉ’ બટન ક્લિક કરીને પોપ-અપ બંધ કરે એ સાથે ફરી વાર પોપ-અપ જોવા મળે અને આવું સો-સો વાર થયા કરે છે. મતલબ કે તમે તમારા આઇફોન કે આઇપેડ પર આ પોપ-અપ બંધ કર્યા કરવા સિવાય બીજું કોઈ કામ કરી શકો નહીં!

હવે એ વિચારો કે આવા પોપ-અપને કારણે એક તરફ તમે સખત અકળામણ અનુભવી રહ્યા હો, બીજી તરફ મનમાં પોતાના એપલ એકાઉન્ટનો પાસવર્ડ જોખમાઈ રહ્યો હોવાની ચિંતા પણ હોય.

એમાં ઉપરાછાપરી પોપ-અપ આવ્યા કરે ત્યારે કોઈ કાચી પળે તમે ભૂલથી ‘ટુ નોટ એલાઉ’ને બદલે ‘એલાઉ’ બટન ક્લિક કરી દો તો શું થાય? દેખીતું છે કે જે કોઈ વ્યક્તિ આપણા પર આવા પ્રોમ્પ્ટનો સતત મારો કરી રહી છે તે પોતાના ઇરાદામાં સફળ થાય અને તે આપણા એપલ એકાઉન્ટનો પાસવર્ડ બદલી શકે. તે પછી તે ધારે તો એપલની તમામ સર્વિસમાંના આપણા ડેટા સુધી પહોંચી શકે અને તેમાં ઇચ્છે તેવો ફેરફાર કરી શકે.

આ પ્રકારે વારંવાર પાસવર્ડ રિસેટની પ્રોસેસ એલાઉ કરવા માટે પ્રોમ્પ્ટ મોકલવામાં આવે તેને ટેકનિકલ ભાષામાં ‘મલ્ટિફેકટર ઓથેન્ટિકેશન – એમએફએ બોમ્બિંગ’ કહે છે. તેને ‘એમએફએ ફટિગ (થકવી નાખે તેવું) મલ્ટિફેકટર ઓથેન્ટિકેશન’ અથવા ‘પુશ બોમ્બિંગ’ પણ કહે છે.

આ કોઈ નવા પ્રકારનો કે હમણાં શરૂ થયેલો એટેક નથી, પાછલાં બેક વર્ષથી લોકો આવા એટેકનો સામનો કરી રહ્યા છે. પરંતુ છેલ્લા એક-બે મહિનાથી તેનું પ્રમાણ ઘણું વધી ગયું છે અને એટલે દેખીતી રીતે ઇન્ટરનેટ પર તેની ચર્ચા જાગી છે.

ઘણા લોકોએ અનુભવ શેર કરતાં કહ્યું છે કે તેઓ પાસવર્ડ રિસેટ કરવાના આવા પ્રોમ્પ્ટને વારંવાર નકારે તો એ પછી તેમના પર ‘એપલના સપોર્ટ સેન્ટર’માંથી એક કોલ આવે છે અને તેમાં પાસવર્ડ રિસેટ કરવાની પ્રોસેસ પૂરી કરવાનું કહેવામાં આવે છે.

કહેવાની જરૂર ખરી કે આ કોલ એપલના અસલી સપોર્ટ સેન્ટરમાંથી આવ્યો હોતો નથી? એપલ કંપની વારંવાર કહે છે કે તેના તરફથી સામેથી કોઈ એપલ યૂઝરને ક્યારેય, કોઈ પણ વાત માટે કોલ કરવામાં આવતો નથી. સિવાય કે યૂઝરે પોતે એ માટે વિનંતી કરી હોય.

યોગ્ય રીતે ડિઝાઇન થયેલી કોઈ પણ સિસ્ટમ તેના યૂઝર પર કોઈ પણ પ્રકારના પોપ-અપનો મારો કરે નહીં.

મતલબ કે એપલની પાસવર્ડ રિસેટ સિસ્ટમમાં પ્રોસેસ શરૂ થયા પછી તેનો પ્રોમ્પ્ટ આવે અને યૂઝર તેને નકારે તો એ પછી તરત તેને બીજી વાર પ્રોમ્પ્ટ આવવો જોઇએ નહીં. જ્યારે અહીં તો આવા પ્રોમ્પ્ટ અટકવાનું નામ જ લેતા નથી. દેખીતું છે કે એપલની પાસવર્ડ રિસેટ પ્રોસેસમાં કંઈક ખામી છે, જેનો હેકર્સ ગેરલાભ લઈ રહ્યા છે. હાલ પૂરતું કંપનીએ કહ્યું છે કે યૂઝર્સને થઈ રહેલી તકલીફ વિશે તેને જાણ છે અને કંપની તેના ઉપાય વિશે પ્રયાસ કરી રહી છે. પરંતુ આવું બેક વર્ષથી ચાલી રહ્યું છે અને હમણાં તેનું પ્રમાણ ઘણું વધ્યું હોય એવું લાગી રહ્યું છે. કંપનીએ આ સમસ્યાનો કોઈ ઉપાય શોધ્યો હોય તેવું લાગતું નથી.

કંપની જ્યાં સુધી આ તકલીફનો કોઈ સચોટ ઉપાય ન આપે ત્યાં સુધી આપણને આવો પ્રોમ્પ્ટ જોવા મળે તો પૂરતી શાંતિ અને ધીરજ રાખીને દરેક પ્રોમ્પટ માટે ‘ડુ નોટ એલાઉ’ બટન ક્લિક કર્યા સિવાય બચાવનો કોઈ રસ્તો નથી. આવા પ્રોમ્પ્ટ તરત-તરત, વારંવાર આવે એવું બની શકે છે. આવું  એક પછી એક નવા દિવસે ચાલુ રહે એવું પણ બની શકે છે.

સ્થિતિ બહુ કંટાળાજનક બને તો પણ ભૂલેચુકે ‘એલાઉ’ બટન ક્લિક થવું ન જોઇએ. દરમિયાન એપલ સપોર્ટની કોલર આઇડી સાથેે કોલ આવે તો તેનો જવાબ આપશો નહીં.

આ સ્કેમમાં એપલ આઇડી સાથે સંકળાયેલા આપણા ફોન નંબરનો ઉપયોગ થતો હોવાથી એક ઉપાય તરીકે એ ફોન નંબર બદલી શકીએ પરંતુ તેથી  આઇમેસેજ અને ફેસટાઇમ જેવી એપલની સર્વિસનો ઉપયોગ કરવામાં મુશ્કેલી થશે. કેટલાક લોકો એપલ આઇડીનું રિકવરી કી ફીચર ઓન કરવાનો ઉપાય પણ સૂચવે છે. પરંતુ તે પણ કારગત નિવડતું ન હોવાનો લોકોનો અનુભવ છે.

મતલબ કે કંપની ઉપાય ન શોધે ત્યાં સુધી આપણે આ તકલીફ વેઠ્યા વિના કોઈ રસ્તો દેખાતો નથી.

જો તમે તમારા એપલ આઇડીનો પાસવર્ડ ભૂલી ગયા હો અને તેને રિસેટ કરવો હોય તો તેને ઓફિશિયલ પ્રોસેસ ઘણી સહેલી અને સલામત છે. આપણે પીસી કે મોબાઇલના બ્રાઉઝરમાં https://iforgot.apple.com/ વેબસાઇટ પર જવાનું રહે. તેમાં આપણો પાસવર્ડ રિસેટ કરવા માટે પોતાના એકાઉન્ટની વિગતો વેરિફાઈ કરવાની હોય છે.

‘રિસેટ પાસવર્ડ’ બટન પર ક્લિક કરતાં આપણે પોતાના એપલ એકાઉન્ટ સાથે સંકળાયેલ ઇમેઇલ એડ્રેસ કે ફોન નંબર આપવાનો રહે છે. એ પછી સ્ક્રીન પર દેખાતો કોડ ટાઇપ કરી ‘કન્ટીન્યૂ’ બટન પર ક્લિક કરતાં આપણે પોતાનું એકાઉન્ટ અનલોક કરવા માટેની સૂચના કઈ રીતે મેળવવી તે નક્કી કરી શકીએ છીએ. એ પછી આપણે આપેલા ઇમેઇલ એડ્રેસ કે ફોન નંબર પર પાસવર્ડ રિસેટ કરવા માટેનો પ્રોમ્પ્ટ મળે છે.

હેકર્સ અત્યારે આ સરળ વિધિનો દૂરુપયોગ કરી રહ્યા છે. હવે આપણું એપલ આઇડી અને તેની સાથે સંકળાયેલો ફોન નંબર કોઈ પણ વ્યક્તિ બહુ સહેલાઈથી જાણી શકે છે. આથી તેઓ આ સિસ્ટમ દ્વારા આપણા પર પાસવર્ડ રિસેટ કરવાના અઢળક પ્રોમ્પ્ટ્સ મોકલી શકે છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!