આગળ શું વાચશો?
- પ્લે સ્ટોરમાં સત્તાવાર એપ્સ સાથે ‘ગવર્નમેન્ટ’ બેજ
- પ્લે સ્ટોરમાં એક સાથે બે એપ ડાઉનલોડ કરો
- ગૂગલ એઆઇના નવા નવા લોચા બહાર આવી રહ્યા છે
- એક ચાર્જિંગમાં પૂરાં પચાસ વર્ષ ચાલે તેવી ફોનની બેટરી
બહુ લાંબા સમયથી જેની જરૂરિયાત વર્તાઈ રહી હતી તે પગલું આખરે લેવામાં આવ્યું છે. ગૂગલ પ્લે સ્ટોરમાં સરકારની સત્તાવાર એપ્સ પર હવે ‘ગવર્નમેન્ટ’ બેજ જોવા મળશે. આ બેજને આપણે ક્લિક કરીશું તો જણાવવામાં આવશે કે આ એપ કોઈ સરકારી સંસ્થા સાથે સંકળાયેલી હોવાની ગૂગલ પ્લે સ્ટોર દ્વારા ખાતરી કરવામાં આવી છે.

આવી ખાતરી મળવી બહુ જરૂરી હતી. ભારતમાં દરેક જાણીતી સરકારી (કે બિનસરકારી) પહેલ લોકોમાં જિજ્ઞાસા જગાવે એ સાથે તેનો લાભ લૂંટી લેવા માટે પાર વગરની એપ ફૂટી નીકળતી હોય છે.
આધાર, આયુષ્યમાન ભારત, આત્મનિર્ભર ભારત વગેરે કોઈ પણ એવી સરકારી યોજના જેનાથી સામાન્ય લોકોને લાભ મળવાની શક્યતા હોય, પરંતુ જેના વિશે પૂરતી લોકજાગૃતિ ન હોય એવા વિષયો વિશે લોકો તરત જ એપ કે વેબસાઇટ્સ બનાવી લેતા હોય છે.
આવી એપ કે વેબસાઇટ્સ મોટા ભાગે બે પ્રકારની હોય છે. પહેલા પ્રકારની એપ જે તે યોજના વિશે શક્ય એટલી માહિતી આપવાનો પ્રયાસ હોય છે અને તેના બદલામાં જે તે એપ કે વેબસાઇટ પર જાહેરાતો દર્શાવીને તેમાંથી આવક મેળવવાનો પ્રયાસ હોય છે. આવી એપ કે વેબસાઇટમાં યોગ્ય અને સાચી માહિતી આપવામાં આવી હોય તો તે સામાન્ય લોકો માટે હાનિકારક હોતી નથી. પરંતુ ઘણી એપ કે વેબસાઇટ માત્ર બદઇરાદાથી તૈયાર કરવામાં આવી હોય છે. આવી એપ/વેબસાઇટમાં જે તે યોજનાનો લાભ અપાવવાના નામે ખોટી લિંક તરફ લોકોને દોરી જવામાં આવે છે અને ત્યાંથી તેમની માહિતી ચોરીને કોઈ ને કોઈ રીતે ફ્રોડ કરવાનો આશય હોય છે. પ્લે સ્ટોરમાં સાચી અને બદઇરાદાવાળી એપને અલગ તારવવાનું બહુ મુશ્કેલ છે.
એ જ કારણે કોઈ પણ બાબત વિશેની સત્તાવાર એપ માટે ‘ગવર્નમેન્ટ’નો ઓફિશિયલ બેજ મૂકવાનું પગલું આ દૂષણને નાથવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થશે. ભારત ઉપરાંત અન્ય કેટલાય દેશોમાં ગૂગલે આ રીતે ગવર્નમેન્ટ બેજ દર્શાવવાનું શરૂ કર્યું છે.
અત્યાર સુધી આપણે પોતાના એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં કોઈ એપ ઇન્સ્ટોલ કરવી હોય તો ગૂગલ પ્લેસ્ટોરમાં જઇએ, તેમાં કોઈ એક એપ પસંદ કરીએ અને ઇન્સ્ટોલ બટન પર ક્લિક કરીએ.
એ પછી બીજી કોઈ એપ ડાઉનલોડ કરવી હોય તો આપણે પહેલી એપ ઇન્સ્ટોલ થઈ જાય ત્યાં સુધી રાહ જોવી પડે. હવે આ વાત બદલાઈ રહી છે.
ગૂગલના પ્લે સ્ટોરના લેટેસ્ટ વર્ઝનમાં ‘પેરેલલ ડાઉનલોડ’ ફીચર ઉમેરાઈ રહ્યું છે.
મતલબ કે આ ફીચર લાઇવ થયા પછી આપણે ફોનમાં એક સાથે એકથી વધુ એપ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરી શકીશું. જોકે અત્યારે એવું લાગે છે કે આ રીતે એકને બદલે ફક્ત બે એપ સાથે ડાઉનલોડ કરી શકાશે.
ખરેખર તો પ્લેસ્ટોરમાં આ ફીચર પર ઘણાં વર્ષોથી કામ ચાલી રહ્યું હતું. પરંતુ હજી સુધી આ ફીચર લાઇવ થયું નહોતું.
વર્ષ ૨૦૨૨ના અંત ભાગમાં ઓપનએઆઇ કંપનીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ચેટબોટ રજૂ કર્યા ત્યારથી, દરેક વાતમાં એઆઇનો જબરજસ્ત ઉપયોગ થવા લાગ્યો છે.
આ બાબતે માઇક્રોસોફ્ટ અને ગૂગલ વચ્ચે રીતસર ગળાકાપ હરીફાઈ શરૂ થઈ છે. જોકે આ રેસમાં માઇક્રોસોફ્ટ કંપની સતત આગળ રહી છે.

માઇક્રોસોફ્ટે તેના સર્ચ એન્જિનમાં એઆઇ ચેટિંગ ઉમેર્યા પછી ગૂગલે પણ તેના સર્ચ એન્જિનમાં લોકો ગંઈ પણ સર્ચ કરે ત્યારે, જૂની-પુરાણી રીતે સર્ચ રિઝલ્ટ્સ આપવા ઉપરાં, એઆઇથી જનરેટ થતા સર્ચ ઓવરવ્યૂ આપવાનું પણ શરૂ કર્યું છે.
આ સુવિધા ભારતમાં આપણને લાંબા સમયથી મળી છે, યુએસમાં પણ લોકોને તેનો લાભ મળી રહ્યો છે. ફેર એટલો છે કે યુએસના યૂઝર્સ આ બાબતે ગૂગલનું માથું પકવી રહ્યા છે!
ગૂગલનું આ ફીચર કેવા લોચા વાળે છે તેની વિવિધ સ્ટોરીઝ હવે સોશિયલ મીડિયા પર સતત વાઇરલ થઈ રહી છે. કોઈ યૂઝર કહે છે કે તેણે પિઝા પરથી ચીઝ નીચે સરકી ગયું તો હવે શું કરવું એમ ગૂગલને પૂછતાં, એઆઇએ જવાબ આપ્યો કે ગુંદર લગાવી દો!
આ સિવાય પણ ગૂગલ એઆઇના ‘જાતભાત’ના લોચા બહાર આવી રહ્યા છે.
જોકે ગૂગલના પ્રવક્તા કહે છે કે આ ભૂલો ગૂગલ એઆઇને જાણી જોઈને ગૂંચવવા માટે, ચિત્ર-વિચિત્ર સવાલો પૂછવાને કારણે થઈ રહી છે.
જોકે એ હકીકત છે કે એઆઇ ચેટિંગમાં લોચા વાગવાની પૂરી શક્યતા છે. ઓપનએઆઇ કંપનીના ચેટજીપીટી કે ગૂગલની એઆઇ સામાન્ય સંજોગમાં ઘણાં સારાં પરિણામ આપે છે, પણ એની સાથોસાથ એ બેધડક, સાવ ધાપાં પણ મારી શકે છે.
આપણો સ્માર્ટફોનનો ઉપયોગ એટલો જબરો હોય છે કે સવારે ફુલ ચાર્જ કરેલા ફોનની બેટરી બપોર ઢળતાં તો ડચકાં ખાવા લાગે! એટલે જ દુનિયાભરના ટેક નિષ્ણાતો ‘બેટર બેટરી’ વિક્સાવવા મથે છે. ત્યાં સમચાાર છે કે ‘બીટાવોલ્ટ’ નામના એક ચાઇનીઝ સ્ટાર્ટઅપે રિચાર્જ કર્યા વિના પૂરાં ૫૦ વર્ષ સુધી સ્માર્ટફોનને ચલાવતી રહે એવી બેટરી વિક્સાવી છે – અલબત્ત વાત હજી રિસર્ચના સ્ટેજ પર છે.

આ બેટરી દુનિયાની પહેલી મિનિએચર એટોમિક એનર્જી સિસ્ટમ ગણાય છે. કદમાં તે સાવ ટચૂકડી છે, એક નાના સિક્કા જેવી. તેમાં ૬૩ ન્યુક્લિઅર આઇસોટોપ્સ ગોઠવવામાં આવ્યા છે. સાથે ૦ માઇક્રોન-થિક ડાયમંડ સેમીકન્ડક્ટર્સ પણ છે. તેના પર નિકલ-૬૩નું લેયર છે.
આ બેટરીની ખાસ વિશેષતા એ છે કે તે ન્યુક્લિઅર એનર્જી સિસ્ટમના સિદ્ધાંતો પર જ કામ કરે છે, પણ તેનું કદ ન્યુક્લિઅર પાવર પ્લાન્ટ કરતાં અત્યંત સૂક્ષ્મ કરી શકાયું છે.
હવે તો આ બેટરી આપણા ફોન સુધી પહોંચે તેની રાહ જોઈએ!