(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વેલેન્ટાઇન ડેના અવસરે પ્રેમની અભિવ્યક્તિ, નવી રીતે

વેલેન્ટાઇન્સ ડે નજીક છે ત્યારે બે હૈયાં વચ્ચેનું અંતર ઘટાડવાની નવી, ડિજિટલ રીતો જાણીએ.

ટેક્નોલોજીથી દુનિયાના જુદા જુદા ખૂણે રહેતા લોકો બહુ નજીક આવ્યા, પણ એ જ ટેક્નોલોજીને પાપે એક જ ઘરમાં રહેતી બે વ્યક્તિ વચ્ચે અંતર વધવા લાગ્યું એ પણ સ્વીકારવું રહ્યું.

આજના સમયમાં સ્માર્ટફોન સાવ બાજુએ મૂકીને જીવી શકાય નહીં, તો એને જ માધ્યમ બનાવીને બે જિંદગી અને બે હૈયાંને વધુ નજીક કેવી રીતે લાવી શકાય એની અહીં કેટલીક વાત આલેખી છે.

સ્માર્ટફોન એટલું બધું વ્યક્તિગત સાધન છે કે તેમાં દરેક વ્યક્તિની, પોતપોતાની આગવી દુનિયા રચાય છે. નવાં સાધનોથી બે વ્યક્તિ વચ્ચે અંતર વધી રહ્યું હોવાની કે ઉષ્મા ઘટી રહી હોવાની વાતમાં વજૂદ તો છે, પણ આ જ બધું આપણને પોતાની વ્યસ્તતા વચ્ચે પણ એકબીજાની નજીક રહેવાની નવી નવી રીત અને તક પણ આપે છે.

ફક્ત ૧૪ ફેબ્રુઆરીના એક દિવસ માટે નહીં, રોજેરોજ તેના પર અમલ કરી જુઓ!

જીવનસાથી સાથેના સંબંધને હંમેશા તરોતાજા, ખુશમિજાજ રાખવાનો એક સચોટ ઉપાય છે જૂની યાદોને ફરી તાજી કરવી. એ કામ ફોટોગ્રાફ્સથી વધુ સારી બીજી કઈ રીતે થઈ શકે?

જો તમે બંને ગૂગલ ફોટોઝ એપનો ઉપયોગ કરતાં હો તો તેમાં તમારું આખું કલેક્શન જીવનસાથી સાથે સતત શેર્ડ રાખી શકો છો. એ પછી, બંનેમાંથી કોઈ પણ પોતાના સ્માર્ટફોનથી નવા ફોટોગ્રાફ લે, તે બંનેના ફોનમાં જોવા મળશે. એ સિવાય, જૂના ફોટોઝને ‘મેમરીઝ’ તરીકે બતાવવાની એક મજાની સગવડનો પણ તમે લાભ લઈ શકો. એપ જૂના ફોટોઝમાંથી સરસ કલેક્શન્સ બનાવીને પણ તમને સરપ્રાઇઝ આપશે.

કેવી રીતે :

આ રીતે ફોટોઝ એકમેક સાથે શેર કરવાની પહેલી સાદી શરત એટલી કે બંનેના સ્માર્ટફોનમાં ગૂગલ ફોટોઝ એપ હોવી જોઈએ અને તમે તમારા ફોટોઝ તેમાં સ્ટોર સાચવતા હોવા જોઈએ.

એ પછી, બંનેના ફોનમાં ફોટોઝ એપ ઓપન કરી, પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરી, સેટિંગ્સમાં જાઓ. તેમાં ‘શેરિંગ’માં જાઓ. અહીં ‘પાર્ટનર શેરિંગ’માં તમારા જીવનસાથીનું ઇમેઇલ એડ્રેસ આપી તેમની સાથે ફોટો શેરિંગ શરૂ કરો!

જીવનસાથી સાથે હલકા-ફુલકા શેરિંગની આ બીજી રીત! તમે બંને ફેસબુક-ફ્રેન્ડ્સ તો હશો જ, રિઅલ લાઇફમાં આ ફ્રેન્ડશીપ વધુ ગાઢ બનાવવા માટે, તમારા ઇન્ટરેસ્ટ ડિજિટલી શેર કરી જુઓ.

ઇન્ટરનેટ પર રસના વિષયો ફોલો કરવા માટે એક મસ્ત સર્વિસ છે પિન્ટરેસ્ટ (pinterest.com, જુલાઈ ૨૦૨૦ અંકમાં તેનો વિગતવાર પરિચય છે). ઇન્ડિયન રેસિપીઝ, હોમ ફર્નિચર, ગાર્ડનિંગ, ક્વોટ્સ… પિન્ટરેસ્ટ પર તમે કલ્પના કરો એ બધા જ વિષયની ‘પિન્સ’ ઇમેજ તરીકે જોવા મળશે ને ત્યાંથી ઇન્ટરનેટ પરના મૂળ સ્રોત સુધી પહોંચી શકાશે.

જે ગૂગલમાં નહીં મળે એ અહીં મળશે!

કેવી રીતે :

બંને પોતપોતાના સ્માર્ટફોનમાં આ એપ ઇન્સ્ટોલ કરો. પહેલેથી તમે કેટલાક ટોપિક્સ નક્કી કરી શકશો. પછી એપમાં વચ્ચેના પ્લસ પર ક્લિક કરી, ગમતા ટોપિક્સ વિશે બોર્ડ ક્રિએટ કરો અને તેને સિક્રેટ રાખો.

પછી એ બોર્ડમાં રિયલ-લાઇફ ફ્રેન્ડને કોલાબોરેટર તરીકે ઉમેરી દો. ફુરસદે પોતપોતાની રીતે પિન્ટરેસ્ટમાં બ્રાઉઝિંગ કરો, ગમતી પિન્સ તમે ક્રિએટ કરેલા, શેર્ડ બોર્ડમાં સેવ કરો. બંને એકબીજાને વારંવાર સ્વીટ સરપ્રાઇઝ આપી શકશો!

ઉપરના પીસમાં પિન્ટરેસ્ટ પર પોતાની (અથવા કહો કે પાર્ટનરની!) હોબીઝમાં જે કંઈ નવું, ઇન્ટરેસ્ટિંગ મળે એ એકબીજા સાથે ડિજિટલ રીતે, એપમાં જ શેર કરવાની વાત કરી, એમ સાથે મળીને ઇ-શોપિંગ કરવું એ પણ મજાની કો-એક્ટિવિટી થઈ શકે (વડીલ હો તો શાકમાર્કેટ સાથે જઈ, લાઇફ-પાર્ટનર માટે થેલી ઉપાડવાની અને યંગ હો તો મોલમાં ટ્રોલી ખેંચવાની પણ આગવી મજા છે!).

ખરો મહિમા, શક્ય એટલો સમય સાથે વીતાવવાનો છે – ભલે ડિજિટલ રીતે!

કેવી રીતે :

બિઝી લાઇફમાં શોપિંગ માટે સાથે બહાર જવાનો સમય ન મળતો હોય તો તમારી ફેવરિટ શોપિંગ સાઇટમાં સાથે મળીને ઇ-શોપિંગની મજા માણી શકાય. જો તમે બંને શોપિંગ સાઇટમાં કોમન એકાઉન્ટનો ઉપયોગ કરતાં તો હો તો કોમન વિશલિસ્ટ બનાવી જુઓ. બંને અલગ અલગ એકાઉન્ટનો ઉપયોગ કરતાં હો તો તમે બનાવેલા વિશલિસ્ટને પાર્ટનર સાથે શેર પણ કરી શકાશે. વાત એકદમ સિમ્પલ રાખવી હોય તો ગૂગલ કીપ એપ (Google Keep – Notes and Lists, Google LLC) માં સિમ્પલ ચેકલિસ્ટ બનાવી, તેને શેર કરી દો. એક જ લિસ્ટ, બંને જોઈ શકશો.

તમારા બંનેના ઇન્ટરેસ્ટના ટોપિક્સને એકમેક સાથે શેર કરવાની એક્ટિવિટી યુટ્યૂબ પર પણ વિસ્તારી શકાય. હોટ કોરિયન બેન્ડ બીટીએસના વીડિયો, સ્ટોક માર્કેટ ગુરુના વીડિયો, વિકાસ ખન્નાની રેસિપીના વીડિયો કે પછી સદગુરુ-સિસ્ટર શિવાનીના વીડિયો…

તમને કે તમારા સાથીને યુટ્યૂબ પર જે ફેવરિટ હોય તેના સારા વીડિયો શોધી, તેનું તમે વીડિયો લિસ્ટ તૈયાર કરો અને પછી પાર્ટનરને ગિફ્ટ કરી જુઓ! અહીં પણ એ લિસ્ટને તમે ‘શેર્ડ લિસ્ટ’ બનાવી શકશો એટલે પછી બંને પોતપોતાને જે સારા વીડિયો મળે તે આ તમારા એક્સ્ક્લૂઝિવ લિસ્ટમાં ઉમેરી શકશો!

કેવી રીતે :

યુટ્યૂબ એપમાં હોમ સ્ક્રીન પર છેક નીચે જમણે ખૂણે ‘લાઇબ્રેરી’ પર ક્લિક કરી, એકાદ વીડિયો સાથે નવું પ્લેલિસ્ટ બનાવો. તેને ‘અનલિસ્ટેડ’ તરીકે સેવ કરો, જેથી એ પ્લેલિસ્ટ ‘પબ્લિક’ ન બને.

હવે તેમાં ‘કોલાબોરેટ’ પર ક્લિક કરી, જીવનસાથી પણ તેમાં વીડિયો ઉમેરી શકે તેવું ફીચર ઓન કરો. તેમને આ પ્લેલિસ્ટની લિંક વોટ્સએપ કે કોઈ પણ રીતે મોકલી આપો!

હવે વાતમાં થોડો સિરિયસ ટર્ન.

તમે વાસ્તવિક જિંદગી જીવનસાથી સાથે શેર કરો છો, એ રીતે, ડિજિટલ લાઇફ પણ શેર કરો છો?

કદાચ કોઈનાં ભવાં ખેંચાશે, પણ એકમેક પર પૂરો વિશ્વાસ ને પ્રેમ હોય તો સ્માર્ટફોન, ગૂગલ/એપલ, ફેસબુક-ઇન્સ્ટા, બેેંક-યુપીઆઇ એપ્સ વગેરેના પાસવર્ડ (વોટ્સએપ હોય તો ફિંગરપ્રિન્ટ લોક) એકમેક સાથે શેર કરવા જરૂરી છે.

એકમેકને પૂરતું ફ્રીડમ-સ્પેસ આપીએ એ અનિવાર્ય છે, પરંતુ પાસવર્ડ શેરિંગ એવા ફ્રીડમ પરની તરાપ નથી. અણધાર્યા, આકસ્મિક સંજોગોમાં આવું શેરિંગ વરદાન સાબિત થશે. એ જ રીતે મેરેજ પહેલાં, ગમે તેટલો પ્રેમ હોય તો પણ બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ સાથે આવું શેરિંગ જોખમી બની શકે છે એ પણ ધ્યાનમાં રાખશો.

કેવી રીતે :

આ તો બહુ સહેલું છે, જેટલી જગ્યાએ તમે પાસવર્ડ, ફિંગરપ્રિન્ટ સેટ કર્યાં છે એ બધી જગ્યાએ જીવનસાથીને સામેલ કરો.

સ્માર્ટફોન અને મુખ્ય ગૂગલ/એપલ/માઇક્રોસોફ્ટ એકાઉન્ટની વિગતો શેર કરશો તો એ પણ પૂરતું થઈ રહેશે. જરૂર મુજબ બાકીના પાસવર્ડ આટલાથી રિસેટ કરી શકાશે.

આપણી ડિજિટલ લાઇફનું શેરિંગ પાસવર્ડ શેરિંગથી અટકવું ન જોઈએ, ખરેખર તો ત્યાંથી શરૂ થવું જોઈએ.

તમે મેરિડ લાઇફ હજી શરૂ જ કરી હોય કે સિલ્વર-ગોલ્ડન સેલિબ્રેશન કરી લીધું હોય – તમારા બધાં બેંક એકાઉન્ટ, એફડી, ઇન્સ્યોરન્સ વગેરેની – પૂરેપૂરી – વિગતો તમારા સોલમેટ સાથે શેર કરી છે?

ન કરી હોય તો, હજી મોડું થયું નથી.

તમે યંગ કપલ હો, બંને જોબ કરતાં હો, પોતપોતાની રીતે આ બધું મેનેજ કરી શકતાં હો, તો પણ બહેતર મેનેજમેન્ટ માટે બધું એકમેક સાથે સારી રીતે શેર કરશો તો લાભમાં રહેશે.

આ કામ હવેના ડિજિટલ સમયમાં વધુ સારી રીતે થઈ શકે છે.

કેવી રીતે :

ગૂગલ ડ્રાઇવમાં શીટ્સ અથવા એક્સેલમાં એક સાદી સ્પ્રેડશીટ બનાવી, દરેક બાબતની ઝીણવટભરી વિગતો લખી, એ બધું જ લાઇફ પાર્ટનર સાથે શેર કરો અને તેની ચર્ચા પણ કરતા રહો.

જોકે આ બધું ટુ-સ્ટેપ વેરિફિકેશનથી સલામત રાખવાનું ભૂલશો નહીં, એ ન ફાવે તો સાદી ડાયરી બનાવી શકાય!

સ્માર્ટફોન આખરે એકદમ વ્યક્તિગત સાધન છે. અગાઉ માત્ર ટીવી હતાં ત્યારે ‘ક્રિકેટ મેચ જોવી કે સાસ-બહુ સિરિયલ?’ એ મુદ્દે રિમોટની ખેંચતાણ થતી પણ બંનેમાંથી ગમે તે, આખરે બે વ્યક્તિ સાથે મળીને એ જોતી.

હવે બધાના હાથમાં સ્માર્ટફોનમાં આવ્યા પછી સૌની પોતપોતાની દુનિયા ઊભી થઈ ગઈ છે. એને કારણે અજાણપણે આપણે એકમેકથી દૂર થતાં જઈએ છીએ.

એવું ન થાય એ માટે આપણે નવા સમય અનુસાર ટેક્નોલોજી અને આપણી વ્યક્તિગત રીતે ફેવરિટ એપ્સ કે સર્વિસનો સહિયારો ઉપયોગ વધારવાની વાત તો કરી, એ બધા સિવાય ‘…એન્ડ ધે લીવ્ડ હેપ્પીલી ફોરએવર…’ એવું સુનિશ્ચિત કરવું હોય તો સૌથી કારગત થશે ‘સ્માર્ટફોન ઉપવાસ’!

કેવી રીતે :

શરૂઆતમાં મુશ્કેલ લાગશે, પણ જીવનસાથી બાજુમાં હોય ત્યારે આજના ‘બીજા જીવનસાથી’ને બાજુએ મૂકી જુઓ.

કમ સે કમ જમતી વખતે, સામાન્ય વાતચીત કરતી વખતે, રાત્રે સૂતાં પહેલાં… તમે જ નક્કી કરો કે કોને વધુ મહત્ત્વ આપવું જોઈએ?!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!