
જો તમારી પાસે વિન્ડોઝ૧૦ કે ૧૧ ઓપરેટિંગ સિસ્ટમ સાથેનું પીસી કે લેપટોપ હોય તો તમારે તેમાં લોગઇન થવા માટે ‘વિન્ડોઝ હેલ્લો’ નામની એક સગવડનો પૂરો લાભ લેવો જોઈએ. આ સગવડથી આપણે પોતાના પીસી/લેપટોપમાં સહેલાઈથી લોગઇન થઈ શકીએ છીએ તેમ જ તેમાંના આપણા ડેટાને એ જ પીસી/લેપટોપનો ઉપયોગ કરતા અન્ય લોકોથી અલગ અને સલામત રાખી શકીએ છીએ.
વિન્ડોઝ હેલ્લો પદ્ધતિનો ઉપયોગ કર્યા પછી આપણે વિવિધ બાયોમેટ્રિક પદ્ધતિની મદદથી પોતાના કમ્પ્યૂટરમાં લોગઇન થઈ શકીએ છીએ. અલબત્ત એ માટે જરૂરી હાર્ડવેર કમ્પ્યૂટરમાં હોવું જોઈએ. જો એ ન હોય તો પરંપરાગત પિન પદ્ધતિથી પણ કમ્પ્યૂટરમાં લોગઇન થઈ શકાય.
આપણે નવું પીસી/લેપટોપ લઈએ અને તેનો ઉપયોગ શરૂ કરીએ ત્યારે જ હેલ્લોના ઉપયોગની પ્રોસેસ શરૂ થઈ જાય છે. હેલ્લો માટે યોગ્ય સેટિંગ કરવાથી, આપણે ફેસિયલ રેકગ્નિશન કે ફિંગરપ્રિન્ટની મદદથી લેપટોપમાં લોગ-ઇન થઈ શકીએ છીએ. હેલો અને માઇક્રોસોફ્ટ એકાઉન્ટ કનેક્ટેડ હોય તો વનડ્રાઇવ ફોલ્ડરમાંની આપણી ફાઇલ્સ અન્ય વ્યક્તિ જોઈ શકતી નથી.
તમે નવું કમ્પ્યૂટર કે લેપટોપ ખરીદો, તેમાં ઓફિશિયલ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ હો તો પહેલી વાર કમ્પ્યૂટર ઓન કરતાં તેમાં આપણું એકાઉન્ટ ક્રિએટ કરવાની કે વર્તમાન એકાઉન્ટથી લોગઇન કરવાની પ્રોસેસ કરવામાં આવે છે. એ સમયે, વિન્ડોઝ હેલ્લો સિસ્ટમનો આપણે જાણે-અજાણે ઉપયોગ કરીએ છીએ. વિન્ડોઝ હેલ્લો મુખ્યત્વે નીચેની પદ્ધતિઓથી લોગઇનની સગવડ આપે છે.
ફેસિયલ રેકગ્નિશન

જો આપણા પીસી/લેપટોપમાં કેમેરા હોય તો આપણે કમ્પ્યૂટરનો સ્ક્રીન ઓપન કરીએ તો એક વાર સિસ્ટમને આપણો ચહેરો ઓળખાવી દઇએ એ પછી કમ્પ્યૂટરનો સ્ક્રીન ઓપન કરીએ ત્યારે તેની સિસ્ટમ કેમેરાથી આપણને ઓળખી લે છે અને આપણે કમ્પ્યૂટરમાં આપોઆપ લોગઇન થઈએ છીએ.
ફિંગરપ્રિન્ટ રેકગ્નેશન

જો તમારા લેપટોપમાં ફિંગરપ્રિન્ટ સ્કેન કરવાની સગવડ હોય તો આ પદ્ધતિ તમે સેટ કરી શકો છો. સ્માર્ટફોનની જેમ અહીં પણ આપણે પહેલી વાર સિસ્ટમને પોતાની ફિંગરપ્રિન્ટ આપવાની રહે છે એ પછી ફક્ત ફિંગરપ્રિન્ટ આપીને કમ્પ્યૂટરમાં ઝડપથી લોગઇન કરી શકાય છે.
પિન

જો કમ્પ્યૂટરમાં કેમેરા કે ફિંગરપ્રિન્ટ સ્કેનરની સગવડ ન હોય તો આપણે સાદો પિન પણ સેટ કરી શકીએ છીએ. કમ્પ્યૂટરમાં લોગઇન થતી વખતે આપણે આ પિન આપવાનો રહે છે. પિનમાં ડિજિટ અને આલ્ફાબેટ હોઈ શકે છે.
સિક્યોરિટી કી

આપણે ત્યાં આ પદ્ધતિ બહુ પ્રચલિત નથી. પરંતુ તમે ઇચ્છો તો એક ફિઝિકલ સિક્યોરિટી કી ખરીદી શકો છો અને તેને કમ્પ્યૂટરમાં યુએસબી પોર્ટમાં ઇન્સર્ટ કર્યા પછી જ પોતાના કમ્પ્યૂટરમાં લોગઇન થઈ શકો છો (જુઓ આ જ અંકનો અન્ય લેખ).
માઇક્રોસોફ્ટ હેલ્લો પદ્ધતિનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં આપણે પોતાનો ફેસ કે ફિંગરપ્રિન્ટ કે પિન સેટ કરીએ તે માત્ર એ ચોક્કસ ડિવાઇસમાં જ રહે છે અને તેનો ઉપયોગ તે કમ્પ્યૂટરમાં જ થઈ શકે છે. આમાંનું કશું આપણા માઇક્રોસોફ્ટના ક્લાઉડ એકાઉન્ટમાં જતું નથી. તમે ઇચ્છો તો તમારી માઇક્રોસોફ્ટ હેલોની વિગતો માઇક્રોસોફ્ટ એકાઉન્ટ સાથે કનેક્ટ કરી શકો છો ખરા, આથી જે કમ્પ્યૂટરમાં તમે માઇક્રોસોફ્ટ હેલોથી લોગઇન થાઓ તેમાં તમે માઇક્રોસોફ્ટ એકાઉન્ટમાં પણ લોગઇન થઈ જાઓ છો.
તમારા પીસી/લેપટોપમાં માઇક્રોસોફ્ટ હેલો સેટઅપ કરવા માટે આ પગલાં લઈ શકાય.
- સ્ટાર્ટ બટન પર ક્લિક કરો અને ગિયર આઇકન પર ક્લિક કરીને સેટિંગ્સમાં જાઓ.

- અથવા સર્ચ બોક્સમાં એકાઉન્ટ્સ સર્ચ કરીને એકાઉન્સ્ટના પેજ પર પહોંચો.

- તેમાં સાઇનઇન ઓપ્શન્સમાં જાઓ.
- હવે ઉપર જણાવ્યા મુજબ વિન્ડોઝ હેલ્લોની વિવિધ પદ્ધતિઓ જોવા મળશે. તમને અનુકૂળ હોય એ પદ્ધતિ સેટ કરી લો.
જો તમે વિન્ડોઝ હેલ્લો પદ્ધતિને તમારા માઇક્રોસોફ્ટ એકાઉન્ટ સાથે કનેક્ટ કરેલ હશે તો કમ્પ્યૂટરમાં લોગઇન થયા પછી વિન્ડોઝ એક્સપ્લોરરમાં વનડ્રાઇવ પર્સનલનું ફોલ્ડર પણ જોવા મળશે. તમે તમારી બધી જ કામકાજની ફાઇલ્સ તેમાં સ્ટોર કરી શકો છો (ફ્રી એકાઉન્ટમાં કુલ ૫ જીબીની સ્પેસ મળે છે). જો તમારા કમ્પ્યૂટરનો અન્ય કોઈ પણ વ્યક્તિ ઉપયોગ કરતી હોય અને તે પોતાની વિગતોથી કમ્પ્યૂટરમાં લોગઇન થાય તો તેને તમારા વનડ્રાઇવ પર્સનલમાંની ફાઇલ્સ જોવા મળશે નહીં.

