
પહેલાં માઇક્રોસોફ્ટે તેના સર્ચ એન્જિનમાં ચેટજીપીટી આધારિત, આર્ટિિફશિયલ ઇન્ટેલિજન્સ ઉમેરી દીધી. પછી ગૂગલે પણ જાહેરાત કરી કે તેના સર્ચ એન્જિનમાં પણ આવાં ફીચર આવી રહ્યાં છે. પછી માઇક્રોસોફ્ટે તેના બિઝનેસ અને ઓફિસ પ્રોગ્રામ્સમાં એઆઇ આધારિત ‘કોપાઇલોટ’ ઉમેરી દીધો અને ગૂગલે જાહેરાત કરી કે તેના વર્કસ્પેસ ઓફિસ સ્યૂટના પ્રોગ્રામ્સમાં પણ આવી સુવિધાઓ આવી રહી છે!
આમાં તમને કોઈ પેટર્ન દેખાઈ? માઇક્રોસોફ્ટ કંઈક નવું લાવે છે, લોન્ચ કરી દે છે અને આપણે યૂઝર્સ તેનો ઉપયોગ પણ કરવા લાગીએ છીએ. જ્યારે ગૂગલ દર વખતે કહે છે કે તેના પ્રોગ્રામ્સમાં પણ આવી સુવિધાઓ આવશે, ‘ટ્રસ્ટેડ ટેસ્ટર્સ’ તેને ચકાસી રહ્યા છે, તમે રાહ જુઓ!

ગૂગલ અને માઇક્રોસોફ્ટ બંને જાણે છે કે અત્યારે આ ટેક્નોલોજી આપણા જેવા યૂઝર્સ માટે સચોટ રીતે તૈયાર નથી, છતાં માઇક્રોસોફ્ટને ગૂગલને હરાવવાની ઉતાવળ છે અને ગૂગલ ફૂંકી ફૂંકી આગળ વધવા માગે છે. તેમ છતાં, ગૂગલે જે બતાવ્યું છે તે થોડું વધુ ઇન્ટરેસ્ટિંગ છે!
ગૂગલ અને માઇક્રોસોફ્ટ બંનેના વિવિધ ઓફિસ પ્રોગ્રામ્સમાં એઆઇનો મોટા પાયે ઉપયોગ ક્યારનો શરૂ થઈ ગયો છે. અત્યાર સુધી બંનેમાં એઆઇનો ઉપયોગ હતો, પણ તેની ભૂમિકા આપણું કામ સહેલું બનાવવા પૂરતી સીમિત હતી. હવે એઆઇ આપણું બધું જ કામકાજ પોતે સંભાળી લેવાના મૂડમાં છે! આપણે ફક્ત શું જોઈએ છે તે એઆઇને કહેવાનું!
બેઝિકલી અત્યારે ચેટજીપીટી અને માઇક્રોસોફ્ટ બિંગ સર્ચ એન્જિનમાં જે શક્ય બની ગયું છે એ આવનારા સમયમાં જીમેઇલ તથા ગૂગલ ડ્રાઇવમાં ડોક્સ, શીટ્સ અને સ્લાઇડ્સમાં પણ શક્ય બનશે.
જોકે ઘણી જુદી રીતે. ગૂગલ કહે છે કે આવતા એક વર્ષ દરમિયાન ટેસ્ટર્સની સંખ્યા સતત વધતી જશે. આનો એક અર્થ એવો પણ થયો કે આપણા સુધી આ ફીચર્સ પહોંચતાં એકાદ વર્ષ જેટલો સમય પણ લાગી શકે છે. ગૂગલ કહે છે કે સર્ચ, જીમેઇલ, ગૂગલ ડ્રાઇવ વગેરેમાં વિશ્વસ્તરે એઆઇ આધારિત ટૂલ્સ ઉમેરવાં એ ઘણી બધી બાબતોની કાળજી માગી લેતું કામ છે. તેમાં કન્ટેન્ટની ચોકસાઈ અને યૂઝરના ડેટાની પ્રાયવસી બંને જળવાય તે સૌથી અગત્યનું છે.
એઆઇ બાબતે માઇક્રોસોફ્ટને એકદમ ઉતાવળ છે અને તેનું દબાણ હોવા છતાં ગૂગલ દરેક વાતમાં એકદમ ફૂંકી ફૂંકીને આગળ વધવા વાગે છે.
એટલે માઇક્રોસોફ્ટને કારણે દબાણમાં હોવા છતાં ગૂગલ આ બધા ફીચર્સ આપણા સુધી પહોંચાડવામાં બિનજરૂરી ઉતાવળ કરવા માગતી નથી.
આટલી પૂર્વભૂમિકા સાથે જીમેઈલ, ગૂગલ ડ્રાઇવ ને માઇક્રોસોફ્ટ ૩૬૫માં કેવાં ફીચર ઉમેરાઈ રહ્યાં છે અને તેનાથી અત્યારે કઈ તકલીફો ઉકેલાશે અને કેવી નવી તકલીફો સર્જાશે એની વાત કરીએ. જો તમે કોઈ નાનામોટા બિઝનેસમાં સંકળાયેલા હો તો નીચે જણાવેલાં ફીચર્સ વધુ સહેલાઈથી સમજી શકશો.

માની લો કે તમારી કંપનીમાં કોઈ પ્રોડક્ટના નવા કેમ્પેઇન પર કામ ચાલી રહ્યું છે. તમે ટીમને લીડ કરી રહ્યા છો. તમારી ટીમના જુદા જુદા મેમ્બર્સ પ્રોડક્ટ કેમ્પેઇન વિશે તમને જુદા જુદા મેઇલ મોકલી રહ્યા છે.
શરૂઆત થશે ઇમેઇલ્સના સારાંશથી
એઆઇ આધારિત નવા ફીચરની મદદથી તમે જીમેઇલની સિસ્ટમને કહી શકશો કે તે ચોક્કસ વિષય પર આવેલા બધા ઇમેઇલ્સની સમરી તૈયાર કરી આપે! એ કારણે તમારે બધા ઇમેઇલ એક પછી એક વાંચવા નહીં પડે પરંતુ તેમાંની સૌથી મહત્ત્વની બાબતોનો સાર તમને વાંચવા મળી જશે.
આ સાર વાંચ્યા પછી તમે જીમેઇલની સિસ્ટમને કહેશો કે તે સમરીને આધારે સમગ્ર ટીમ માટે તમારા તરફથી એક નવો મેઇલ ડ્રાફ્ટ કરી આપે. જીમેઇલની સિસ્ટમ, ટીમ લીડર તરીકે તમારે ટીમના સૌ સભ્યોને જે કહેવાનું હોય એનો ડ્રાફ્ટ તૈયાર કરી આપશે – આપમેળે!
દેખીતું છે કે ઇમેઇલ ડ્રાફ્ટ કરતી વખતે સિસ્ટમ એ વિષય પર અત્યાર સુધીમાં જે ચર્ચા થઈ છે તે ધ્યાને લેશે.
પ્રોડક્ટ કેમ્પેઇનની બ્રીફ તૈયાર થશે – ઓટોમેટિકલી
હવે તમે ગૂગલ ડ્રાઇવમાં પહોંચશો અને એઆઇ સિસ્ટમને કહેશો કે પ્રોડક્ટ કેમ્પેઇન વિશે જીમેઇલમાં જે કંઈ પ્રારંભિક ચર્ચા થઈ છે તેને આધારે પ્રોડક્ટ કેમ્પેઇન વિશે એક બ્રીફ નોટ તૈયાર કરી આપે.
તેમાં શું કરવાનું છે, કઈ રીતે કરવાનું છે, ટીમમાંથી કઈ જવાબદારી કોણ સંભાળશે વગેરે બાબતોની પણ સ્પષ્ટતા કરવાની છે. આ બધું કામ પણ, ટીમ લીડર તરીકે તમારા હળવા ઇશારે ગૂગલ ડ્રાઇવની એઆઇ આધારિત સિસ્ટમ કરશે – આપમેળે! સિસ્ટમ જે ડ્રાફ્ટ તૈયાર કરશે તેમાં તમે ઇચ્છો તેવા ફેરફારો કરી શકશો.
કેમ્પેઇનનું પ્રેઝન્ટેશન પણ તૈયાર થશે આપમેળે
માની લો કે આ તબક્કે પ્રોડક્ટ કેમ્પેઇન વિશે તમારે એક પ્રેઝન્ટેશન પણ તૈયાર કરવાનું છે. અત્યાર સુધીમાં ગૂગલની એઆઇ આધારિત સિસ્ટમને પ્રોડક્ટ કેમ્પેઇન વિશે ઘણી બધી માહિતી મળી ગઈ છે એટલે તેનું પ્રેઝન્ટેશન તૈયાર કરવાનું કામ પણ, તમારા વતી સિસ્ટમ કરી આપશે – આપમેળે!
ગૂગલ સ્લાઇડ્સ પ્રોગ્રામમાં જુદી જુદી સ્લાઇડ તૈયાર થતી જશે. દરેકમાં એક મહત્ત્વનો મુદ્દો અને તેને વિશે થોડી વધુ વાત કહેતાં બુલેટેડ પોઇન્ટ્સ તથા તેને સંબંધિત ઇમેજ પણ આપમેળે ઉમેરાતી જશે. અલબત્ત હજી પણ ટીમ લીડર તરીકે પ્રેઝન્ટેશન પર આખરી કંટ્રોલ તમારા હાથમાં છે. તમે ઇચ્છશો તે મુજબ પ્રેઝન્ટેશનમાં જરૂરી ફેરફારો કરી શકશો.
વીડિયો મીટિંગની નોટ્સ
હવે માની લો કે આ પ્રેઝન્ટેશન વિશે તમે ઇન્ટરનલ ટીમ સાથે અને પછી અમુક ક્લાયન્ટસ સાથે ગૂગલ મીટ પર વીડિયો મીટિંગ યોજી.
એ મીટિંગ શરૂ થતાં પહેલાં જ, તમે ગૂગલ મીટને નિશ્ચિત સૂચના આપી રાખી હશે, આથી તેની સિસ્ટમ મીટિંગ દરમિયાન જે કંઈ ચર્ચા થાય તેની વિગતવાર અને મુદ્દાસર નોટ્સ પણ તૈયાર કરતી જશે.
નોટ્સનું શેરિંગ – પર્સનાલઇઝ્ડ ને કસ્ટમાઇઝ્ડ
હવે તમે એ મીટિંગ નોટ્સ પર નજર ફેરવશો. બીજી તરફ ગૂગલ સ્પ્રેડશીટ્સમાં મીટિંગમાં સામેલ દરેક લોકોના ઇમેઇલ એડ્રેસનું એક લિસ્ટ તૈયાર કર્યું છે.
એની મદદથી તમે એ દરેક વ્યક્તિને મીટિંગ નોટ્સ શેર કરી શકશો, એ પણ દરેક વ્યક્તિ માટે પર્સનલાઇઝ્ડ મેસેજ સાથે એટલે કે મીટિંગમાં કોઈ વ્યક્તિને કોઈ ચોક્કસ જવાબદારી ફાળવવામાં આવી હશે તો તેમને માટે જનરેટ થતા મેઇલમાં એ જવાબદારીનો પણ ઉલ્લેખ હશે.
મીટિંગમાં ૨૦-૨૫ લોકો હોય તો પણ ટીમ લીડર તરીકે તમારે કઈ વ્યક્તિને કઈ જવાબદારી સોંપાઈ છે અને તેના ઇમેઇલમાં તેનો બરાબર ઉલ્લેખ થયો છે કે નહીં તેની ચિંતા રાખવાની જરૂર નથી. તે બધી ઝંઝટ એઆઇની શિરે રહેશે.
આ આખી પ્રોસેસ પૂરી થયા પછી તમે ટીમ મેમ્બર્સ માટે એક કોમન થેંક્યૂ નોટ ઇમેઇલમાં મોકલી શકો છો – તમારી ઇચ્છા હોય તો એટલી જહેમત જાતે લો અથવા એ કામ પણ એઆઇ કરી આપશે!
બીજી ઘણી રીતે કામ સહેલાં બનશે
આ તો આપણે કોઈ એક ટીમ વચ્ચેના ઇન્ટરએકશનની વાત કરી.
તમે એકલા કામ કરી રહ્યા હો ત્યારે પણ જીમેઇલ અને ગૂગલ ડ્રાઇવના વિવિધ પ્રોગ્રામ તમારું કામ ઘણી બધી રીતે પોતે સંભાળી લેશે. જેમ કે તમે એચઆર મેનેજર હો અને તમારી કંપનીમાં ડેટા એનાલિસ્ટની નવી પોસ્ટ માટે ભરતી કરવાની હોય, એ વિશે તમે લિંક્ડઇન પર નવી પોસ્ટ મૂકવા માગતા હો તો જીમેઇલ અથવા ગૂગલ ડોક્સમાં તમારે માત્ર એટલું જ કહેવાનું છે કે ‘ડેટા એનાલિસ્ટ માટેની રીક્રુટમેન્ટ પોસ્ટ તૈયાર કરી આપ.’
એઆઇ સિસ્ટમ તમારી કંપની વિશેનો પેરેગ્રાફ, તેમાં ડેટા એનાલિસ્ટની ભૂમિકા, યોગ્ય કેન્ડિડેટમાં કેવી લાયકાત હોવી જોઇએ, તેના વર્ક પ્રોફાઇલમાં કઈ કઈ બાબતો સામેલ હશે વગેરે બધું જ કન્ટેન્ટ પોતાની રીતે ડ્રાફ્ટ કરી આપશે.
તમે તમારી દીકરીના બર્થ ડે પર તેના ક્લાસમેટ્સ માટે એક પાર્ટી યોજી રહ્યા હો તો તેના ફ્રેન્ડઝને ગમે તેવી ફની લેંગ્વેજમાં પાર્ટી ઇન્વિટેશન લખી આપવાનું કામ પણ એઆઇ સિસ્ટમ કરી આપશે.
જોકે ગૂગલને આ બધા પર હજી પૂરો ભરોસો નથી!
આટલે સુધી વાંચીને તમે સમજી ગયા હશો કે જીમેઇલ અને ગૂગલ ડ્રાઇવમાં ઉમેરાઈ રહેલાં એઆઇ ફીચર્સ આપણો પડ્યો બોલ ઝીલવા માટે તૈયાર રહેશે. આપણે તેનો હળવો ઇશારો કરશું એ સાથે એ ઢગલાબંધ કન્ટેન્ટ પોતાની રીતે જનરેટ કરી આપશે.

અત્યાર સુધી આપણે સૌ જીમેઇલમાં ‘સ્માર્ટ રિપ્લાય’ જોતા આવ્યા છીએ. જીમેઇલમાં અને ગૂગલ ડોક્સમાં ‘સ્માર્ટ કંપોઝ’ ફીચર પણ છે. સ્માર્ટ રિપ્લાયમાં આપણા પર કોઈ ઇમેઇલ આવ્યો હોય તેના આધારે તદ્દન ટૂંકો ને ટચ રિપ્લાય મોકલવાનાં બે-ત્રણ સૂચન આપણને મળે છે તેમાંથી કોઈ એક સિલેક્ટ કરીએ એટલે તે મેઇલ સ્વરૂપે મોકલાઈ જાય. આપણે ત્રણ-ચાર શબ્દો પણ ટાઇપ કરવાની ઝંઝટ રહે નહીં.
સ્માર્ટ કંપોઝ ફીચર જરા જુદી રીતે કામ કરે છે. એમાં આપણે મેઇલ ડ્રાફ્ટ કરવાની શરૂઆત કરીને ‘ડીયર’ લખીએ એ સાથે ઇમેઇલ જેને મોકલવામાં આવી રહ્યો છે તેનું નામ કંપોઝ કરવા માટે સૂચવવામાં આવે. એ જ રીતે ઇમેઇલના ડ્રાફ્ટમાં વાક્ય ટાઇપ કરવાનું શરૂ કરીએ એ સાથે એઆઇ આધારિત સિસ્ટમ આગળના શબ્દો સૂચવતી જાય. આપણને યોગ્ય લાગે તો ટેબ કે એરો કી પ્રેસ કરીએ એ સાથે આગળનો શબ્દ કે ફ્રેઝ ફટાફટ ટાઇપ થઈ જાય, આપણે જાતે ટાઇપ કરવાની ઝંઝટ નહીં.
સ્માર્ટ કમ્યુનિકેશન એ છે કે જેમાં ઓછા શબ્દોમાં મહત્ત્વની વાત સચોટ રીતે કહેવામાં આવે. એઆઇ બધી વાત લંબાણપૂર્વક કહેવાની ‘સગવડ’ આપે છે.
આમ સ્માર્ટ રિપ્લાય અને સ્માર્ટ કંપોઝ જેવાં એઆઇ આધારિત ફીચરનો આપણે અત્યારે જ ઉપયોગ કરીએ છીએ. પરંતુ તેનો મુખ્ય ઉદ્દેશ આપણું કામ થોડું સહેલું અને થોડું ઝડપી બનાવવાનો છે.
જ્યારે હવે જે નવાં એઆઇ ફીચર ઉમેરાઈ રહ્યાં છે તેમાં આપણી લગભગ બધી જવાબદારી સંભાળી લેવા પર ભાર છે.
અત્યારનાં ફીચર્સમાં ટૂંકા મુદ્દાનો મહિમા છે. જ્યારે નવાં ફીચર્સમાં લખાણ લંબાવવા પર ભાર છે. જો તમે લીડર હશો તો અત્યારે જ તમારી ટીમમાં કોઈને કોઈ મેમ્બર એવા હશે, જે મુદ્દાને કારણ વિના ગોળ ગોળ ફેરવીને લંબાવતા હશે. નવાં ફીચરને કારણે ટીમમાં લગભગ બધા મેમ્બર એવા બની જશે! કેમ કે એમણે ફક્ત હળવો ઇશારો કરવાનો રહેશે. બાકીની આખી વાત એઆઇ લંબાણપૂર્વક કહી આપશે.
સ્માર્ટ બિઝનેસ કમ્યુનિકેશન એ જ છે કે જેમાં ઓછા શબ્દોમાં તમામ મહત્ત્વની વાત, મુદ્દાસર કહેવામાં આવે. જો એઆઇને કારણે વાતમાં કારણ વગરના વઘાર નાખવાનું પ્રમાણ વધી જશે તો કામ સહેલું બનવાને બદલે મુશ્કેલ થશે.

ગૂગલના પ્રોગ્રામ્સમાં આ ફેરફારો હવે થશે પણ, માઇક્રોસોફ્ટ ૩૬૫માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ફીચર ઉમેરાઈ ગયાં છે. કંપની તેમને ‘કોપાઇલટ’ તરીકે ઓળખાવે છે. માઇક્રોસોફ્ટ ૩૬૫ની એપ્સ એટલે કે વર્ડ, એક્સેલ, પાવરપોઇન્ટ, આઉટલૂક, ટીમ્સ તથા અન્ય એપ્સમાં આ સુવિધાઓ ઉમેરાઈ છે. માઇક્રોસોફ્ટના જણાવ્યા અનુસાર કોપાઇલટ ફીચર બે રીતે કામ કરે છે. એક, આ બધા પ્રોગ્રામમાં આપણે હળવો ઇશારો કરીએ એ પછી આપણા ડેટાને આધારે પ્રોગ્રામ પોતે કન્ટેન્ટ તૈયાર કરી આપે છે. એ ઉપરાંત આ ફીચર્સ બિઝનેસ ચેટ્સ તરીકે પણ ઉમેરાયાં છે, જેથી ટીમ કે સિસ્ટમ સાથે ચેટિંગ કરી શકાશે.

વર્ડમાં આપણે કંઈ પણ લખવું હોય ત્યારે જાતે લખવાને બદલે વર્ડને જ શરૂઆત કરવા કહી શકીએ છીએ. આપણી જરૂરિયાત મુજબ પહેલો ડ્રાફ્ટ વર્ડ પોતે તૈયાર કરી આપશે. માઇક્રોસોફ્ટ કહે છે કે કાં તો એ આપણને પરફેક્ટ લાગે અથવા તેમાં ઘણા સુધારા કરવા જેવું લાગે, પરંતુ મૂળ મુદ્દો એ કે શરૂઆત આપણે નહીં કરવી પડે.
માઇક્રોસોફ્ટે તેની બધી સર્વિસમાં એઆઇના ઉપયોગને ‘કોપાઇલટ’ તરીકે ઓળખાવે છે એટલે કે બધા કામમાં આપણો સ્માર્ટ સહયોગી!
પાવરપોઇન્ટમાં આખેઆખા પ્રેઝન્ટેશન પણ કોપાઇલટ તૈયાર કરી આપશે. જેમ કે આપણે થોડા સમય પહેલાં કોઈ ડોક્યુમેન્ટ તૈયાર કર્યું હોય અને તેના વિશે કોપાઇલટને જણાવીએ તો એ તેમાંથી ઇમેજ સાથેની અલગ અલગ સ્લાઇડવાળું પ્રેઝન્ટેશન તૈયાર કરી આપશે.
એક્સેલમાં આપણા ડેટા ટેબલમાંથી કોપાઇલટ ટ્રેન્ડ તારવી આપશે અને ગણતરીની સેકન્ડ્સમાં ડેટા વિઝ્યુઅલાઇઝેશન, જેમ કે ચાર્ટ અને ગ્રાફ પણ તૈયાર કરી આપશે!


