મેડિકલ સાયન્સમાં વર્ષોથી ટેકનોલોજીની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે. હવે તો એવો સમય આવી ગયો છે કે ઓપરેશન થિયેટરમાં સર્જનની સાથોસાથ સોફ્ટવેર એન્જિનીયર પણ હાજર હોય. આમ છતાં ડોકટરની ઓળખ સમા સ્ટેથોસ્કોપમાં વર્ષોથી કોઈ ફેરફાર થયો નથી. દર્દીના હૃદયના ધબકારામાં અનિયમિતતા તપાસવા માટેનું આ સાધન લગભગ ૧૫૦ વર્ષ જૂની પદ્ધતિ પર કામ કરે છે. પરંતુ હવે દક્ષિણ ભારતના અમુક મિત્રોએ સાથે મળીને બીજી બધી બાબતોની જેમ સ્ટેથોસ્કોપને પણ ડિજિટલ બનાવી દેવાનું બીડું ઉઠાવ્યું છે.

બન્યું એવું કે બેંગલુરુના એક વેટરનરી ડોકટર પાસે તેમના એક ડોગ પેશન્ટના હૃદયના ધબકારાનું વર્ષો જૂનું રેકોર્ડિંગ હતું. એ જૂના જમાનાની વિનાઇલ લોંગ પ્લે રેકર્ડ સ્વરૂપે હતું. ડોક્ટર જરા ખણખોદિયા જીવ હતા એટલે તેઓ આ રેકોર્ડિંગને વિવિધ રોગના નિદાનમાં મદદ કરે એવા એક નવા સમયના અલ્ગોરિધમમાં રન કરવા માગતા હતા. રેકોર્ડિંગ જૂના સમયનું હતું, બંનેનો મેળ કેમ બેસાડવો?
આવું શક્ય છે કે કેમ એ જાણવા માટે તેમણે એક મ્યુઝિક સ્ટુડિયોની મદદ લીધી. ત્યાંના સાઉન્ડ એન્જિનીયરને પણ વાતમાં રસ પડ્યો. બંનેએ વિચાર્યું કે જે રીતે એપલ અને એન્ડ્રોઇડમાં ‘શઝામ’ સર્વિસમાં (‘સાયબરસફર’માં આપણે તેની વિગતે વાત કરી છે) દુનિયાભરનાં ગીતોનો ડિજિટલ ડેટાબેઝ જાળવવામાં આવે છે અને યૂઝર્સ આ એપને કોઈ પણ મ્યુઝિક સંભળાવીને તેના વિશે ઘણા બધા પ્રકારની માહિતી મેળવી શકે છે, એ જ ટેકનોલોજી હૃદયના ધબકારા માપતાં સ્ટેથોસ્કોપને ડિજિટલ બનાવવામાં પણ કામ લાગવી જોઇએ.

બંને મિત્રોને આમાં લાંબા ગાળાનું ભવિષ્ય ધરાવતા સ્ટાર્ટઅપનો આઇડિયા દેખાયો. પહેલાં બંનેએ પોતાના રૂપિયા ખર્ચ્યા અને સંશોધન શરૂ કર્યું. પછી તેમને ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી તરફથી રૂપિયા ૫૦ લાખની ગ્રાન્ટ મળી. આ રૂપિયાની મદદથી તેઓ પોતાના લો કોસ્ટ પ્રોટોટાઇપને હાઇટેક અને ડિજિટલ સ્ટેથોસ્કોપ મશીનમાં ફેરવી શક્યા. જૂન ૨૦૨૧માં તેમણે ‘તાલ’ નામે ડિજિટલ સ્ટેથોસ્કોપનું વેચાણ શરૂ કર્યું (https://www.museinc.in/) હવે તેમને જાપાનના એક વેન્ચર પોઇન્ટ તરફથી મોટું ફંડિંગ મળ્યું છે.
જૂનું, પરંપરાગત સ્ટેથોસ્કોપ હૃદયના ધબકારાને મિકનિકલી ફિલ્ટર કરીને ડોકટરને સંભળાવે છે. તેમાં ધબકારાને એમ્પ્લિફાઇ કરવાની ખાસ સગવડ હોતી નથી. નવા ડિજિટલ સ્ટેથોસ્કોપમાં શરીરના અવાજોને મિકેનિકલી અને ઇલેક્ટ્રોનિકલી ફિલ્ટર કરી શકાય છે. તેમજ ડોકટર તેમની જરૂરિયાત અનુસાર વોલ્યૂમ કંટ્રોલ કરી શકે છે તથા વધુ ફિલ્ટર પણ કરી શકે છે. આ ડિજિટલ સ્ટેથોસ્કોપ હૃદયના ધબકારાને તેની એપમાં રેકોર્ડ કરી શકે છે અને તેનું જરૂરિયાત મુજબ એનાલિસિસ અને એડિટિંગ પણ કરી શકાય છે.

આ સ્ટેથોસ્કોપ ઓફલાઇન કામ કરી શકે છે. હાલમાં ટેલિમેડિસિન, રૂરલ હેલ્થકેર અને એજ્યુકેશનમાં આ ડિવાઇસનો ઉપયોગ દેખાઈ રહ્યો છે. સ્ટાર્ટઅપના સ્થાપકોને લાગે છે કે ભવિષ્યમાં લોકો ઘરમાં જ ફર્સ્ટએડ સાધન તરીકે આ ડિવાઇસ રાખતા થઇ જશે અને જરૂરી લાગે ત્યારે જાતે હૃદયના ધબકારા રેકોર્ડ કરીને ડોકટરને શેર કરી શકશે.
એક સ્ટેપ આગળ વધતાં આ ડિવાઇસના સંશોધકો શઝામ એપની જેમ તેમના ડિવાઇસથી રેકોર્ડ થતા ધબકારાનો એક સિક્યોર્ડ ડેટાબેઝ ઊભો કરીને તેને આધારે રોગનાં લક્ષણો પારખી શકે તેવું અલ્ગોરિધમ વિકસાવવાની કોશિશ કરી રહ્યા છે. સંશોધકો સ્પષ્ટ કરે છે કે આ સાધન ડોકટરને માત્ર નિદાનને વધુ સચોટ બનાવવામાં મદદરૂપ થવાના હેતુથી વિકસાવવામાં આવી રહ્યું છે.
