(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

તમારું વોટ્સએપ એકાઉન્ટ પ્રતિબંધથી કેમ બચાવશો?

વોટ્સએપ એક ફેમિલી એપ તરીકે શરૂ થઈ હતી અને હજી ઘણે અંશે એવી જ છે, પણ તેનો દુરુપયોગ જોખમી છે!

વોટ્સએપ એક મજાની ફેમિલી એપ છે. તકલીફ એ છે કે તેની સિમ્પિલિટી બહુ પાવરફુલ છે. એટલે, ખાસ કરીને ભારતમાં તે જબરી પોપ્યુલર થઈ. ફેસબુકને પણ વોટ્સએપમાં દમ દેખાયો એટલે તેને જંગી રકમ આપીને ખરીદી લીધી.

વોટ્સએપની માલિક બનેલી કંપની મેટા તેના યૂઝર્સના ડેટાની સિક્યોરિટી કે યૂઝર્સની પ્રાઇવસી (બંનેમાં ફેર છે!) વિશે ખાસ પરવા ન કરવા માટે જાણીતી છે, એટલે વોટ્સએપ પણ ફેસબુક કે મેસેન્જરને રસ્તે જશે એવો ડર હતો, પણ સદભાગ્યે એવું થયું નથી.

વોટ્સએપનું સૌથી સાદું ને જાણીતું વર્ઝન સાચા ફેમિલી ને ફ્રેન્ડ્સ સાથે સંપર્કમાં રહેવા માટે જ ડિઝાઇન થયેલું છે. હવે તેનો બિઝનેસ માટે ઉપયોગ વધવા લાગ્યો છે, પણ એ માટે કંપની અલગ એપ અને અલગ સુવિધાઓ આપે છે. સાદા વોટ્સએપને ડિજિટલ માર્કેટિંગ માટે નિચોવવા જઈએ તો એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકાવાની પૂરી શક્યતા છે!

કંપનીએ વોટ્સએપનું ‘હલકુંફૂલકું’ સ્વરૂપ જાળવી રાખ્યું છે, પણ પોતે તેમાંથી આવક ઊભી કરવા તેમ જ વિવિધ બિઝનેસને વોટ્સએપ પર પાવરફુલ ડિજિટલ માર્કેટિંગ કરવા દેવા માટે મેટાએ વોટ્સએપનાં નવાં, અલગ ટૂલ્સ અને બિઝનેસ એપીઆઇ જેવી સુવિધાઓ આપી છે.

મેટા કંપનીએ વોટ્સએપ ખરીદવામાં જંગી રોકાણ કર્યું હોય એટલે એ તેમાંથી કમાણી કરવાના રસ્તા શોધે તે સ્વાભાવિક છે.

પ્રોબ્લેમ એ છે કે સરેરાશ યૂઝર તરીકે આપણને તો વોટ્સએપના ફ્રી વર્ઝનમાં જ માર્કેટિંગ કરવાની લાલચ રહે છે!

આપણે જાણી જોઈને કે પછી અજાણતાં જ વોટ્સએપનાં ફીચર્સનો દુરુપયોગ કરીએ તો મુશ્કેલી થઈ શકે.

એવું કરવાનો પ્રયાસ કરીએ, કે પછી ખરેખર બદઇરાદાથી, અફવાઓ ફેલાવવા કે અન્ય યૂઝર્સને સાણસામાં લેવા વોટ્સએપનો દુરુપયોગ કરીએ તો વોટ્સએપ એ વાતને ગંભીરતાથી લઈને આપણા એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકી શકે છે.

એવું પણ બને કે આપણો ઇરાદો ખરાબ ન હોય, ફક્ત વોટ્સએપની બારીક મર્યાદાઓની સમજ ન હોય તો પણ વોટ્સએપ તેને પોતાની સર્વિસનો દુરુપયોગ ગણી લે અને આપણા વોટ્સએપ એકાઉન્ટ પર કામચલાઉ કે લગભગ કાયમી પ્રતિબંધ મૂકાઈ શકે છે! એવું થતું ટાળવા શું ધ્યાન રાખવું એ સમજીએ.

વોટ્સએપમાં સામાન્ય ગ્રૂપ અને બ્રોડકાસ્ટ લિસ્ટનો તફાવત તમે જાણો છો? બંનેમાં એક મેસેજ એક ક્લિકમાં અનેક મોકલી શકાય, પણ મહત્ત્વનો ફેરફાર એ છે કે બ્રોડકાસ્ટ ગ્રૂપમાં આપણે કોઈ પણ વ્યક્તિને ઉમેરીને તેને મેસેજ મોકલીએ તો તે એવી જ વ્યક્તિઓના વોટ્સએપમાં ડિલિવર થાય જેમણે પોતાના મોબાઇલમાં આપણો નંબર સેવ કર્યો હોય.

આપણે પોતાનો નંબર જેમાં સેવ્ડ ન હોય તેવા નંબર પર બ્રોડકાસ્ટ ગ્રૂપ દ્વારા વારંવાર મેસેજ મોકલીએ તો એકાઉન્ટ બ્લોક થઈ શકે છે.

બ્રોડકાસ્ટની બાજુમાં લખેલી શરત જેમને અઘરી પડતી હોય તેવા લોકો જાતે ગ્રૂપ બનાવી, તેમાં ધડાધડ અન્ય લોકોને ઉમેરે છે. જે લોકોના કોન્ટેક્ટ લિસ્ટમાં આપણો નંબર સેવ્ડ ન હોય તેમને આપણે ગ્રૂપમાં ઉમેરી તો શકીએ, પણ એ અકળાય એવું બની શકે.

આમ થતાં એ આપણા ગ્રૂપને શાંતિથી છોડી દે, પણ આપણે એમને ફરી ગ્રૂપમાં ઉમેરવાનો પ્રયાસ કરીએ, તો એ વધુ અકળાઈને ગ્રૂપને વાંધાજનક તરીકે રિપોર્ટ કરી શકે, એ સંજોગમાં એડમિન તરીકે આપણું એકાઉન્ટ પણ બ્લોક થઈ શકે.

‘ફોરવર્ડેડ મેની ટાઇમ્સ’ લેબલવાળા મેસેજ અને આપણે પોતે એક જ મેસેજ વારંવાર ઘણા લોકોને ફોરવર્ડ કરવાનો પ્રયાસ કરીએ એ બંનેમાં ફેર છે. અફવાઓનો ઝડપી પ્રસાર અટકાવવા વોટ્સએપ એક મેસેજ એક સમયે ફક્ત પાંચ લોકોને અને વધુમાં વધુ એક ગ્રૂપને ફોરવર્ડ કરી શકો છો.

‘ફોરવર્ડેડ મેની ટાઇમ્સ’ લેબલવાળા મેસેજને એક સમયે ફક્ત એક જ ચેટમાં ફોરવર્ડ કરી શકાય એવું વોટ્સએપ કહે છે, પણ ક્યારેક પોતે એવું ચલાવી લે છે, આપણે સાવચેત રહેવું સારું.

આગળ લખ્યું તેમ, અન્ય યૂઝર્સ આપણા ગ્રૂપ ઉપરાંત આપણને પોતાને બ્લોક કરે કે આપણને વોટ્સએપમાં રિપોર્ટ કરે તો વોટ્સએપ તરત આપણને બેન કરી દે એવું નથી, પણ એ વાત આપણી સામે નોંધાઈ જાય ખરી.

ઉપરાંત, કોઈ આપણને બ્લોક કરે તે પછી પણ આપણે તેને મેસેજ મોકલતા રહીએ તો તે સામી વ્યક્તિને ન પહોંચે, પણ વોટ્સએપમાં તેની નોંધ રાખવામાં આવે અને એમાં કંઈ ઘણું વાંધાજનક હોય તો એ વાતે આપણું એકાઉન્ટ બ્લોક થઈ શકે.

ટૂંકમાં વોટ્સએપ પર કોઈને અકળાવવા નહીં!

આપણા વોટ્સએપ એકાઉન્ટ પર પ્રતિબંધ ટાળવાનો સૌથી સારો રસ્તો એ કે કોઈ વ્યક્તિ આપણને મેસેજ મોકલે તે પછી તેમની સાથે ચેટિંગ શરૂ કરવું.

આવું દરેક વખતે શક્ય ન બને, પણ બને ત્યાં સુધી વોટ્સએપ પર પહેલો સંપર્ક ટાળવો, એટલે જ બધી કંપની આપણને પોતાનો નંબર સેવ કરી ‘Hi’ મેસેજ કરવા કહે છે.

સરેરાશ યૂઝર તરીકે આપણે ક્યારેક, આપણો નંબર સેવ ન કર્યો હોય એવી વ્યક્તિને વોટ્સએપ કરી જ શકીએ, પણ એવું વારંવાર કરીએ તો પ્રતિબંધને નોતરું આપવા જેવું થાય.

આપણે વોટ્સએપનો રોજિંદો, સરેરાશ ઉપયોગ કરીએ તો તેમાં પ્રતિબંધની ચિંતા રાખવાની જરૂર નથી, પણ માર્કેટિંગ માટે તેને નિચોવી લેવાનો પ્રયાસ કરીએ તો જોખમ ઊભું થાય. વોટ્સએપના માર્કેટિંગના ઉપયોગ માટે કંપની હવે નવા રસ્તા આપે છે અને તેનો તે ચાર્જ પણ લે છે. આથી દેખીતું છે કે વોટ્સએપના રેગ્યુલર વર્ઝનમાં તે એવું થવા ન દે. લિમિટમાં રહીને ગ્રૂપ્સ કે બ્રોડકાસ્ટ લિસ્ટનો ઉપયોગ કરવામાં કોઈ જોખમ નથી, પણ લિમિટ બહાર જવામાં સાર નથી.

ભારતમાં જેટલા લોકો પાસે સ્માર્ટફોન છે એમાંથી પોણા ભાગના વોટ્સએપ પર એક્ટિવ છે એટલે એ ઇન્ફર્મેશનની ગોલ્ડમાઇન છે! સરેરાશ યૂઝર્સને આ વાત લાગુ થતી નથી, પણ ઘણા ‘જાણકાર’ લોકો વોટ્સએપ પર એક્ટિવ યૂઝર્સના ફોનનંબર, તેમનાં પ્રોફાઇલ પિક્ચર્સ, સ્ટેટસ વગેરે આપોઆપ, બહુ મોટા પાયે મેળવી શકાય એવી ટ્રિક્સ અજમાવતા હોય છે. વોટ્સએપ આવા ‘સ્ક્રેપિંગ’ના પ્રયાસોને ગંભીરતાથી લે છે. તમામ કાયદા અને કંપનીની ટર્મ્સનું પાલન અનિવાર્ય છે.

વોટ્સએપ કંપની આડેધડ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકતી નથી, પણ એમ કરતાં પહેલાં એ ચેતવતી પણ નથી! તમારું એકાઉન્ટ બેન થાય અને તમને લાગે કે કંઈક ભૂલ થઈ છે તો  વોટ્સએપમાં ‘રીક્વેસ્ટ એ રીવ્યૂ’ની મદદ લઈ શકાય કે https://www.whatsapp.com/contact/ પરથી કંપનીનો સંપર્ક કરી શકાય.

આ વાત પહેલાં કરતાં હવે વધુ સહેલી બની છે, પરંતુ એવી સ્થિતિએ પહોંચવા કરતાં, વોટ્સએપનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવામાં જ મજા છે!


હવે વોટ્સએપના સ્ટેટસને પણ અન્ય યૂઝર્સ વાંધાજનક રીતે રિપોર્ટ કરી શકે છે. આવું રિપોર્ટિંગ વધે તો પણ આપણું એકાઉન્ટ બ્લોક થઈ શકે.

આપણા વોટ્સએપ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકાઈ જાય તે પછી તેને ફરી એક્ટિવ કરવું મુશ્કેલ છે – એટલે જ સાવચેતીમાં સાર છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!