ઘણી વાર એવું બને કે આપણે કોઈને ઈ-મેઇલ મોકલી રહ્યા હોઇએ, ત્યારે એ ઈ-મેઇલમાં બીજી કોઈ વ્યક્તિનો ઉલ્લેખ જરૂરી હોય અને તેમનું ઈ-મેઇલ એડ્રેસ જણાવવું પણ જરૂરી હોય. મોટા ભાગે લોકો આવી બીજી વ્યક્તિનું ઈ-મેઇલ એડ્રેસ શોધી, કોપી કરીને પછી તેને મેઇલબોક્સમાં પેસ્ટ કરતા હોય છે.
એમ કરવાને બદલે, જો એ વ્યક્તિનું એડ્રેસ આપણા કોન્ટેક્ટ્સમાં સેવ્ડ હોય તો એક સહેલો રસ્તો છે.

આપણે ઈ-મેઇલ કમ્પોઝ કરી રહ્યા હોઇએ, ત્યારે @ (એટ) સાઇન પછી જે તે વ્યક્તિનું નામ લખતાં એ વ્યક્તિનું ઈ-મેઇલ એડ્રેસ આપણા કોન્ટેક્ટ લિસ્ટમાં હોય તો તે મેઇલની ટેક્સ્ટમાં ઉમેરાઈ જાય છે. સામેની વ્યક્તિ, આપણો મેઇલ મળ્યા પછી, ટેક્સ્ટમાંની લિંક પર ક્લિક કરીને એ બીજી વ્યક્તિને ઈ-મેઇલ કરી શકે છે. ફેસબુક કે ટવીટરમાં એટ સાઇન સાથે કોઈનું નામ ઉમેરવાની સગવડ છે, બરાબર એવું જ કામ જીમેઇલમાં થઈ શકે છે.
આ જ રીતે જ્યારે આ બીજી વ્યક્તિનું એડ્રેસ ‘ટુ’ બોક્સમાં પણ ઉમેરવું હોય ત્યારે મેઇલના કમ્પોઝ બોક્સમાં મેસેજ ટાઇપ કરતી વખતે + સાઇન મૂકીને પેલી વ્યક્તિનું નામ ટાઇપ કરવાથી બે કામ થશે – એ વ્યક્તિનું ઈ-મેઇલ એડ્રેસ મેઇલ ટેક્સ્ટમાં લિંક તરીકે ઉમેરાશે અને ‘ટુ’ બોક્સમાં પણ ઉમેરાશે. એકથી વધુ વ્યક્તિને આપણે ઈ-મેઇલ કરી રહ્યા હોએ ત્યારે આ સગવડ વિશેષ કામની છે. વાત નાની છે, પણ ઉપયોગ શરૂ કર્યા પછી તેનું મહત્ત્વ સ્પષ્ટ થશે!
