છેલ્લાં થોડાં વર્ષોથી ‘બોકેહ’ કે ‘લાઇવ ફોકસ’ ફીચર ખાસ્સું લોકપ્રિય થયું છે, જે ડેપ્થ સેન્સર આધારિત હોય છે. આ પ્રકારની ફોટોગ્રાફીમાં એસએલઆર કેમેરાની જેમ કેમેરા કોઈ સબ્જેક્ટ પર ફોકસ કરીને પાછળનો ભાગ ધૂંધળો હોય એવી ઇફેક્ટ ક્રિએટ કરી શકાય છે.

સામાન્ય રીતે બજેટ કે મીડરેન્જના કેમેરામાં કાં તો સોફ્ટવેરની મદદથી અથવા ઓછા રેઝોલ્યુશનવાળા બીજા લેન્સની મદદથી આવી ઇફેક્ટ મેળવવામાં આવે છે. આ પ્રકારની ફોટોગ્રાફીમાં સારા રેઝોલ્યુશનવાળો પહેલો લેન્સ આગળની વ્યક્તિનો ફોટોગ્રાફ લે છે જ્યારે ઓછા રેઝોલ્યુશનવાળો બીજો લેન્સ બેકગ્રાઉન્ડનો ફોટો લે છે. આમ બે લેન્સ વચ્ચેના સંકલનથી ફોરગ્રાઉન્ડમાંની વ્યક્તિની શાર્પ ઇમેજ અને બેકગ્રાઉન્ડ બ્લર્ડ (ધૂંધળી) હોય તેવી ઇમેજ મળે છે, બંનેને જુદા પાડતી ધાર ‘એજ’ ડિટેક્ટ કરીને આ કરામત થાય છે.
પ્રમાણમાં મોંઘા ફોનમાં આવી ઇફેક્ટ મેળવવા માટે બહેતર ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. જેમ કે અમુક ફોનમાં વધારાનો લેન્સ હોય છે, જે ડિજિટલ ઝૂમની ક્વોલિટી સુધારે છે, સાથોસાથ પોટ્રેઇટ મોડમાં બહેતર બ્લર્ડ ઇફેક્ટ પણ આપે છે. એ જ રીતે અમુક ફોનમાં ટેલિફોટો લેન્સની મદદથી ડેપ્થ ઇન્ફર્મેશન મેળવીને વધુ સારી બોકેહ ઇફેક્ટ ધરાવતો ફોટોગ્રાફ મેળવવામાં આવે છે!

