
એક જાત અનુભવ શેર કરું? ત્રીસેક વર્ષ પહેલાં, એ સમયના પ્રતિષ્ઠિત મેગેઝિન ઇન્ડિયા ટુડે (ગુજરાતી)માં ટ્રેઇની જર્નાલિસ્ટની પોસ્ટ માટે નવી દિલ્હીમાં ઇન્ટરવ્યૂ આપવાનો હતો. અમને સૌને એ મેગેઝિનના એક પેજની પ્રિન્ટ આપવામાં આવી.
કહેવામાં આવ્યું કે આ વાંચી રાખો. ઇન્ટરવ્યૂ સમયે સિનિયર કોપી એડિટર શીલા ભટ્ટે પૂછ્યું કે ‘‘પેલું પેજ વાંચ્યું? એ વિશે કંઈ કહેવાનું છે?’’ પેજ વાંચ્યું તો હતું, પણ કહેવાનું કંઈ નહોતું! શીલાબહેને કહ્યું કે ‘‘પેજમાં જાણી જોઈને ઘણી ભૂલો રાખવામાં આવી હતી. તમને કોઈ દેખાઈ નહીં?’’ તતફફ સાથે માંડ કહ્યું કે ‘‘ભૂલો શોધવાનું કોઈએ કહ્યું નહોતું!’’ તરત તેમણે તીખો જવાબ આપ્યો કે ‘‘અહીં કોઈ કહેશે નહીં કે તમારે શું કરવાનું છે. એ તો સમજી જ લેવાનું હોય!’’
આ ટૂલ ગૂગલે ડેવલપ કર્યું છે તેથી આઇટી ફીલ્ડ માટે વધુ ઉપયોગી છે, પરંતુ અન્ય ફીલ્ડ માટેના જનરલ પ્રશ્નો પણ તેમાં છે.
એ અલગ વાત છે કે તેમણે આ લખનાર પર વિશ્વાસ મૂક્યો ને પ્રોબેશન પીરિયડ પૂરો થતાં પહેલાં પ્રમોશન પણ મળ્યું. મુદ્દો એ છે કે જિંદગીના એ પહેલા ઇન્ટરવ્યૂ પહેલાં થોડી પ્રેક્ટિસ કરી હોત, તો કદાચ પેલા પેજમાં ભૂલો શોધી બતાવી હોત! સમય જુદો હતો એવું બહાનું ન ચાલે, પણ અત્યારે સમય જુદો છે એ હકીકત છે.
આ સાઇટ પર આપણે વિવિધ પ્રશ્નોના બોલીને કે ટાઇપ કરીને જવાબ આપી શકીએ. પછી તેનો ફીડબેક મળે.
અત્યારે દુનિયા બહુ આગળ વધી ગઈ છે અને વેલ-ઇન્ફોર્મ્ડ રહેવા માટે જરૂરી સાધનો પણ બહુ વધી ગયાં છે. તેનો પૂરો લાભ લેવો કે નહીં એ આપણા હાથમાં છે. જ્યારે એક પોસ્ટ માટે અનેક લોકોએ એપ્લાય કર્યું હોય ત્યારે ઇન્ટરવ્યૂ પહેલાંની તૈયારી જ આપણને બીજાથી આગળ રાખી શકે.

આવી તૈયારી કરવા માટે હમણાં ગૂગલે આપણને એક ટૂલની ભેટ આપી (યાદ છેને, ગૂગલની સ્થાપના પીએચ.ડી.ની તૈયારી કરતા બે વિદ્યાર્થીઓએ કરી હતી). ‘ઇન્ટરવ્યૂ વૉર્મઅપ’ નામનું આ ટૂલ, ક્રિકેટમાં અસલી પીચ પર પહોંચતાં પહેલાં નેટ પ્રેક્ટિસ ને વૉર્મઅપ કરાવવામાં આવે તેમ, અસલી ઇન્ટરવ્યૂ પહેલાંની નેટ પ્રેક્ટિસ કરાવે છે.
આપણા જવાબો માટે કોઈ સ્કોર કે રેન્કિંગ નથી, મહત્ત્વની માત્ર પ્રેક્ટિસ છે અને તેમાંથી મળતી ઇન્સાઇટ્સ છે.
ટૂલ આઇટી સ્ટુડન્ટ્સને વધુ કામનું છે પણ ગ્લોબલ લેવલે ઇન્ટરવ્યૂમાં કેવા પ્રશ્નો પૂછાય છે, કઈ બાબતો પર ધ્યાન અપાય છે, આપણે એ માટે કેટલા તૈયાર છીએ એ બધું જાણવું-સમજવું હોય અને ખાસ તો, આપણું પર્ફોર્મન્સ સુધારવું હોય, તો આ ટૂલ સૌ કોઈને કામ લાગે તેવું છે – પછી ઇન્ટરવ્યૂ પહેલી જોબ માટે હોય કે વધુ સારી જોબ માટે!
ઇન્ટરવ્યૂ વૉર્મઅપ (https://grow.google/certificates/interview-warmup/) નામનું આ ટૂલ મૂળ તો ગૂગલે તેના સર્ટિફિકેટ કોર્સિસમાં જોડાતા લોકો માટે તૈયાર કર્યું હતું (છ મહિનામાં, ચાર વર્ષના ડિગ્રી કોર્સની સમકક્ષ લાવી દેતા આ કોર્સિસ વિશે આપણે ‘સાયબરસફર’માં અગાઉ વાત કરી છે). હવે તેને તમામ લોકો માટે ઓપન કરી દેવામાં આવ્યું છે.

આ ટૂલનો કન્સેપ્ટ બહુ સાદો છે – આપણને ઇન્ટરવ્યૂ માટે તૈયાર કરવા. આપણે તેની વેબસાઈટ પર જઇને પોતાનું ફીલ્ડ પસંદ કરી શકીએ. તેમાં આપણને વિવિધ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવે. આપણે વોઇસ ટાઇપિંગથી તે પ્રશ્નના જવાબ આપીએ અને તે જવાબ સ્ક્રીન પર ટાઇપ થતા જાય. ઇચ્છીએ તો કીબોર્ડની મદદથી જવાબ ટાઇપ કરી શકીએ. પછી એડિટ પણ કરી શકાય. એ પછી આપણા જવાબો વિશે આપણને અલગ અલગ રીતે ફીડબેક આપવામાં આવે.
આ ટૂલ ગૂગલે ડેવલપ કર્યું હોવાથી તેમાં ઇન્ફર્મેશન ટેકનોલોજીના વિવિધ ફીલ્ડ પર દેખીતી રીતે વધુ ભાર છે. ગૂગલ તેના સર્ટિફિકેટ કોર્સ જે સબ્જેક્ટમાં ઓફર કરે છે, મુખ્યત્વે એ જ વિષયો માટેના જોબ ઇન્ટરવ્યૂની અહીં પ્રેક્ટિસ કરી શકાય છે. સાઇટ પર આપણે ડેટા એનાલિટિક્સ, ઇ-કોમર્સ, આઇટી સપોર્ટ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ તથા યુએક્સ ડિઝાઇન માટે જોબ ઇન્ટરવ્યૂની પ્રેક્ટિસ કરી શકીએ છીએ.

આ ઉપરાંત ગૂગલે જનરલ ફીલ્ડ્સ માટે પણ એક સેકશન ઉમેર્યું છે. આ છમાંથી કોઈ પણ ફીલ્ડ પર ક્લિક કરતાં આપણને તેને લગતા સવાલો વારાફરતી પૂછવામાં આવે છે. મોટા ભાગના ઇન્ટરવ્યૂની જેમ અહીં પણ ‘‘તમારે પોતાને વિશે કંઈક કહેશો?’’ એવા સવાલથી શરૂઆત કરવામાં આવે છે. તે સાથે આપણને ધરપત આપવામાં આવે છે કે અહીં કોઈ સવાલના જવાબ સાચા કે ખોટા નથી, હેતુ માત્ર પ્રેક્ટિસનો છે!
આ ટૂલ માટે ગૂગલે વિવિધ ફીલ્ડના એક્સપર્ટ્સ પાસેથી ઇન્ટરવ્યૂમાં સામાન્ય રીતે પૂછાતા પ્રશ્નોનું લાંબું લિસ્ટ બનાવ્યું છે. આપણને તેમાંથી રેન્ડમ રીતે પ્રશ્નો પૂછવામાં આવે છે. આપણને બોલીને કે ટાઇપ કરીને જવાબ આપી શકીએ.
કોઈ પણ સારી કંપનીમાં કેન્ડિડેટ્સના ઇન્ટરવ્યૂ લેવામાં આવે ત્યારે તેને મુખ્યત્વે ત્રણ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે – કેન્ડિડેટનું બેકગ્રાઉન્ડ, જેમાં તેમના એજ્યુકેશન, અગાઉની જોબ, ઇન્ટરેસ્ટના વિષયો વગેરે બાબતો વિશે પૂછવામાં આવે. ત્યાર પછી ‘સિચ્યુએશનલ ક્વેશ્ચેન્સ’ પૂછવામાં આવે.

જેમાં જે ફીલ્ડ કે પોસ્ટ માટે ઇન્ટરવ્યૂ હોય તેને સંબંધિત કોઈ ચોક્કસ સ્થિતિમાં કેન્ડિડેટે અગાઉ કેવા નિર્ણય લીધા હતા અથવા ભવિષ્યમાં ખાસ સ્થિતિ ઊભી થાય ત્યારે એ કેવા નિર્ણય લેશે એ પૂછવામાં આવે. ત્રીજા ભાગમાં ટેકનિકલ ક્વેશ્ચેન્સ હોય જેમાં વ્યક્તિનું ફીલ્ડ વિશેનું નોલેજ અને સ્કિલ તપાસવામાં આવે. આ બધી માહિતી બાયોડેટામાં આપી ચૂક્યા હોઇએ, તેમ છતાં ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવે અને એ રીતે આપણો કોન્ફિડન્સ, કમ્યુનિકેશન સ્કિલ્સ, પ્રેઝન્સ ઓફ માઇન્ડ અને ટેકનિકલ નોલેજ તપાસવામાં આવે. આ ટૂલમાં આ જ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે.
આ ટૂલ બે રીતે નોંધપાત્ર છે. એક તેમાં વિવિધ વિષયના નિષ્ણાતો અને એચઆર એક્સપર્ટ્સની મદદ લેવામાં આવે છે. ઇન્ટરવ્યૂની પ્રેક્ટિસ માટે જે તે ફીલ્ડ અનુસાર જે પ્રશ્નો નક્કી કરવામાં આવે છે, તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે મશીન લર્નિંગની કોઈ ભૂમિકા હોતી નથી. આ પ્રશ્નો જે તે ફીલ્ડના એક્સપર્ટ્સ પોતે જ નક્કી કરે છે. પરંતુ આપણે જે જવાબો આપીએ તેના પર ફીડબેક માટે મશીન લર્નિંગ કામે લગાડવામાં આવે છે.

ફરીથી ધ્યાન આપશો કે આ ટૂલ આપણું પોતાનું સબ્જેક્ટ નોલેજ તપાસવા માટેનું ટૂલ નથી. એ માત્ર જવાબો કેમ આપવા તેની પ્રેક્ટિસ માટે છે. આથી તેમાં આપણે કેટલા સવાલના જવાબ સાચા આપ્યા કે ખોટા આપ્યા તે કહેવામાં આવતું નથી. અહીં કોઈ પ્રકારનું સ્કોરિંગ કે રેન્કિંગ થતું નથી. માત્ર આપણા જવાબોને આધારે ‘ઇન્સાઇટ્સ’ આપવામાં આવે છે. તેના પર કામ કરીને આપણું પર્ફોર્મન્સ સુધારવાની જવાબદારી આપણી પોતાની.
આ ટૂલમાં, આપણું કોઈ સબ્જેક્ટનું કેટલું નોલેજ છે તે તપાસવામાં આવતું નથી. ફક્ત એ જોવામાં આવે છે કે આપણે કેવા અને કેવી રીતે જવાબ આપીએ છીએ. તેમાં ઇન્ટરવ્યૂ લેનારને જે જોઈતી હોય તે બાબતો સામેલ છે?
ટૂલ ગૂગલ કે ફેસબુકનું હોય તો હવે લોકોને પહેલી ચિંતા પ્રાઇવસીની થતી હોય છે. ઇન્ટરવ્યૂની પ્રેક્ટિસ વિશેના ટૂલ વિશે જાણીને તમારો પણ પહેલો પ્રતિસાદ કદાચ એવો હોઈ શકે કે ગૂગલ આપણો ડેટા જાણી જશે!

વાસ્તવમાં ગૂગલ સ્પષ્ટતા કરે છે કે આ સાઇટ પર આપણે આપેલા જવાબો સેવ કરવામાં આવતા નથી. આપણા સિવાય કોઈ તે જોઈ શકતું નથી.
આપણે ઇચ્છીએ તો પોતાના જવાબો કોપી કરીને અન્ય ડોક્યુમેન્ટમાં પેસ્ટ કરી શકીએ. બધા સવાલના જવાબ આપ્યા પછી તેની ટ્રાન્સ્ક્રિપ્ટ ડાઉનલોડ કરવાની પણ સગવડ છે. ઉપરાંત મુદ્દો પ્રેક્ટિસનો જ છે એટલે તમે પોતાની વાસ્તવિક વિગતો આપ્યા વિના માત્ર કાલ્પનિક વિગતો સાથે પણ અહીં પ્રેક્ટિસ કરી શકો છો.
આમ પણ, ઇન્ટરનેટ પર અન્ય જગ્યાએ આપણે પ્રાઇવસીની ચિંતા કરતા નથી, તો અહીં શા માટે?!
આ મુદ્દાનો સવાલ છે – સ્માર્ટફોનની મદદથી સાચા ઇન્ટરવ્યૂ માટેની ખરેખર સારી તૈયારી થઈ શકે ખરી? સ્વીમિંગ વિશેની ચોપડી વાંચીને તરતાં શીખી ન શકાય, બરાબર, પણ પ્લેનના પાઇલોટ સીધા કોકપીટમાં પહોંચતા નથી. તેમને પહેલાં સિમ્યુલેટર પર પ્લેન ઉડાડતાં શીખવવામાં આવે છે.

હા, આ ટૂલમાં પણ સ્પષ્ટતા કરવામાં આવે છે કે તે બધા પ્રકારના ઇન્ટરવ્યૂમાં, બધા પ્રકારના લોકોને મદદરૂપ થઈ શકે એવું શક્ય નથી. તે માત્ર ઇન્ટરવ્યૂની તૈયારી કરવામાં આપણી મદદ કરે છે. અત્યાર સુધી આપણે આ કામ અરીસા સામે, મિત્રોની હાજરીમાં કે કોલેજ/કોચિંગ ક્લાસના કોચ સામે કરતા આવ્યા છીએ.
હવે ઇન્ટરવ્યૂની તૈયારી કરવા માટે આપણને વધુ એક ટૂલ મળ્યું છે. તેનો લાભ લેવો કે ન લેવો તે આપણા ઉપર જ છે!
સારી કંપનીમાં સારો જોબ લેવા માટે તમે સીરિયસ હો તો આ ટૂલને પણ સીરિયસલી લેવા જેવું છે. તેના પર જેટલી વધુ પ્રેક્ટિસ કરશો એટલા તમે ઇન્ટરવ્યૂ માટે વધુ તૈયાર થશો.
જો તમે અત્યાર સુધીમાં કોઈ ઇન્ટરવ્યૂનો સામનો કર્યો હશે અને પછી જાતે જ તમારા પર્ફોર્મન્સનું એનાલિસિસ કર્યું હશે તો તમે પોતે આપેલા જવાબોમાંથી કેટલીક ભૂલો કે પેટર્ન પકડી શક્યા હશો.

જેમ કે, અમુક સવાલના જવાબ આપતાં તમે થોથવાઈ ગયા હશો. વાતચીત દરમિયાન તમે અમુક શબ્દો વારંવાર બોલ્યા હશો અથવા ઇન્ટરવ્યૂ જે ફીલ્ડ માટે હોય તેને લગતા શબ્દો કે તેમાં તમારી આવડત દર્શાવતા શબ્દો બોલવાનું તમે ચૂકી ગયા હશો (બની શકે કે બધું જ આનાથી ઉલટું થયું હોય અને તમે ઇન્ટરવ્યૂ ક્રેક કરી શક્યા હો!).

આ ટૂલમાં આપણે પૂછાયેલા સવાલોના જવાબ આપીએ પછી મશીલ લર્નિંગની મદદથી તેનું એનાલિસિસ કરીને આપણને ત્રણ બાબતોમાં ઇન્સાઇટ્સ આપવામાં આવે છે ઃ જોબ રિલેટેડ ટર્મ્સ, મોસ્ટ યૂઝ્ડ વર્ડ્ઝ અને ટોકિંગ પોઇન્ટ્સ). આ ત્રણેય શું છે એની વાત આગળના પેજ પર કરી છે. તેમાં ‘જોબ રીલેટે઼ડ ટર્મ્સ’ તરફ ખાસ આપજો. આઇટી સપોર્ટ, ઇ-કોમર્સ, ડેટા એનાલિટિક્સ જેવા ફીલ્ટમાં અમુક ચોક્કસ શબ્દો – ટેક જાર્ગન્સનો ઉપયોગ થયો હોય છે. ગૂગલે અહીં જ તેની આખી ગ્લોસરી તૈયાર કરી આપે છે, એ દરેક શબ્દની ટૂંકી સમજ સાથે. બીજે ક્યાંય કશું શોધવા જવું પડશે નહીં!
જોબ રિલેટેડ ટર્મ્સ
આપણે આપેલો જવાબ સબમિટ કરીએ તે પછી ‘જોબ રિલેટેડ ટર્મ્સ’ બટન પર ક્લિક કરીએ તો આપેલા જવાબમાં કેટલા શબ્દો આપણા ફીલ્ડને માટે સંબંધિત છે તે હાઇલાઇટ કરવામાં આવે છે. આવા શબ્દોનો ઉપયોગ જે તે સબ્જેક્ટ વિશેનું આપણું નોલેજ દર્શાવે છે.

આપણે જે તે ટર્મ પર ક્લિક કરીને તેની સ્પષ્ટ વ્યાખ્યા જાણી શકીએ છીએ તેમજ પોતાના સબ્જેક્ટ સંબંધિત અન્ય ટર્મ્સ પણ જાણી શકીએ છીએ (આગળ કહ્યું તેમ, ટૂલ આવા શબ્દોનું લાંબું લચક લિસ્ટ અને દરેકની ટૂંકી સમજ આપે છે).
ઇન્ટરવ્યૂ સમયે ટૂંકા સમયમાં, આપણે પોતાના ફીલ્ડમાં કેટલું નોલેજ ધરાવીએ છીએ એ બતાવવાનું હોય છે. ઓવરકોન્ફીડન્સ નહીં, પણ કોન્ફીડન્સ તો બતાવવો જ પડે. એ દૃષ્ટિએ, ઇન્ટરવ્યૂ સમયે પોતાની વાતચીતમાં સ્માર્ટ રીતે આ શબ્દો વણી લેવામાં આવે તો તેની અસર ઇન્ટરવ્યૂ લેનાર પર ચોક્કસ થાય છે, પરંતુ એ વિશે આગળ વધુ કંઈ પૂછવામાં આવે તો જવાબની તૈયારી હોવી જોઈએ!
મોસ્ટ યૂઝ્ડ વર્ડ્ઝ
બની શકે કે તમે તમારા જવાબમાં ‘ફ્રેન્કલી’ કે ‘એક્ચ્યુલી’ જેવા શબ્દો વારંવાર બોલતા હો. આ ટૂલ કહે છે કે એક જ શબ્દ વારંવાર બોલવામાં કંઈ ખોટું નથી. પરંતુ એવું પણ બને કે એ કારણે આપણે નર્વસ હોવાનું દેખાઈ આવે!

ટૂલ જ્યારે આપણા જવાબનું એનાલિસિસ કરે ત્યારે એક જવાબમાં ત્રણ કે તેથી વધુ વાર રીપીટ થતા શબ્દો હાઇલાઇટ કરે છે. તેના પર ક્લિક કરતાં એ શબ્દને બદલે બીજો ક્યો શબ્દ વાપરી શકાય એ પણ બતાવવામાં આવે છે. આપણી ઇંગ્લિશ વોકેબ્યુલરી સારી હોય તો પણ ઇન્ટરવ્યૂ સમયે અમુક શબ્દોનું પુનરાવર્તન બેધ્યાનપણે થઈ જતું હોય છે. આ ટૂલ એ તરફ આપણું ધ્યાન દોરે છે.
ટોકિંગ પોઇન્ટ્સ
ટોકિંગ પોઇન્ટ્સ એટલે ઇન્ટરવ્યૂ દરમિયાન વાતચીતને આગળ ધપાવતા કે આપણે ઉલ્લેખ કરવો જોઈએ તેવા મુદ્દાઓ. આપણે જે જવાબ આપીએ તેમાં – સવાલના સંદર્ભ મુજબ – આપણો અનુભવ, આવડત, જે તે સ્થિતિમાંથી આપણે શું શીખ્યા છીએ વગેરે બાબતોનો ટૂંકો પણ સ્પષ્ટ ઉલ્લેખ થવો જોઈએ.

આ ટૂલ આપણા જવાબનું એનાલિસિસ કરી, તેમાં આવા કયાં ‘ટોકિંગ પોઇન્ટ્સ’ હતાં અને હજી વધુ કેવાં પોઇન્ટ્સ ઉમેરી શકાય તે બતાવે છે.
