
વાત યુકેનાં એક દાદીની છે. દુનિયાભરનાં દાદા-દાદી કે નાના-નાનીની જેમ આપણાં આ યુકેવાળાં દાદી પણ વોટ્સએપ પર ખાસ્સાં એક્ટિવ હતાં.
વિદેશોના સામાન્ય ધારા મુજબ આ દાદી એકલવાયાં રહેતાં હતાં. પરિવારનાં સંતાનો પોતપોતાની રીતે અલગ સેટલ થયાં હતાં. દાદી એ સૌ સાથે વોટ્સએપ પર કનેક્ટેડ રહેતાં હતાં. એમની દીકરીને રોજ રાત્રે ‘ગુડ નાઇટ’નો ટેકસ્ટ મેસેજ મોકલવાનો ધારો એમણે જાળવી રાખ્યો હતો. સામે દીકરી પણ એમને અચૂક જવાબ વાળતી.
એક રાત્રે એવું બન્યું કે દાદીએ દીકરીને ગુડ નાઇટ મેસેજ મોકલ્યો, પણ દીકરીએ જવાબ આપ્યો નહીં.
દાદીને નવાઈ લાગી. તેમને થયું કે હજી બપોરે તો દીકરી સાથે ઘણી વાત કરી હતી અને તેણે કહ્યા મુજબ પોતે તેના એકાઉન્ટમાં પાઉન્ડ ટ્રાન્સફર કર્યા હતા. દીકરીએ નાણાં પહોંચી ગયાનું કન્ફર્મેશન પણ મોકલ્યું હતું. તો હવે રાત્રે કાયમની જેમ, પોતાના ગુડ નાઇટ મેસેજનો જવાબ કેમ આપ્યો નહીં?
ભારતનાં દાદા-દાદી મોટા ભાગે વોટ્સએપ પર તો એક્ટિવ હોય છે, પરંતુ ઓનલાઇન મની ટ્રાન્ઝેકશન કરતાં હજી તેઓ ખચકાય છે. યુકેવાળાં દાદી એ બાબતમાં પણ સ્માર્ટ હતાં. એ જરૂરિયાત ઊભી થાય ત્યારે પોતાના સ્માર્ટફોનમાંથી અન્ય લોકોના એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરી શકતાં હતાં.
દીકરીએ હંમેશની જેમ ગુડ નાઇટ મેસેજનો જવાબ વાળ્યો નહીં એટલે દાદીને કંઈક કાચું કપાયું હોવાની શંકા ગઈ. પછી આખી વાત બહાર આવી.
થયું એવું હતું કે કોઈ જાણકારે દાદી એકલાં રહેતાં હોવાની માહિતી મેળવ્યા પછી, તેમની દીકરી વિશે ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા પરથી ઘણી માહિતી મેળવી હતી. પછી દાદીને એક વોટ્સએપ મેસેજ મોકલીને પોતે એમની દીકરી જ છે, એવી રીતે ચેટ શરૂ કરી. હેકરે વાતવાતમાં કહ્યું હતું કે, ‘‘મમ્મી, મેં હવે નવો ફોન નંબર મેળવ્યો છે અને એટલે જૂનો નંબર ડિલીટ કરી, આ નવો નંબર સેવ કરી લે.’’

પેલી દીકરી સોશિયલ મીડિયા પર ખાસ્સી એક્ટિવ હશે, એટલે પોતાની રોજબરોજની પ્રવૃત્તિઓ છૂટથી સૌ સાથે શેર કરતી હતી. અમુક માહિતી માત્ર ખરેખરા ફ્રેન્ડ સુધી સીમિત રહેવી જોઈએ. એવી તકેદારી રાખ્યા વિના, એ કદાચ એવી રીતે પોસ્ટ કરતી હતી કે કોઈ પણ વ્યક્તિ આ વિગતો જોઈ શકે. પેલા હેકરે આ વિગતોને આધારે દાદી સાથે એવી સ્માર્ટ રીતે ચેટિંગ કર્યું કે દાદીને પોતે પોતાની દીકરી સાથે નહિ પરંતુ અન્ય વ્યક્તિ સાથે વોટ્સએપ પર ચેટ કરી રહ્યાં છે એવી શંકા ન ગઈ.
હવે હળવેકથી પેલા હેકરે મેસેજ મૂક્યો કે ‘‘મમ્મી, મારે એેક-બે દિવસ માટે થોડા પાઉન્ડની જરૂર છે. મારા આ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી આપીશ?’’
દાદી ઓનલાઇન મની ટ્રાન્સફર કરવા જેટલાં સ્માર્ટ હતાં, પરંતુ દીકરી પોતાના કાયમી નંબરને બદલે નવા નંબર પરથી ચેટ કરી રહી હતી કે નવા બેન્ક એકાઉન્ટમાં પાઉન્ડ ટ્રાન્સફર કરવાનું કહી રહી હતી એ વાતને શંકાની નજરે જોવા જેટલાં સ્માર્ટ નહોતાં. તેમણે બધું મળીને, રૂપિયામાં ગણતરી કરીએ તો ૧૫ લાખ રૂપિયા જેટલા પાઉન્ડ પોતાની ‘દીકરી’ને ટ્રાન્સફર કરી નાખ્યા.
આખી વાતમાં દાદીની દેખીતી ભૂલ છે, પણ એમની દીકરીએ સોશિયલ મીડિયા પર પોતાની બધી વાતો શેર કરીને હેકરની મદદ કરી એ પણ યાદ રાખવા જેવું છે.
હવે આખી વાતની પોલીસ તપાસ ચાલી રહી છે. હેકરને પકડવાના પ્રયાસો થઈ રહ્યા છે. વોટ્સએપમાં આવતી બધી જ બાબતોને સાચું માની લેતા તમામ લોકો માટે આ કિસ્સો ચેતવણી સમાન છે.

