આગળ શું વાંચશો?
- સ્નેપચેટમાં સ્ટોરીઝમાં વચ્ચે એડ આવશે ને ક્રિએટરને કમાણી થશે
- વોટ્સએપના ડેસ્કટોપ વર્ઝનમાં એક કામની સુવિધા ઉમેરાઈ
- યુટ્યૂબ મ્યુઝિક સર્વિસમાં ડાઉનલોડેડ કન્ટેન્ટ પ્લે કરવાનું વધુ સરળ બનશે
- ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ અને એક્ટિવિટીનું મેનેજમેન્ટ સહેલું બન્યું
- હવે ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરીઝને લાઇક કરી શકાશે, જોકે…
વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરે દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તેના યૂઝર્સને તેના કોન્ટેક્ટ્સને ૨૪ કલાક સુધી દેખાય અને પછી દૂર થાય એવાં સ્ટેટસ કે સ્ટોરી અપલોડ કરવાની સગવડ આપે છે.

સ્નેપચેટમાં પણ આ રીતે સ્ટોરી શેર કરવાની સગવડ છે અને હવે તેમાં ક્રિએટર્સને સ્ટોરીમાંથી ઇન્કમ ઊભી કરવાની તક આપવામાં આવી રહી છે. આ ફીચર મુજબ સ્નેપચેટ પર સ્ટોરી શેર કરવામાં આવે ત્યારે તેમાં વચ્ચે જાહેરાત જોવા મળશે (જે રીતે યુટ્યૂબમાં વીડિયોમાં વચ્ચે એડ્સ આવે છે એ જ રીતે) અને જે ક્રિએટરની સ્ટોરીમાં આ રીતે એડ્સ દેખાશે તે ક્રિએટરને એ જાહેરાતની કમાણીમાંથી ભાગ મળશે!
અત્યારે આ ફીચર માત્ર યુએસમાં, અમુક યૂઝર્સ માટે રોલઆઉટ થઈ રહ્યું છે. સામાન્ય રીતે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક સ્નેપચેટનાં ફીચર્સની કોપી કરે છે પણ આ બાબતે સ્નેપચેટ પાછળ રહી છે!
વોટ્સએપના ડેસ્કટોપ વર્ઝનમાં એક નવી સુવિધા ઉમેરાઈ રહી છે. ફેમિલી ગ્રૂપ્સમાં મેસેજિંગ ઉપરાંત હવે લોકો બિઝનેસ ઉપયોગ માટે પણ વોટ્સએપનો બહોળો ઉપયોગ કરવા લાગ્યા છે.

આ માટે વોટ્સએપનું ડેસ્કટોપ વર્ઝન વધુ ઉપયોગી થાય છે. વોટ્સએપનો એક સાથે ચાર ડિવાઇસમાં ઉપયોગ શક્ય બનતાં તેના ડેસ્કટોપ વર્ઝનનો ઉપયોગ વધ્યો છે. હવે જો તમે પીસીમાં વોટ્સએપનો ઉપયોગ કરતા હો તો તમારા પર આવેલી કોઈ વોઇસ નોટ તમે પ્લે કરવાનું શરૂ કરો એ પછી અન્ય ચેટમાં જાઓ તો પણ પેલી વોઇસનોટ પ્લે કરવાનું ચાલુ રાખી શકશો.
આ સુવિધા આઇઓએસના બિટા અપડેટમાં જોવા મળી હતી અને હવે તે ડેસ્કટોપ પર પણ આવી રહી છે. આ સુવિધાને કારણે વોટ્સએપમાં વોઇસનોટ પ્લે થઈ રહી હોય ત્યારે આપણે તેને સંબંધિત અન્ય ચેટ્સ પણ તપાસી શકીએ છીએ.
યુટ્યૂબ મ્યુઝિક સર્વિસે તેની એન્ડ્રોઇડ એપમાં ડાઉનલોડનો શોર્ટકટ ઉમેર્યો છે.
આ કારણે જો તમે તમારા સ્માર્ટફોનમાં આ એપ ઇન્સ્ટોલ કરી હોય તો આ ફીચરની મદદથી તમારી પસંદગીનાં ગીતો વધુ ઝડપથી પ્લે કરી શકશો.
એ માટે તમારે એન્ડ્રોઇડમાં યુટ્યૂબ મ્યુઝિક એપના આઇકનને જરા લાંબો સમય પ્રેસ કરવાનો રહેશે. આથી બે શોર્ટકટ જોવા મળશે – ડાઉનલોડ્સ અને સર્ચ. ડાઉનલોડ વિકલ્પ પર ક્લિક કરતાં તમે જે ગીતો ડાઉનલોડ કર્યાં હશે તે પ્લે થવાનું શરૂ થઈ જશે.
અત્યાર સુધી આ જ કામ કરવા માટે આપણે એપ ઓપન કરી તેમાં ડાઉનલોડ્સ પેજમાં જવું પડતું હતું.
જોકે એ ધ્યાને લેવા જેવું છે કે આ સુવિધા અત્યારે યુટ્યૂબ મ્યુઝિકની એન્ડ્રોઇડ એપમાં મળવાની શરૂઆત થઈ ગઈ છે. આઇફોનમાં તે ક્યારે આવશે તે વિશે સ્પષ્ટતા નથી.

ઇન્સ્ટાગ્રામ પર તમારી પોસ્ટ્સ અને એક્ટિવિટી મેનેજ કરવાનું હવે વધુ સહેલું બન્યું છે. ઇન્સ્ટાગ્રામે આપણને એકથી વધુ પોસ્ટ એક સાથે ડિલીટ કરવાની સગવડ આપી છે. તેનો લાભ લેવા માટે…
- ઇન્સ્ટાગ્રામ એપ ઓપન કરો અને પ્રોફાઇલ સેકશનમાં જાઓ.
- ઉપર જમણી તરફ હેમબર્ગર મેનૂ (ત્રણ આડી લીટી) પર ક્લિક કરો .
- જે વિકલ્પો જોવા મળે તેમાં ‘યોર એક્ટિવિટી’ પર ક્લિક કરો.
- તેમાં ‘ફોટોઝ અને વીડિયોઝ’ ક્લિક કરો.
- અહીં તમે એક સાથે એકથી વધુ પોસ્ટ, રીલ્સ, વીડિયો સિલેક્ટ કરી શકશો અને પછી તેને ડિલીટ અથવા આર્કાઇવ કરી શકશો.
- નવેસરથી ડિઝાઇન કરાયેલા આ સેકશનમાં હવે આપણી પોસ્ટ મેનેજ કરવા માટે વધુ ઓપશન્સ મળે છે. તેમજ વિવિધ કમેન્ટ્સ, રિપ્લાય તથા સર્ચ અને ફિલ્ટર કરવાની પણ સગવડ મળે છે.
- ‘યોર એક્ટિવિટી’ સેક્શનમાં તમે એપમાં કેટલો સમય ગાળો છો એ જોઈ શકાશે તથા ભૂતકાળમાં એકાઉન્ટમાં તમે જે ફેરફારો કર્યા હોય એ પણ જોઈ શકો છો.
આ ફેરફારો તમને અત્યારે જોવા ન મળતા હોય તો થોડી રાહ જોવી પડશે.
આ ઉપરાંત ફેસબુક જેવું જ એક સિક્યુરિટી ફીચર ઇન્સ્ટાગ્રામમાં પણ ઉમેરાઈ રહ્યું છે. હવે આપણે કોઈ કારણસર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં લોગઇન થઈ શકતા ન હોઇએ તો આપણા મિત્રોની મદદ લઇને એકાઉન્ટની ફરી એક્સેસ મેળવી શકીએ છીએ.
ઇન્સ્ટાગ્રામમાં તમને કોઈ યૂઝરની સ્ટોરી ગમે તો તમે એ યૂઝરને ડાઇરેક્ટ મેસેજ મોકલીને એ સ્ટોરી વિશે રીએક્શન આપી શકો છો (જે રીતે વોટ્સએપમાં સ્ટેટસ વિશે કંઈ કહેવું હોય તો એ સ્ટેટસ મૂકનાર વ્યક્તિને સીધો મેસેજ મોકલી શકાય).

હવે ઇન્સ્ટામાં સ્ટોરી પર રીએક્શન આપવાની રીત વધુ સોશિયલ બની રહી છે. એ મુજબ, આપણે સ્ટોરી લાઇક કરી શકીશું અને સ્ટોરી વ્યૂ શીટમાં યૂઝરના હેન્ડલની બાજુમાં તે હાર્ટ સ્વરૂપે દેખાશે.
જોકે સ્ટોરી પરની લાઇક્સ પ્રાઇવેટ રહેશે અને તેમાં સ્ટોરીને કેટલી લાઇક મળી તેનો કાઉન્ટ જોવા મળશે નહીં. આ લાઇક ડાઇરેક્ટ મેસેજના થ્રેડમાં પણ જોવા મળશે નહીં, એ માત્ર સ્ટોરીની વ્યૂઅર શીટમાં જ જોવા મળશે.
