આગળ શું વાંચશો?
- ટેલિગ્રામમાં મેસેજ પર રીએક્શન આપવાની સુવિધા ઉમેરાઈ
- સિગ્નલ એપે ગ્રૂપ વીડિયો કોલિંગની સભ્યસંખ્યા વધારી

નવા વર્ષના પ્રારંભે (અથવા કહો કે પાછલા વર્ષના અંતે, કેમ કે આ જાહેરાત ૩૧ ડિસેમ્બરના રોજ થઈ છે) ટેલિગ્રામ એપમાં પણ કેટલાંક નવાં ફીચર ઉમેરાયાં છે.
એ મુજબ ટેલિગ્રામ એપમાં આપણે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક મેસેન્જર અને એપલ આઇમેસેજની જેમ મેસેજ પર ઇમોજીની મદદથી રીએક્ટ કરી શકીશું. વોટ્સએપમાં આપણે કોઈ મેસેજના જવાબમાં અંગૂઠો કે નમસ્તે કે તાળીના ઇમોજી મોકલીએ તેના કરતાં આ જુદી વાત છે. એ મેસેજના જવાબમાં મોકલાયેલા ઇમોજી છે.
જ્યારે ટેલિગ્રામમાં ઉમેરાયેલા નવા ફીચર મુજબ જે તે મેસેજ પર જ, તેના વિશે જ ઇમોજીથી રીએકશન આપી શકાશે અને તે જે તે મેસેજની સાથે જ દેખાય છે. પ્રાઇવેટ ચેટમાં આવાં રીએકશન સતત ઓન રહેશે. જ્યારે ગ્રૂપ્સ અને ચેનલ્સમાં એડમિન નક્કી કરી શકશે કે ઇમોજીથી રીએકશનનું ફીચર ઇનેબલ કરવું કે નહીં. એ જ રીતે ટેલિગ્રામમાં ‘સ્પોઇલર’ નામનું એક નવું ફીચર ઉમેરાયું છે. જેની મદદથી આપણે પોતાના મેસેજમાં અમુક પાર્ટ સિલેક્ટ કરીને હાઇડ કરી શકીશું. સામેની વ્યક્તિ ઇચ્છે તો એ ભાગને ક્લિક કરીને તેને વાંચી શકશે.
થોડા મહિના પહેલાં વોટ્સએપે તેની નવી પ્રાઇવસી પોલિસી જાહેર કરી અને આપણને સૌને આ પોલિસી સ્વીકારી લેવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું ત્યારે વોટ્સએપ યૂઝર્સમાં ‘હાહાકાર’ મચી ગયો હતો.

એ સમયે પોતાની પ્રાઇવસી માટે અચાનક ચિંતિત બનેલા અનેક લોકો વોટ્સએપ છોડીને વધુ સલામત લાગતી ‘સિગ્નલ’ અને ‘ટેલિગ્રામ’ જેવી મેસેજની એપ્સ તરફ વળવા લાગ્યા હતા. એ ઊભરો શમી ગયો છે અને ફરી સૌ વોટ્સએપમાં જ પરોવાઈ ગયા છે. પરંતુ સિગ્નલ અને ટેલિગ્રામ વોટ્સએપના યૂઝર્સને આકર્ષવા માટે સતત પ્રયત્નશીલ છે.
પ્રાઇવસીની દૃષ્ટિએ ખરેખર વધુ સારી સિગ્નલ એપ પર ગ્રૂપ વીડિયો કોલમાં હવે એક સાથે ૪૦ લોકો જોડાઈ શકશે. એપના જણાવ્યા અનુસાર આ તમામ લોકો વચ્ચેનું કમ્યુનિકેશન એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ રહેશે.
વોટ્સએપ પર અત્યારે વધુમાં વધુ ૮ લોકો એક સાથે વીડિયો કોલિંગ કરી શકે છે. વોટ્સએપે કોલ્સમાં જોડાવા વિશે નવાં નવાં ફીચર્સ ઉમેર્યાં છે. પરંતુ વીડિયો કોલમાં જોડાઈ શકતા સભ્યોની સંખ્યા હજી મર્યાદિત રહી છે.
ટેલિગ્રામ પર જુલાઈ મહિનાથી એક સાથે ૧૦૦૦ લોકોનું ગ્રૂપ વીડિયો કોલિંગ શરૂ થઈ ગયું છે!
