એપ ટ્રેકિંગ
આપણે આઇઓએસના આ નવી ફીચર વિશે ઘણી વાત કરી ગયા છીએ. આ ફીચરને કારણે વિવિધ એપ્સે યૂઝર્સને સ્પષ્ટપણે જણાવવું પડશે કે તે આપણું કઈ રીતે ટ્રેકિંગ કરે છે અને ટ્રેકિંગ કરવા દેવું કે નહીં એ વિશે એપ ડેવલપરે યૂઝરની પરમિશન પણ માગવી પડશે. આ મુદ્દે ફેસબુક અને એપલ વચ્ચે લાંબા સમયથી લડાઈ ચાલી રહી છે.
એપલ વોચથી ફોન અનલોક
કોરોના પછીની દુનિયામાં સૌ માટે માસ્ક અનિવાર્ય બની ગયા છે ત્યારે ફેસ આઇડીથી ફોન અનલોક કરવામાં માસ્ક મોટો અવરોધ બની રહ્યા છે. આઇઓએસના લેટેસ્ટ વર્ઝનથી આપણે માસ્ક પહેર્યો હોય ત્યારે એપલ વોચની મદદથી પોતાનો આઇફોન અનલોક કરી શકીશું.
બેટરી પાવર
આઇઓએસના લેટેસ્ટ વર્ઝનમાં બેટરી કેલિબ્રેશનની નવી સુવિધા ઉમેરાઈ છે જેને કારણે આપણે ડિવાઇસની બેટરી સંબંધિત વિવિધ બાબતો જાણી શકીશું અને બેટરીની કેપેસીટી તથા પર્ફોર્મન્સ સંબંધિત વિવિધ સેટિંગ્સ કરી શકીશું.
નવા સિરી વોઇસ
આઇફોન પર સિરીના એકના એક અવાજથી તમે કંટાળી ગયા હો તો તમારી માટે ખુશખબર છે. આઇઓએસ ૧૪.૫ થી તમે સિરી માટે મેલ અને ફિમેલ વોઇસમાંથી પસંદગી કરી શકશો. એ ઉપરાંત અંગ્રેજી ભાષા માટે સિરીમાં બે નવા અવાજ પણ ઉમેરાઈ રહ્યા છે.
બહેતર કોમ્પેટિબિલિટી
નવા આઇફોનમાં ફિઝિકલ સિમ અને ઇ-સિમ ફાઇવ-જીને સપોર્ટ કરશે અને આઇઓએસના લેટેસ્ટ અપડેટથી આઇફોન અને આઇપેડ પ્લે સ્ટેશન ૫ ડ્યુઅલ સેન્સ અને એક્સબોક્સ સિરીઝ એક્સ/એસ કંટ્રોલરને પણ સપોર્ટ કરશે. મતલબ કે આપણે આ અન્ય પ્રકારના કંટ્રોલરની મદદથી પોતાના આઇફોન કે આઇપેડ પર ગેમ્સ રમી શકીશું.
નવા ઇમોજી
નવા વર્ઝનમાં એપલ કુલ ૨૧૭ નવા ઇમોજિસ રજૂ કરશે. કહેવાની જરૂર ખરી કે આમાં કોરોનાના રસીકરણ સંબંધિત ઇમોજી પણ સામેલ છે!
