(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વારંવાર વાપરી શકાય તેવો કાગળ!

આપણે ભલે પેપરલેસ ઓફિસની વાતો કરતા હોઈએ અને ઈ-મેઇલમાં છેડે ‘પયર્વિરણના વિચાર કરજો, આ ઈ-મેઇલની પ્રિન્ટ કાઢશો નહીં’ એવી સૂચનાઓ લખતા હોઈએ, હજી પણ દુનિયાભરના મોટા ભાગના બિઝનેસની માહિતી કાગળ પર સ્ટોર થતી રહે છે.

આગળ શું વાંચશો?

  • આવે છે આઈમેક્સનો હરીફ
  • ભારતીયોને સ્માર્ટફોનનું વળગણ
  • રેલવેમાં લેસરનો ઉપયોગ
  • ગોરિલા ગ્લાસ હવે બજેટ ફોનમાં પણ મળી શકશે
  • ગૂગલની જાહોરાતો હવે હિન્દીમાં પણ

આપણે કાગળ બચાવવા માટે, જ્યારે રફ પ્રિન્ટ કાઢવાની હોય ત્યારે એક તરફ વપરાયેલા અને બીજી તરફ કોરા કાગળનો ઉપયોગ કરતા હોઈએ છીએ પરંતુ આ રીતમાં પણ અંતે તો બંને તરફ પ્રિન્ટ થયા પછી કાગળ નકામો બની જાય છે.

હવે કદાચ આ સ્થિતિ બદલાશે.

કેટલાક નિષ્ણાતો એક વાર પ્રિન્ટ થયા પછી કાગળ પરનું લખાણ તદ્દન ભૂંસીને તેને ફરી ઉપયોગમાં લઈ શકાય તેવો નવી તરેહનો કાગળ વિકસાવી રહ્યા છે.

એકવાર પ્રિન્ટ થયા પછી એકના એક કાગળને લગભગ ૨૦ વાર ફરી વાપરી શકાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે. જોકે અત્યારે આ ટેકનોલોજીમાં પેપરને બદલે જુદા પ્રકારની પ્રિન્ટિંગ પ્રોસેસનો ઉપયોગ થઈ રહ્યો છે. કહેવાય ભલે પેપર પણ તે વાસ્તવમાં ગ્લાસ કે પ્લાસ્ટિકની બનેલી ફિલ્મ હોય છે જેરેડ, બ્લ્યૂ અને ગ્રીન કલરમાં ઉપલબ્ધ હોય છે.

આવી ફિલ્મ પરની પ્રિન્ટિંગ પ્રોસેસમાં શાહીથી અક્ષરો પાડવાને બદલે જ્યાં અક્ષરો ન દેખાવાના હોય તેવા કોરા ભાગમાં બ્લિચિંગથી રંગ દૂર કરી દેવામાં આવે છે. આવી રીતે પ્રિન્ટ  કરવામાં આવેલી ફિલ્મ પરના અક્ષરો ૩ દિવસ સુધી સહેલાઈથી વાંચી શકાય તેવા રહે છે.

આ ૩ દિવસ દરમિયાન ઓક્સિજનના સંપર્કમાં આવવાથી જે ભાગમાં બ્લિચિંગથી રંગ ઊડી ગયો હોય તે ફરી મૂળ રંગનો થઈ જાય છે એટલે કે ‘પેપર’ ફરી કોરોકટ થઈ જાય છે. આવા પેપરને ચોક્કસ રીતે ગરમ કરવામાં આવે તો ફક્ત ૧૦ મિનિટમાં તેને ફરી કોરોકટ બનાવી શકાય છે.

હવે નિષ્ણાતો આ પ્રકારની ફિલ્મને બદલે કાગળ જ વિકસાવવા પર ધ્યાન આપી રહ્યા છે અને લગભગ ૧૦૦ વાર તેને ફરી વાપરી શકાય તેવી શક્યતાઓ તપાસી રહ્યા છે. અલબત્ત આ ટેકનોલોજી પૂરેપૂરી ક્યારે વિકસશે અને તે માટે ખાસ પ્રકારના પ્રિન્ટર જોઈશે કે કેમ તે વિશે ખાસ સ્પષ્ટતા નથી.

પેપર અને પ્રિન્ટિંગ સંબંધિત ટેકનોલોજીમાં ઈનોવેશનની વાત આગળ ધપાવીએ તો થોડા સમય પહેલાં શ્રીલંકાએ નેશનલ ડેન્ગ્યુ વીક ઉજવ્યું ત્યારે ત્યાંના એક અગ્રણી અખબારે આખે આખું અખબાર એક ચોક્કસ પ્રકારના રસાયણ મિશ્રિત શાહીથી પ્રિન્ટ કર્યું હતું જેને કારણે એ અખબારથી મચ્છરો દૂર ભાગે! અખબારના દાવા પ્રમાણે અખબારમાં છપાયેલા દરેક શબ્દનો દરેક અક્ષર વાચકને મચ્છરના ડંખથી બચાવી શકે તેમ હતો. એ એક દિવસે અખબારના વેચાણમાં ૩૦ ટકા વધારો થઈ ગયો હતો.

આવે છે આઇમેક્સનો હરીફ

અમદાવાદના સાયન્સ સિટીની જો તમે મુલાકાત લીધી હશે તો તેના આઈમેક્સ થિયેટરમાં જાયન્ટ સ્ક્રીન પર ફિલ્મ જોવાની મજા માણવાનું ચૂક્યા હશો નહીં. ફિલ્મ પ્રોજેક્શનમાં ક્રાંતિ લાવી દેનાર આઈમેક્સનો હવે એક હરીફ ઊભો થઈ રહ્યો છે. અત્યાર સુધી સાઉન્ડ ટેકનોલોજીમાં અગ્રેસર ડોલ્બી હવે ડોલ્બી સિનેેમા નામે જાયન્ટ સ્ક્રીન ફોરમેટ લાવી રહી છે.


આપણા સ્માર્ટફોનના કેમેરામાં એચડીઆર-હાઈડાયનેમિક રેન્જ નામે ઓળખાતી ટેકનોલોજીથી ફોટોગ્રાફ લેવાની સગવડ હોય છે. આ જ ટેકનોલોજીથી જો વીડિયો લેવામાં આવે તો તેમાં પ્રકાશ અને પડછાયા આપણી વાસ્તવિક દૃષ્ટિ જેટલા સ્પષ્ટ જોવા મળે છે. ડોલ્બી સિનેમામાં આ ટેકનોલોજીનો જ ઉપયોગ થશે.

કંપનીએ અત્યારે નેધરલેન્ડથી ડોલ્બી સિનેમાની શરૂઆત કરી છે પરંતુ બીજા દેશોમાં આ સ્ક્રીનની મજા માણવા મળે તે માટે આપણે થોડી રાહ જોવી પડશે.

ભારતીયોને સ્માર્ટફોનનું વળગણ

આમ તો આપણા માટે આ કોઈ નવી વાત નથી પણ હમણાં થયેલા વધુ એક ગ્લોબલ સર્વેમાં ફરી એક વાર તારણ નીકળ્યું છે કે આખા વિશ્વમાં ભારતીયોને સ્માર્ટફોનનું સૌથી વધુ વળગણ છે! જર્મનીની એક કંપનીએ ભારત ઉપરાંત યુ.એસ., જર્મની, બ્રાઝીલ અને ચીનમાં કરેલા સર્વેક્ષણમાં  સૌથી વધુ ભારતીયો (૫૭ ટકા) એ કહ્યું કે તેઓ સ્માર્ટફોન વગર સ્હેજ પણ ચલાવી શકતા નથી.

આ સર્વેક્ષણમાં બીજી પણ એક રસપ્રદ વાત જાણવા મળી. યુ.એસ. અને ચીનમાં મોટા ભાગના લોકો પોતાના સ્માર્ટફોનને ૨૪ કલાક કરતાં ઓછા સમયમાં રીપેર કરાવી શકે છે જ્યારે ભારત, બ્રાઝીલ અને જર્મનીમાં એ જ પ્રકારના રીપેરિંગ માટે ઓછામાં ઓછા ૮ દિવસ રાહ જોવી પડે છે!

રેલવેમાં લેસરનો ઉપયોગ

ટેકનોલોજીના વિવિધ ઉપયોગોમાંનો એક છે અકસ્માત નિવારણ. ભારતમાં રેલવે અકસ્માતોનું એક મોટું કારણ માનવરહિત રેલવે ફાટકો હોય છે એ તો સમજી શકાય એવું છે, પણ તમને જાણીને નવાઈ લાગશે કે નેધરલેન્ડસમાં રેલવે ટ્રેક પર પડેલા પાંદડાંઓને કારણે અકસ્માતનું જોખમ રહે છે. ખાસ કરીને પાનખર ઋતુમાં રેલવે ટ્રેક પર પડેલાં પાંદડાંઓને કારણે પાટા પર ટેફલોન જેવું કોટિંગ જેવું થઈ જાય છે જેના કારણે ટ્રેનના વ્હીલ્સની પાટા પર પૂરતી પક્કડ રહેતી નથી. અત્યાર સુધી ટ્રેનના એન્જિનમાં મોખરે પાણી અને રેતીનો મારો ચલાવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવતી હતી. પરંતુ હવે તેના વિકલ્પ તરીકે લેસરનો ઉપયોગ શરૂ કરવામાં આવી રહ્યો છે.

ગોરિલા ગ્લાસ હવે બજેટ ફોનમાં પણ મળી શકશે

અત્યાર સુધી જે માત્ર મોટા ભાગના હાઇ-એન્ડ મોબાઇલ હેન્ડસેટમાં જોવા મળતા હતા તે ગોરિલા ગ્લાસ હવે પ્રમાણમાં સસ્તા મોબાઇલમાં પણ મળવા લાગે એ દિવસો દૂર નથી. કોર્નિંગ ગોરિલા ગ્લાસ મોબાઇલ હેન્ડસેટના સ્ક્રીનને એક મજબૂત આવરણ પૂરું  પાડે છે જેનાથી સ્ક્રીન પર સ્ક્રેચીઝ પડવાની કે ફોન હાથમાંથી છટકે તો સ્ક્રીન તૂટવાની શક્યતા પણ ઘણી ઘટી જાય છે.

આ ગ્લાસ બનાવતી કોર્નિંગ કંપનીએ હજી ગયા મહિને જ અમેરિકામાં કોર્નિંગ ગ્લાસ-૪ નામે તેના ગ્લાસની એક નવી એડિશન રજૂ કરી છે અને આ એડિશન હવે ભારતના સ્માર્ટફોન/ ટેબલેટ મેન્યુફેકચરર  માટે પણ ઉપલબ્ધ થઈ ગઈ છે. અત્યારે કોર્નિંગ ગ્લાસ-૪ મોટા ભાગે સેમસંગ ગેલેક્સી આલ્ફા અને ગેલેક્સી નોટ-૪ જેવા સ્માર્ટફોનમાં જ ઉપલબ્ધ છે. પરંતુ જે રીતે ભારતીય કંપનીઓ પોતાના સ્માર્ટફોનમાં ઇન્ટરનેશનલ બ્રાન્ડને હંફાવે તેવાં ફીચર્સ ઓછા ભાવે આપી રહી છે તે જોતાં ભારતીય સ્માર્ટફોનમાં પણ ગોરિલા ગ્લાસ-૪ મળવા લાગે તેવી પૂરી શક્યતા છે.

કંપનીના દાવા પ્રમાણે કોર્નિંગ ગોરિલા ગ્લાસ-૪ અત્યારે ઉપલબ્ધ બીજા કોઈ પણ ગ્લાસ કરતાં બમણો મજબૂત છે અને ગોરિલા ગ્લાસ-૩ કરતાં લગભગ ૨૫ ટકા વધુ પાતળો છે. તમને જાણીને નવાઈ લાગશે કે સ્માર્ટફોન અને ટેબલેટ ઉપરાંત હવે લેપટોપ અને ટીવીમાં પણ ગોરિલા ગ્લાસનો ઉપયોગ થવા લાગ્યો છે.

ગૂગલની જાહેરાતો હવે હિન્દીમાં પણ!

લાંબી રાહ જોવડાવ્યા બાદ ગૂગલ કંપનીએ આખરે પોતાના એડ નેટવર્ક પર હિન્દી જાહેરાતોને મંજૂરી આપવાનું શરૂ કર્યું છે જેનો લાભ લઈને હવે ઇન્ટરનેટ પર જાહેરાત કરવા માંગતી કંપનીઓ વિશ્ર્વભરના લગભગ ૫૦ કરોડ હિન્દીભાષી લોકોને ટાર્ગેટ કરીને હિન્દી ભાષામાં જાહેરાત કરી શકશે અને હિન્દી ભાષાની સાઇટ્સ ગૂગલની જાહેરાતો બતાવીને કમાણી કરી શકશે.

હજી નવેમ્બર મહિનામાં જ ગૂગલે  ભારતીય ભાષાઓમાં ઓનલાઈન કન્ટેન્ડને પ્રોત્સાહન આપવા ઇન્ડિયન લેંગ્વેજ ઇન્ટરનેટ એલાયન્સ નામે એક સંગઠન રચ્યું છે. ગૂગલને આશા છે કે ૨૦૧૭ સુધીમાં ભારતના ૩૦ કરોડ જેટલા સ્થાનિક ભાષામાં  વાંચવા-લખવાનું વધુ પસંદ કરતા  લોકોને ઇન્ટરનેટ પર સક્રિય કરી શકાશે.

ગૂગલે હિન્દીમાં વોઈસ સર્ચની સુવિધા શરુ કરી છે અને હિન્દીવેબડોટકોમ નામે એક ખાસ વેબસાઈટ શરુ કરીને વિવિધ વેબસાઈટસ, એપ્સ, વીડિયોઝ અને બ્લોગસ પરનું હિન્દી કન્ટેન્ટ લોકો સહેલાઈથી શોધી શકે તેવી વ્યવસ્થા કરી છે. ગૂગલ હવે ગુજરાતી ભાષા તરફ પણ ઝડપથી ધ્યાન આપશે તેવી આશા રાખીએ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!