તમારે અણધારી રોકડા રૂપિયાની જરૂર પડી, પણ બેન્કનું ડેબિટ કાર્ડ સાથે નથી તો? તો તમે ફક્ત સ્માર્ટફોનની મદદથી, એટીએમમાંથી રૂપિયા ઉપાડી શકો છો, આ રીતે…
માની લો કે તમે કોઈ કામસર બહારગામ ગયા છો અને અણધારી તમને રૂપિયાની જરૂર ઊભી થઈ છે. મુશ્કેલી એ છે કે તમે તમારા બેન્ક ખાતાનું ડેબિટ કાર્ડ ઘરે ભૂલી ગયા છો. શહેર અજાણ્યું છે, તમે કોઈ ઓળખીતા પાસેથી રૂપિયા મેળવી શકો તેમ નથી. તમે શું કરશો? (અગાઉ જ્યારે આપણું ઈ-મેઇલ એકાઉન્ટ હેક થતું, ત્યારે હેકર્સ આવી જ સ્થિતિનો દેખાવ ઊભો કરીને આપણા મિત્રો કે સ્વજનો પાસેથી રૂપિયા મંગાવતા મેઇલ આપણે નામે મોકલતા હતા, એ યાદ છે ને?!)
અથવા એવું પણ બની શકે કે તમે પોતે નહીં, પણ પરિવારની બીજી કોઈ વ્યક્તિ આવી સ્થિતિમાં મુકાઈ છે અને તમે તેમને હાથમાં રોકડા રૂપિયા મળે એવી કંઈક વ્યવસ્થા કરવા માગો છો. તમે શું કરશો?
સામાન્ય રીતે તો આપણા પર્સમાં બેન્કનું ડેબિટ કાર્ડ હોય તો નજીકના કોઈ પણ બેન્કના એટીએમમાં જઇને આપણે રૂપિયા ઉપાડી શકીએ, પરંતુ ડેબિટ કાર્ડ સાથે ન હોય ત્યારે વાત બહુ મુશ્કેલ બની જાય છે.
ઓનલાઇન પેમેન્ટના હવે અનેક રસ્તાઓ ખુલી રહ્યા છે ત્યારે આ સ્થિતિનો પણ એક સરસ ઉપાય મળી ગયો છે. વિવિધ બેન્ક હવે આપણને ડેબિટ કાર્ડ વગર એટીએમમાંથી રૂપિયા ઉપાડવાની સગવડ આપવા લાગી છે. જુદી જુદી બેન્ક અનુસાર આ પદ્ધતિ થોડે ઘણે અંશે બદલાઈ શકે છે. પણ આ માટેનાં સરેરાશ પગલાં નીચે મુજબ છે.
પોતાની માટે રૂપિયા ઉપાડવા માટે
તમે બેન્કનું ડેબિટ કાર્ડ ભલે ઘરે ભૂલી ગયા હો, પણ તમારો સ્માર્ટફોન તો તમારી સાથે જ હશે, જેમાં લગભગ નેટબેન્કિંગ/મોબાઈલ બેન્કિંગનો તમે ઉપયોગ કરતા જ હશો. અજાણ્યા શહેરમાં કે પોતાના જ શહેરમાં, તમારી બેન્કના એટીએમમાંથી ડેબિટ કાર્ડ વિના રૂપિયા ઉપાડવા માટે તમારે આ પગલાં લેવાનાં રહેશે :
- સ્માર્ટફોનમાં તમારી બેન્કની એપમાં લોગ-ઇન થાઓ (કે તમારા લેપટોપ કે બીજા કોઈના પીસીમાં ઇનકોગ્નિટો મોડમાં જઈને તમે તમારી બેન્કની સાઇટ પર નેટબેન્કિંગ માટે લોગઇન થઈ શકો છો).
- તેમાં ‘બેન્કિંગ’ ટેબ પર ક્લિક કરો અને તેમાં ‘કાર્ડલેસ કેશ વિડ્રોઅલ’ પર ક્લિક કરો.
- હવે ‘સેલ્ફ વિડ્રોઅલ’ પર ક્લિક કરો.
- તમને યાદ રહે તેવો કોઈ પણ ચાર અંકનો ‘સેન્ડર કોડ’ પસંદ કરો (આ કોડ આગળ જતાં તમારે તમારી બેન્કના એટીએમમાં આપવાનો રહેશે).
- આ કોડ તમારે ફરી એક વાર આપવાનો રહેશે અને તમે આપેલી વિગતો કન્ફર્મ કરીને તમારી રીક્વેસ્ટ પૂરી કરવાની રહેશે.
- આ પછી તમે બેન્કમાં રજિસ્ટર કરેલ મોબાઇલ નંબર પર એસએમએસમાં અન્ય ચાર આંકડાનો એક કોડ આવશે, આ કોડ પણ તમારે તમારી બેન્કના એટીએમમાં આપવાનો રહેશે.
એટીએમ પર કાર્ડ વિના રૂપિયા ઉપાડવા માટે, આપણે બેન્કમાં રજિસ્ટર કરાવેલા મોબાઇલ નંબરની મદદથી આપણી ઓળખ સાબિત કરવામાં આવે છે.
બસ, હવે તમારી બેન્કના કોઈ પણ એટીએમમાં જાઓ અને નીચેનાં પગલાં લો :
- એટીએમના સ્ક્રીન પર ‘વિડ્રો કેશ વિધાઉટ કાર્ડ’ વિકલ્પ પસંદ કરો.
- તમે કાર્ડલેસ કેશ વિડ્રોઅલ માટે જે મોબાઇલ નંબર આપ્યો હોય તે નંબર એન્ટર કરો (સેલ્ફ વિડ્રોઅલ છે એટલે તમારે બેન્કમાં રજિસ્ટર કરાવેલ નંબર આપવાનો રહેશે).
- હવે તમે પોતે, કેશ વિડ્રોઅલ રીકવેસ્ટ આપતી વખતે પસંદ કરેલો ચાર અંકનો ડિજિટ આપો.
- પછી બેન્ક તરફથી તમને જે એસએમએસ કોડ મળ્યો હોય એ પણ આપો.
- જેટલી રકમ ઉપાડવી હોય તે રકમ લખો અને રકમ મેળવી લો!
બીજી વ્યક્તિને આ રીતે રૂપિયા મોકલવા માટે
આ સુવિધાનો ઉપયોગ કરીને આપણે પોતે પોતાના બેન્ક ખાતામાંથી રકમ મેળવી શકીએ છીએ અથવા અન્ય કોઈ વ્યક્તિને માટે કાર્ડલેસ કેશ વિડ્રોઅલ રીકવેસ્ટ જનરેટ કરી શકીએ છીએ અને તેની મદદથી એ વ્યક્તિ આપણી બેન્કના એટીએમમાં જઇને રૂપિયા ઉપાડી શકે છે.
આ માટે પણ પદ્ધતિ ઉપર જણાવ્યા મુજબની જ રહે છે, ફક્ત થોડા ફેરફાર થાય છે.
- આપણે મોબાઇલ કે નેટબેન્કિંગ એપમાં કાર્ડલેસ કેશ વિડ્રોઅલનો વિકલ્પ પસંદ કર્યા પછી, જે વ્યક્તિને એટીએમ દ્વારા રકમ મોકલવા ઇચ્છતા હોઇએ તેને બેનિફિશિયરી તરીકે રજિસ્ટર કરવા જોઇશે.
- જો પહેલેથી બેનિફિશિયરી એડ કરેલ હોય તો ફક્ત તેમને માટે ‘સેન્ડ મની ટુ એ બેનિફિશિયરી એટ એન એટીએમ’ જેવો કોઈ વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
- હવે આપણે નિશ્ચિત રકમ એન્ટર કરી શકીશું.
- આપણી પસંદગીનો ચાર અંકનો સેન્ડર કોડ પસંદ કરો.
- આ કોડ ફરી એન્ટર કરીને આપણે આપેલી વિગતો કન્ફર્મ કરીને રીકવેસ્ટ પૂરી કરવાની રહેશે.
- આપણે નક્કી કરેલો ચાર અંકનો સેન્ડર કોડ આપણે આપણા બેનિફિશિયરીને મોકલવાનો રહેશે.
- આપણા બેનિફિશિયરીને બેન્ક તરફથી પણ ચાર અંકનો કોડ એસએમએસ દ્વારા મળશે.
- બેનિફિશિયરી આપણી બેન્કના એટીએમમાં જઈ, આ બંને કોડ આપીને આપણે નિશ્ચિત કરેલી રકમ ઉપાડી શકશે.
આપણે જે વ્યક્તિને આપણા ખાતામાંથી કાર્ડલેસ વિડ્રોઅલ માટે રજિસ્ટર કરી હોય તે વ્યક્તિનું આપણા બેન્કમાં ખાતું હોવું જરૂરી નથી.
આવી સુવિધા આપતી દરેક બેન્ક આ રીતે કાર્ડલેસ કેશ વિડ્રોઅલ રીકવેસ્ટ જનરેટ કર્યા પછી ૨૪ કે ૪૮ કલાકના નિશ્ચિત સમયગાળા પછી આ રીકવેસ્ટ રદ થાય તેવી સલામતી વ્યવસ્થા આપતી હોય છે. આ સમયગાળા પૂરતી આપણે નક્કી કરેલી રકમ આપણા એકાઉન્ટમાં બ્લોક થાય છે અને જો રકમ ઉપાડવામાં ન આવે તો રીકવેસ્ટ રદ થયા પછી એ રકમ ફરી આપણા ખાતામાં જમા થઈ જાય છે.
ડેબિટ કાર્ડ વિના આપણી બેન્કના એટીએમમાંથી પોતાની જાતે રકમ ઉપાડવા માટે અથવા બીજી કોઈ વ્યક્તિને રકમ મોકલવા માટેની આ એક સારી અને સલામત સુવિધા છે.
હાલના નિયમ અનુસાર, કાર્ડ વિના દિવસ દરમિયાન એક નિશ્ચિત રકમ જ ઉપાડી શકાય છે.
દરેક બેન્ક આ રીતે એક નિશ્ચિત મર્યાદામાં કાર્ડ વિના રૂપિયા ઉપાડવાની સગવડ આપે છે. સામાન્ય રીતે એક ટ્રાન્ઝેકશનમાં ઓછામાં ઓછા રૂ. ૧૦૦ અને વધુમાં વધુ રૂા. ૫૦૦૦ ઉપાડવાની સગવડ મળે છે. બેન્કના દરેક કસ્ટરમર રિલેશનશીપ નંબર દીઠ એક દિવસમાં વધુમાં વધુ રૂા. ૧૦,૦૦૦ ઉપાડી શકાય છે અને એક મહિનામાં કુલ રૂા. ૨૫,૦૦૦ સુધીની રકમ ઉપાડી શકાય છે.
પોતાની માટે કે પોતાના સ્વજન માટે આ સુવિધા ઉપયોગી સાબિત થઈ શકે છે. જો આપણે મોબાઇલમાં બેન્કિંગ એપનો ઉપયોગ કરતા હોઇએ તો તેના ઉપરાંત ડેબિટ કાર્ડ પણ સાથે રાખવાની જરૂર રહેતી નથી, ફક્ત આ આખી વ્યવસ્થા કેવી રીતે કામ કરે છે એ બરાબર સમજી લેવું જરૂરી છે, જેથી અન્ય કોઈ વ્યક્તિ આપણને કોઈક રીતે છેતરીને આ સુવિધાનો પોતાના લાભ માટે ઉપયોગ ન કરી જાય!


