પહેલું ઇનામ ૧,૨૦,૦૦૦ ડોલર (લગભગ ૭૮ લાખ રુપિયા). આખી દુનિયામાં, ફોટોગ્રાફી માટે અપાતું આ સૌથી ઊંચું ઇનામ ગણાય છે.
‘રસ્તો કે પૂલ એક-બે વર્ષમાં બંધાઈ જાય, પણ લોકોનો વિકાસ આખી જિંદગી માગી લેતું કામ છે,’ આવી સમજ સાથે દુબઈના ક્રાઉન પ્રિન્સે દુબઈમાં કલાપ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા એક વાર્ષિક ઇન્ટરનેશનલ ફોટોગ્રાફી એવોર્ડની શરૂઆત કરી છે. વર્ષ ૨૦૧૧-૧૨થી અલગ અલગ થીમ પર આ સ્પર્ધા યોજાય છે. આ સ્પર્ધાની અત્યાર સુધીની વિજેતા તસવીરો તમે અહીં (http://www.hipa.ae.en/) જોઈ શકો છો.
પણ આપણે વાત કરવી છે, આ સ્પર્ધાને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રમોટ કરવા માટે તૈયાર થયેલી એક ખાસ તસવીરની. યુકેમાં જન્મેલા અને પછી દુબઈમાં સ્થાયી થયેલા ગેરાલ્ડ ડોનોવેન નામના એક ફોટોગ્રાફરે દુનિયાની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલિફાની છત પરથી, એટલે કે દરિયાની સપાટીથી ૮૨૮ મીટરની ઊંચાઈએથી સમગ્ર દુબઈ શહેરની ૭૦થી વધુ તસવીરો ખેંચીને તેનો એક પેનોરમા તૈયાર કર્યો છે (http://dubaimap.hipa.ae/index.html) દુનિયામાં સૌથી વધુ ઊંચાઈએથી ખેંચાયેલી આ સૌથી વિશાળ તસવીર છે, જે આખા શહેરને આવરી લે છે.
આ બિલ્ડિંગનાં એલિવેટર્સ ૧૬૦મા માળ સુધી જાય છે. ગેરાલ્ડે ત્યાંથી પણ ઊંચે, બીજા લગભગ ૬૫ માળ જેટલે ઊંચે સુધી એક લગભગ સીધી સીડીએથી ચઢીને, ત્યાં પોતાનાં ઇક્વિપમેન્ટ મૂકીને આ ફોટોગ્રાફી કરી. ગેરાલ્ડ કહે છે કે ૩૬૦ ડીગ્રીનો પેનોરમા શૂટ કરવા માટે આ સૌથી આદર્શ બિલ્ડિંગ છે કેમ કે તેની ટોચ ફક્ત દોઢ મીટર પહોળી છે!
બીજી તસવીર ‘મિશન ઇમ્પોસિબલ ૪’ ફિલ્મના એક સ્ટંટ સીન માટે બુર્જ ખલીફાની ટોચ પર ચઢેલા ટોમ ક્રુઝની છે. ગેરાલ્ડ ડોનોવેને ખેંચેલી દુબઈની અન્ય તસવીરો જુઓ અહીં : http://05.ae/

