(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

કેટકેટલી જાતનાં કમ્પ્યુટરથી કન્ફ્યુઝડ?

આ અંક તમારા હાથમાં પહોંચ્યો તે પહેલાં, તમારા સુધી ખબર પહોંચી જ ગયા હશે કે ગૂગલની બહુ ગાજેલી ક્રોમબુક ભારતમાં પણ લોન્ચ થઈ ગઈ છે. તમે નેટ પર તેના વિશે ખાંખાંખોળાં કર્યાં હશે કે અખબારોમાં તેના વિશે અલપઝલપ વાંચ્યું હશે તો એક મુદ્દો ચોક્કસ તમારા ધ્યાન પર આવ્યો હશે – ગૂગલ કહે છે કે આ કંઈક અલગ પ્રકારનું કમ્પ્યુટર છે!

આગળ શું વાંચશો?

  • પર્સનલ કમ્પ્યુટર અને ઓલ ઈન-વન
  • લેપટોપ, નોટબુક, મેકબુક
  • અલ્ટ્રાબુક, ક્રોમબુક
  • એસસ ટ્રાન્સફોર્મર બુક ટ્રાયો
  • નેટબુક
  • આઈપેડ ટેબલેટ
  • ગૂગલ ક્રોમ પિકસેલ
  • કમ્પયુટરનાં સ્પેસિફિકેશન્સ તમને ગૂંચવે છે? આ રહી સરળ સમજણ…


હકીકત એ છે કે કમ્પ્યુટર જગતમાં હવે બહુ ઝડપથી એવી નવી નવી ટેક્નોલોજી આવી રહી છે કે જે નવું આવે છે એ કંઈક અલગ પ્રકારનું જ હોય છે.

તમે જ વિચાર કરો, થોડાં વર્ષ પહેલાં આપણે કમ્પ્યુટરનો વિચાર કરીએ તો માત્ર પેલા જૂના ટીવી જેવા મોટા મોનિટરવાળા કમ્પ્યુટરનું ચિત્ર જ આપણા મનમાં ઉપસતું હતું. હવે કમ્પ્યુટર એટલે મોનિટર, કી-બોર્ડ અને સીપીયુથી બનતું સાધન એવી વ્યાખ્યા જ જાણે બદલાઈ ગઈ છે. પર્સનલ કમ્પ્યુટર પછી લેપટોપ આવ્યાં, થોડા સમયમાં એને નવું નામ મળ્યું – નોટબુક, એ પછી વળી નેટબુક આવી, બીજી તરફ મેકબુકનું નામ ગાજ્યું, એ દરમિયાન પામટોપ નામનાં હથેળીમાં સમાય એવાં કમ્પ્યુટર જેવાં સાધન આવ્યાં (ને ખોવાઈ ગયાં).

સ્ટીવ જોબ્સે આઇપેડની રજૂઆત કરીને તહેલકો મચાવી દીધો. તેના પગલે અલગ અલગ ઓપરેટિંગ સિસ્ટમવાળાં ટેબલેટ જબરાં ચાલ્યાં. આ બધામાં સ્માર્ટફોન તો પોતાનું માથું ઊંચું કરી જ રહ્યા છે. હવે એક તરફ ફોન અને ટેબલેટ વચ્ચેના ફેબલેટનો જુવાળ ચાલ્યો છે તો બીજી બાજુ લેપટોપ અને ટેબલેેટનો સંગમ કરતી અલ્ટ્રાબુક પણ છે!


આટલી ગૂંચવણ ઓછી હોય તેમ ગૂગલે ક્રોમબુક લોન્ચ કરી અને હવે તે ભારતમાં પણ આવી પહોંચતાં આપણી મૂંઝવણ ઓર વધી – આટલા બધા ઓપ્શન્સમાંથી આપણે લેવું તો શું લેવું?

નોંધવાની વાત એ છે કે મૂળ કમ્પ્યુટરના પિતરાઈ ભાઈ-બહેન જેવી આ બધી જ પ્રોડક્ટ માત્ર માર્કેટમાં કંઈક નવું રજૂ કરવાના આશયથી નહીં, પણ સમય સાથે લોકોની, એટલે કે આપણા સૌની બદલાઈ રહેલી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડેવલપ થઈ છે.

આપણો અનુભવ છે તેમ, પર્સનલ કમ્પ્યુટર એટલે કે ડેસ્કટોપમાં મૂવેબિલિટી નથી, એટલે કે આપણે જ્યાં જઈએ ત્યાં તેને સાથે લઈ જઈ શકાય નહીં. જ્યારે હવે આપણે કામ તો અલગ અલગ જગ્યાએથી કરવાનું છે. ગમે ત્યાંથી, ગમે ત્યારે કામ થઈ શકે એવી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કમ્પ્યુટરનાં વિવિધ સ્વરૂપ વિકસી રહ્યાં છે, પણ એ દરેકની કંઈક ચોક્કસ ખાસિયતની સામે, કેટલીક સ્પષ્ટ નબળાઈઓ પણ છે.

બીજી તરફ, આપણા સૌની જરુરિયાતો પણ અલગ અલગ રહેવાની. પરિણામે, કમ્પ્યુટરના અત્યારે ઉપલબ્ધ બધા વિકલ્પોમાંથી કયો વિકલ્પ સૌથી સારો, તમારે તમારા કામ માટે શું લેવું જોઈએ એ કહી શકાય નહીં. હા, આપણે આ દરેક વિકલ્પને બરાબર તપાસીને સમજી લઈએ તો પછી તમારે ફક્ત તમારી જરુરિયાત સાથે આ દરેક વિકલ્પને સરખાવવાનો રહે અને તમારી પસંદગી સહેલી બને.

તમારો અનુભવ હશે તેમ કમ્પ્યુટર પાસેથી કામ કઢાવવામાં બે બાબતો સૌથી મહત્ત્વની હોય છે, એક તો કમ્પ્યુટરનું પોતાનું પર્ફોર્મન્સ (તેની ઝડપ અને જુદાં જુદાં કામ કરી શકવાની ક્ષમતા) અને બીજું, મૂવેબિલિટી અથવા પોર્ટેબિલિટી. એમાં ત્રીજો મુદ્દો ઇન્ટરનેટ કનેક્શનનો ઉમેરી શકાય, પણ એ હવે દરેક વિકલ્પમાં (ભલે અલગ અલગ રીતે) ઉપલબ્ધ હોવાથી આપણે તેને ખાસ ધ્યાન પર લઈશું નહીં.

થોડા સમય માટે, સ્પીડનો મુદ્દો બાજુએ રાખીને આપણે માત્ર મૂવેબિલિટીની રીતે ઉપરના દરેક વિકલ્પ તપાસીએ. મૂવેબિલિટીનો સીધો સંબંધ કમ્પ્યુટરની સાઇઝ સાથે છે. કમ્પ્યુટર જેમ નાનું તેમ આપણે સહેલાઈથી તેને ગમે ત્યાં લઈ જઈ શકીએ. એ રીતે સૌથી ઓછા મૂવેબલ કમ્પ્યુટરથી સૌથી વધુ સહેલાઈથી ગમે ત્યાં લઈ શકાતા કમ્પ્યુટર્સનો ક્રમ કંઈક આવો ગોઠવાઈ શકે :


  1. પર્સનલ કમ્પ્યુટર, ઓલ-ઇન-વન
  2. લેપટોપ, નોટબુક, મેકબુક
  3. અલ્ટ્રાબુક, ક્રોમબુક
  4. નેટ બુક
  5. ટેબલેટ, આઇપેડ
  6. પામટોપ
  7. સ્માર્ટફોન

આ યાદીમાં તમે જોશો તેમ, કમ્પ્યુટરનું કદ જેમ જેમ નાનું થતું જાય છે તેમ તેમ તેની ક્ષમતા પર પણ અસર થતી જાય છે. અલબત્ત, આ પણ એક વત્તા એક બે જેવું નથી. અલ્ટ્રાબુકમાં નોટબુક કરતાં મોટો સ્ક્રીન મળી શકે, પણ નોટબુક સરવાળે વધુ વજનદાર હોય એવું પણ બને! ઉપરાંત, આ બધામાં ટેબલેટ અને સ્માર્ટફોનને પૂરેપૂરાં કમ્પ્યુટર કહી શકાય તેમ નથી. બંનેની અલગ ક્ષમતા છે અને અલગ નબળાઈ છે.
પણ આપણે આ દરેકને અલગ અલગ રીતે તપાસીએ અને દરેક સાધનમાં આપણે શું શું કરી શકીએ અને શું ન કરી શકીએ તપાસીએ. કેટલીક વાત તદ્દન પ્રાથમિક લાગશે, પણ કમ્પ્યુટર જગતનું આખું ચિત્ર કેવી રીતે બદલાઈ રહ્યું છે એ સમજવા માટે બિલકુલ પાયાથી વાત કરવી જરૂરી છે. ખાસ તો એટલા માટે ગૂગલ ક્રોમબુક કમ્પ્યુટર જગતમાં ધરમૂળથી પરિવર્તન લાવશે એવું કહેવાય છે તે શા માટે, એ સમજવા માટે પણ આપણે બીજાં બધાં કમ્પ્યુટરને બરાબર સમજવાં જોઈશે.

પર્સનલ કમ્પ્યુટર અને ઓલ-ઇન-વન

આપણને સૌને પીસીનો તો પૂરતો પરિયચ છે, છતાં થોડું પૂનરાવર્તન કરી લઈએ તો પર્સનલ કમ્પ્યુટરમાં માઇક્રોસોફ્ટની વિન્ડોઝ, એપલની મેક ઓએસ કે પછી લિનક્સ અને ઉબન્ટુ જેવી ઓપરેટિંગ સિસ્ટમ હોઈ શકે છે. કમ્પ્યુટરમાં આપણે અલગ અલગ પ્રકારના સંખ્યાબંધ પ્રોગ્રામ્સ ઇન્સ્ટોલ કરી શકીએ છીએ, પરંતુ એમાંના ઘણા ખરા, કોઈ ચોક્કસ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમમાં જ ચાલે તેવા હોય છે.

સરેરાશ, રોજિંદું કામ કરવા મોટ વપરાતાં દુનિયાભરનાં પર્સનલ કમ્પ્યુટર્સમાં સૌથી વધુ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે. રોજિંદું નહીં, પણ કંઈક વધુ સ્પેશિયલ અને વધુ ક્રિએટિવ કામ કરતા લોકોમાં એપલની મેક ઓએસ ધરાવતાં કમ્પ્યુટર્સ વધુ લોકપ્રિય છે. લિનક્સ, ઉબન્ટુ વગેરે ઓપનસોર્સ ઓપરેટિંગ સિસ્ટમ છે, એટલે કે તે કોઈ એક કંપનીની માલિકીની નથી, પણ દુનિયાભરના ડેવલપર્સ સાથે મળીને તેને ડેવલપ કરે છે.

વિન્ડોઝ અને મેક ઓસ ખરીદવી પડે તેવી ઓપરેટિંગ સિસ્ટમ છે, જ્યારે લિનક્સ, ઉબુન્ટુ વગેરે તદ્દન ફ્રી છે. આ પ્રકારની ઓએસનો ઉપયોગ પણ ધીમે ધીમે વધી રહ્યો છે. (આ ત્રણ પ્રકારની ઓએસમાં ગૂગલની ક્રોમ ઓએસ ઉમેરાઈ છે, પણ એની વાત આગળ ઉપર કરીશું).
આ મુખ્ય ત્રણેય પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમમાં ચાલતાં સોફ્ટવેરની વાત કરીએ તો માઇક્રોસોફ્ટ વિન્ડોઝમાં માઇક્રોસોફ્ટ ઓફિસનાં સોફ્ટવેર (વર્ડ, પાવરપોઇન્ટ, એક્સેલ વગેરે)નો સૌથી વધુ ઉપયોગ થાય છે. એપલનાં કમ્પ્યુટર્સ માટે આ જ પ્રકારનાં તેનાં આગવાં સોફ્ટવેર છે. તે ઉપરાંત, માઇક્રોસોફ્ટ ઓફિસનું એપલ આઇઓએસ માટેનું વર્ઝન પણ ઉપલબ્ધ છે. જ્યારે લિનક્સ કે ઉબુન્ટુ જેવી ઓપનસોર્સ ઓપરેટિંગ સિસ્ટમમાં ઓપનઓફિસ કે લિબેરોઓફિસ નામના વર્ડ, પાવરપોઈન્ટ, એક્સેલ વગેરે જેવી જ સુવિધા ધરાવતા ઓપનસોર્સ પ્રોગ્રામ હોય છે.

ઓપનસોર્સ પ્રોગ્રામની શરૂઆત મોંઘાં, પ્રોપ્રાયટરી સોફ્ટવેરના વિકલ્પ રૂપે થઈ હોવાથી, આ પ્રકારનાં સોફ્ટવેર ખાનગી સોફ્ટવેર કે ઓપરેટિંગ સિસ્ટમ સાથે કમ્પેટિબલ હોય એ રીતે જ બનાવવામાં આવે છે. જેમ કે ઓપનઓફિસમાં આપણે એમએસ ઓફિસમાં બનાવેલી વર્ડની ફાઇલ ઓપન કરી શકીએ છીએ અને એ જ ફોર્મેટમાં સેવ પણ કરી શકીએ છીએ.

આખા વિશ્વમાં ઉપયોગમાં લેવાતાં હોય એવાં મોટા ભાગનાં સોફ્ટવેર (કોરલડ્રો, એડોબનાં સોફ્ટવેર, ઓટોકેડ, વીએલસી પ્લેયર વગેરે) માઇક્રોસોફ્ટ વિન્ડોઝ અને મેક ઓએસ બંનેમાં ચાલે તેવા અલગ અલગ વર્ઝનમાં ઉપલબ્ધ હોય છે.

પરંતુ, વિન્ડોઝના અત્યંત વ્યાપક ફેલાવાને ધ્યાનમાં રાખીને, સ્થાનિક સ્તરે ડેવલપ થતાં અને સ્થાનિક સ્તરે જ વધુ વપરાતાં મોટા ભાગનાં સોફ્ટવેર (લેન્ગવેજ કે એકાઉન્ટિંગ માટેનાં સોફ્ટવેર વગેરે) માત્ર વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં જ ચાલે તેવાં હોય છે.

પર્સનલ કમ્પ્યુટરમાં સોફ્ટવેરની રીતે આવી કેટલીક મયર્દિાઓ છે, પણ હાર્ડવેર અને ઉપયોગની રીતે જોઈએ તો દિવસે દિવસે પીસી વધુ પાવરફૂલ અને વધુ સંગ્રહક્ષમતાવાળાં બનતાં જાય છે. પીસીને ગમે ત્યાં સાથે લઈ જઈ શકાય નહીં, એ એક મોટી મયર્દિાને બાદ કરતાં, કમ્પ્યુટરનો સૌથી વધુ કાર્યક્ષમ ઉપયોગ કરવામાં પીસીને કોઈ પહોંચી શકે તેમ નથી. પીસીમાં ખાસ્સા એવા મોટા સ્ક્રીનનો પણ મોનિટર તરીકે ઉપયોગ કરી શકાય છે.

હેડિંગમાં ઓલ-ઇન-વનનો ઉલ્લેખ છે, એટલે તેની પણ વાત કરી લઈએ. એપલ અને લિનોવો જેવી કેટલીક કંપનીઓએ કમ્પ્યુટરના મોનિટરમાં જ સીપીયુ આવી જાય એવાં કમ્પ્યુટર બનાવ્યાં છે, પણ મૂળભૂત રીતે એ પીસી કરતાં જુદાં નથી.

તમારે એક જ જગ્યાએ રહીને, કમ્પ્યુટર પાસેથી ઘણું બધું – અને એ પણ અલગ અલગ પ્રકારનું – કામ લેવું હોય તો હજી પણ પર્સનલ કમ્પ્યુટર તમારા માટે સૌથી સારો વિકલ્પ છે.

લેપટોપ, નોટબુક, મેકબુક

દેખીતી રીતે લેપટોપ, નોટબુક કે મેકબુકમાં ખાસ મોટો તફાવત નથી. ત્રણેય પીસીની સૌથી મોટી મયર્દિા – મૂવેબિલિટીનો અભાવ – નો સામનો કરવા માટે વિક્સાવવામાં આવેલાં સાધન છે. લેપટોપ લગભગ ૧૨થી ૧૮ ઇંચની સાઇઝના સ્ક્રીનવાળાં મળે છે. સામાન્ય અર્થ મુજબ, થોડાં મોટાં, ભારે પોર્ટેબલ કમ્પ્યુટર માટે લેપટોપ અને તેનાથી સહેજ નાનાં, હળવાં કમ્પ્યુટર માટે નોટબુક શબ્દ વપરાય છે. હવે મોટા ભાગે લેપટોપ માટે લોકો નોટબુક શબ્દ જ બોલતા થઈ ગયા છે. મેકબુક શબ્દ મેક ઓએસવાળાં લેપટોપ માટે વપરાય છે.

લેપટોપ, નોટબુક કે મેકબુક ક્ષમતાની રીતે પર્સનલ કમ્પ્યુટરની બરોબરી કે હરીફાઈ કરી શકે તેવાં છે. અગાઉ પીસી અને લેપટોપની કિંમતમાં મોટો તફાવત રહેતો હતો, પણ હવે બંનેની કિંમતો નજીક આવવા લાગી છે. લેપટોપમાં પણ પાવરફૂલ પ્રોસેસર અને ગ્રાફિક્સ કાર્ડ હોવાથી ગ્રાફિકલ વર્ક કે ૩ડી ગેમિંગમાં પણ તે પીસીની બરોબરી કરી શકે છે.

તમારે વારંવાર મુસાફરી રહેતી હોય, અલગ અલગ જગ્યાએ રહીને કામ કરવાનું હોય, ક્લાયન્ટને ડિજિટલ ફાઇલ્સ બતાવવાની થતી હોય તો તમારે માટે લેપટોપ કામનું છે. તેમાં પણ તેની ઓપરેટિંગ સિસ્ટમ અનુસાર સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં લગભગ કોઈ જ મર્યાદા નથી.

અલ્ટ્રાબુક, ક્રોમબુક

ક્રોમબુકની વાત આપણે આગળ અલગથી કરીશું, અત્યારે અલ્ટ્રાબુકની વાત કરી લઈએ.

દુનિયામાં પર્સનલ કમ્પ્યુટરને મૂવેબલ બનાવવા માટે લેપટોપ શોધાયાં, પણ તેને પીસી જેટલાં જ પાવરફૂલ બનાવવા જતાં તેનું વજન અને કદ બંને વધ્યાં અને સરવાળે, તેને પણ સતત સાથે ને સાથે રાખવાનું લોકો માટે મુશ્કેલ તો બન્યું જ. પોતાની ગ્રાફિક ડિઝાઇન કે વેબ ડિઝાઇન ક્લાયન્ટને સહેલાઈથી બતાવી શકાય એ માટે લેપટોપ વસાવનારા ડિઝાઇનર આ બોજો ઉપાડી શકે તેમ હતા કે છે, પણ ફ્લાઇટ્સમાં ઊડતા એક્ઝિક્યુટિવ્સ કે સીઈઓને પોતાની ડિજિટલ ફાઇલ્સ સતત સાથે રાખવા લેપટોપ ઉપયોગી હતાં, પણ એનું વજન અને કદ એમને ગમે એવાં નહોતાં.

તેના ઉપાય તરીકે એપલે પહેલી સાચી અલ્ટ્રાબુક વિક્સાવી, એપલ મેકબુક એર નામે. બીજી તરફ, માર્કેટમાં આવી ગયેલ આઇપેડ અને ટેબલેટને કારણે પર્સનલ કમ્પ્યુટર્સનું માર્કેટ ઝડપભેર તૂટી રહ્યું હતું. પરિણામે કમ્પ્યુટરનાં માઇક્રોપ્રોસેસર બનાવતી ઇન્ટેલ કંપનીએ પીસી/ લેપટોપ અને ટેબલેટ એમ બંને કેટેગરીનાં જમાપાસાંનો સુમેળ હોય તેવી એક ત્રીજી કેટેગરી વિક્સાવવાનું વિચાર્યું.

ઇન્ટેલે પોતાના આ પ્રોજેક્ટને સાકાર કરવા પૂરા ૩૦૦ મિલિયન ડોલરનું બજેટ ફાળવ્યું છે. ઇન્ટેલે અલ્ટ્રાબુકનાં ચોક્કસ સ્પેસિફિકેશન નક્કી કર્યાં અને એસસ, એસર, લિનોવો કે તોશિબા જેવી કંપનીઓને આ સ્પેસિફિકેશનના આધારે અલ્ટ્રાબુક બનાવવા કહ્યું. અલ્ટ્રાબુક વજનમાં એકદમ હળવી અને અત્યંત સ્લિમ હોય છે, તેની બેટરી લાઇફ લેપટોપ કરતાં વધુ હોય છે અને સ્લિપ મોડમાંથી તે લેપટોપ કરતાં વધુ ઝડપથી રીઝ્યુમ થઈ શકે છે. માઇક્રોસોફ્ટનાં સરફેસ ટેબલેટ કંઈક અંશે આ પ્રકારનાં છે, તેમાં પણ ફૂલ કી-બોર્ડની સુવિધા સાથે ટેબલેટની સ્પીડ મળે છે.

બજારમાં હવે કન્વર્ટીબલ અલ્ટ્રાબુક્સ પણ મળે છે (યાદ કરો રણબીર કપૂરવાળી પેલી લિનોવોની એડ, જેમાં રણવીર લિફ્ટમાંથી બહાર નીકળે છે ત્યાં કેટલાક બદમાશો તેને ઘેરી વળે છે અને રણબીર લેપટોપમાંથી સ્ક્રીન અલગ કરી, ગૂંડાઓને ફક્ત કી-બોર્ડ પધરાવીને છટકી જાય છે!). આ કન્વર્ટીબલ અલ્ટ્રાબુક ઇચ્છો ત્યારે પૂરા કી-બોર્ડ સાથે લેપટોપ જેવું કામ આપે છે અને ચાહો ત્યારે તેના સ્ક્રીનને ડીટેચ કરીને તેની પાસેથી ટેબલેટની જેમ કામ લઈ શકાય છે.

અલ્ટ્રાબુકમાં પણ ઓપરેટિંગ સિસ્ટમ અનુસાર લગભગ બધા જ પ્રકારનાં સોફ્ટેવર ઇન્સ્ટોલ કરી શકાય છે. તમે ટેબલેટની સ્ટાઇલ અને લેપટોપનું કામ ઇચ્છતા હો અને બજેટનો કોઈ જ પ્રોબ્લેમ ન હોય તો અલ્ટ્રાબુક લઈ શકો છો.

નેટબુક

લેપટોપ જેમને ભારે લાગતાં હતાં એવા એક વર્ગ માટે જેમ ઊંચી કિંમતની અલ્ટ્રાબુકની નવી કેટેગરી વિકસી તેમ નીચી કિંમતની એક નવી કેટેગરી આવી નેટબુકની. કદમાં નેટબુકથી સાવ નાની નેટબુકમાં સામાન્ય રીતે ૯થી ૧૦ ઇંચનો સ્ક્રીન હોય છે. તેમાં લગભગ પ્રાથમિક કક્ષાનું કહી શકાય એવું પ્રોસેસર હોય છે અને પ્રમાણમાં નાનું કી-બોર્ડ હોય છે. નેટબુકમાં પણ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ ચાલતી હોવાથી તેમાં સોફ્ટવેરના ઉપયોગની કોઈ મયર્દિા હોતી નથી. જેમને માત્ર માઇક્રોસોફ્ટ ઓફિસ જેવા પ્રોગ્રામમાં કામ કરવું હોય કે વેબ બ્રાઉઝિંગ કરવું હોય તેમના માટે નેટબુક સારો વિકલ્પ છે. જોકે તેની ક્ષમતા ઘણી ઓછી હોવાથી મલ્ટિટાસ્કિંગ (એક સાથે એકથી વધુ પ્રોગ્રામ્સ ચાલુ રાખીને કામ કરવું) થઈ શકતું નથી.

ઉપરાંત, નેટબુક કદમાં સગવડદાયી રહે તેટલી નાની છે, પણ તો તેની ક્ષમતા એટલી ઓછી છે કે તમને થોડો સમય મળ્યો હોય અને તેમાં વેબ બ્રાઉઝિંગ કે થોડું કામ કરી લેવા ઇચ્છો તો, થોડામાંથી ઘણો સમય તો નેટબુક સ્ટાર્ટ થવામાં જ વીતી જાય!

આઇપેડ, ટેબલેટ

ઓછા સમયમાં, ફટાફટ બ્રાઉઝિંગ કે ઓફિસને લગતું નજીવું કામ કરી લેવાની લોકોની જરુરિયાતમાંથી આઇપેડ અને ટેબલેટનો જન્મ થયો. આ બંને કમ્પ્યુટર જેવું કામ આપતાં સાધન ખરાં, પણ તેમને કમ્પ્યુટર કહી શકાય નહીં.

આઇપેડ અને ટેબલેટમાં કમ્પ્યુટર કરતાં તદ્દન અલગ ઓપરેટિંગ સિસ્ટમ હોય છે. તેમાં જુદા જુદા પ્રોગ્રામ્સ ઇન્સ્ટોલ કરી શકાય (જેને આપણે હવે એપ્સ તરીકે ઓળખીએ છીએ) પણ એમાંની ઘણા ખરા પ્રોગ્રામ વેબબેઝ્ડ હોય છે. ઉપરાંત, આઇપેડ કે ટેબલેટમાં અલગ, આપણું જૂનું ને જાણીતું કી-બોર્ડ નહીં, પણ ટચસ્ક્રીન પરનું હોવાથી વેબ એડ્રેસ લખવા માટે કે થોડું ઘણું ટાઇપિંગ કરવામાં તે ચાલી જાય, પણ લાંબુ ટાઇપિંગ કરવા સિવાય તે સગવડભર્યું નથી. ઉપરાંત કી-બોર્ડ ઓપન કરવા જતાં અડધો સ્ક્રીન રોકાઈ જાય.

ટૂંકમાં, ક્ધટેન્ટ જનરેટ કરવા માટે અલગ અલગ પ્રકારનાં કમ્પ્યુટર વધુ ઉપયોગી થાય, જ્યારે બીજાએ તૈયાર કરેલા કન્ટેન્ટનો આપણે ફક્ત લાભ લેવો હોય તો આઇપેડ કે ટેબલેટ વધુ ઉપયોગી છે (મ્યુઝિક, ગેમિંગ, વીડિયો વગેરે તેના બીજા ઉપયોગ પણ ચોક્કસ છે).

મતલબ કે આપણી જરુરિયાત અનુસાર, આપણને સૌથી વધુ અનુકૂળ હોય તેવું કમ્પ્યુટર મેળવવું હવે બહુ મુશ્કેલ રહ્યું નથી. હવે એ જોઈએ કે આ બધામાં ગૂગલ ક્રોમબુક અલગ કઈ રીતે છે અને આપણે માટે એ કામની છે કે નહીં?!

એસસ ટ્રાન્સફોર્મર બુક ટ્રાયો

ટેબલેટ લેવું કે લેપટોપ એવી હવે ગૂંચવણ નહીં રહે, તમે બંને લઈ શકો છો, એક સાથે!

એસસ કંપનીએ એન્ડ્રોઇડ ૪.૦૨ અને વિન્ડોઝ ૮ બંને ઓપરેટિંગ સિસ્ટમનો લાભ આપતી ટ્રાન્સફોર્મર બુક લોન્ચ કરી છે. લેપટોપ જેવી આ બુકમાં સ્ક્રીનને અલગ કરો તો તે એન્ડ્રોઇડ પર ચાલતું ટેબલેટ બની જાય છે અને બેઝનો કી-બોર્ડવાળા ભાગમાં વિન્ડોઝ-૮ ઓએસ છે. લેપટોપ તરીકે ચલાવો તો વિન્ડોઝ-૮ ચલાવી શકાય, કોઈ ટેબલેટ અલગ કરી લે તો બેઝના ભાગને કોઈ પણ મોનિટર સાથે કનેક્ટ કરીને તેનો પીસીની જેમ ઉપયોગ કરી શકાય છે.

સ્પેસિફિકેશન્સ આકર્ષક છે, ટેબલેટમાં ૧૬થી ૬૪ જીબી સુધીની સ્ટોરેજ છે, વિન્ડોઝમાં ૧૦૦થી ૧ ટીબી સુધીની.

ભારતમાં તેની કિંમત હજી જાહેર નથી થઈ, પણ અત્યંત આકર્ષક કિંમત હોય એવી પૂરી શક્યતા છે.

 ગૂગલ ક્રોમબુક પિક્સેલ

યુએસ માર્કેટમાં ક્રોમબુક પિક્સેલ લોન્ચ થઈ ગયેલ છે. ગૂગલ કહે છે કે હાર્ડવેર, સોફ્ટવેર અને ડિઝાઈનની રીતે આ સર્વશ્રેષ્ઠ લેપટોપ છે! એક નજર તેનાં સ્પેસિફિકેશન્સ પર :

  • ૧૨.૮૫ ઇંચના સ્ક્રીનમાં હાઇએસ્ટ પિક્સેલ ડેન્સિટી
  • ગ્લાસ કવર્ડ ટચ-સ્ક્રીન, જેના પર ટેપ કરો, ઝૂમ કરવા પિન્ચ કરો કે સ્વાઇપ કરો
  • સેકન્ડસમાં સ્ટાર્ટ થાય
  • સેટ-અપ કે મેઇન્ટેનન્સ નહીં
  • ઇન-બિલ્ટ વાઇરસ પ્રોટેક્શન અને ઓટોમેટિક અપડેટ્સ
  • લાઇટવાળું કી-બોર્ડ, જે મૂવી વખતે આપોઆપ બંધ થાય
  • ગ્લાસ ટચપેડ, એચડી કેમેરા
  • ઇન્ટેલ કોર આઇ-૫ પ્રોસેસર
  • ૪ જીબી ડીડીઆર૩ રેમ
  • ૩૨/૬૪ જીબી સ્ટોરેજ (૧ ટીબી ક્લાઉડ, ૩ વર્ષ માટે)
  • પાંચ કલાકનો એક્ટિવ યુઝ અને કિંમત? રૂપિયામાં ગણો તો પોણાથી એક લાખ સુધી!

કમ્પ્યુટરનાં સ્પેસિફિકેશન્સ તમને ગૂંચવે છે? આ રહી સરળ સમજણ…

પ્રોસેસર

કમ્પ્યુટરના દિમાગ સમા પ્રોસેસર મુખ્યત્વે બે કંંપની બનાવે છે : ઇન્ટેલ એ એએમડી. કમ્પ્યુટરના બીજા કોઈ પણ હાર્ડવેર કરતાં પ્રોસેસરની ટેકનોલોજી વધુ ઝડપથી બદલાતી રહે છે. પ્રોસેસર ૩૨ બીટ કે ૬૪ બીટાં હોય છે, જે બતાવે છે કે તેઓ કેટલો ડેટા પ્રોસેસ કરી શકે છે. હવે મોટા ભાગનાં કમ્પ્યુટર ડ્યુઅલ કોર અથવા મલ્ટિકોર પ્રોસેસર ધરાવે છે. બે, ત્રણ કે ચાર કોર ધરાવતાં પ્રોસેસર વધુ પાવરફૂલ હોય છે અને તેના પર આપણે સંખ્યાબંધ એપ્લિકેશન્સ એક સાથે સરળતાથી ચલાવી શકીએ છીએ કે હેવી ગેમ્સ પર નિરાંતે ચલાવી શકીએ છીએ. અત્યારે ઇન્ટેલ કોર-આઇ૭ સીરીઝનાં પ્રોસેસર સૌથી પાવરફૂલ (અને સૌથી વધુ મોંઘાં!) ગણાય છે.

રેમ (મેમરી)

દરેક પીસી કે લેપટોપને રેમ એટલે કે રેન્ડમ એક્સેસ મેમરીની જ‚ર પડે છે. આપણે કમ્પ્યુટરમાં કોઈ પ્રોગ્રામ ચાલુ કરીએ એટલે તે રેમની મદદથી ચાલે છે. એટલે જુદા જુદા પ્રોગ્રામ્સ એકસાથે ચલાવવા પૂરતી રેમ હોવી બહુ જ‚રી છે. પ્રોસેસર ફાસ્ટ હોય પણ રેમ પૂરતી ન હોય તો પણ કમ્પ્યુટર ધીમું ચાલે. સામાન્ય રીતે ૧જીબીથી ૮જીબીના મોડ્યુલમાં રેમ મળતી હોય છે. વધુ રેમથી વધુ ફાયદો એ સાદું ગણિત છે.

હાર્ડ ડિસ્ક કે હાર્ડ ડ્રાઇવ (એચડીડી)

કમ્પ્યુટરની ઓપરેટિંગ સિસ્ટમ હાર્ડ ડ્રાઇવમાં સેવ થાય છે. તે ઉપરાંત આપણે જે નવાં ફોલ્ડર કે ફાઇલ ક્રિએટ કરીએ એ બધાં પણ હાર્ડ ડ્રાઇવનાં સેવ થાય છે. આપણે મોટા ભાગે હાર્ડ ડિસ્કની કેપેસિટીને તે કેટલા જીબીની છે (એટલે કે કેટલો ડેટા સંગ્રહ કરી શકે તેમ છે) એ જ દૃષ્ટિથી જોઈએ છીએ. પરંતુ હાર્ડ ડિસ્કની સ્પીડ પણ એક મહત્ત્વનો મુદ્દો છે. આપણે સામાન્ય રીતે ૧૬૦ જીબીથી લઈને ૧ ટેરાબાઇટ સુધીની ક્ષમતાની હાર્ડ ડિસ્ક લઈ શકીએ છીએ. તે કેટલા આરપીએમની છે તે પણ જુઓ. જેમ હાર્ડ ડિસ્કમાં આરપીએમ વધુ તેમ વધુ ઝડપથી ડેટા રીડ કે રાઇટ થઈ શકે. લેટેસ્ટ કમ્પ્યુટરમાં સોલિડ સ્ટેટ ડ્રાઇવ જોવા મળે છે, તેમાં મૂવિંગ પાર્ટ હોતા નથી તેથી આવી ડ્રાઇવ ક્રેશ થવાની શક્યતા ઓછી રહે છે. આવી ડ્રાઇવથી કમ્પ્યુટરના પર્ફોર્મન્સમાં જબરો ફેર પડે છે. પરંતુ અત્યારે સોલિડ સ્ટેટ ડ્રાઇવ ઓછી કેપેસિટીની અને મોંઘી મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!