જે સામાન્ય નજરે, સહેલાઈથી જોવા મળતું નથી, એવું કંઈક જુદું, કંઈક અનોખું જોવું તમને ગમે છે? તો તમને, લોસ એન્જલેસના ટાઇમલેપ્સ સિનેમેટોગ્રાફર, ફોટોગ્રાફર અને ફિલ્મમેકર જોન ક્રેપાએ બ્રાઝિલના રોમાંચક અને રળિયામણા શહેર રિયો ડી જાનેરો શહેરનો બનાવેલો ટાઇપલેપ્સ વીડિયો જોવો જરુર ગમશે. ટાઇમલેપ્સ ફિલ્મ એ શબ્દ આપણા માટે નવો હશે, પણ ઘણી હોલીવૂડ કે બોલીવૂડની ફિલ્મમાં, ખાસ કરીને ટાઇટલ્સ દરમિયાન આ પ્રકારની ફોટોગ્રાફી જોઈ છે. આ એક એવી પ્રોસેસ છે, જેમાં આપણો કોઈ પણ બાબતને જોવાનો, સમયનો સંદર્ભ બદલાય છે અને રોજબરોજની જિંદગી આપણે જુદી જ રીતે જોઈ-માણી શકીએ છીએ.
ઘણા ખરા ડિજિટલ કેમેરામાં એક સાથે સંખ્યાબંધ સ્ટીલ ઇમેજીસ કેપ્ચર કરવાની સુવિધા હોય છે, તેમાં સામાન્ય રીતે એક સેકન્ડમાં ૨૪થી ૩૦ ફ્રેમ કેપ્ચર થતી હોય છે. ટાઇમલેપ્ટ ફોટોગ્રાફી કરતા પ્રોફેશનલ ફોટોગ્રાફર્સ કેટલીક ખાસ ટેકનિકની મદદથી, આ પ્રોસેસ ધીમી કરીને, એક જ સ્થળના વારંવાર, પણ ઓછી સંખ્યામાં ફોટોગ્રાફ લે છે. આ પ્રકારે એક જ એંગલેથી સંખ્યાબંધ ફોટોગ્રાફ લઈ, એ બધા જ ઝડપથી પ્લેબેક કરવામાં આવે છે, પરિણામે આકાશમાં વાદળાં ઝડપથી ગતિ કરતાં હોય, શહેરની સ્કાયલાઇન પર સામાન્ય કરતાં વધુ ઝડપથી સૂર્ય આથમતો હોય (હવે આવાં ફિલ્મી દૃશ્યો યાદ આવ્યાં?) કે કળીમાંથી એકદમ ઝડપથી ફૂલ ખીલી જાય એવી ફાસ્ટફોર્વર્ડ જેવી ઇફેક્ટ સર્જાય છે.
જો કેપ્રા એક પ્રોફેશનલ ફોટોગ્રાફર છે અને કોઈ કંપનીના એસાઇન્મેન્ટ માટે રિયો શહેર મુલાકાતે જવાનું થયું ત્યારે તેમણે નિજાનંદ માટે આ શહેરના અલગ અલગ મિજાજ શૂટ કર્યા પછી એમાંથી ટાઇમલેપ્સ વીડિયો બનાવ્યો!
