(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

નેટબેન્કિંગ : જોજો! શોપિંગની મજા ન બને સજા!

મુંબઈ પોલીસના કર્મચારીઓનાં પગાર ખાતાંમાંની રકમ ગ્રીસના હેકર્સે ગૂપચાવી લીધાના સમાચાર વાંચીને ભલભલા લોકોને નેટબેન્કિંગની સલામતી વિશે ચિંતા થઈ પડી છે. દુનિયાભરની બેન્ક્સ ઇન્ટરનેટથી કનેક્ટેડ હોવાથી આપણે ફક્ત ચિંતા કરવાથી બચી નહીં શકીએ. એ માટે તો સલામતીની ચોક્કસ જાણકારી મેળવીને સાવધાની રાખ્યા વિના છૂટકો નથી. એ સંદર્ભે, સાયબરસેફ્ટીના ક્ષેત્રે પ્રવૃત્ત પ્રોફેશનલની કલમે લખાયેલો આ લેખ.

– સંપાદક

આગળ શું વાંચશો?

  • નેટબેકિંગ કેટલું પ્લસ કેટલું માઈનસ?

શનિવાર, ૧૫ જૂને ન્યૂઝપેપરમાં મોટા અક્ષરોમાં સમાચાર છપાયા કે મુંબઈની એક્સિસ બેંકની શાખામાંથી પોલીસ ડિપાર્ટમેન્ટ સહિત કુલ ૩૬ ખાતાઓમાંથી પંદર લાખની વધુ રકમની ઉચાપત કરવામાં આવી. મુંબઈ પોલીસના પગાર સહિતનાં બેંક ખાતાને હેક કરીને ગ્રીસમાં કોઈ અજ્ઞાત શખ્સ દ્વારા લાખો રુપિયા ઉપાડી લેવામાં આવ્યા.

આ કેસમાં તપાસ કરી રહેલા ડીસીપી શ્રી વિનાયક દેશમુખના જણાવ્યા અનુસાર આ રકમ એટીએમ મશીન દ્વારા ઉપાડવામાં આવી છે. જેમાં પોલીસ કર્મચારીઓના ૧૨ એકાઉન્ટમાંથી ૨,૨૧,૦૦૦ રુપિયાનો પણ સમાવેશ થાય છે. સામાન્ય નાગરિકોના હેક થયેલા બેંક એકાઉન્ટની તપાસ કરતા પોલીસ કર્મચારીઓ જ હેકિંગનો ભોગ બનતાં પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. કેટલાક પોલીસને મોબાઈલ મેસેજ દ્વારા પોતાના રુપિયા યુરો કરન્સી રુપે ઉપડ્યાની જાણ થઈ, પરંતુ ત્યારે બહુ મોડું થઈ ગયું હતું. એક્સિસ બેન્કે આ માટે મુંબઈ પોલીસનો સંપર્ક સાધતાં રાજ્યના પોલીસ વડા શ્રી સંજીવ દયાલે સિનિયર અધિકારીઓ સાથેની બેઠક બાદ આ નાણાં પરત મેળવવામાં આવશે તેવી ખાતરી આપી હતી.

હવે એ નાણાં ક્યારે પાછાં મળે, ક્યારે ગુનેગારો પકડાય, તેને સજા મળે ત્યારની વાત ત્યારે પણ હમણાં તો આપણે એ વિચારવાનું કે આવું કેમ થાય છે અને આપણી સાથે ના થાય તે માટે શું કરવું? એવું નથી કે અહીં ભૂલ ખાતાધારકો કે પોલીસની છે, પરંતુ વાત પાણી પહેલાં પાળ બાંધવાની છે.

જો બેન્કિંગ સેક્ટરમાં બેદરકાર રહ્યા તો આવું આપણી સાથે બનતાં વાર નહીંલાગે. ઈ-કોમર્સ ક્ષેત્રમાં આવેલ ક્રાંતિના પરિણામે નાનકડા પુસ્તકથી માંડીને લાખોની કાર પણ આપણે ઈન્ટરનેટ દ્વારા ખરીદી શકીએ છીએ. નેટબેન્કિંગ દ્વારા આપણા માટે દુનિયાભરની વેપારી કંપનીઓ રેડકાર્પેટ પાથરીને બેઠી છે. જાતજાતની લોભામણી ઓફરોથી બાળકોથી માંડીને મોટેરાંઓ સુધીના તમામ વર્ગને આકર્ષવા દરેક વેબસાઈટ તૈયાર છે.

ભૂખ લાગી છે? પીઝા મંગાવો, પિક્ચર જોવું છે? બુકિંગ કરાવો. મેરેજમાં જવાનું છે? કપડાં મંગાવો. ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવાનું છે? ડાયમંડ રીંગ મંગાવો! ફેમિલી ટૂર પર જવું છે? રેલવે-ફ્લાઈટ બુકિંગ કરાવો. તમારે કોઈ વસ્તુ માટે દુકાન સુધી લાંબા થવાની જરુર જ નથી અને પેમેન્ટની પણ કોઈ ચિંતા નથી. ક્રેડિટ કાર્ડ – ડેબિટ કાર્ડ દ્વારા ગમે તે ખરીદી શકો છો એ પણ ઘેરબેઠાં. દરેક બેંક હવે નેટબેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગની સુવિધા આપે છે.

નેટબેન્કિંગ : કેટલું પ્લસ કેટલું માઈનસ?

નેટબેન્કિંગની સુવિધા ગ્રાહકો માટે આશીવર્દિ સમાન ગણી શકાય. આ માટે દરેક બેંક દ્વારા ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને SSL (સિક્યોર સોકેટ લેયર) ધરાવતા પેજ પર જ ટ્રાન્ઝેક્શન થાય તેવો આગ્રહ રાખવામાં આવે છે. બેંક પોતે પણ ખાસ હાઈ-ફાઈ સિક્યોર નેટવર્ક સિસ્ટમ વડે સજ્જ હોય છે જેમાં બ્રીચ (ભંગાણ)ની શક્યતા નહીંવત હોય છે.

તો પછી આટલા બેન્કિંગ ફ્રોડના બનાવો કેમ બને છે? કેમ કોઈનું બેન્કિંગ એકાઉન્ટ હેક થઈ જાય? કેમ કોઈના ખાતામાંથી પૈસા ઉપડી જાય? મોટા ભાગે ખાતેદાર કે ગ્રાહકની નાનકડી ભૂલને કારણે જ આવા બનાવો બનતા હોય છે. મોટા ભાગના ગ્રાહકો નેટબેન્કિંગ માટે પર્સનલ કમ્પ્યુટરનો ઉપયોગ કરે છે. મોટા ભાગનાં પર્સનલ કમ્પ્યુટર પોતે જ સુરક્ષિત હોતાં નથી. ખાસ કરીને વિન્ડોઝ પર ચાલતાં પીસી. આવા લૂપહોલ્સ (સુરક્ષામાં ખામી)નો લાભ લઈને હેકર્સ તમારા ઈન્ટરનેટ બેંક એકાઉન્ટ સુધી પહોંચીને તમારી ઓળખ આપીને ફ્રોડ કરી શકે છે. કેટલીક વાર બેંક આ તફાવતને ઓળખવામાં નિષ્ફળ નીવડે છે અને જ્યાં સુધીમાં તમને ખબર પડે ત્યાં સુધીમાં તો તમારા રુપિયાનો ઉપાડ કે ટ્રાન્સફર થઈ ચુક્યું હોય છે.

તો ચાલો હવે જાણીએ કે આવું આપણી સાથે ના થાય તે માટે કંઈ કંઈ સાવચેતીઓ રાખવી જોઈએ.


નેટબેન્કિંગ માટે મુખ્યત્વે બે પ્રકારની સિક્યોરીટી જરુરી બને છે :

  1. ઓનલાઈન-સર્વર સિક્યોરીટી
  2. ઓફલાઈન-ડેસ્કટોપ સિક્યોરીટી

જો તમે તમારા કાર્યક્ષેત્રમાં કે કોઈ જાહેર જગ્યા એ જેમ કે મોલ્સ, સાયબરકાફે જેવી જગ્યાએ નેટબેન્કિંગ કરતા હો તો તે જોખમી છે કારણ કે મોટા ભાગના પબ્લિક પ્લેસમાં કમ્પ્યુટર સેફટી પર ધ્યાન આપવામાં આવતું નથી. હેકર્સ માટે આવા ખુલ્લા પીસી મોકળું મેદાન બની રહે છે. તેઓ આવા કમ્પ્યુટરમાં જાતજાતના હેકિંગ સોફ્ટવેર, જેવા કે કીલોગર્સ, સ્પાયવેર, ટ્રોજન્સ વગેરે દ્વારા તમારા યુઝરઆઈડી અને પાસવર્ડ સહીત બધી માહિતી ચોરીને તેનો દુરુપયોગ કરી શકે છે.

ઉપાય : દરેક બેંક વેબસાઈટ પોતાના ઈન્ટરનેટ બેન્કિંગના ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વર્ચ્યુઅલ કીપેડનો ઓપ્શન રાખે છે જેથી કરીને આવા કીલોગર્સથી બચી શકાય. સાથોસાથ કમ્પ્યુટરમાં એક વાર સ્પાયવેર સ્કેનર વડે સ્કેન કરીને પછી ટ્રાન્ઝેક્શન કરવું વધુ હિતાવહ છે.

ઓનલાઈન શોપિંગ વખતે ક્યારેય ઉતાવળમાં અજાણી લિંક પર કે અચાનક ડિસ્પ્લે થતી વિન્ડો પર ક્લિક ના કરવું. દા.ત. મોટા ભાગના બ્રાઉઝરમાં પાસવર્ડ સેવ કરવાનો ઓપ્શન આપેલો હોય છે કે જેવો તમે પાસવર્ડ નાખો કે તરત જ બ્રાઉઝર તમારે એ પાસવર્ડ સેવ કરવો છે કે નહિ તે પૂછે છે. કેટલાક લોકો વાંચ્યા વગર જ YES બટન ક્લિક કરી દે છે અને તમારો પાસવર્ડ બ્રાઉઝરમાં સેવ થઈ જાય છે. જે પાસવર્ડને અમૂક ટુલ્સ વડે આસાનીથી કોઈ પણ વ્યક્તિ જોઈ શકે છે.

જો આપ ઈન્ટરનેટ બેન્કિંગ ઘરેથી જ કરતા હોય તો પણ તમારે વધુ સાવધાની રાખવાની જરૂર રહે છે. સાયબર કાફેમાં તો ચાલો ઠીક છે કે કલાક બેઠા અને તેટલા સમય પૂરતી સાવધાની રાખીએ એટલે ચાલે પણ પર્સનલ કમ્પ્યુટર પર તો ઈન્ટરનેટના વપરાશનું કોઈ માપ ન રહેતું હોવાના લીધે કોઈ સમયમયર્દિા રહેતી નથી.

એક કાઠીયાવાડી કહેવત મુજબ “બિલાડી ઘર ભાળી જાય તેમ હેકર્સ તમારી નાનકડી લાપરવાહીની જ રાહ જોતા હોય છે કે જેથી તમારા પીસીમાં યેનકેન પ્રકારે પ્રવેશ મેળવી શકે. જો એક વાર તેના ટ્રોજન કે સ્પાયવેર કે કીલોગર્સ કે અન્ય કોઈ સોફ્ટવેર દ્વારા તે તમારા કમ્પ્યુટરમાં પ્રવેશ મેળવી લે તો કાયમી ધોરણે તમારા કમ્પ્યુટરનો ઉપયાગ કરવા સક્ષમ બની જાય છે.

ઉપાય : સૌ પ્રથમ તમારા ડેસ્કટોપ વિશે પૂરેપૂરી જાણકારી મેળવી લો કે તે બધી રીતે સેફ છે કે નહિ. જો કોઈ ખામી હોય તો તેનું યોગ્ય નિવારણ કરો. જેમ કે સિસ્ટમ સ્કેન કરવી, એન્ટિવાઇરસ અપડેટ કરવો, ફાયરવોલ ઓન કરવી વગેરે.

ઈન્ટરનેટ ફ્રોડ કેસમાંથી ૧૪ % જેટલા ફ્રોડ કેસ ક્રેડિટ કાર્ડના હોય છે. આવા કેસમાં મોટા ભાગે ક્રેડિટ કાર્ડ કંપની પાસે તેના દરેક ટ્રાન્ઝેક્શનની રજેરજની માહિતી હોવાથી આવા કેસમાં વહેલા-મોડા ક્રિમિનલ્સ પકડાઈ જતા હોય છે પણ ત્યાં સુધીમાં જે તે ગ્રાહકની રકમ વપરાઈ ગઈ હોય છે.

ઉપાય : ક્રેડિટ કાર્ડ વાપરો કે ના વાપરો, દર મહિને તેના સ્ટેટમેન્ટથી વાકેફ રહો. કોઈ પણ શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન જણાય તો તરત જ બેંકનો સંપર્ક કરો. ક્રેડિટ કાર્ડ નંબર નાખતી વખતે વેબપેજ SSL લેયર પર છે કે નહિ તે ચેક કરી લેવું.

મોબાઈલ બેન્કિંગ : જમાના સાથે હાઈટેક થતી બેંકમાં ગ્રાહકોની સુવિધા માટે દરેક બેંક હવે મોબાઈલ બેન્કિંગની સુવિધા આપે છે. આપના નાના-મોટા બીલ ભરવા માટે, મોબાઈલ રીચાર્જ કરવા, પૈસા ટ્રાન્સફર કરવા સહિતની ઘણી સુવિધા મોબાઈલ પર પૂરી પાડે છે. મોબાઈલ બેન્કિંગ સેફટી અંગે તો એટલું જ ધ્યાન રાખવાનું કે તમારો મોબાઈલ જ્યાં સુધી તમારી પાસે છે ત્યાં સુધી જ સુરક્ષિત છે. જો તમારો મોબાઈલ ચોરાઈ ગયો અને ભૂલથી તમારું બેન્કિંગ એકાઉન્ટ ઓપન રહી ગયું તો મુસીબતમાં મુકાઈ શકો છો.

ઉપાય : મોબાઈલમાં ભલે કંટાળો આવે છતાં લોગઇન-લોગઆઉટની ટેવ રાખો. કોઈ પણ બેન્કિંગ ટ્રાન્ઝેક્શનનો મેસેજ મોબાઈલ દ્વારા મળી જાય તે માટે SMS સર્વિસ ઓન રાખો. મોબાઈલમાં એન્ટિથેફ્ટ સોફ્ટવેર ઓન રાખો અને બને તો મોબાઈલ બેન્કિંગનો ઉપયોગ ના છૂટકે જ કરો.

આ ઉપરાંતના કેટલીક ઉપયોગી સિક્યોરીટી ટિપ્સ સેફ ઈન્ટરનેટ બેન્કિંગ માટે :

  • નકલી બેંક વેબસાઈટથી સાવચેત રહો. હેકર્સ તમને તેની નકલી વેબસાઈટ પર ગમે તે રીતે આકર્ષવાનો પ્રયત્ન કરશે. પણ નેટબેન્કિંગ વખતે હમેશા વેબસાઈટનું ઞછક ચેક કરી લેવું. કારણ કે ચાલક હેકર્સ બેંકની વેબસાઈટના ભળતા નામ પર જ નકલી વેબસાઈટ બનાવે છે. દા.ત., www.axisbankonline.com એ સાચી બેન્કિંગ વેબસાઈટ છે જેના પરથી હેકર્સ નકલી વેબસાઈટ બનાવે છે www.axisonlinebank.com જેમાં ગ્રાહક ભોળવાઈ જાય છે.
  • બેંકની ઈન્ટરનેટ પોલિસીને એક વાર નિરાંતે વાંચી લેવી. કેટલીક બેંકમાં અમુક રકમથી વધારે ટ્રાન્સફર કરવા માટે એક અલગ સ્ટ્રોંગ પાસવર્ડ હોય છે.
  • દર મહિને પાસવર્ડ બદલતા રહો અને તેને ક્યાંય લખવાના બદલે માત્ર યાદ રાખો.
  • ધારી શકાય તેવા પાસવર્ડ ના રાખવા જેમ કે વ્યક્તિનું નામ, જન્મતારીખ, મોબાઈલ નંબર.
  • બ્રાઉઝર અને ઓપરેટિંગ સિસ્ટમને અપડેટ રાખો. સિક્યોરીટી સોફ્ટવેરને પણ રેગ્યુલર અપડેટ રાખો. સિક્યોરીટી સોફ્ટવેર હમેશા વિશ્ર્વાસુ વેબસાઈટ પરથી જ ડાઉનલોડ કરવાનો આગ્રહ રાખવો.
  • ઓનલાઈન શોપિંગ કે પેમેન્ટ કર્યા પછી બેન્કિંગ પોર્ટલને લોગઆઉટ કરવાનું ભૂલશો નહિ. પબ્લિક કમ્પ્યુટરમાંથી સીધું બ્રાઉઝર બંધ કરવાને બદલે તેની હિસ્ટ્રી અને સેશન ક્લીયર કરી નાખવા.
  • એન્ટિવાઇરસની ફાયરવોલ ઉપરાંત એક ફાયરવોલ ઇન્સ્ટોલ કરી રાખો અને તેને રોજ ઓટોમેટિક અપડેટ કરાવો.
  • ઘણી બેંકો  Last Login Panel ની લિંક આપે છે. તેનો સદુપયોગ કરવો. જો કોઈ શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન જણાય તો બેંકનો સંપર્ક કરવો.
  • ઈન્ટરનેટ બેન્કિંગ કરતી વખતે કમ્પ્યુટર ખુલ્લું છોડીને જવું નહિ.
  • વારેવારે આવતા લોભામણી જાહેરાતોના ઈ-મેઈલ્સથી છેતરાવું નહિ.
  • બેંકના નામે આવતા ઈ-મેઈલ્સમાં જો ઈ-મેઈલ-આઈડી, પાસવર્ડ, ક્રેડિટ કાર્ડ નંબર કે અન્ય પર્સનલ માહિતી આપવી નહિ. આવા વ્યવહારો બને ત્યાં સુધી બેંકમાં જ કરવા.
  • જો એક કરતાં વધારે બેંક એકાઉન્ટ વાપરતા હો તો બધા માટે સરખો પાસવર્ડ વાપરવો નહિ.
  • શક્ય હોય ત્યાં સુધી ક્યારેય સાયબરકાફેમાંથી ઓનલાઈન શોપિંગ ન કરો કેમ કે બેંક ફ્રોડનો સુધી વધુ ખતરો ત્યાં જ રહે છે.
  • વેબસાઈટમાં નીચે જમણી તરફ પેડલોકનો સિમ્બોલ ચેક કરીને જ આગળ પ્રોસેસ કરવી.

તો આ રીતે ઓનલાઈન બેન્કિંગ સુવિધાનો સલામત રહીને ઉપયોગ કરવાથી આ સેવા આપના માટે આશીર્વાદ રુપ બની રહે છે અને જમાનાથી એક કદમ આગળ રહીને મોટી મોટી લાઈનોથી બચીને સમય અને શક્તિનો બચાવ કરી શકીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!