આ વર્ષે એન્જિનીયરિંગમાં એડમિશન લઈને તમે એન્જિનીયર બનશો ત્યારે તમારી સ્પર્ધા બીજા હજારો એન્જિનીયર્સ સાથે થશે. એ ટોળામાં તમને અલગ અને આગળ રહેવામાં મદદ કરે એવી એક વેબસાઇટ…
આ અંક તમારા હાથમાં પહોંચશે ત્યારે તમે પોતે, તમારા પરિવારમાં કે તમારા પરિચિત વર્તુળમાંના સંખ્યાબંધ વિદ્યાર્થીઓ કોલેજમાં એડમિશનની પ્રક્રિયામાં મશગૂલ હશે. તેમાંના ઘણા બધા, એન્જિનીયરિંગની કોઈ ને કોઈ શાખામાં ઝંપલાવવા માટે દિવસો ગણી રહ્યા હશે.
ગુજરાતને આ વર્ષથી સિવિલ, ઓટોમોબાઇલ અને મિકેનિકલ એન્જિનીયરિંગમાં સેલ્ફ-ફાઇનાન્સ્ડ કોલેજીસમાં વધારાની ૮૦૦૦ બેઠકોનો લાભ મળ્યો છે. વિવિધ અખબારી અહેવાલો અનુસાર, ગુજરાતમાં એન્જિનીયરિંગની બધું મળીને ૬૦,૦૦૦થી વધુ સીટ્સ છે. હવે એવી સ્થિતિ છે કે બારમા ધોરણમાં મેથ્સ, ફિઝિક્સ અ–ે કેમિસ્ટ્રી વિષય સાથે એ ગ્રુપ લેનારા વિદ્યાર્થી જો પરીક્ષા ફક્ત પાસ થઈ જાય તો પણ તેને એન્જિનીયરિંગમાં એડમિશન મેળવવાની તક રહેશે. આનો બીજો અર્થ એવો પણ થયો કે જો તમે આ વર્ષે પોતે એન્જિનીયરિંગની કોઈ શાખામાં એડમિશન મેળવો ત્રણ-ચાર વર્ષે પહેલી ડીગ્રી મેળવીને કારકિર્દીની શરૂઆત કરો ત્યારે, બીજાં રાજ્યોના વિદ્યાર્થીઓને ગણતરીમાં લો જ નહીં તો પણ, ઓછામાં ઓછા ૫૦-૬૦ હજાર, તમારા જેવા જ ડીગ્રીધારી એન્જિનીયર્સ સાથે તમારે સ્પર્ધામાં ઉતરવાનું થશે.
બીજી તરફ, બારમા ધોરણમાં પાસ થયેલા અને સારી કારકિર્દી માટે કઈ લાઇન અને કઈ કોલેજ પસંદ કરવી તેની મૂંઝવણમાં મૂકાયેલા વાલીઓ-વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા અનેક ફ્રી સેમિનારનું દર વર્ષે આયોજન થાય છે. આ સેમિનાર્સમાં આ ક્ષેત્રની પોતાની જાણકારી અને પોતાના અનુભવોનો લાભ આપતા નિષ્ણાતો લગભગ એક સૂરમાં કહે છે કે શિક્ષણના વેપારીકરણ પછી, ગણ્યાગાંઠ્યા અપવાદોને બાદ કરતાં કોલેજોમાં તમને બહુ સારું શિક્ષણ મળશે એવી આશા રાખશો નહીં.
તો સવાલ એ છે કે ૫૦,૦૦૦ એન્જિનીયર્સના ટોળામાં તમે તમારી જાતને સૌથી આગળ કેવી રીતે રાખશો? કોલેજીસમાં જેવું પણ મળવાનું છે એવું શિક્ષણ બધાને લગભગ સરખું જ મળવાનું છે. તમે એન્જિનીયર તરીકેની તમારી આગવી કુશળતા કેવી રીતે વિકસાવશો?
આ સવાલનો એક જ જવાબ હોઈ શકે – કોલેજ બહારથી પણ એન્જિનીયરિંગને લગતી વધુ ને વધુ જાણકારી મેળવીને. ઇન્ટરનેટ પર આવા એક નહીં અનેક સ્રોત ઉપલબ્ધ છે. થોડું ગૂગલિંગ કરશો તો તમને દરરોજ કંઈક નવું, બીજાથી વિશેષ શીખવે એવી અનેક વેબસાઇટ્સ જાણી શકશો.
અહીં આપણે ફક્ત એક વેબસાઇટની વાત કરીએ : http://www.tryengineering.org/ તદ્દન નબળી ડિઝાઇન ધરાવતી આ વેબસાઇટ પહેલી નજરે કોઈ આકર્ષણ ઊભું કરી શકતી નથી, પણ કન્ટેન્ટમાં નજર દોડવતાં તેનું મહત્ત્વ સમજાઈ જશે. આ સાઇટ માટે ક્ધટેન્ટ મેનેજમેન્ટ અને પ્રમોશન પાર્ટનર આઇઇઇઇ (http://www.ieee.org) છે, જે ટેક્નોલોજીના પ્રસાર માટે કાર્યરત વિશ્વના સૌથી વિશાળ પ્રોફેશનલ એસોસિએશન છે. ટેક્નોલોજી પાર્ટનર આઇબીએમ છે અને વેબ હોસ્ટિંગ અને કન્સ્ટિંગ પાર્ટનર ન્યૂ યોર્ક હોલ ઓફ સાયન્સ છે.
આ સાઇટ પર એન્જિનીયર બનવા માગતા વિદ્યાર્થીઓને એન્જિનીયરિંગના દરેક ફિલ્ડની બિલકુલ બેઝિકથી એડવાન્સ્ડ લેવલની પાર વગરની માહિતી મળી રહે છે. અહીં કેમિકલ, સિવિલ, કમ્પ્યુટર, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ પાયાની લાઇન્સ ઉપરાંત, એરોસ્પેસ એન્જિનીયરિંગ, એગ્રીકલ્ચરલ એન્જિનીયરિંગ, બાયોએન્જિનીયરિંગ, ન્યુક્લિયર એન્જિનીયરિંગ જેવી સ્પેશ્યલાઇઝ્ડ લાઇન્સ વિશે ઓવરવ્યૂ , આ લાઇનમાં જવા માટે કેવી આવડત જરુરી છે અને આ લાઇનમાં કારકિર્દીની કેવી તક છે તેની મુદ્દાસર માહિતી મળે છે.
સાઇટ પર વિવિધ ક્ષેત્રના એન્જિનીયર્સના ઇન્ટરવ્યૂ પણ વાંચી શકાય છે.
એ બધું વાંચ્યા પછી અને એડમિશન મેળવ્યા પછી કોલેજ શરુ થાય ત્યાં સુધીના દિવસોમાં ટાઇમ પાસ કરવા માટે ગેમ્સ રમવી હોય તો આ સાઇટ પરથી એન્જિનીયરિંગ ગેમ્સનો પણ ખજાનો મળશે. અહીં પેરાશૂટ કે લાઇફબોટથી માંડીને પોતાના સેટેલાઇટ ડિઝાઇન કરવાની કે વર્ચ્યુઅલ સોલર કાર ડિઝાઇન કરીને તેની રેસ કરવા જેવી ગેમ્સ મળશે અને ખાસ સોફ્ટવેર ડાઉનલોડ કરીને બ્રીજ ડિઝાઇન કરવાની તક પણ મળશે.
આ સાઇટ જોયા પછી તમારા બે પ્રતિભાવ હોઈ શકે છે – ‘આ બધું તો અમેરિકન સ્ટુડન્ટને કામનું છે!’ અથવા ‘વાહ, હવે હું પણ એકલવ્યની જેમ ઇન્ટરનેશનલ ક્વોલિટીનું એજ્યુકેશન મેળવી શકું છું! તમારો પ્રતિભાવ શો છે તેના પર તમારા ભાવિનો આધાર છે.


