સમય સાથે નવાં કલેવર ધારણ કરતી ભાષામાં નવા ઉમેરાતા શબ્દો કાળક્રમે ડિક્શનરીમાં પણ સ્થાન પામે છે. ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના પ્રતાપે, ભાષામાં નવા શબ્દો ઉમેરાવાનું પ્રમાણ વધ્યું છે. આવો જાણીએ આવા કેટલાક ‘નવા’ શબ્દો.
બાર ગાઉએ બોલી બદલાય’ એવું એક સમયે કહેવાતું હતું, પણ આજના ઇન્ટરનેટના યુગમાં ભૌતિક અંતર જેવું લગભગ કંઈ રહ્યું જ નથી. આજે દુનિયાભરના લોકો પલકવારમાં એકમેકના જીવંત સંપર્કમાં આવી શકે છે. વિશ્વનો અનેક સંસ્કૃતિઓના આ અત્યંત ઝડપી સમન્વયથી એક નવી સંસ્કૃતિ વિકસી રહી છે અને એને પગલે આપણી ભાષાઓમાં નવા નવા શબ્દો પણ ઉમેરાઈ રહ્યા છે.
તમે અવારનવાર અખબારોમાં વાંચતા હશો કે ઓક્સફર્ડ ડિક્શનરીમાં ફલાણો નવો શબ્દ ઉમેરાયો. ઓક્સફર્ડ ડિક્શનરી પ્રેસ ૧૫૦ વર્ષ કરતાં વધુ સમયથી ડિક્શનરીઝ બનાવે છે અને એસએમએસ, સોશિયલ મીડિયા અને ઇન્સ્ટન્ટ મેસેજિંગના પ્રતાપે તેનું શબ્દભંડોળ પણ સતત વધતું જાય છે! આવો તપાસીએ એવા કેટલાક શબ્દો, જે આપણા માટે પહેલાં જાણીતા બન્યા અને પછી ડિક્શનરીમાં ઉમેરાયા!
OMG: ડિક્શનરીમાં તેનો અર્થ : (EXCLAMATION) used to express surprise, excitement, disbelief, etc. (VERB) આપણે ભલે થોડાં વર્ષથી એસએમએસમાં ઝડપી ટાઇપિંગની જરુરિયાતને કારણે “Oh my god”, “Oh my goodness” કે “Oh my gosh” ના ટૂંકા સ્વરુપ તરીકે આ નવો શબ્દ બનાવ્યો, પણ હકીકતમાં તે નવો નથી. છેક ૧૯૧૭માં બ્રિટનના એક અફસરે બ્રિટનના વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચીલને લખેલા પત્રમાં પણ OMG શબ્દનો ઉપયોગ કર્યો હતો! આ શબ્દ ૨૦૧૧માં ડિક્શનરીમાં ઉમેરાયો.
LOL: ડિક્શનરીમાં તેનો અર્થ : laughing out loud; laugh out loud (used chiefly in electronic communication to draw attention to a joke or amusing statement, or to express amusement) (ABBREVIATION) ૯૦ના દાયકામાં એસએમએસની વધતી લોકપ્રિયતા સાથે આ શબ્દ પણ ચલણી બન્યો અને હવે તો ઈ-મેઇલ, ચેટ, સોશિયલ મીડિયા અને ઇન્સ્ટન્ટ મેસેજિંગમાં લોકો જોક કે ફની ઇમેજના જવાબમાં ‘મજા પડી’ એવું લાંબું લખવાને બદલે ફટ દઈને લખે છે : LOL. આ શબ્દ ૨૦૧૧માં ડિક્શનરીમાં ઉમેરાયો.
Inbox: ડિક્શનરીમાં તેનો અર્થ : (noun) An electronic folder in which emails received by an individual are held, (VERB) send a private message or an email to (someone, typically another member of a social networking website or Internet message board) આપણા પર આવતા ઈ-મેઇલ્સ જેમાં સચવાય તે ફોલ્ડરને ‘ઇનબોક્સ’ કહેવાય એ તો આપણે જાણીએ છીએ, પણ હવે એ જ શબ્દ, ‘ઇનબોક્સ મી’ એટલે કે ‘મને પ્રાઇવેટ મેસેજ મોકલી દેજો’ એવા અર્થમાં પણ વપરાય છે. એટલે કે અત્યાર સુધી નામ કે સંજ્ઞા તરીકે જાણીતો આ શબ્દ હવે ક્રિયાપદ પણ બન્યો છે! આ શબ્દ ૨૦૧૨માં ડિક્શનરીમાં ઉમેરાયો.
FOMO: ડિક્શનરીમાં તેનો અર્થ : (NOUN) anxiety that an exciting or interesting event may currently be happening elsewhere, often aroused by posts seen on a social media website આ પણ એક ટૂંકાક્ષરી શબ્દ છે, જેનું આખું સ્વરુપ છે Fear of Missiong Out ક્યાંક કોઈક રસપ્રદ ઘટના બની રહી હોય અને આપણે તેમાં ભાગ ન લઈ શકવાને કારણે ‘પોતે રહી ગયા’ની જે લાગણી અનુભવીએ તેના સંદર્ભમાં વપરાતો આ શબ્દ ૨૦૧૩માં ડિક્શનરીમાં ઉમેરાયો.
TL;DR: ડિક્શનરીમાં તેનો અર્થ : (ACRONYM) short for “Too long; Didn’t read” નવી ટેક્નોલોજીને કારણે નવા નવા ટૂંકાક્ષરો જન્મ્યા છે એની વધુ એક સાબિતી. કોઈ આપણને ઈ-મેઇલ કે વોટ્સએપમાં લાંબુંલચક લખાણ મોકલે તો જવાબમાં આપણે લખવું હોય કે ‘બહુ લાંબું હતું, વાંચ્યું નથી’ તો એ જ વાત બિલકુલ ટૂંકમાં આ રીતે લખી શકાય – TL;DR! આ શબ્દ ૨૦૧૩માં ડિક્શનરીમાં સ્થાન પામ્યો.
Tweet: ડિક્શનરીમાં તેનો અર્થ : (NOUN) a posting made on the social media website Twitter ટવીટરનો લોગો અને તેનું નામ સ્પષ્ટપણે બતાવે છે કે પંખીઓની જેમ કલબલાટ કરવાની સગવડ આપતી સાઇટ એટલે ટવીટર. આમ પંખીઓના કલરવ માટેનો અંગ્રેજી શબ્દ Tweet તો પહેલેથી ડિક્શનરીમાં હતો જ, પણ ૨૦૧૩ના જૂન મહિનામાં ખાસ ટવીટર સાઇટના સંદર્ભમાં તેનો નવો અર્થ ડિક્શનરીમાં ઉમેરાયો. આ શબ્દે ઓક્સફર્ડ ડિક્શનરીની એક વર્ષો જૂની પરંપરા પણ તોડી. સામાન્ય રીતે, જે શબ્દ (અને તેનો અર્થ) ઓછામાં ઓછાં ૧૦ વર્ષથી પ્રચલિત હોય એ જ શબ્દને ડિક્શનરીમાં ઉમેરવાની પરંપરા છે, પણ ઓક્સફર્ડના નિષ્ણાતોએ જોયું વર્ષ ૨૦૦૬માં ટવીટર સાઇટ લોન્ચ થઈ તેના ફક્ત એક વર્ષમાં, ટવીટ શબ્દના ઉપયોગમાં ત્રણગણો વધારો થઈ ગયો. વર્ષ ૨૦૧૨ સુધીમાં તો આ શબ્દ આખી દુનિયામાં ૫૦ ગણો વધુ વપરાવા લાગ્યો (રીતસરનો કલબલાટ!). પરિણામે ૨૦૧૩માં ટવીટના નવા અર્થને ડિક્શનરીમાં સ્થાન મળ્યું.
ટવીટની જેમ ફોલો અને ફોલોઅર શબ્દો પણ ડિક્શનરીમાં હતા જ, પણ તેમના અર્થને પણ વિસ્તારીને તેમાં સોશિયલ મીડિયાના સંદર્ભને સમાવી લેવામાં આવ્યા.
Phablet: ડિક્શનરીમાં તેનો અર્થ : (NOUN) a smartphone having a screen which is intermediate in size between that of a typical smartphone and a tablet computer. આ એક શબ્દ છે, જે ડિક્શનરી માટે ખરેખર નવો હતો! પાંચથી સાત ઇંચના સ્ક્રીનવાળા ડિવાઇસ માટે સ્માર્ટફોનમાંથી અને માંથી શબ્દો મેળવીને આ નવો જન્મ્યો. આમ તો એટીએન્ડટી કંપનીનો ઇઓ ૪૪૦ જગતનો પહેલો ફેબલેટ ગણાય, જે ૧૯૯૩માં આવ્યો હતો, પણ ફેબલેટ શબ્દ ૨૦૧૦માં બોલાતો થયો અને ડિક્શનરીમાં તેને સ્થાન મળ્યું, ૨૦૧૩માં.
Selfie: ડિક્શનરીમાં તેનો અર્થ : (NOUN) a photograph that one has taken of oneself, typically one taken with a smartphone or webcam and uploaded to a social media website. સેલ્ફી શબ્દથી હવે કદાચ કોઈ અજાણ્યું નહીં હોય, પણ ડિક્શનરીમાં આ શબ્દ છેક ૨૦૧૩માં ઉમેરાયો. આમ જુઓ તો ચિત્રકાર પોતાનું જ ચિત્ર દોરે એ ટ્રેન્ડ તો છેક ૧૫મી સદીથી શરૂ થઈ ગયો હોવાનું મનાય છે, પણ સ્માર્ટફોને સેલ્ફીની કળાને એક નવું જ સ્વરૂપ આપ્યું છે!
તમે ઇન્ટરનેટ સંબંધિત હોય અને ડિક્શનરીમાં નવો ઉમેરાયો હોય એવો કોઈ રસપ્રદ શબ્દ જાણો છો? તો સંદર્ભની લિંક સાથે તેની વિગતો editor@duplics.cybersafar.in પર મોકલી આપો!
ઇન્ટરનેટે ડિક્શનરીને આ નવા શબ્દો કે તેના નવા અર્થ પણ આપ્યા છે :
- Follow
- Follower
- Geekery
- Croudsourcing
- Mouseover
- E-reader
- Flash mob
- Big data
- Infomania
- Textspeak
- Twitterati

