આપણે સૌ કંઈ પણ સર્ચ કરવાનું થાય ત્યારે આપોઆપ ગૂગલ તરફ વળીએ છીએ. કેમ? આ સવાલના ઘણા જવાબ હોઈ શકે, પણ એક સૌથી મોટું કારણ કદાચ એ છે કે ગૂગલ આપણને અને આપણી જરૂરિયાતોને અન્ય સર્ચ એન્જિન કરતાં વધુ સારી રીતે ‘સમજે’ છે.
આ વાત ઉદાહરણ સાથે સમજવી હોય તો ગૂગલ, બિંગ અને યાહૂ, ત્રણેય સર્ચ એન્જિનમાં ‘suicide’ સર્ચ કરી જુઓ.
બિંગ જીવનથી હારી ગયેલા માણસને વધુ હતાશા તરફ ધકેલે એવી ઇમેજીસ પહેલાં બતાવે છે.
યાહૂ આપઘાત સંબંધિત વીકિપીડિયાના પેજ, અમેરિકામાં આપઘાત સંબંધિત એફએક્યુ વગેરે બતાવે છે.
જ્યારે ગૂગલ જાણે કે સર્ચ કરનાર ભારતમાં છે અને તેની સાચી જરૂર કોઈના સધિયારાની છે. એટલે તે આપઘાત તરફ પ્રેરાયેલી વ્યક્તિને મદદરૂપ થતી સંસ્થાનો ફોન નંબર, તેનો ક્યારે સંપર્ક કરી શકાય, કઈ ભાષામાં મદદ મળશે, તેની વેબસાઇટ વગેરે માહિતી સૌથી પહેલાં, અલગ બોક્સમાં બતાવે છે.
કોઈ પણ ક્ષેત્રમાં સફળતાની ટોચ પર પહોંચવું હોય તો આવી સૂક્ષ્મ સમજ જરૂરી છે!

