‘સાયબરસફર’ને સાત વર્ષ પૂરાં થયાં એ બદલ ખૂબ ખૂબ અભિનંદન! છેક શરૂઆતથી જોડાયેલ છું, પણ પત્ર ક્યારેય નથી લખ્યો. હા રૂબરૂમાં ઘણી વાર ચર્ચા કરી છે. દરેક અંકમાં જાદુઈ પિટારામાંથી કંઈક અદ્ભુત જાણવા મળી જાય છે. આવું સરસ મેગેઝિન ઇંગ્લિશમાં પણ ઉપલબ્ધ નથી.
અત્યાર સુધીમાં એક્સેલ પર ઘણા લેખ આવી ગયા છે. એક સજેશન કે બધા લેખ ભેગા કરી, એક સ્પેશિયલ અંક આવો તો સોનામાં સુગંધ જેવું થાય. સમગ્ર ટીમને અભિનંદન!
– હિતેષ ઉપાધ્યાય, અમદાવાદ
હું મારી શાળાનાં બાળકો માટે આપનું મેગેઝિન મંગાવવા ઇચ્છું છું. છેલ્લાં ચાર કે પાંચ વર્ષથી આપના મેગેઝિનનો કાયમી ગ્રાહક અને ચાહક છું. એટલે હવે હું ઇચ્છું છું કે આ જ્ઞાનનો લાભ મારી શાળાનાં બાળકો પણ મેળવે અને ‘સાયબરસફર’નાં પ્રવાસી બને…
– ઉદયભાઈ હિંમતલાલ વાઘેલા, અમરેલી
આ અંકનું નવું સ્વરૂપ ખૂબ સરસ છે. પાનાં ખૂબ આકર્ષક લાગે છે. આવું નવું સ્વરૂપ આપવા માટે આપનો આભાર. હવે દરેક પાનાં રંગીન થાય તેની આતુરતાથી રાહ. મિનિ-ગાઇડની પીડીએફ આવતી નથી!
– વિરેન્દ્રસિંહ હિંમતસિંહ રાજ, વડનગર (સાણંદ)
મારી જોબમાં સતત બદલી થતી હોવાથી ‘સાયબરસફર’નું લવાજમ ભરી શકતો નથી, પણ દર મહિનાની પહેલી તારીખે નજીકના સ્ટોલમાંથી નવો અંક ખરીદવા આતુર રહું છું.
બહુ સરળ ભાષામાં, ખૂબ ઉપયોગી માહિતી મળે છે. ‘સાયબરસફર’થી કમ્પ્યુટર અને ઇન્ટરનેટનું જ્ઞાન ઘણું સમૃદ્ધ થયું છે. આવું સરસ મેગેઝિન ગુજરાતીમાં પ્રકાશિત કરવા બદલ આભાર!
-સુનિલ મકવાણા, રાજકોટ
મેગેઝિનનો નવો લેઆઉટ સરસ છે. બહુ મોટા ફેરફાર લાગતા નથી, તેમ છતાં, વિષયો વધુ આવરી લેવાય છે એ સારું થયું.
– કિશોર દોશી, ખંભાત
‘સાયબરસફર’માં એક્સેલ વિશે ઘણું હોય છે, તેમ છતાં હજી વધુ આપતા રહેશો. એક્સેલ વિશે બિલકુલ પહેલેથી જાણકારી આપતી લેખશ્રેણી કે ગાઇડ પણ કરો.
– મહેશ સોલંકી, ભાવનગર

