સ્માર્ટફોનમાંની ગૂગલ એપ અને ગૂગલ આસિસ્ટન્ટ આપણી ઘણા પ્રશ્નના ઉકેલ, બીજાં કોઈ વેબપેજ પર મોકલવાને બદલે, સીધા સર્ચ રીઝલ્ટ પેજ પર જ આપી દે છે. જાણો આવી સંખ્યાબંધ બાબતો.
છેલ્લાં કેટલાંય વર્ષોથી ગૂગલના સર્ચ એન્જિનમાં સતત નોંધપાત્ર ફેરફારો થતા રહ્યા છે. અગાઉ માત્ર શબ્દો પકડીને ગૂગલ જુદાં જુદાં વેબપેજ સર્ચ કરી આપતું હતું, પણ હવે તેની ‘સમજ’ જબરજસ્ત વિકસી છે અને સ્માર્ટફોનને પરિણામે આખી વાતમાં નવાં જ પરિમાણો ઉમેરાયાં છે. ગૂગલની અનેક સર્વિસીઝ હવે સ્માર્ટફોનના હોમ સ્ક્રીન પર રહેલા સર્ચ બોક્સ અને તેમાંના ગૂગલ આસિસ્ટન્ટ સાથે સંકળાઈ ગઈ છે. એટલે જ, આપણા રોજબરોજના જીવનને સંબંધિત કેટલીય બાબતો ગૂગલ સર્ચને પૂછીએ ત્યારે ઘણી ખરી બાબતોમાં તે જુદી જુદી સાઇટ્સ પર આપણને મોકલવાને બદલે, સર્ચ પેજમાં સૌથી ઉપર જ એ બધું તારવી આપે છે.
અહીં આવી સંખ્યાબંધ બાબતોનાં ઉદાહરણ આપ્યાં છે. જુદી જુદી અજમાયશ કરશો તો મજા પડશે.
અહીં આપેલી બાબતો ઉપરાંત, તમે તમારી પોતાની બાબતો વિશે સર્ચ કરવા માગતા હો તો My photos in Goa, My events, Invoice in my mails, My bookings, My hotels, My order tracking વગેરે લખીને સર્ચ કરી શકો છો. તમારા કોન્ટેક્ટસ, એપ્સ, સોંગ્સ વગેરે પણ ગૂગલ એપમાંથી જ શોધી શકાશે.
ગૂગલની આ શોધક્ષમતાના મૂળમાં તેની ‘નોલેજ ગ્રાફ’ નામની ટેકનોલોજી સમાયેલી છે. તેના વિશે વધુ જાણવામાં રસ હોય તો ‘સાયબરસફર’નો ફેબ્રુઆરી ૨૦૧૩નો અંક જુઓ. અને હા, ગૂગલ આસિસ્ટન્ટની સેવાઓ ટૂંક સમયમાં ગુજરાતીમાં પણ આવી રહી છે!
ટાઇમર સ્ટોપ વોચ
કોઈ કામ પાંચ મિનિટ કે દસ મિનિટ પછી શરૂ કરવાનું છે? ગૂગલ એપનો તમે સહેલાઇથી ટાઇમર કે સ્ટોપવોચ તરીકે ઉપયોગ કરી શકો છો. બસ, સર્ચ બોક્સમાં ‘ટાઇમર’ લખો અને ટાઇમ સેટ કરો.
રીમાઇન્ડર સેટ કરો
રોજે રોજ દિવસમાં બે-ત્રણ વાર નિયત સમયે, નિયમિત રીતે દવાઓ લેવાની છે? એ માટે ગૂગલને તમે રીમાઇન્ડર સેટ કરવાનું કહી શકો છો. આ રીમાઇન્ડર દિવસના ચોક્કસ સમયે દરરોજ કે અઠવાડિયાના અમુક જ દિવસે નિયમિત રીતે તમને ધ્યાનમાં આવે એવી રીતે સેટ કરી શકાય છે. તમે કોઈ ચોક્કસ સ્થળ પસંદ કરીને, તમે ત્યાં પહોંચો ત્યારે રિમાઇન્ડર મળે એવું સેટિંગ પણ કરી શકો છો.
સૂર્યોદય કે સૂર્યાસ્તનો સમય જાણો
પૃથ્વી પરના કોઈ પણ સ્થળ માટે સૂર્યોદય કે સૂર્યાસ્તનો સમય ગૂગલમાં આંખના પલકારે જાણી શકો છો. ફક્ત Sunset કે Sunrise સર્ચ કરશો તો તમારા લોકેશન માટેનો સમય જણાવશે, પણ Sunset Visnagar કે Sunset Dhoraji સર્ચ કરો અને ગૂગલ ત્યાંનો, જે તે દિવસ માટે સૂર્યોદય કે સૂર્યાસ્તનો સમય દર્શાવશે.
હવામાન જાણો
પૃથ્વીના કોઈ પણ સ્થળનું હવામાન જાણવા માટે ઇન્ટરનેટ પર સંખ્યાબંધ વેબસાઇટ ઉપલબ્ધ છે, પરંતુ ગૂગલ ઘણો સહેલો રસ્તો આપે છે. ફક્ત Forecast Surat લખતાં ગૂગલ સુરતનું હવામાન જણાવશે અને સર્ચમાં આગળ વધશો તો weather.com વેબસાઇટની મદદથી સુરતમાં આજે, આવતીકાલે અને આવતા દસ દિવસ કેવું હવામાન રહેશે તે જણાવશે.
એકમો કન્વર્ટ કરો
સેન્ટીમીટરને ઇંચમાં કે ગ્રામને કિલોમાં ફેરવવા માટે બીજે ક્યાંય જવાની જરૂર નથી. ફક્ત ગૂગલમાં તમારી ક્વેરી લખો, જેમ કે 100 gram in kg અને ગૂગલ તરત જ જવાબ આપશે. એટલું જ નહીં, આખું યુનિટ કન્વર્ટર જ ખોલી આપશે.
ફ્લાઇટનું સ્ટેટસ જાણો
ગૂગલમાં ફક્ત ફ્લાઇટ નંબર લખીને સર્ચ કરવાથી એ ફ્લાઇટનું શિડ્યુલ આપણે જાણી શકીએ છીએ.
કરન્સી કન્વર્ટ કરો
ડોલરને રૂપિયામાં કે રૂપિયાને પાઉન્ડમાં ફેરવવા હોય તો પણ ગૂગલ પર પહોંચો અને ફટાફટ જવાબ મેળવો. 100 dollar in rupees લખતાં જે તે દિવસના ભાવ મુજબ ગૂગલ રૂપિયામાં ગણતરી કરી આપશે અને ભાવમાં કેવી વધઘટ ચાલી રહી છે તે દર્શાવતો ચાર્ટ પણ આપશે.
કંપનીના માલિક જાણો
એપલ, ગૂગલ, એમેઝોન કે રિલાયન્સ જિયો જેવી કંપનીના માલિકનું નામ જાણવું છે? ગૂગલમાં ownar of amazone સર્ચ કરો એટલે ગૂગલ તરત જ જવાબ આપશે.
કોઈ જાણીતી કંપની ક્યારે લોન્ચ થઈ એ જાણો
કોઈ પણ જાણીતી કંપની ક્યારે લોન્ચ થઈ એ જાણવું હોય તો ગૂગલને ટૂંકો ઇશારો કરો. જેમ કે, whatsapp launch date ગૂગલ ફટાફટ જવાબ આપશે.
જાણીતા લેખકોનાં પુસ્તકો શોધો
ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. અબ્દુલ કલામે લખેલાં પુસ્તકો શોધી રહ્યા છો? ગૂગલને પૂછો books by kalam અને તરત જ ગૂગલ તેમનાં પુસ્તકોનાં કવર પેજ સ્ક્રોલર સ્વરૂપે બતાવશે.
ટિપની ગણતરી કરો
કોઈ રેસ્ટોરામાં ગયા અને જમ્યા પછી વેઇટરને કેટલી ટીપ આપવી તે નક્કી કરવું છે? ગૂગલમાં Tip Calculator સર્ચ કરો, બિલની રકમ લખો, કેટલા ટકા ટીપ આપવા માગો છો તે લખો અને તરત જ રકમ જાણો. ટીપની રકમ ચાર મિત્રોમાં વહેંચવી હોય તો એ પણ તરત જ ગણતરી થઈ જશે. આ કેલ્સી ડોલર બતાવશે, પણ આપણે તો આંકડાથી મતલબ છે!
શબ્દોના સ્પેલિંગ તપાસો
કોઈ શબ્દના સ્પેલિંગ વિશે મનમાં કન્ફ્યુઝન છે? એ શબ્દનો મનમાં જે સ્પેલિંગ સૂઝે તે ગૂગલમાં લખો. ગૂગલ તેનો સાચો સ્પેલિંગ લખીને પૂછશે કે તમે આ શબ્દ વિશે સર્ચ કરવા માગો છો?
બે શહેરો વચ્ચેનું અંતર જાણો
આ માટે મેપ્સ એપમાં જવાની જરૂર નથી. ગૂગલ સર્ચને જ પૂછો કે Distance between Ahmedabad and Somnath. ગૂગલ આપણને નકશા પર બંને શહેરો વચ્ચેનો રૂટ દર્શાવીને બંને વચ્ચેનું અંતર અને કાર, ટ્રેન વગેરેમાં આ અંતર કાપતાં કેટલો સમય લાગશે તે બતાવશે. આ રીતે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર પણ જાણી શકાય!
નજીકનાં એટીએમ જાણો
ફરી, મેપ એપમાં જવાની જરૂર નથી. ગૂગલમાં atms near me કે restaurants near me સર્ચ કરતાં તમારા સ્થળની આજુબાજુના એટીએમ કે રેસ્ટોરાં જોઈ શકાશે.
જાણીતી બાબતો વિશે વધુ જાણો
વિશ્વના જાણીતા વૈજ્ઞાનિકો વિશે જાણવું છે? કે વિશ્વ વિખ્યાત વોટરફોલ્સ વિશે જાણવું છે?
ગૂગલમાં Popular Scientist કે Famous Waterfalls એવું સર્ચ કરો. ગૂગલ આ માહિતી દર્શાવતા વિવિધ વેબપેઇજીસ તો બતાવશે પરંતુ તેની ઉપર વૈજ્ઞાનિકો કે વોટરફોલ્સના ફોટોગ્રાફ્સ સાથેનું સ્ક્રોલર બતાવશે. જેના વિશે વધુ માહિતી જોઇતી હોય તો તેના પર ક્લિક કરીને આગળ વધી શકાય.
રજાની તારીખ જાણો
જે તે વર્ષમાં જન્માષ્ટમી કે દિવાળી ચોક્કસ કઈ તારીખે આવે છે તે જાણવું હોય તો ગૂગલમાં જન્માષ્ટમી-૨૦૧૮ સર્ચ કરતાં તરત જવાબ મળશે. તમે પાછલાં વર્ષ નાખીને તેની તારીખ પણ જાણી શકો છો.
શબ્દોનાં મૂળ જાણો
સાયન્સ શબ્દ પોતે ક્યાંથી જન્મ્યો એ જાણવામાં તમને રસ છે? ગૂગલ પર તેનો સ્પષ્ટ જવાબ મેળવી શકો છો. એ માટે ગૂગલમાં Etymology Nobel લખીને સર્ચ કરતાં ગૂગલમાં એ શબ્દ કેવી રીતે ઉદભવ્યો તે જાણી શકાશે. આ Etymology શબ્દ વિશે જિજ્ઞાસા હોય તો એને જ તપાસી જુઓ!
અમુક નિશ્ચિત પ્રાઈસ રેન્જમાંની પ્રોડક્ડ જાણો
તમે નવો મોબાઇલ ખરીદવાનું વિચાર્યું હોય અને તમારું બજેટ પણ પ્રમાણમાં નક્કી હોય તો એ બજેટમાંના ફોન ગૂગલ પર સહેલાઇથી શોધી શકો છો. જેમ કે, Nokia Android Mobiles 10,000 to 20,000 સર્ચ કરતાં ગૂગલ તરત જવાબ આપશે.
વિવિધ પ્રકારના ડેટા જાણો
વિવિધ શહેરની વસતી કે અન્ય પ્રકારનો ડેટા જાણવો હોય તો ગૂગલને સ્પષ્ટ સવાલ પૂછો અને તરત જ જવાબ મેળવો.
જોવા જેવાં સ્થળો શોધો
જોધપુર કે આગ્રા જેવા સ્થળે ફરવા જઇ રહ્યા હો તો તેનાં જોવાલાયક સ્થળો વિશે ગૂગલમાં ફટાફટ જાણી શકાશે. Location Name + Attractions અથવા Location Name + Places of Interest સર્ચ કરતાં ગૂગલ જે તે સ્થળોની ઇમેજીસ સાથે જવાબ આપશે.
સંખ્યાને શબ્દોમાં લખો
૧,૨૩,૨૫૪ જેવી સંખ્યાને શબ્દોમાં લખવાની થાય તો એટલું જાતે ટાઇપ કરવાને બદલે ગૂગલને જ પૂછી લો જેમ કે, 1,23,254 in words લખો ગૂગલ તરત જવાબ આપશે. અલબત્ત, મોટી સંખ્યા માટે એ લાખ નહીં, પણ મિલિયનનો ઉપયોગ કરશે.

