સવાલ લખી મોકલનારઃ મયુર પંચાલ
સૌથી ટૂંકો જવાબ, નામ કહે છે તેમ, ટૂંકું યુઆરએલ! પણ, ચાર વર્ષ પહેલાં ઓક્ટોબર મહિનામાં જ જેમણે આપણી વચ્ચેથી વિદાય લીધી એ જગજિત સિંહની પેલી પ્રખ્યાત પંક્તિઓની જેમ, બાત નીકલી હૈ તો દૂ…ર… તલક જાએગી!
લાંબો જવાબ જાણતાં પહેલાં જાણીએ યુઆરએલ વિશે થોડું – વેબસાઇટના એડ્રેસ તરીકે યુઆરએલનો ઉપયોગ આપણે સૌ જાણીએ છીએ, પણ એનો અર્થ કદાચ ઓછો જાણીએ છીએ. યુનિફોર્મ રીસોર્સ લોકેટર જેનું આખું નામ છે, એ યુઆરએલ ઇન્ટરનેટ પરની કોઈ ચોક્કસ વેબસાઇટ, વેબપેજ કે ફાઇલનું સરનામું દર્શાવે છે. યુઆરએલના જુદા જુદા ભાગના ચોક્કસ અર્થ હોય છે, જેમ કે https://duplics.cybersafar.in/images/CS-Admin/Cover-Magazines/043_September-2015-Cover.jpg આ સરનામામાં શરૂઆતમાં રહેલ અક્ષરો આપણે કયા પ્રકારના ડોક્યુમેન્ટનું એડ્રેસ જોઈ રહ્યા છીએ તે દર્શાવે છે, જેમ કે http હાયરટેક્સ્ટ ડિરેક્ટરી કે ડોક્યુમેન્ટ (જેમ કે વેબપેજ) દર્શાવે છે, તેના જેવા બીજા જુદા જુદા પ્રીફિક્સ પણ હોઈ શકે છે.

ત્યાર પછીનો ભાગ duplics.cybersafar.in આ સરનામું જે તે સાઇટનું ડોમેઇન બતાવે છે અને બાકીનો ભાગ જે તે ફાઇલ કઈ ડિરેક્ટરીના કયા ફોલ્ડરમાં રહેલી છે તે આખો પાથ બતાવે છે. છેક છેલ્લે જે તે ડોક્યુમેન્ટના પ્રકાર અનુસાર, તેના એક્સટેન્શન સાથે ડોક્યુમેન્ટનું નામ હોય છે. આગળ લખેલું યુઆરએલ ‘સાયબરસફર’ની વેબસાઇટ પર, ઇમેજીસ અને તેનાં પેટા ફોલ્ડર્સમાં રહેલી, સપ્ટેમ્બર ૨૦૧૫ અંકના કવરપેજ ઈમેજનું વેબએડ્રેસ બતાવે છે.
હવે ધારો કે આપણે ‘સાયબરસફર’ની વેબસાઇટ પર આ ઇમેજ જોઈ અને લાગ્યું કે મિત્રોને કામ લાગે તેમ છે, શેર કરીએ, તો? ઇમેજના યુઆરએલને કોપી કરીને ટવીટર પર મોકલવું હોય તો આ એક એડ્રેસ જ ૮૦ જેટલા કેરેક્ટર રોકી લે છે.
સંખ્યાબંધ વેબપેજીસનાં એડ્રેસ આતી પણ ઘણાં વધુ લાંબાં હોય છે. ટવીટર, ફેસબુક જેવી સોશિયલ મીડિયા સાઇટ પર કે એસએમએસમાં આ રીતે કોઈ વેબએડ્રેસ મોકલવું હોય તો ટવીટર જેવામાં તો ૧૪૦ કેરેક્ટરી મર્યાદાને કારણે એ શક્ય જ ન બને.
યુઆરએલમાં વચ્ચે સ્પેસ હોવી ન જોઈએ, પણ ઈ-મેઇલમાં તેને પેસ્ટ કરવા જતાં તે એક લીટીમાં ન સમાય તો તૂટીને બાકીનો ભાગ નીચે જાય અને તે ક્યારેક ધાર્યું કામ ન આપે એવું બની શકે છે.
લાંબાં યુઆરએલની બીજી એક મુશ્કેલી પણ છે. જેમ કે આ મેગેઝિનમાં ઇન્ટરનેટ પર રહેલી કોઈ રસપ્રદ પીડીએફ ફાઈલની લિંક આવી હોય અને જો આખેઆખું યુઆરએલ છાપવામાં આવે તો વાચક માટે તેને કોઈ ભૂલ વિના બ્રાઉઝરમાં ફરી લખવું બહુ મુશ્કેલ બને.
આ બધી તકલીફોનો અંત લાવવા લાંબાંલચક યુઆરએલે ટૂંકાવી નાખવાની તરકીબ અજમાવવામાં આવી અને એ માટે યુઆરએલ શોર્ટનર પ્રોગ્રામ ડેવલપ કરવામાં આવ્યા. આ ટેક્નોલોજીમાં, જ્યારે કોઈ લાંબા યુઆરએલને ટૂંકું કરવાની રિક્વેસ્ટ મળે ત્યારે એ યુઆરએલ માટે એક તદ્દન નાનું નવું યુઆરએલ સર્જવામાં આવે છે અને પછી તે આવા યુઆરએલને પેલા મૂળ યુઆરએલ પર ખો આવામાં આવે છે, એટલે કે રીડાઇરેક્ટ કરવામાં આવે છે. કીમિયો સાદો છે, પણ દુનિયાભરમાં બહુ લોકપ્રિય બન્યો છે.
આ ટેક્નોલોજીનાં મૂળ વર્ષ ૨૦૦૦માં છે, પણ પહેલી લોકપ્રિય યુઆરએલ શોર્ટનિંગ સર્વિસ ટાઇનીયુઆરએલ (http://tinyurl.com/) વર્ષ ૨૦૦૨માં લોન્ચ થઈ. પછી તો તેના જેવી સંખ્યાબંધ સર્વિસ લોન્ચ થઈ. ટવીટરની કેરેક્ટર લિમિટને કારણે ટાઇનીયુઆરએલ સર્વિસ અત્યંત લોકપ્રિય બની અને એક તબક્કે, ટવીટરે પોતે જ તેના પર કોપી-પેસ્ટ કરવામાં આવતાં લાંબાં યુઆરએલને ટાઇનીયુઆરએલની સર્વિસથી નાનાં કરી નાખવાનું શરૂ કર્યું.

પછી એવી બીજી સર્વિસ, બીટલી (https://bitly.com/) પણ ખાસ્સી લોકપ્રિય થઈ અને ટવીટર કંપની પણ તેના તરફ વળી. વર્ડપ્રેસ જેવી સર્વિસ તેની પોતાની યુઆરએલ શોર્ટનર સર્વિસનો ઉપયોગ કરે છે. ૨૦૦૯માં ગૂગલે goo.gl નામે આવી સર્વિસ આપવાનું શરૂ કર્યું. યુટ્યૂબ માટે પણ આવી સર્વિસનો ઉપયોગ થાય છે.
તમે કોઈ પણ લાંબું યુઆરએલ બીજા સાથે શેર કરવા માગતા હો ત્યારે તેને કોપી કરી, આવી કોઈ પણ સર્વિસની સાઇટ પર જઈ, પેસ્ટ કરીને નવું યુઆરએલ મેળવી શકો છો. જેમ કે તમે ગૂગલમાં લોગ-ઇન થઈ, goo.gl પર જઈને, અગાઉ કોપી કરેલું કોઈ પણ યુઆરએલ ટૂંકાવી શકાય છે. ત્યાંથી શોર્ટન્ડ યુઆરએલને કોપી કરો અને ચાહો તે રીતે શેર કરો!

goo.gl પર તમે જોશો તેમ, તમે ટૂંકાવેલાં યુઆરએલને તેનાં ટૂંકા યુઆરએલ સાથે સાચવી રાખવામાં આવે છે, તેમ જ કયા શોર્ટન્ડ યુઆરએલ પર પાછલા બે દિવસમાં, અઠવાડિયામાં, મહિનામાં કે બન્યું ત્યારથી આજ સુધીમાં કેટલા લોકોએ ક્લિક કર્યું, કયા કયા દેશોમાંથી ક્લિક થયું, કયા બ્રાઉઝર પરથી ક્લિક થયું વગેરે વિગતો પણ જાણી શકાય છે.

આ સગવડ કાયમ માટે માઉસવગી રાખવાના સરળ ઉપાય પણ છે. જુદાં જુદાં બ્રાઉઝરમાં બુકમાર્કલેટ (એ શું છે એ જાણવા જુઓ સપ્ટેમ્બર ૨૦૧૫ અંક) કે એડ-ઓન કે એક્સટેન્શનની મદદથી આવી સગવડ મેળવી શકાય છે. ક્રોમ વેબસ્ટોરમાં જઈને યુઆરએલ શોર્ટનર સર્ચ કરશો એટલે ગૂગલ શોર્ટનર (અને બીજી પણ) સર્વિસનું એક એક્સટેન્શ મળી જશે.
તેને ક્રોમમાં એડ કરી દેશો પછી કોઈ પણ વેબપેજનું યુઆરએલ ટૂંકાવવું હોય તો એ જ પેજ પરથી ગૂગલ શોર્ટનરના આઇકન પર ક્લિક કરતાં, ત્યાંથી જ ટૂંકાવેલું યુઆરએલ મળી જશે. આ સર્વિસ યુઆરએલનો ક્યુઆરકોડ પણ જનરેટ કરી આપે છે, જેને કોઇ વ્યક્તિ પોતાના મોબાઇલમાંના ક્યુઆર કોડ રીડરની મદદથી સ્કેન કરી, તે પેજ પર પહોંચી શકે છે.
આવી મોટા ભાગી કંપની દાવો કરે છે કે તેમણે જનરેટ કરેલાં ટૂંકાં યુઆરએલ આજીવન કામ કરે છે, સિવાય કે એ વેબપેજ જ ગાયબ થાય કે કંપની પોતે બંધ થઈ જાય!


