હજી હમણાં સુધી, માઇક્રોસોફ્ટની માલિકીની સ્કાઇપ સર્વિસમાં, ભારતમાંના લોકો પોતાના સ્કાઇપ એકાઉન્ટની મદદથી, ઇન્ટરનેટ દ્વારા ભારતમાં જ મોબાઇલ કે લેન્ડલાઇન પર પણ વોઇસ કોલિંગ કરી શકતા હતા.
પરંતુ નવેમ્બર ૧૦, ૨૦૧૪થી આ સુવિધા બંધ કરી દેવામાં આવી છે. ઇન્ટરનેટ પરની બીજી મેસેન્જર સર્વિસીઝ જેમ કેમ હેંગઆઉટ્સ અને વાઇબરની જેમ સ્કાઇપ-ટુ-સ્કાઇપ વોઇસ કોલિંગ ચાલુ રહેશે, પણ ભારતની અંદર બીજા મોબાઇલ કે લેન્ડલાઇન પર કોલ થઈ શકશે નહીં. ઉપરાંત, ભારત બહાર વસતા લોકો પોતાના ભારતમાંનાં સ્વજનોને મોબાઇલ કે લેન્ડલાઇન પર વોઇસ કોલ કરી શકશે.
સ્કાઇપ સર્વિસ દ્વારા આ સેવા બંધ કરવાનું કોઈ કારણ અપાયું નથી, પણ ભારતના વોઇપ સંબંધિત વર્તમાન કાયદા મુજબ, વોઇપ એટલે કે ઇન્ટરનેટ પરથી જનરેટ થતા કોલ્સ ભારતમાં મોબાઇલ કે લેન્ડલાઇન નંબર પર જઈ શકે નહીં.
અત્યાર સુધી કંપનીઓ ભારતમાંથી ઇન્ટરનેટ દ્વારા જનરેટ થતા વોઇસકોલ્સને પહેલાં દેશ બહાર રુટ કરે અને ત્યાંથી પછી ભારતમાંના મોબાઇલ કે લેન્ડલાઇન નંબર પર ડાઇવર્ટ કરીને કાયદાની છટકબારીનો લાભ લેતી હતી!

