(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વોટ્સએપને રાખો તમારા કાબુમાં

જો તમારી પાસે સ્માર્ટફોન હોય તો તમે વોટ્સએપનો ઉપયોગ કરતા જ હશો. વોટ્સએપ એક એવી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે કે તેનાથી લોકો એસએમએસ કરવાની આદત જ ભૂલી ગયા છે. વોટ્સએપમાં ઇન્ટરનેટ ડેટા વપરાય, પણ દરેકે દરેક મેસેજે ફોનકંપનીનું બિલ ચઢતું ન હોવાથી આપણને એ મફત જ લાગે. ઉપરાંત, વોટ્સએપ જેવી એપમાં ઇમેજની આપલે કરવાની સગવડ પણ ખરી અને સ્વજનો, પરિચિતોનાં ગ્રૂપ બનાવીને સૌ સાથે એક સાથે ચેટ કરવાની મજા જુદી જ છે.

સ્માર્ટફોનના નવા નવા પરિચયમાં આવેલી વ્યક્તિને પણ કોઈ વોટ્સએપ ઇન્સ્ટોલ કરી આપે, પરિચિતોના કોઈ ગ્રૂપમાં સામેલ કરી આપે અને આવેલા મેસેજ કેમ વાંચવા અને કેમ એનો જવાબ આપવો એટલું સમજાવી દે એટલે વાત પછી! એટલે જ તો હવે કેટલાય પરિવારોમાં દાદા-દાદી  અને નાના-નાનીઓ પણ વોટ્સએપ પર એક્ટિવ થવા લાગ્યાં છે.

જોકે જો તમારો ફોન જરા જૂનો હોય, તેમાં સ્પેસ અને રેમ ઓછી હોય અને વોટ્સએપમાં મેસેજનો ભરાવો થવા લાગે તો આ મજાની એપ ધીમે ધીમે માથાનો દુખાવો બનવા લાગે. તેના ઉપયોગની એવી આદત પડી હોય કે એને બંધ કરવાની ઇચ્છા ન થાય અને ફોનમાં સ્ટોરેજની મુશ્કેલી ઊભી થતી જાય.

એમાંય જ્યારે વોટ્સએપમાંના ઘણા મેસેજ ગમી જાય અને એને કાયમ માટે સાચવી રાખવાની ઈચ્છા થાય ત્યારે મૂંઝવણ વધે. સાચું કહેજો, તમને વોટ્સએપમાં અવિરત આવ્યે રાખતા મેસેજને કેમ મેનેજ કરવા એની મૂંઝવણ થાય છે? ગમતા, કામના અને નકામા મેસેજને અલગ કેમ તારવવા એની મૂંઝવણ તમે અનુભવો છો? અને ખાસ તો વોટ્સએપનો બેકઅપ લો છો ખરા?

આમ તો, આ બધા સવાલના જવાબ તમે વોટ્સએપનો કઈ રીતે ઉપયોગ કરો છો તેના પર આધાર રાખે છે.

આગળ શું વાંચશો?

  • તમે વોટ્સએપનો કેવો ઉપયોગ કરો છો?
  • વોટ્સએપ મેસેજ ક્યાં સ્ટોર કરે છે?
  • બેકઅપ લેવાના જુદા જુદા પ્રકાર
  • લેટેસ્ટ વર્ઝન કેવી રીતે મેળવશો?
  • વોટ્સએપનો ગૂગલ ડ્રાઇવમાં બેકઅપ

તમે વોટ્સએપનો કેવો ઉપયોગ કરો છો?

ઘણા લોકો માટે વોટ્સએપ સ્વજનો, પરિચિતો અને મિત્રો સાથે જીવંત સંપર્કમાં રહેવાનું એક સરસ સાધન છે. ફેસબુક એક રીતે બહોળા વર્ગ સાથે સંપર્કમાં રહેવાનું સાધન છે,  એમાં એક તો સેટિંગ અટપટાં અને આપણે મિત્રો સાથે જે કંઈ શેર કરીએ એ એક સાથે અનેક લોકો જોઈ શકે અને એ વિશે પોતાના અભિપ્રાય પણ આપી શકે. ઘણા લોકોને ફેસબુકનું આ પાસું ગમે છે, તો ઘણાને ગમતું નથી.

જ્યારે વોટ્સએપમાં આપણે ખરેખર નજીકના લોકો સાથે ગમતાંનો ગુલાલ કરી શકીએ છીએ અને એટલે જ વોટ્સએપ પર કૌટુંબિક સંબંધ ધરાવતા કે વાસ્તવિક જીવનમાં પણ સારી એવી મૈત્રી ધરાવતા લોકો પોતપોતાનાં ગ્રૂપ બનાવીને વધુ સક્રિય રહે છે.

બીજી તરફ, એવા પણ ઘણા લોકો છે, જે રોજબરોજના કામકાજ માટે પણ હવે વોટ્સએપનો ઉપયોગ કરે છે. કોઈ ડિઝાઇન ક્લાયન્ટને મોકલવાની છે? ઇમેજ વોટ્સએપ કરી દો. કોઈનો કોન્ટેક્ટ નંબર કે બીજી કોઈ બિઝનેસ ઇન્ફર્મેશન મોકલવાની છે તો વોટ્સએપ કરો! ટૂંકમાં નાની-નાની માહિતીની આપલે માટે હવે ઈ-મેઇલને સ્થાને વોટ્સએપનો ઉપયોગ થાય છે.

તમે આ બેમાંથી કોઈ પણ પ્રકારમાં આવતા હો, વોટ્સએપના મેસેજીસનું યોગ્ય મેનેજમેન્ટ અને બેકઅપ મોટા ભાગના લોકો માટે જરૂ‚રી હોય છે. પહેલા પ્રકારમાં આવતા અને ફક્ત આનંદની પ્રવૃત્તિ માટે વોટ્સએપ પર સક્રિય લોકો ઘણા મજાના મેસેજ, ઇમેજ કે વીડિયો કાયમ માટે સાચવી રાખવા માગતા હોય છે તો બીજા પ્રકારના, બિઝનેસ માટે વોટ્સએપ પર સક્રિય લોકો માટે અગત્યની માહિતી સાચવી લેવી જરૂરી હોય છે.

વોટ્સએપ મેસેજ ક્યાં સ્ટોર કરે છે?

વોટ્સએપના મેસેજના સારા મેનેજમેન્ટ માટે, આપણે પહેલાં તો એ સમજી લેવું પડે કે વોટ્સએપના મેસેજ સ્ટોર ક્યાં થાય છે. વોટ્સએપ જેવી ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસ અને ઈ-મેઇલ સર્વિસ વચ્ચે એક પાયાનો તફાવત છે. જો આપણે વેબમેઇલનો ઉપયોગ કરતા હોઈએ તો, જે તે ઈ-મેઇલ સર્વિસ કંપનીના સર્વરમાં આપણા ઈ-મેઇલ્સ સ્ટોર થાય છે, જ્યારે વોટ્સએપમાં મેસેજ આપણા ફોનમાં જ સચવાય છે, ઈ-મેઇલમાં


લગભગ અનલિમિટેડ સ્ટોરેજ સ્પેસ હોવાથી આપણે કશું ડિલીટ ન કરીએ તો ચાલે અને ધારીએ તો 10 વર્ષ જૂના ઈ-મેઇલ પણ પળવારમાં શોધી શકીએ.

જ્યારે વોટ્સએપમાં વાત જુદી છે. તેમાં આપણે આપણા ફોનમાં વોટ્સએપ ઓપન કરીને મેસેજ ટાઇપ કરી, આપણા કોઈ કોન્ટેક્ટને મોકલીએ એટલે એની એક કોપી આપણા ફોનમાં રહે અને બીજી કોપી પહેલાં વોટ્સએપના સર્વરમાં પહોંચે છે, પછી જો આપણે જેને મેસેજ મોકલ્યો હોય તે વ્યક્તિ ઓનલાઇન હોય તો તરત મેસેજ ડિલિવર થાય, બાકી વોટ્સએપના સર્વર પર પડ્યો રહે. 30 દિવસ સુધી મેસેજ ડિલિવર ન થઈ શકે તો પછી એ ડિલિટ થાય છે. ઉપરાંત, વોટ્સએપ કહે છે તેમ ડિલિવર થયેલો મેસેજ વોટ્સએપના સર્વર પર સચવાઈ રહેતો નથી. જોકેટ વોટ્સએપ એવી સ્પષ્ટતા કરે છે કે તેણે કાયદાકીય રીતે રાખવી જોઈએ એટલી માહિતી તે સાચવી રાખે છે.

મતલબ કે આપણે મોકલેલો કે મેળવેલો મેસેજ જો આપણા માટે કામનો હોય, તો તેને કઈ રીતે સાચવી રાખવો તે આપણે જ વિચારવાનું છે અને તે આપણી જ જવાબદારી રહે છે – વોટ્સએપ ફક્ત કેટલીક રીતે આપણી મદદ કરે છે.

બીજી તરફ, જો આપણા સ્માર્ટફોનમાં સ્પેસની કાયમ તંગી રહેતી હોય તો આપણે વોટ્સએપના મેસેજીસનો વારંવાર ખાત્મો બોલાવ્યા વિના છૂટકો જ નથી!

વોટ્સએપનો હવે વધુ પડતો ઉપયોગ થવા લાગ્યો છે એટલે એમાંની ઘણી ખરી સામગ્રી એક વાર વાંચીને ડિલીટને હવાલે કરી શકાય, પણ વોટ્સએપનો સિરિયસ ઉપયોગ પણ હવે વધવા લાગ્યો હોવાથી તેમાંની ખરેખર ગમતી કે જરૂરી સામગ્રીનો આપણી જરૂરિયાત અનુસાર બેકઅપ લેવો મહત્ત્વનો બને છે. આપણે ફોન બદલી રહ્યા હોઈએ ત્યારે પણ વોટ્સએપનો બેકઅપ જરૂરી બને છે.

સદભાગ્યે, વોટ્સએપના મેસેજના સારા મેનેજમેન્ટમાં અને બેકઅપમાં વોટ્સએપની ઘણી સુવિધાઓ આપણને ઘણી કામ લાગે છે.

આટલી પૂર્વભૂમિકા સાથે, હવે એ સમજીએ કે વોટ્સએપમાં બેકઅપ કઈ કઈ રીતે લઈ શકાય.

બેકઅપ લેવાના જુદા જુદા પ્રકાર

ઓટોમેટિક બેકઅપ

આપણા ફોનમાં વોટ્સએપનો ડેટા બે જગ્યાએ સચવાય છે, એક વોટ્સએપના ડેટા ફોલ્ડરમાં. આપણે વોટ્સએપમાં જે કંઈ જોઈએ છીએ તેનાં મૂળ અહીં હોય છે. જ્યારે બીજો ડેટા, વોટ્સએપના બેકઅપ ફોલ્ડરમાં સચવાય છે.

તમે કદાચ એ નહીં જાણતા હો કે વોટ્સએપમાં દરરોજ અડધી રાત્રે, 3 વાગ્યે આપણા મેસેજીસનો બેકઅપ લેવાતો હોય છે અને તે ફોનની મેમરી કે એસડી કાર્ડમાં સેવ થતો હોય છે. ફોનના ફાઇલ મેનેજરમાં જઈને શોધશો તો વોટ્સએપ નામનું ફોલ્ડર મળી આવશે, તેમાં જુદાં જુદાં ફોલ્ડરમાં આપણો ડેટા સચવાયેલો હોય છે.

આપણે મેસેજ રીસ્ટોર કરવા હોય તો વોટ્સએપ અનઇસ્ટોલ કરી, ફરી ઇન્સ્ટોલ કરીએ ત્યારે બેકઅપ રીસ્ટોર કરવાનો ઓપ્શન પૂછવામાં આવે, હા પાડીએ તો છેલ્લા બેકઅપ સુધીના બધા મેસેજ ફરી વોટ્સએપમાં જોઈ શકાય.

હવે આપણે ગૂગલ ડ્રાઇવમાં પણ વોટ્સએપનો બેકઅપ લઈ શકીએ છીએ, તેની વિગતવાર સમજ આગળ આપી છે.

આપણે ઇચ્છીએ ત્યારે સેટિંગ્સમાં જઈને ગમે તે સમયે મેન્યુઅલ બેકઅપ પણ લઈ શકીએ છીએ.

ફોનમાં થતા ઓટોમેટિક બેકઅપ કે ગૂગલ ડ્રાઇવમાં થતા બેકઅપની મોટી મર્યાદા એ છે કે તે બેકઅપ ફાઇલને આપણે વોટ્સએપ સિવાય બીજે ક્યાંય, કોઈ રીતે જોઈ શકતા નથી. એટલે બેકઅપમાંથી અમુક પસંદગીની બાબતો રાખીને બાકીનું ડિલીટ કરવું હોય તો તેવી સુવિધા મળતી નથી.

ચેટનો ઈ-મેઇલ

આપણે કોઈને એક વ્યક્તિ કે ગ્રૂપને કોઈ ઈમેજ, વીડિયો, વોઇસ કે ટેક્સ્ટ મોકલીએ તે એક મેસજ થયોઅને એ વ્યક્તિ કે ગ્રૂપ સાથે મેસેજની આપણે  જે કંઈ આપલે કરીએ તે બધું મળીને એક ચેટ બને.

ધારો કે કોઈ વ્યક્તિ સાથે આપણે કેટલીક મહત્વના મેસેજીસની આપલે થઈ અને એ આપણે સાચવી રાખવી હોય તો આપણે એ ચેટમાંના તમામ મેસેજને કોઈ પણ ઈ-મેઇલ આઇડી પર મેઇલ કરી શકીએ છીએ (ચેટ ઓપન કરી, તેને માટેના ઓપ્શન્સ મેનુમાં ‘મોર’ પર ક્લિક કરતાં એ ચેટ ક્લિયર કરવાનો અથવા ઈ-મેઇલ કરવાનો વિકલ્પ મળે છે). એ ચેટમાંના તમામ મીડિયા સાથે ઈ-મેઇલ કરીએ તો ઈ-મેઇલની સાઇઝ મોટી થશે.

પરંતુ આ રસ્તો ખાસ ઉપયોગી નથી કેમ કે તેમાં ઇમેજ અને વીડિયો ઈ-મેઇલમાં અલગ અલગ ફાઇલના એટેચમેન્ટ સ્વરૂપે જાય છે, પરંતુ બધી જ ટેક્સ્ટ એક જ ટેક્સ્ટ ફાઇલ સ્વરૂપે એટેચ થાય છે. તેમાં દરેક મેસેજની તારીખ, સમય, મોકલનારનું નામ અને મેસેજ હોય, ઇમેજ હોય તો તેનું ફાઇલનેમ પણ હોય, પરંતુ ઇમેજ કે વીડિયો ફાઇલ અલગ સેવ થતી હોવાથી તેનો સંદર્ભ રહેતો નથી.

છતાં કૂતુહલ હોય તો જાણી લો કે તમે ઇમેજ, વીડિયો વગેરે સાથે ઈ-મેઇલ કરો તો એક સાથે 10,000 નવા મેસેજને ઈ-મેઇલ કરી શકો છો અને મીડિયા વિના 40,000 મેસેજ ઈ-મેઇલ કરી શકાય! આ મર્યાદા ઈ-મેઇલ સાઇઝની છે, વોટ્સએપની નહીં!

અલગ અલગ મેસેજનો બેકઅપ

સૌથી સારો રસ્તો, આપણને ગમતા કે જરૂરી મેસેજ, ઇમેજ કે વીડિયોને અલગ અલગ રીતે સાચવી લેવાનો છે. વોટ્સએપમાં જો ઇમેજ કે વીડિયો આપોઆપ ડાઉનલોડ થાય એવું સેટિંગ તમે રાખ્યું હોય તો તે દરેક ઇમેજ અને વીડિયો ફોનની ગેલેરીમાં અલગ ફોલ્ડરમાં સેવ થાય છે, જે વખત જતાં ઘણી જગ્યા રોકે છે.

આથી, તેમાંથી કામના વીડિયો કે ઇમેજ ફોનમાં ઝાઝી જગ્યા ન રોકે એવું ઇચ્છતા હો તો  તેને ગૂગલ ડ્રાઇવમાં શેર કરી શકાય. એ માટે તમારા ફોનમાં એક વાર ગૂગલ ડ્રાઇવ એપ ડાઉનલોડ કરી લો. હવે જે કોઈ ઇમેજ કે વીડિયો સેવ કરવા હોય તેમને ગેલેરીમાં જઈ, સિલેક્ટ કરી, શેર બટન ક્લિક કરો.

આથી ગૂગલ ડ્રાઇવ સહિત, આપણા ફોનમાંની એપ અને સુવિધાઓ મુજબ એ ફાઇલને વિવિધ રીતે શેર કરવાના વિકલ્પ મળશે. તેમાંથી ગૂગલ ડ્રાઇવ પસંદ કરી, ઓકે કહેતાં, ગૂગલની માય ડ્રાઇવમાં એ ઇમેજ સેવ થઈ જશે. જે તમે જ્યારે ઓનલાઇન હો ત્યારે જોઈ શકશો. ગૂગલ ફોટોઝ એપ ડાઉનલોડ કરી હોય તો તેમાં પણ ઇમેજ સેવ કરી શકાય.

વોટ્સએપમાંથી કોઈ ઇમેજ કે વીડિયોને ડાયરેક્ટ ગૂગલ ડ્રાઇવ કે ફોટોઝમાં મોકલી શકાય, અથવા ઓફિસના કામની બાબત હોય તો યોગ્ય નામ આપીને પોતાને જ ઈ-મેઇલ કરી શકાય, જેથી ફરી શોધવામાં સરળતા રહે.

હવે જ્યારે તમે ફોનમાં ગૂગલ ડ્રાઇવ એપ ઓપન કરશો ત્યારે માય ડ્રાઇવમાં આપણે મોકલેલી ફાઇલ્સ જોવા મળશે.

પરંતુ વોટ્સએપમાંના ટેક્સ્ટ મેસેજને સાચવી રાખવાનું કામ જરા વધુ મુશ્કેલ છે. એ માટે, મેસેજની ટેક્સ્ટ કોપી કરી, ઈ-મેઇલની એપ ઓપન કરી, તેમાં ટેક્સ્ટ પેસ્ટ કરી, પોતાને જ મેઇલ મોકલી દો અથવા ડ્રાફ્ટ તરીકે સેવ કરી શકાય.

વધુ એક રસ્તો, ગૂગલ ડ્રાઇવમાં ‘વોટ્સએપ મેસેજ’ નામની એક ડોક્યુમેન્ટ ફાઇલ ઓપન કરી, તેમાં ટેક્સ્ટ કોપી-પેસ્ટ કરતા રહેવાનો છે. પરંતુ સ્માર્ટફોનમાં ગૂગલ ડ્રાઇવ ફક્ત ફાઇલ્સ સ્ટોર કરવાનું કામ કરે છે, નવી ફાઇલ ક્રિએટ કરવા માટે આપણે ડોક્સ નામની વધુ એક એપ ડાઉનલોડ કરવી પડશે!

સહેલો રસ્તો કોઈ નથી?

આપણે ઉપર જોયું તેમ, વોટ્સએપની ઇમેજ કે વીડિયોને તો આપણે સહેલાઈથી ફોનમાં અથવા ફોનમાંથી મેઈલ કે ડ્રાઇવ જેવા ક્લાઉડ સ્ટોરેજમાં મોકલી શકીએ છીએ, પણ વોઇસ મેસેજ કે ટેક્સ્ટ મેસેજને લાંબા સમય માટે સાચવી રાખવાની વિધિ થોડી મથામણ કરાવે એવી છે.

સદ્ભાગ્યે, એનો એક સહેલો રસ્તો છે. તમને જે કોઈ મેસેજ, પછી તે ઈમેજ હોય, વીડિયો હોય, ટેક્સ્ટ હોય કે વોઇસ હોય, તેને જરા વધુ વાર માટે પ્રેસ કરી રાખતાં, તેના પર વધુ એક્શનના વિકલ્પો મથાળે જોવા મળશે. તેમાં એક સ્ટાર હશે. તેને ક્લિક કરી દેતાં, એ મેસેજને સ્ટારનું લેબલ લાગે છે.

આ સ્ટારના મુદ્દે તમે અટક્યા? એવો વિચાર આવ્યો હશે કે ‘આટલા વખતથી વોટ્સએપનો ઉપયોગ કરીએ છીએ, પણ આ સ્ટાર તો ક્યારેય જોયો નથી’. તેનું કાણ એ છે કે તમારા ફોનમાં વોટ્સએપનું લેટેસ્ટ વર્ઝન નહીં હોય. તમે વોટ્સએપ ઓટોમેટિક અપડેટ થાય એવું સેટિંગ રાખ્યું હશે તો પણ કંપનીનું સાવ લેટેસ્ટ વર્ઝન તમને એપસ્ટોરમાંથી મળશે નહીં. (એ કેવી રીતે મેળવાય તેની વાત આગળ કરી છે).

વોટ્સએપની બીજી એક સુવિધા કામની ચેટને આર્કાઇવ કરવાની છે, એટલે કે એ ચેટ દેખાતી બંધ થાય, પણ ફોનમાં સચવાઈ રહે અને વોટ્સએપની મેઇન વિન્ડોમાં ખોટી જગ્યા ન રોકે.

ચેટને આર્કાઈવ કરવા માટે  ચેટને લાંબો સમય પ્રેસ કરતાં, તેને આર્કાઈવ કરવાનો વિકલ્પ મળશે. આગળ કહ્યું તેમ, આ રીતે આર્કાઇવ કરેલી ચેટ વોટ્સએપમાંથી દેખાતી બંધ થાય છે, પણ ડિલીટ થતી નથી (એ સમયે તેનો બેકઅપ પણ લેવાતો નથી).

આપણે કામના અલગ અલગ મેસેજને સ્ટાર કરી શકાય અને આખી ચેટને આર્કાઇવ કરી શકાય – આ બંને સુવિધાનો એક સાથે ઉપયોગ કરીએ તો વોટ્સએપમાં મેસેજ સાચવવાનું આપણું કામ ઘણું સરળ બની જાય.

એ માટે આપણે આટલું જ કરવાનું છે :

  • જે મેસેજ પર આગળ કોઈ એક્શન લેવાનું નથી, તેને તરત ડિલીટ કરો.
  • જો કોઈ મેસેજ સાચવી રાખવાનો હોય તો તેને સ્ટાર લેબલ લગાવો અને પછી આખી ચેટને આર્કાઇવ કરી દો.
  • હવે જે ચેટ કામની ન રહી હોય તેને આખેઆખી ડિલીટ કરી દો.
  • એટલું યાદ રાખશો કે કોઈ પણ ચેટ બિલકુલ ડિલીટ કરશો તો તેમાંના સ્ટાર કરેલા મેસેજ પણ ડિલીટ થઈ જશે.

આ રીતે મેઇન વિન્ડોમાં ચેટની ભીડ નહીં થાય અને જ્યારે કામના – સ્ટાર કરેલા મેસેજ જોવા હોય ત્યારે જમણી તરફના ત્રણ ડોટ પર ક્લિક કરતાં, બધા સ્ટાર્ડ મેસેજ એક સાથે જોવાનો વિકલ્પ મળશે. ત્યાંથી થોડા સમય પછી ઉપયોગી ન લાગતા મેસેજના સ્ટાર દૂર કરી શકાશે અથવા તેને ડિલીટ કરી શકાશે.

વોટ્સએપના મેઇન સ્ક્રીન પર હો ત્યારે તેમાં કોલ્સના ટેબની પણ સફાઈ કરતા રહો. આ રીતે તમારી વોટ્સએપની ચેટ વિન્ડો એકદમ ખાલીખમ રહેશે, તમારે માટે મહત્વનાં ગ્રૂપ્સ અને મેસેજ તમારી નજર સમક્ષ રહેશે અને ગમતા કે કામના મેસેજ નજરથી દૂર હોવા છતાં, આંખના પલકારામાં તમે શોધી શકશો!

આ આખી વાતમાં, વોટ્સએપનો ગૂગલ ડ્રાઇવમાં બેકઅપ લઈ શકાય એ સુવિધા મળતાં, નવો વળાંક આવ્યો છે.

અત્યાર સુધી, વોટ્સએપના મેસેજ ફોનમાં વધુ પડતી જગ્યા રોકતા હોવાથી આપણે કામના અને નકામા બધા મેસેજને એક સાથે ડિલીટ જ કરવા પડતા હતા. હવે મહત્વના મેસેજને સ્ટાર કરી, તેની ચેટને આર્કાઈવ કરી રાખી શકીએ, કેમ કે વોટ્સએપનો બેકઅપ ગૂગલ ડ્રાઈવમાં પણ લેવાતો હોવાથી ફોનમાં ગરબડ થતાં તેને ગૂમાવી બેસવાનો ડર રહેતો નથી.

આ કારણે અલગ અલગ મેસેજ કે ચેટને અલગ રીતે સાચવી લેવાની પણ કોઈ જરૂર રહેતી નથી – સિવાય કે તમારા ફોનમાં સ્પેસ બહુ જ મર્યાદિત હોય.

લેટેસ્ટ વર્ઝન કેવી રીતે મેળવશો?

તમને તમારા ફોનમાંના વોટ્સએમાં મેસેજને સ્ટાર કરવાની સુવિધા ન દેખાતી હોય તો તેનો અર્થ એ તમારું વોટ્સએપને વર્ઝન લેટેસ્ટ નથી.

તમે તમારા ફોનની ઓપરેટિંગ સિસ્ટમ અનુસાર, એપ સ્ટોરમાં જઈને વોટ્સએપને અપડેટ કરશો (કે તમે એપ ઓટોમેટિક અપડેટ થાય તેવાં સેટિંગ રાખ્યાં હશે) તો પણ તમને સ્ટારની સુવિધા ન દેખાય એવું બની શકે છે.

એવું કેમ? કારણ છે વોટ્સએપની ખાસિયત. વોટ્સએપ કંપની (અને તેના જેવી બીજી ઘણી કંપની) તેનાં નવાં ફીચર્સ એક સાથે બધા લોકોને ઉપલબ્ધ કરતી નથી. વોટ્સએપની ઓફિશિયલ સાઇટ પરથી આપણે લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ કરી શકીએ છીએ.

આપણે વોટ્સએપ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ થાય અને ત્યાંથી જ અપડેટ થાય એ માટે ટેવાયેલા છીએ (એ રીત જ સલાહભરી છે), પણ એન્ડ્રોઇડનો ફાયદો એ છે કે આપણે પ્લેસ્ટોરને બદલે જે તે વિશ્વસનીય સાઇટ્સ પરથી એપની સોર્સ ફાઇલ ડાઉનલોડ કરીને તેને ફોનમાં ઇન્સ્ટોલ કરી શકીએ છીએ.

સૌથી પહેલાં, તમે સાદી રીતે, પ્લે સ્ટોરમાં જઈને વોટ્સએપ શોધી, તેને અપડેટ કરી જુઓ. આ પછી પણ તમને ગૂગલ ડ્રાઇવમાં બેકઅપની સુવિધાવાળું વર્ઝન ન મળે એવું બની શકે છે.

હવે, વોટ્સએપની ઓફિશિયલ સાઇટ (whatsapp.com) પર જાઓ.  સ્માર્ટફોનમાંથી, વોટ્સએપની સાઇટ પર જઈને એપ ડાઉનલોડ કરવાનો પ્રયાસ કરશો તો એ તમને પ્લે સ્ટોરમાં જ લઈ જશે. આથી, પહેલાં પીસી પર વોટ્સએપની સાઇટ પર જાઓ અને એન્ડ્રોઇડ માટેની એપ ડાઉનલોડ કરી લો (ડ્રાઇવમાં બેકઅપની સુવિધા હાલ ફક્ત એન્ડ્રોઇડ યૂઝર્સને મળી છે).

હવે એરડ્રોઇડ જેવી સુવિધા (વધુ માહિતી માટે જુઓ ડિસેમ્બર 2013નો અંક) કે અન્ય કોઈ રીતે, આ એપની ફાઇલ તમારા ફોનના કોઈ પણ ફોલ્ડરમાં ટ્રાન્સફર કરી લો. હવે ફોનમાં, એ ફોલ્ડર સુધી પહોંચી, ફાઇલને ઓપન કરો. આથી, તમારાં સેટિંગ્સ અનુસાર, સિસ્ટમ તમને જાણ કરશે કે અજાણ્યા સ્રોતમાંથી ફાઇલ ઇન્સ્ટોલ કરવાથી નુક્સાન થઈ શકે છે.

આપણે વિશ્વસનીય સ્રોત – ઓફિશિયલ સાઇટ – પરથી ફાઇલ મેળવી છે, એટલે ફક્ત ઇન્સ્ટોલેશન પૂરતી મંજૂરી આપી આગળ વધો. હવે વોટ્સએપ પૂછશે કે તમે ફોનમાંની વોટ્સએપ એપ અપડેટ કરવા માગો છો? સાથે કહેશે કે તમાર કોઈ ડેટા તમે ગુમાવશો નહીં. આપણે હા પાડીશું, એટલે એપ ઇન્સ્ટોલ થશે.

હવે આપણા ફોનમાં વોટ્સએપનું લેટેસ્ટ વર્ઝન, લેટેસ્ટ સુવિધાઓ સાથે હાજર છે!

વોટ્સએપનો ગૂગલ ડ્રાઇવમાં બેકઅપ

આગળ લખ્યા મુજબ, તમે વોટ્સએપની શેર, સ્ટાર, આર્કાઇવ અને ડિલીટ સુવિધાનો પૂરેપૂરો ઉપયોગ કરશો તો તમારે વોટ્સએપના બધા મેસેજનો બેકઅપ લેવાની જરૂર નહીં રહે, તેમ છતાં, તમે મેસેજ શેર કરવાને બદલે વોટ્સએપમાં જ સાચવવા માગતા તો (જેથી ગમે ત્યારે સહેલાથી શોધી શકાય) તો સ્ટાર અને આર્કાઇવની આદત સાથે, ગૂગલ ડ્રાઇવમાં બેકઅપની સુવિધાનો ઉપયોગ કરવો લાભદાયી રહેશે.

આપણે તેની રીત સ્ટેપ-બાય-સ્ટેપ સમજી લઈએ…

એ માટે પહેલાં તમારા સ્માર્ટફોનમાં ગૂગલ ડ્રાઇવની એપ હોવી જરૂરી છે. ન હોય તો પહેલાં તેને ઇન્સ્ટોલ કરી લો.

હવે તમારા વોટ્સએપના વર્ઝનમાં, આ સુવિધા છે કે નહીં એ તપાસીએ. એ માટે, વોટ્સએપ ઓપન કરો, સેટિંગ્સમાં જાઓ, તેમાં ચેટ એન્ડ કોલ્સમાં જાઓ, અહીં ‘ચેટ બેકઅપ’ લખેલું છે કે ‘બેકઅપ ચેટ્સ’? ‘બેકઅપ ચેટ્સ’ લખેલું હશે અને તો તેના પર ક્લિક કરતાં, વોટ્સએપનો મેન્યુઅલ બેકઅપ લેવાશે અને ફોનની મેમરીમાં એક ચોક્કસ ફોલ્ડરમાં સેવ થશે.

પરંતુ આગળ સમજાવ્યા મુજબ તમે લેટેસ્ટ વર્ઝન ઇન્સ્ટોલ કરી લીધું હશે તો ‘ચેટ બેકઅપ’ લખેલું જોવા મળશે. તેના પર ક્લિક કરતાં, લેવાયેલા છેલ્લા બેકઅપની વિગતો ખૂલશે અને ગૂગલ ડ્રાઇવનાં સેટિંગ્સના વિકલ્પો જોવા મળશે.

આ પછી તરત પૂછવામાં આવશે કે તમે ગૂગલ ડ્રાઇવ પર દરરોજ, અઠવાડિયે કે મહિને બેકઅપ લેવા માગો છો કે પછી ક્યારેય બેકઅપ લેવો નથી.

જો તમારો વોટ્સએપનો ઉપયોગ બહુ વધુ હોય અને તમે વીડિયો પર બેકઅપ લેવા માગતા હો બેકઅપ માટે ડેટાનો વપરાશ પણ વધશે એટલું યાદ રાખશો. જોકે પહેલી વારનો બેકઅપ વધુ ડેટા અને વધુ સમય લેશે, પરંતુ તે પછી ફક્ત નવી બાબતોનો જ બેકઅપ લેવાતો હોવાથી ખાસ ખર્ચ થશે નહીં. આ બેકઅપ ફક્ત વાઇ-ફાઇ પર લેવાય એવું સેટિંગ કરી શકાય છે.

તમારી ઇચ્છા અનુસાર ફ્રિકવન્સી નક્કી કરી, આગળ વધશો અને વોટ્સએપને તમારા ગૂગલ ડ્રાઇવ સાથે કનેક્ટ થવાની મંજૂરી આપશો એટલે વોટ્સએપનો બેકઅપ લેવાશે અને પછી આપણે નક્કી કરેલી ફ્રિકવન્સી અનુસાર નિયમિત રીતે બેકઅપ લેવાતો રહેશે.

યાદ રહે, આ બેકઅપનો અર્થ એ નથી કે આપણે વોટ્સએપના બધા મેસેજ ગૂગલ ડ્રાઇવ પર જઈને વાંચી શકીશું. ગૂગલ ડ્રાઇવ પર એ શોધશો તો જડશે પણ નહીં!

બેકઅપ લેવાયો છે તેની ખાતરી કરવી હોય તો ગૂગલ ડ્રાઇવ એપનાં સેટિંગ્સમાં જાઓ, તેમાં મેનેજ એપ્સમાં જશો તો, ‘હીડન એપ ડેટા’ તરીકે વોટ્સએપનો ડેટા સચવાયેલો જોવા મળશે.

હવે તમે ફોન બદલો કે જૂના ફોનમાં જ વોટ્સએપ અનઇન્સ્ટોલ કરી, ફરી ઇન્સ્ટોલ કરશો ત્યારે નેટ કનેક્શન ઓન હશે તો ગૂગલ ડ્રાઇવમાંના બેકઅપ ડેટાને રીસ્ટોર કરવાનો વિકલ્પ મળશે.

વોટ્સએપમાં તમારા માટે બહુ જરૂરી માહિતી રહેતી હોય તો આ રીતે ગૂગલ ડ્રાઇવ પર તેનો બેકઅપ રાખવો હિતાવહ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!