(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ગૂગલનો આકાશી તુક્કો કે દૂરગામી તીર?

લોકોની કલ્પનાની કામ ન કરે એવું કંઈક કરીને સતત સમાચારમાં રહેવું એ ગૂગલની જાણે આદત બની ગઈ છે. સર્ચ એન્જિનથી શરુઆત કરનારી આ કંપનીએ હવે આખી દુનિયામાં સૌથી ઓછા ખર્ચે ઇન્ટરનેટ કનેક્ટિવિટી શક્ય બનાવવાનું બીડું ઝડપ્યું છે.

ગૂગલનું આ નવું સાહસ સફળ થશે તો બહુ ઝડપથી દુનિયાની તાસીર બદલાશે. આ પ્રયોગ નિષ્ફળ જશે તો પણ કંઈક કલ્પનાને નવી ઊંચાઈ આપનો વિક્રમ તો ગૂગલને નામે નોંધાઈ જ જશે!

 આગળ શું વાંચશો?

  • પ્રોજેક્ટ ખરેખર શું છે?
  • બલૂન કેવી રીતે કામ કરશે?
  • આ પ્રોજેક્ટથી સાચે ફાયદો થશે?
  • પ્રોજેક્ટ સામેના પડકારો ક્યા છે?
  • ગૂગલ કમાણી વધારવા આ બધું કરે છે?
  • પ્રોજેક્ટ લૂન પાછળનો વિચાર
  • આવી ટેકનોલોજીનો ભૂતકાળમાં ઉપયોગ
  • બલૂનથી તદ્દન બીજા છેડાનું, ઝંઝાવાતી ઝડપી ગૂગલ ફાયબર કનેકશન

સર્ચ એન્જિનથી જગતભરમાં જાણીતી બનેલી ગૂગલ કંપની તેની સેન્સ ઓફ હ્યુમર માટે પણ જાણીતી છે. છેલ્લાં કેટલાંય વર્ષોથી આ કંપનીએ દર પહેલી એપ્રિલે લોકોને જુદી જુદી મજેદાર રીતોથી ઉલ્લુ બનાવ્યા છે.

જેમ કે, વર્ષ ૨૦૦૪માં ગૂગલે ચંદ્ર પર શરૂ કરવાના એક રીસર્ચ સેન્ટર (નામ આપ્યું હતું લુનાક્સ)માં નોકરી કરવા માટે લોકો પાસેથી અરજીઓ મંગાવી હતી. તો ૨૦૦૭માં, પહેલી એપ્રિલે અચાનક જીમેઇલનું લોગ-ઇન પેન બદલાયું અને જાહેરાત થઈ હવે જીમેઇલ પેપર નામની સર્વિસ આવી રહી છે. જે મુજબ, તમે કોઈને મેઇલ મોકલો અને તેઓ ઈ-મેઈલની સગવડ ધરાવતા ન હોય તો ગૂગલ તમારા મેઈલની પ્રિન્ટ કાઢી, પોસ્ટથી કાગળ મોકલી આપશે એવું પ્રોમિસ અપાયું હતું (ભૂતકાળમાં કેટલીક કંપનીઓ નોન-રેસિડેન્ટડ ઇન્ડિયનના દેશમાં રહેતા પેરેન્ટ્સ માટે ખરેખર આવી સર્વિસ ઓફર કરતી હતી, આપણું પોસ્ટ ડિપાર્ટમેન્ટ હજી પણ આ સેવા આપે છે). એ પછી, ૨૦૧૧માં પહેલી એપ્રિલે જીમેઇલ ઓપન કરનારા લોકોને એ નવા સમાચાર જાણવા મળ્યા હતા કે જીમેઇલ મોશન નામે એક નવી સગવડ આવી રહી છે, જેની મદદથી, લોકો વેબકેમવાળા મોનિટર સામે અમુક-તમુક ઇશારા કરશે તો ઇનબોક્સ ઓપન થશે કે મેઇલ મોકલાઈ જશે! ‘ગૂગલ કંઈ પણ કરી શકે’ એવી છાપ ઊભી થઈ ગઈ હોવાથી ‘ગૂગલનું ભલું પૂછવું, આવી સગવડ ખરેખર આવી હશે’ એવું લોકો માની જ બેસે.

એટલે જ, હમણાં ઇન્ટરનેટ પર અને તેને પગલે છાપાંઓમાં સમાચાર ચમક્યા કે ગૂગલ આભની અટારીએ ફુગ્ગા મોકલીને તેનાથી દૂરસુદૂરના વિસ્તારોમાં રહેતા લોકોને બ્રોડબેન્ડ જેવી ઇન્ટરનેટ કનેક્ટિવિટી આપશે ત્યારે કેટલાય લોકોએ કેલેન્ડર તપાસ્યું હશે, પહેલી એપ્રિલ વીત્યાને તો ઘણા દિવસ થઈ ગયા!

ગપગોળા જેવી લાગતી આ વાતે દુનિયાભરના ટેક્નોલોજીના નિષ્ણાતોને પણ વિચારતા કરી દીધા છે અને એમાંના મોટા ભાગના લોકો એક વાતે સંમત થાય છે કે અત્યારે આ વાત ભલે કપોળકલ્પના જેવી લાગે, એમાં દમ ચોક્કસ છે.

ગૂગલ પોતે કહે છે કે તેમ અત્યારે આ એક અખતરો જ છે, છતાં સેટેલાઇટ કે અન્ય રીતે આખી દુનિયામાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી આપવાનું અત્યંત મોંઘું છે ત્યારે તેનો ઓછો ખચર્ળિ વિકલ્પ શોધવો જ રહ્યો.

આપણે આગળ જોઈશું તેમ આ આઇડિયા સાવ નવો નથી, ટેક્નોલોજી જૂની જ છે, ફક્ત ઇન્ટરનેક્ટ કનેક્ટિવિટી મળવાથી કંઈ દુનિયાના બધા પ્રશ્ર્નો હલ નથી થઈ જવાના, પણ જો ગૂગલને આ પ્રયોગમાં સફળતા મળી તો એની અસર જબરજસ્ત તો હશે જ.

ખાસ તો, કોઈક કંપની આવો પણ વિચાર કરી શકે અને વિચારીને એમને અમલમાં મૂકવાની હિંમત પણ કરી શકે એ સૌથી મહત્ત્વની અને દુનિયા માટે નવી આશા જગાવતી વાત છે.

તો આપણે અહીં ગૂગલનો અત્યાર સુધીનો સૌથી મોટો વિચાર ગણાતો આ ‘પ્રોજેક્ટ લૂન’ ખરેખર શું છે તેની વિગતો તપાસીએ અને એટલું જાણ્યા પછી જે સવાલો જાગે એના જવાબો જાણવાની કોશિશ કરીએ.


પ્રોજેક્ટ ખરેખર શું છે?

ગૂગલે પ્રોજેક્ટ લૂનના પહેલા તબક્કામાં ન્યૂઝીલેન્ડમાં એક પાયલટ પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં, ફુગ્ગા એટલે ખરેખર પોલિથીલીન પ્લાસ્ટિકના બનેલા ફુગ્ગાનો ઉપયોગ થયો છે.

ફેર ફક્ત એટલો છે કે ગયા વર્ષે અવકાશી ઊંચાઈએથી વિશ્વવિક્રમી કૂદકો મારનારા ફેલિક્સ બોમગાર્ટનર (જુઓ સાયબરસફરનો અંક ૯, નવેમ્બર ૨૦૧૨) માટેનું ખાસ પ્રકારનું બલૂન જે કંપનીએ બનાવ્યું હતું તે રેવન એરોસ્ટાર નામની કંપની જ ગૂગલ માટે ફુગ્ગા બનાવી રહી છે. આ કંપની આ પ્રકારના ફુગ્ગા બનાવવાના અલગ અલગ વિશ્ર્વવિક્રમો ધરાવે છે.

આ ફુગ્ગા લગભગ ૧૫ મીટરના વ્યાસવાળા છે, ફુગ્ગાના નીચલા તળિયે ફિટ કરેલાં સાધનો સહિત તેની કુલ ઊંચાઈ ૧૨ મીટર જેટલી છે.

આ ફુગ્ગા પૃથ્વીની સપાટીથી ૨૦-૨૫ કિલોમીટર જેટલી ઊંચાઈએ તરતા રહેશે. જેટ પ્લેન્સ પૃથ્વીથી ૧૦ કિલોમીટર જેટલી ઊંચાઈએ ઊડતાં હોય છે. આમ બલૂન્સ પ્લેન અને વરસાદથી ઊંચે અને સેટેલાઇટ્સથી ઘણાં નીચેના સ્તરે તરતાં રહેશે.

ન્યૂઝીલેન્ડના પ્રયોગમાં કુલ ૩૦ ફુગ્ગા આકાશમાં છોડવામાં આવ્યા છે. આ ફુગ્ગાનું એક નેટવર્ક રચાય છે, જે એકબીજા સાથે અને પૃથ્વી પરનાં ગ્રાઉન્ડ સ્ટેશન્સ સાથે કનેક્શન સાધી શકે છે.

પ્રયોગ મુજબ, ન્યૂઝીલેન્ડના એક ચોક્કસ વિસ્તારના ૬૦ જેટલા પરિવારોને એક ખાસ પ્રકારનું એન્ટેના આપવામાં આવ્યું છે, જેથી મદદથી તેઓ આકાશમાંના સૌથી નજીકના બલૂનમાંથી સિગ્લન મેળવીને ૩જી જેટલી સ્પીડ ધરાવતું ઇન્ટરનેટ કનેક્શન મેળવી શકે છે.

બલૂન કેવી રીતે કામ કરશે?

ગૂગલના પ્લાન મુજબ, અવકાશની સીમાડા જેટલી ઊંચાઈએ પાર વગરનાં બલૂન તરતાં મૂકાશે. દરેક બલૂનમાં બે ટ્રાન્સિવર હશે, જેમાંથી એકથી પૃથ્વી પરના નેટવર્ક સ્ટેશન પરથી કનેક્ટિવિટીનાં સિગ્નલ મેળવી શકાશે અને બીજાથી, બીજા બલૂનને આ સિગ્નલ મોકલી શકાશે. આ રીતે એક સ્થળેથી સિગ્નલ મેળવી, જુદાં જુદાં બલૂન પર કુદકા લગાવીને સિગ્નલ આગળ વધશે અને છેવટે, પૃથ્વી પરનાં જુદાં જુદાં ઘર કે સ્થળોએ મૂકાયેલાં ખાસ એન્ટેના આ સિગ્નલ ઝીલી શકશે.

દરેક બલૂનમાં એક વધારાનું બેક-અપ ટ્રાન્સિવર અને જીપીએસની સુવિધા (જુઓ સાયબરસફરનો અંક ૧૪, એપ્રિલ ૨૦૧૩) હશે, આથી ગૂગલના એન્જિનીયર્સ સતત દરેક બલૂનનું લોકેશન જાણી શકશે. દરેક બલૂનમાં હવામાનને લગતાં સાધનો પણ હશે.

અલબત્ત, આ પ્રોજેક્ટની ટેક્નોલોજી વિશે ગૂગલ – તેની ખાસિયત મુજબ – બિલકુલ મૌન છે. ગૂગલ ફક્ત એટલું કહે છે કે આ બિલકુલ પ્રારંભિક તબક્કો છે. ન્યૂઝીલેન્ડમાં હાથ ધરવામાં આવેલા પાયલોટ પ્રોજેક્ટમાં આખી વ્યવસ્થા અને દરેક બલૂનના સંચાલન માટે માણસે જાતે કામ કરવું પડે છે, પણ ગૂગલ કહે છે કે ભવિષ્યમાં બધું કોમ્પ્લેક્સ અલ્ગોરિધમ અને કમ્પ્યુર્સથી જ ચાલતું થઈ શકેછે.

આ પ્રોજેક્ટથી સાચે ફાયદો થશે?

ગૂગલ કહે છે કે આ હજી સાવ પ્રાથમિક તબક્કાનો પ્રયોગ છે. દુનિયામાં હજી ત્રણમાંથી બે વ્યક્તિને ઝડપી અને પરવડે તેવું ઇન્ટરનેટ કનેક્શન મળતું નથી. આ પ્રયોગથી ખાસ કરીને પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં રહેલા પ્રદેશોમાં ઓછા ખર્ચે નેટ કનેક્ટિવિટી આપી શકાશે.

ખાસ તો કુદરતી આફતો સમયે આ ટેક્નોલોજી – જો સફળ રહી તો – ઘણી ઉપયોગી થાય તેમ છે. ગયા વર્ષે અમેરિકામાં સેન્ડી હરિકેનથી આફત ત્રાટકી ત્યારે સેટેલાઇટ આધારિત કોમ્યુનિકેશન વ્યવસ્થા તદ્દન પડી ભાંગી હતી. હમણાં ઉત્તરાખંડમાં થયેલા જળપ્રલય જેવી કુદરતી આફતોમાં કોમ્યુનિકેશનની પરંપરાગત વ્યવસ્થા પડી ભાંગ ત્યારે બહુ ઝડપથી ફુગ્ગાઓ તરતા મૂકીને કોમ્યુનિકેશનની નવી વ્યવસ્થા ઊભી કરી શકાય છે.

પ્રોજેક્ટ સામેના પડકારો કયા છે?

વાસ્તવમાં, પડકારો તો ઘણા બધા છે, એટલે જ ગૂગલ ભારપૂર્વક કહે છે કે આ એક બિલકુલ પ્રાથમિક તબક્કામાંનો પ્રોજેક્ટ છે. હાલની સ્થિતિ મુજબ, ગૂગલ પૃથ્વી અને અવકાશ વચ્ચેના સ્ટ્રેટોસ્ફિયરમાં બલૂન્સ તરતાં મૂકશે. પૃથ્વીની સપાટી અને અવકાશ વચ્ચેના વાતાવરણમાં મુખ્યત્વે ત્રણ સ્તર છે : પૃથ્વીની સપાટી પરનું તરતનું પહેલું સ્તર છે ટ્રોપોસ્ફિયર. તેના પછીનું સ્તર છે સ્ટ્રેટોસ્ફિયર અને ત્યાર પછી આવે છે મેસોસ્ફિયર.

સ્ટ્રેટોસ્ફિયરમાંના પવનના પ્રવાહોને કારણે બલૂન્સ એક જગ્યાએ સ્થિર રહે તેવું શક્ય નથી. એટલે બલૂન્સ તેણે જ્યાં રહેવું જરૂરી હોય ત્યાંથી દૂર ચાલ્યાં જાય એવી શક્યતા છે. સ્ટ્રેટોસ્ફિયર સ્તરનું નામ તેમાં જુદા જુદા સ્તરે -સ્ટ્રેટા પર વહેતા પવનને કારણે પડ્યું છે. ગૂગલ કહે છે કે આ સ્તરમાં પવનના પ્રવાહો સામાન્ય રીતે કલાકના ૫થી ૨૦ માઇલની ધીમી ગતિએ વહે છે અને દરેક સ્તરમાં પવનની દિશા જુદી જુદી હોય છે. એટલે ગૂગલના એન્જિનીયર્સ નક્કી કરશે કે બલૂન ક્યાં સ્થિર રહેવું જોઈએ અને જો તે બીજી દિશામાં વહેવા લાગે તો એન્જિનીયર્સ પૃથ્વી પરથી તેને મૂળ જગ્યાએ પરત પરત લાવે તેવી દિશામાં વહેતા પવનમાં ગોઠવી દેશે!

અહીં હવાનું દબાણ દરિયાની સપાટી પરના દબાણ કરતાં માંડ ૧ ટકા જેટલું છે, તાપમાન માઇનસ ૫૦ ડીગ્રી સેલ્સિયસ જેટલું નીચું છે અને હવા તદ્દન પાતળી હોવાને કારણે યુવી રેડિએશન સામે બલૂન્સને સલામતી આપવી જરૂરી છે. ગૂગલ કહે છે કે “ચિંતાની કોઈ વાત નથી, આ બધી વાતની અમે કાળજી લીધી છે!

સવાલ એ પણ છે કે આ બલૂન એક વાર તરતાં મૂક્યાં પછી કાયમ માટે હવામાં તરતાં રહેશે? ના. આ બલૂન તેમાં ગોઠવેલી દરેક ફુગ્ગાને સોલર પેનલથી પાવર મેળવશે અને તેના જ બળે હવામાં તરતાં રહેશે. જોકે દરેક બલૂન કુલ આવરદા ૧૦૦ જેટલા દિવસની હશે. કોઈ બલૂન એ પહેલાં ફસકી પડે તો તેને સલામત રીતે નીચે ઊતારવા તેમાં પેરાશૂટ પણ ગોઠવવામાં આવ્યાં છે.

બીજો એક મહત્ત્વનો મુદ્દો એ પણ છે કે જેમ દરિયામાં વિવિધ દેશોની સરહદો અંકાયેલી છે તેવું આકાશમાં પણ છે. ‘આકાશ તો સૌનું’ એવું નથી. છતાં, આકાશમાં કેટલે ઊંચે સુધી સરહદો ગણાય એની સ્પષ્ટતા નથી, એટલે ગૂગલે તેનાં બલૂન્સ માટે કયા દેશની ક્યારે મંજૂરી લેવી એ કાયમી ઝંઝટનો મુદ્દો બની શકે છે. બલૂન ચઢાવતી કે ઊતારતી વખતે જે તે દેશના એર ટ્રાફિક કંટ્રોલર્સને તો જાણ કરવી જ પડશે.

દરેક દેશમાં એરસિગ્નલ્સ (સ્પેક્ટ્રમ) વિશેના અટપટા કાયદા છે. ગૂગલ અનલાઇસન્સ્ડ સ્પ્રેક્ટ્રમનો ઉપયોગ કરશે, પણ એ દિશામાં પણ ગૂંચવણો ઊભી થઈ શકે છે.

ગૂગલ કમાણી વધારવા આ બધું કરે છે?

ગૂગલના દરેક પ્રોજેક્ટની ત્રણ ખાસિયત હોય છે – પ્રોજેકટનો સ્કેલ જબરજસ્ત મોટો, અત્યંત સરળ સમજણ અને સાથે અનેક પાસાં પર રહસ્યોનો પડદો! પ્રોજેક્ટ લૂન પણ સ્કેલની રીતે બહુ મોટો છે, ગૂગલે તેના વીડિયો અને અલગ વેબસાઇટથી મજાની સરળતાથી આ પ્રોજેક્ટ સમજાવ્યો છે, પણ તેની ટેક્નોલોજી તથા ખર્ચ વિશે કોઈ ફોડ પાડ્યો નથી.

ઘણા લોકો માને છે કે કાં તો ગૂગલે માત્ર પબ્લિસિટી મેળવવા અથવા પોતાની જાહેરાતોની કમાણી વધારવા આ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. પબ્લિસિટીવાળી દલીલમાં બહુ વજૂદ લાગતું નથી, ગૂગલ આવી બધી બાબતોથી ક્યાંય આગળ નીકળી ગયેલી કંપની છે પણ દુનિયામાં વધુ ને વધુ લોકો ઇન્ટરનેટ સાથે સંકળાય તો તેમાં છેવટે ગૂગલને જ જાહેરાતોનો જબ્બર ફાયદો છે એ દલીલ નકારી શકાય તેમ નથી.

છતાં, એટલું સ્વીકારવું રહ્યું કે ઇન્ટરનેટની મોટા ભાગની જાયન્ટ કંપનીઓ પોતાની કમાણી વધારવાથી આગળ કશું વિચારતી નથી, ત્યારે આ પ્રયોગમાં કમાણી ઉપરાંતનો વિચાર પણ દેખાય છે ખરો.

પ્રોજેક્ટ લૂન પાછળનો વિચાર

ગૂગલે પ્રોજેક્ટ લૂન પાછળ કઈ વાતની પ્રેરણા રહેલી છે એ સમજાવતો એક ખરેખર મજાનો વીડિયો તૈયાર કર્યો છે. ગૂગલના હોલમાર્ક જેવી સિમ્પ્લિસિટી ધરાવતા એક પ્રોજેક્ટમાં એક અમેરિકન બાળકના અવાજમાં, પ્રોજેક્ટ લૂન ગૂગલે શા માટે અમલમાં મૂક્યો છે એ સમજાવવામાં આવ્યું છે. એ વીડિયોમાં રહેલી ભાવનાને આપણે આપણા શબ્દોમાં ઢાળીએ તો…

“આપણે આપણી આસપાસ નજર દોડાવીએ તો ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકતા ઘણા લોકો મળશે. પણ ઘણા વિસ્તારો એવા હશે જ્યાં બહુ ઓછા લોકોને આ લાભ મળતો નથી. દુનિયાના ઘણા વિસ્તારો આ સુવિધાથી બિલકુલ વંચિત છે એવું પણ છે. જો દુનિયાના તમામ લોકોને ઇન્ટરનેટની સગવડ મળે તો? તો સૌને વધુ સરળતાથી વધુ સારું શિક્ષણ મળે, આરોગ્યની સુવિધાઓ મળે, દૂર બેઠેલા નિષ્ણાતોની મદદથી વધુ સારી સારવાર મળે ને સૌનું ભવિષ્ય વધુ ઉજ્જવળ બને. આ હેતુથી, દુનિયામાં જ્યાં ઇન્ટરનેટની કનેક્ટિવિટી નથી ત્યાં ઓછા ખર્ચે કનેક્ટિવિટી આપવાના પ્રયાસરૂપે ગૂગલે આ પ્રયોગ હાથ ધર્યો છે.

કેટલાક લોકો એવો પણ મત વ્યક્ત કરે છે કે જૂનાગઢ જિલ્લાના ઉના ગામની નજીક આવેલા ભાચા ગામની સીમમાં ખેતરમાં જ રહેતા ખેડૂતને ઇન્ટરનેટ કનેક્ટિવિટી મળે તોય શું કામની? અક્ષરજ્ઞાનનો અભાવ, ભાષાની મુશ્કેલી, કમ્પ્યુટર જેવાં સાધનોનો અભાવ, હોય તો એ કેમ વાપરવાં એની જાણકારીનો અભાવ… વગેરે પાર વગરના પ્રશ્નો છે – ગૂગલનો આ અખતરો સફળ થાય તોય શું?

બીજી તરફ આખી વાતને જુદા દૃષ્ટિકોણથી જોનારા લોકો છે, જેમના મતે આટલા બધા પ્રશ્નોમાંથી કમ સે કમ એક – કનેક્ટિવિટીનો અભાવ – પ્રશ્ન જો ઓછો થઈ શકતો હોય તો તેમાં ખોટું શું છે?

આવી ટેકનોલોજીનો ભૂતકાળમાં ઉપયોગ

આકાશમાં બલૂન ઊડાડીને કનેક્ટિવિટી મેળવવાનો વિચાર કરનાર ગૂગલ પહેલી કંપની નથી. ૨૦૦૫માં યુરોપિયન યુનિયને આવો એક સફળ પ્રયોગ કર્યો હતો. તેમાં સ્વીડનની ઉપર એક બલૂન તરતું મૂકીને તેની મદદથી બ્રોડબેન્ડ વાયરલેસ એક્સેસ મેળવવામાં આવી હતી.

યુરોપિયન યુનિયને જ કુદરતી કે માનવસર્જિત આફત સમયે ઓછામાં ઓછા સમયમાં કોમ્યુનિકેશનની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી શકાય એ માટે આ જ પ્રકારે બલૂન્સની મદદથી એરિયલ બેઝ સ્ટેશન્સ ઊભાં કરવાનો એક પ્રોજેક્ટ હાથ ધર્યો છે.

અમેરિકન આર્મી પણ બલૂન્સની મદદથી કોમ્યુનિકેશન સિસ્ટમ ઊભી કરવાની ટેકનોલોજી વિક્સાવી રહેલ છે. ૨૦૧૧માં અફઘાનિસ્તાનમાં આ રીતે બલૂન ઊંચે ઊડાવીને તેની મદદથી કોમ્યુનિકેશન શક્ય બનાવવાં આવ્યું હતું.

આ બધું જાણીને સાદો સવાલ એ જ થાય કે અત્યાર સુધી સેટેલાઇટ્સની મદદથી કોમ્યુનિકેશન ચાલતું હતું એમાં વાંધો શો હતો કે આ રીતે બલૂનનો સહારો લેવો પડે છે?

જવાબમાં નિષ્ણાતો કહે છે કે સેટેલાઇટ્સથી કોમ્યુનિકેશન્સમાં ક્રાંતિ આવી છે, પણ તેની મર્યાદાઓ છે. સેટેલાઇટથી આખી દુનિયાને હાઇ-સ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી આપવા માટે જરુરી સેટેલાઇટ સ્પેક્ટ્રમ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી. સેટેલાઇટનો ખર્ચ, તેને લોન્ચ કરવા જ‚રુરી વેહિકલ્સ, પૃથ્વી નજીકની ભ્રમણકક્ષામાં સેટેલાઇટ્સની વધી રહેલી ભીડ વગેરે ધ્યાને લેતાં નવા રસ્તાઓ વિચાર્યા વિના છૂટકો નથી.

તેની સરખામણીમાં ઊંચે આકાશમાં તરતાં પ્લેટફોર્મ્સ સસ્તાં અને ગમે ત્યારે ફટાફટ ઉપયોગમાં મૂકી શકાય તેવાં છે.

બલૂનથી તદ્દન બીજા છેડાનું, ઝંઝવાતી ઝડપી ગૂગલ ફાયબર કનેક્શન

એક તરફ ગૂગલ જ્યાં કનેક્ટિવિટી છે જ નહીં, ત્યાં મફત કે સસ્તા દરેક ઇન્ટરનેટની સગવડ આપવાની વાત કરે છે, તો બીજી તરફ ફાયબર પ્રોજેક્ટ હેઠળ હાલના બ્રોડબેન્ડ કરતાં અત્યંત વધુ ઝડપી કનેક્શન આપવાની તેણે પહેલ કરી દીધી છે.

ભારતમાં સરેરાશ ૨થી ૪ એમબીપીએસની સ્પીડથી ઇન્ટરનેટ કનેક્શન મળે છે, જ્યારે ગૂગલ ફાયબર ૧૦૦૦ એમબીપીએસની અપલોડ-ડાઉનલોડની સ્પીડ આપે છે. સાથે ટીવી બોક્સ, સ્ટોરેજ બોક્સ અને નેટવર્ક બોક્સ મળે છે, એટલું જ નહીં, એક નેક્સસ ૭ ટેબલેટ ફ્રી મળે છે, જે આ સિસ્ટમના રિમોટ તરીકે કામ આપે છે! ઉપરાંત જીમેઇલ, ડ્રાઇવ અને ગૂગલ+ માં ૧ ટેરાબાઇટની સ્ટોરેજ કેપેસિટી પણ ખરી (આપણને ૧૫ જીબી મળે છે!).

અત્યારે અમેરિકાના ફક્ત કેન્સાસ સિટીમાં આ પ્રોજેક્ટ અમલમાં મૂકાયો છે અને હવે બીજાં શહેરોમાં તેનું પ્લાનિંગ ચાલી રહ્યું છે.

અલબત્ત, આ અત્યંત ખર્ચાળ અને ધીમો પ્રોજેકટ છે. એક અંદાજ મુજબ, જો અમેરિકાના દરેક ઘરને ફાયબરથી કનેક્ટ કરવું હોય તો ગૂગલે ૧૪૦ અબજ ડોલર ખર્ચવા પડે અને આખી દુનિયાને આવરી લેવી હોય તો ૧.૬ ટ્રિલિયન ડોલરની જરુર પડે.

ગૂગલ કંપનીએ ભવિષ્યના ખર્ચ માટે જેટલાં નાણાંની જોગવાઈ રાખી હોય એ બધી જો ફાયબર પ્રોજેક્ટ પાછળ ખર્ચી નાખવામાં આવે તો પણ આપણને ફાયબર કનેક્ટિવિટીનો લાભ મળતાં ૪૬૫ વર્ષ નીકળી જાય તેમ છે!

બલૂનથી કામ ચલાવ્યા વિના કોઈ છૂટકો છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!