તમે જાણે અજાણે સંખ્યાબંધ ફેસબુક એપ્સને તમારો ફેસબુક ડેટા એક્સેસ કરવાની વર્ષોથી મંજૂરી આપી રાખી હશે અને આવી એપ્સમાં જતો આપણો ડેટા છેવટે ક્યાં જાય છે અને કેવી રીતે ઉપયોગ થાય છે તેની પરવા પણ કરી નહીં હોય. કમનસીબે ફેસબુક પોતાની પ્રાઈવસી પોલિસીમાં સતત ફેરફાર કરે છે અને પરિણામે આપણી પ્રાઇવસીને સંબંધિત ઘણાં પાસાનો સચોટ ટ્રેક રાખવો આપણે માટે મુશ્કેલ બની જાય છે. આમ છતાં, થર્ડ પાર્ટી એપ્સ શોધવી અને દૂર કરવી બહુ મુશ્કેલ નથી.
એ માટે…
ફેસબુકમાં લોગ-ઇન થયા પછી, સેટિંગ્સમાં એપ્સ વિભાગમાં જાઓ.
અહીં તમે તમારા ફેસબુક એકાઉન્ટ સાથે કનેક્ટ કરેલી બધી એપ્સ દેખાશે.
જે તે એપ પર ક્લિક કરતાં, એ એપ તમારી અને તમારા મિત્રોની કઈ માહિતી મેળવી શકે છે તે જાણવા મળશે.
એ એપ તમારા માટે ઉપયોગી હોય તો તેમાં ડેટા એક્સેસ પર જરૂરી નિયંત્રણો મૂકો.
અથવા એ એપ ડિલીટ કરો.
થર્ડ પાર્ટી એપ્સ સંબંધિત અત્યંત મહત્ત્વનાં સેટિંગ્સ
જો તમે બહુ નજીકના મિત્રો સાથે જ ફેસબુકનો ઉપયોગ કરવા માગતા હો તો અહીંથી તેનો પ્લેટફોર્મ તરીકે ઉપયોગ ડિસેબલ કરી શકો છો. જોકે તો ફેસબુકને સૌથી વધુ નુક્સાન છે, એથી તે તમને ચેતવશે કે આ સુવિધા તમે ડિસેબલ કરશો તો પછી કોઈ થર્ડ પાર્ટી એપ્સ કે વેબસાઇટ્સ પર ફેસબુકનો લાભ મળશે નહીં.
મિત્રો તરફથી વિવિધ ગેમ્સ અને એપ્સ સંબંધિત સતત આવતાં નોટિફિકેશન્સ કંટાળો આપે છે? આ બધાનો તમે ક્યારેય ઉપયોગ ન કરતા હો તો તેનાં નોટિફિકેશન્સ અહીંથી બંધ કરી શકો છો.
ફેસબુક પર તમારા મિત્રો તમારી જેટલી વિગતો જોઈ શકે, એટલી તેઓ બીજી એપ્સ સાથે શેર કરી શકે છે. અહીંથી તમે, તમારી કઈ કઈ માહિતી શેર થઈ શકે તે પસંદ કરી શકો છો. આ બહુ મહત્ત્વનાં સેટિંગ્સ છે.
તમે ફેસબુકની જૂની મોબાઇલ એપ્સથી જે કંઈ શેર કરતા હો તો તેમાં પોસ્ટ કોણ જોઈ શકે તે નક્કી કરી શકાતું નથી. આ સેટિંગ અહીંથી થઈ શકે છે. તેને પબ્લિક હોય તો બદલીને ‘ફ્રેન્ડ્સ’ કરી શકાય.

