(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

મહામૂલો સ્માર્ટફોન ખોવાય ત્યારે…

ઇન્ટરનેટની જેમ સ્માર્ટફોન પણ આપણી જિંદગીનો અલગ ન કરી શકાય એવો હિસ્સો બની રહ્યા છે. પણ ક્યારેક ભૂલથી, ફોન આપણાથી અલગ થઈ જાય – ખોવાઈ જાય તો? આ સ્થિતિમાં શું શું કરી શકાય તેની વાત.

આગળ શું વાંચશો?

  • આપણા સ્માર્ટફોનમાંના સેટિંગ્સ
  • સેમસંગની સાઈટ પર
  • લોક માય મોબાઈલ
  • રિંગ માય મોબાઈલ
  • ટ્રેક માય મોબાઈલ
  • કોલ લોગ્સ
  • કોલ / મેસેજ ફોરવર્ડ
  • વાઈપ આઉટ માય મોબાઈલ
  • કોઈ સિમકાર્ડ જ બદલી નાખે તો?
  • મોબાઈલ ટ્રેક કરવામાં મદદરુપ એપ

સ્માર્ટફોન બે રીતે મહામૂલા હોઈ શકે છે. સ્વાભાવિક છે કે કિંમતની રીતે, ૩૦-૩૫ હજારનો ફોન લીધો હોય તો એ મહામૂલો જ કહેવાય, પણ આપણે પાંચેક હજારનો બજેટ સ્માર્ટફોન લીધો હોય તોય એ મહામૂલો હોઈ શકે છે – એની અંદર આપણે સ્ટોર કરેલા ડેટાના સંદર્ભે. આપણા ઇમેઇલ્સ, મેસેજીસ, કોન્ટેક્ટ, ફોટોગ્રાફ, વીડિયો, ખર્ચની આવક-જાવકનો હિસાબ રાખતી એપનો ઉપયોગ કરતા હો તો એ વિગતો… કેટલું બધું હોય છે આપણા સ્માર્ટફોનમાં! આવો ખરેખર મહામૂલો સ્માર્ટફોન ખોવાય તો?

ફોન પાછો મેળવવા માટે શું કરવું અને પાછો મળવાની કોઈ શક્યતા ન રહી હોય તો કમ સે કમ એમાંનો ડેટા ખોટા હાથમાં ન જાય એ માટે શું કરવું? સદનસીબે, આ બાબતમાં પણ હવે ફોન સ્માર્ટ થઈ ગયા છે!

સ્માર્ટફોનને સિક્યોર કરવા માટે સૌથી પહેલું કામ તો, ફોનના સેટિંગ્સમાં જઈને તેના માટે સ્ક્રીન લોક સેટ કરવાનું હોઈ શકે. આપણે પહેલેથી નક્કી કરેલી ચોક્કસ પ્રકારની પેટર્ન ડ્રો કરીએ તો જ સ્ક્રીન અનલોક થાય એવી ગોઠવણ અહીંથી થઈ શકે છે. તેમ પિન (કોડ) કે પાસવર્ડ આપીએ તો જ સ્ક્રીન અનલોક થાય એવું પણ અહીંથી સેટ થઈ શકે. બીજું પગલું, ફોનના સિમ કાર્ડને ચોક્કસ પિનથી લોક કરવાનું પણ હોઈ શકે. એ કામ પણ અહીંથી જ થઈ શકે છે.

આટલાં પગલાં લઈને આપણે ફોન ખોવાય ત્યારે કોઈ ફોનમાંની માહિતી જોઈ ન શકે એટલું સુનિશ્ર્ચિત કરી શકીએ છીએ. પણ એવું કેમ માની લેવું કે આપણો ખોવાયેલો ફોન ખોટી વ્યક્તિના હાથમાં જ જશે? આ લખનારનો જાત અનુભવ છે કે તેનો ખોવાયેલો (સ્માર્ટફોન નહીં, સાદો) ફોન એક મધ્યમવર્ગનાં બહેનને મળ્યો ત્યારે તેમણે પડોશમાંથી બંધબેસતું ચાર્જર મેળવી, ફોનની બેટરી ચાર્જ કરી, હોમ નામથી સેવ કરેલા નંબર પર જાણ કરી હતી કે ‘તમારો ફોન મને મળ્યો છે, આવીને લઈ જાવ!’

આપણે સ્માર્ટફોનનો સ્ક્રીન પેટર્ન કે પાસવર્ડથી લોક કર્યો હોય અને એ કોઈ સારી વ્યક્તિને મળી આવે તો પણ એ અંદર જઈને હોમ જેવો ફોનનંબર શોધી શકે નહીં. સૌથી સાદો ઉપાય, સાદી ચબરખીમાં આપણો ફોનનંબર લખીને ફોન પર ચોંટાડી દેવાનો છે, પણ એવું ચિતરામણ કરવું આઉટડેટેડ લાગતું હોય તો લેટેસ્ટ (૪.૦) એન્ડ્રોઇડમાં ફોન લોક કર્યા પછી પણ ચોક્કસ મેસેજ ડિસ્પ્લે કરી શકાય એવી સગવડ હોય છે.

આ સેટિંગ કરવા માટે…

  1. તમારા એન્ડ્રોઇડ ફોનમાં સેટિંગ્સમાં જાઓ.
  2. લોક સ્ક્રીનનો વિકલ્પ શોધો (મોટા ભાગે પર્સનલ સેક્શનમાં મળશે).
  3. ‘લોક સ્ક્રીન, ઓનર ઇન્ફર્મેશન’ વિકલ્પ ઓપન કરો.
  4. અહીં તમે તમારો બીજો મોબાઇલ નંબર, લેન્ડલાઇન નંબર કે ઇમેઇલ જેવી માહિતી આપી શકો છો, જેની મદદથી આ ફોન કોઈ સારી વ્યક્તિના હાથમાં આવે તો એ તમારો સંપર્ક કરી શકે, પણ ફોનમાં વધુ અંદર, તમારા ડેટા સુધી પહોંચી શકે નહીં.
  5. આ સમયે, ‘શો ઓનલી ઇન્ફો ઓન લોક સ્ક્રીન’નો વિકલ્પ ઓન રાખવાનું ભૂલશો નહીં.

આ થઈ પ્રાથમિક સલામતીની વાત. ગૂગલ પ્લે સ્ટોરમાં જશો તો ખોવાયેલા સ્માર્ટફોનને ટ્રેક કરવા માટેની ઢગલાબંધ એપ્સ મળી આવશે (જુઓ આ લેખ અંતેનું બોક્સ). પરંતુ, એવી કોઈ થર્ડ પાર્ટી એપ પર વિશ્ર્વાસ ન મૂકવો હોય તો તમારા સ્માર્ટફોનની મેન્યુફેક્ચરિંગ કંપની પણ આવી સવલત આપે છે.

અહીં સેમસંગ કંપનીના હેન્ડસેટ માટે ફોન સિક્યોરિટીને લગતી સર્વિસીઝની માહિતી આપી છે, તમારો ફોન બીજી કોઈ કંપનીનો હોય તો તેમાં પણ લગભગ આવી જ સગવડ હોવાની શક્યતા છે (ન હોય તો સ્માર્ટફોન માર્કેટમાં સેમસંગ કેમ ટોચની કંપની છે, એનું વધુ એક કારણ મળ્યું કહેવાય!).

આપણા સ્માર્ટફોનમાંનાં સેટિંગ્સ…

સેમસંગની ફાઇન્ડ માય મોબાઇલ સર્વિસનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલાં તો સેમસંગમાં તમારું એકાઉન્ટ હોવું જરૂરી છે (નીચે બતાવેલાં પગલાં હેન્ડસેટનાં જુદાં જુદાં મોડેલ અનુસાર થોડાં થોડાં અલગ હોઈ શકે છે).


  1. મેનુ, સેટિંગ્સ અને એકાઉન્ટ્સ એન્ડ સિન્કમાં જઈને તમારા ગૂગલ એકાઉન્ટમાં લોગ ઇન થાઓ.
  2. હવે એડ એકાઉન્ટ પર ક્લિક કરો અને સેમસંગ એકાઉન્ટ ઉમેરો.
  3. જો સેમસંગ એકાઉન્ટ હશે તો લોગ-ઇન થઈ શકાશે, અથવા અહીંથી નવું એકાઉન્ટ ક્રિયેટ કરી શકાશે.

અચ્છા, હવે ફાઇન્ડ માય મોબાઇલ સર્વિસનો લાભ લેવા માટે, મોબાઇલમાં રિમોટ કંટ્રોલ્સનો વિકલ્પ ઓન હોવો જરૂરી છે. કેટલાક ફોનમાં તે રિમોટ ફંક્શન્સ તરીકે પણ જોવા મળી શકે. તે ઓન છે કે નહીં તે ચેક કરવા સેટિંગ્સમાં જઈ, લોકેશન એન્ડ સિક્યુરિટીમાં જઈને ફાઇન્ડ માય મોબાઇલમાં આપેલો રિમોટ કંટ્રોલ્સનો ઓપ્શન ઓન કરી લો (અહીં તમારે ફરી સેમસંગ એકાઉન્ટનો પાસવર્ડ આપવો પડશે). બીજી કોઈ વ્યક્તિ આ સેટિંગ ક્યારેય બદલી ન નાખે એ માટે પણ સ્ક્રીન લોક રાખવું જરૂરી છે.

અહીં આપણે ફોનમાંનું સિમ કાર્ડ બદલવામાં આવે તો તેની આપણે કોઈ નંબર પર તરત મેસેજ સ્વરૂપે જાણ થાય એવું સેટિંગ પણ અહીંથી કરી શકાય છે. ફોન જેને મળ્યો હોય એ વ્યક્તિ સિમ કાર્ડ જ બદલી નાખે તો પછી ફોન કઈ રીતે ટ્રેક થાય એવો સવાલ થયોને? તેના સમાધાન માટે સાથેનું બોક્સ વાંચી લો.

અહીં સુધીની વાત ફોન ખોવાય તે પહેલાં, ફોન પર કરવાની પૂર્વતૈયારીની હતી.

હવે માની લો કે ન થવાનું થયું અને આપણો ફોન ખોવાયો! તો હવે જે પગલાં લેવાનાં છે એ આપણે સેમસંગની વેબસાઇટ પર જઈને લેવાનાં છે.

સેમસંગની સાઇટ પર…

હવે ફોન તો આપણા હાથમાં રહ્યો નથી, એટલે આપણે તાબડતોબ સેમસંગની સાઇટ પર પહોંચીને જરુરી સ્ટેપ્સ લઈએ.

  1. https://account.samsung.com પર જાઓ અને લોગઇન થાઓ, ફાઇન્ડ માય મોબાઇલ પર ક્લિક કરી, ફરી લોગ-ઇન કરો.
  2. અથવા, ડાયરેક્ટ http://findmymobile.samsung.com પર જાઓ અને લોગ-ઇન થાઓ.
  3. અહીં ડાબી તરફ તમારો રજિસ્ટર્ડ મોબાઇલ, તેનું મોડેલ અને નંબર જોવા મળશે.
  4. એટલું ખાસ ધ્યાને લેશો કે આપણો મોબાઇલ નંબર અહીં ઇન્ટરનેશનલ સ્ટાર્ન્ડન્ડ અનુસાર લખાયેલો હોવો જરુરી છે.

લોક માય મોબાઇલ

  1. અહીં પહેલું પગલું – ટ્રેક માય મોબાઇલ – હાલ પૂરતું કૂદાવીને બીજા પગલાં – લોક માય મોબાઇલમાં જાઓ.
  2. અહીંથી તમે તમારા મોબાઇલને, મોબાઇલથી દૂર રહીને લોક કરી શકો છો. એ સાથે તમારા ફોન પર આવો કંઈક મેસેજ ડિસ્પ્લે કરી શકો છો કે ‘આ ફોન ખોવાયો છે, કૃપયા આ નંબર પર મારો સંપર્ક કરો’.
  3. હવે લોક બટન પર ક્લિક કરતાં, સિસ્ટમ આપણા મોબાઇલ સાથે કનેક્ટ થશે અને ફોન લોક થતાં, આપણને વધાવણી આપશે.

રિંગ માય મોબાઇલ

ઘણી વાર એવું બનતું હોય છે કે ફોન ઘરમાં જ ક્યાંક, ઓશિકા નીચે કે બીજે ક્યાંક રહી ગયો હોય અને આપણે બીજા ફોનથી રીંગ કરી કરીને થાકીએ તોય કંઈ વળે નહીં કેમ કે ફોન આપણે વાઇબ્રેટર પર રાખ્યો હોય! આવું થાય ત્યારે રિંગ માય મોબાઇલ સર્વિસ ઓન કરતાં, આપણો ફોન આપોઆપ વાઇબ્રેટરમાંથી નોર્મલ મોડમાં આવે છે અને હાઇએસ્ટ વોલ્યુમ સાથે રણકી ઊઠે છે!

ટ્રેક માય મોબાઇલ

હવે ધારો કે તમે રાજકોટ ગયા હતા અને ત્યાંથી અમદાવાદ પરત ફયર્િ પછી ખ્યાલ આવ્યો કે મોબાઇલ તો હાથમાં નથી! છેલ્લે રાજકોટમાં કોઈ સાથે વાત કરી હતી એટલું યાદ છે. પછી ફોન રાજકોટમાં જ ક્યાંય રહી ગયો? કે પછી વચ્ચે ચોટિલા કે લીમડી રોકાયા હતા ત્યાં હોટલમાં રહી ગયો? આ જાણી શકાશે ટ્રેક માય મોબાઇલ સર્વિસથી.

ટેક્નોલોજીની મજા જુઓ. આ સર્વિસ ઓન કરતાં, ગૂગલ મેપ પર ફોનનું કરન્ટ લોકેશન જાણી શકાશે અને ત્યાર પછી ૧૨ કલાક સુધી, દર ૧૫ મિનિટે, હવે ફોન ક્યાં છે તે જાણી શકાશે!

કોલ લોગ્સ

ફોન ખોવાયા પછીના સમય દરમિયાન, તેના પરથી જે કોલ થયા હોય કે રીસિવ થયા હોય તેની વિગતો પણ આપણે રિમોટલી, સેમસંગની સાઇટ પરથી જાણી શકીએ છીએ.

કોલ/મેસેજ ફોરવર્ડ

ફોન ખોવાયા પછી આપણા ફોન પર આવેલા કોલ્સ અને મેસેજ આપોઆપ આપણા બીજા નંબર પર ફોરવર્ડ થવા લાગે એવી ગોઠવણ આપણે અહીંથઈ કરી શકીએ છીએ.

વાઇપ આઉટ માય મોબાઇલ

ફોન ખોવાયા પછી ઉપરનાં બધાં પગલાં લઈ લીધા પછી જો ખાતરી થઈ જાય કે ફોન પાછો મળવાની કોઈ શક્યતા નથી, તો છેલ્લો ઉપાય રહે છે ફોનમાંની આપણી તમામ માહિતી ડિલીટ કરી નાખવાનો – ફોન વાળીઝૂડીને કોરોકટ કરી નાખવાનો. આમાં આપણી પાસે બે વિકલ્પ હોય છે.

  1. ફોનના રીમૂવેબલ સ્ટોરેજ એરિયા એટલે કે સિમ કાર્ડ અને એક્સટર્નલ મેમરીમાં રહેલો તમામ ડેટા ડિલીટ કરી શકાય.
  2. ફેક્ટરી ડેટા રીસેટ કરવાનો : આ વિકલ્પમાં ફોનમાં સેવ થયેલો બધો ડેટા અને આપણે કરેલાં સેટિંગ્સ ડિલીટ થાય છે અને ફેક્ટરીનાં ડિફોલ્ટ સેટિંગ્સ ઓન થાય છે.

આ બીજા વિકલ્પમાં ખાસ નોંધવાની વાત એ છે જો આપણે પહેલાં ફોનને ફેક્ટરી સમયનાં સેટિંગ્સમાં લાવી દઈએ તો પછી સિમ કાર્ડ અને એક્સટર્નલ મેમરીમાં રહેલો ડેટા ડિલીટ કરવાનો વિકલ્પ રહેતો નથી.

આપણે ઇચ્છીએ કે આપણો ફોન ક્યારેય ખોવાય નહીં અને ખોવાય તો સારી વ્યક્તિના હાથમાં આવે, પણ એવું ન બને તો ઉપર આપેલી બાબતોની જાણકારી પહેલેથી હોય તો ફોનની સાથોસાથ આપણો કિંમતી ડેટા ખોટી વ્યક્તિના હાથમાં ન પહોંચે એટલી કાળજી ચોક્કસ લઈ શકીએ છીએ.

કોઈ સિમ કાર્ડ જ બદલી નાખે તો?

ફોન ખોવાય ત્યારે સૌથી પહેલાં પોલીસમાં તેની એફઆઇઆર નોંધાવવી જરૂરી હોય છે. પોલીસ બે રીતે આપણા ફોનને ટ્રેક કરી શકે છે – આપણા ફોન નંબર (જેમ કે બીએસએનએલ, એરટેલ વગેરે પાસેથી મળતા સિમકાર્ડના નંબર)ને આધારે અને હેન્ડસેટના એક ચોક્કસ નંબરને આધારે.

આપણો ફોન જેને મળે તેની દાનત ફોન પરત કરવાની ન હોય તો તે પહેલું કામ ફોનનું સિમ કાર્ડ બદલી નાખવાનું કરે છે. પરિણામે પોલીસ પાસે ફોન ટ્રેક કરવાનો એક માત્ર રસ્તો રહે છે હેન્ડસેટનો નંબર. આ નંબર International Mobile Equipment Identity (IMEI) તરીકે ઓળખાય છે. આ નંબર દરેક હેન્ડસેટ માટે યુનિક હોય છે.

આપણે નવો સ્માર્ટફોન ખરીદીએ ત્યારે તેના બોક્સ પર આ નંબર લખેલો હોય છે. બોક્સ ખોવાઈ ગયું હોય તો સ્માર્ટફોનમાં *૦૬ ડાયલ કરતાં સ્ક્રીન પર હેન્ડસેટનો IMEI નંબર ડિસ્પ્લે થાય છે. પોલીસમાં આપણે ફોન ખોવાયાની ફરિયાદ નોંધાવીએ ત્યારે આ નંબર સાથે આપવો જરૂરી હોય છે.

પોલીસ ઉપરાંત આપણા ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડરને ફોન નંબર અને IMEI નંબર આપવાથી એ આપણો નંબર બ્લોક કરે છે અને ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (જો ફોનમાં એ સગવડ હોય તો) ના આધારે હેન્ડસેટ ટ્રેક કરવાની કોશિશ કરે છે.

એક આડવાત : જુલાઈ ૭, ૨૦૦૫માં લંડનમાં થયેલા બોમ્બ વિસ્ફોટોમાં પોલીસને ત્રાસવાદીઓએ વાપરેલાં સિમકાર્ડના આધારે અત્યંત મહત્ત્વપૂર્ણ કડીઓ મળી હતી. તમને થ્રીલર નોવેલ વાંચવાનો શોખ હોય તો આ સમગ્ર ઘટનાક્રમની થયેલી તપાસની વાસ્તવિક સિલસિલાબંધ વિગતો ૪૪ પાનાંના એક રિપોર્ટમાં વાંચી શકો છો : http://www.rusi.org/downloads/assets/anatomyofterror.pdf

આ જ ઘટનાના આધારે, ફ્રેડરિક ફોરસિથ નામના લેખકે ત્રાસવાદીઓનાં સિમકાર્ડમાંથી મળેલી માહિતી પરથી અફઘાનિસ્તાન સુધી પહોંચીને તબાહી મચાવતા એક એજન્ટની કાલ્પનિક કથા આલેખી છે આ નોવેલમાં : ‘ધ અફઘાન’. વાસ્તવિક રિપોર્ટ અને કાલ્પનિક નવલકથા બંને બહુ રસપ્રદ છે – અનુકૂળતા હોય તો જરુર વાંચશો.

મોબાઇલ ટ્રેક કરવામાં મદદરૂપ એપ

સ્માર્ટફોન ખોવાય ત્યારે મદદે આવે તેવી ઢગલાબંધ થર્ડ પાર્ટી એપ્સ તમને ગૂગલ પ્લે સ્ટોરમાંથી મળી આવશે. આમાંની કેટલીક મોબાઇલ માટેનાં એન્ટિવાયરસ સોફ્ટવેરમાં જ સામેલ હોય છે, તો કેટલીક ફક્ત ખોવાયેલો મોબાઇલ શોધવામાં મદદ કરવાનું કામ કરતી એપ્સ હોય છે.

આપણે અહીં આવી એક એપ્સ અને તેની કામગીરી જરા વિગતવાર સમજીએ.

‘વ્હેર ઇઝ માય ડ્રોઇડ’ એન્ડ્રોઇડ માર્કેટ પરની પહેલી ફાઇન્ડ યોર ફોન એપ ગણાય છે. ફોન રસ્તામાં ક્યાંક પડી જાય કે આપણે કોઈ પબ્લિક પ્લેસમાં તેને ભૂલી આવીએ તો જ ખોવાય એવું જરુરી નથી. આપણામાંના મોટા ભાગના લોકોના ફોન પોતાના ઘરમાં જ ખોવાતા હશે અને પછી બીજા ફોનમાંથી રિંગ મારીને શોધવા પડતા હશે.

આવી સ્થિતિમાં તકલીફ ત્યારે થાય જ્યારે આપણો ફોન વાઇબ્રેટર પર હોય. આપણે કોઈ મીટિંગમાં ગયા હોઈએ, ફોન વાઇબ્રેટર પર રાખ્યો હોય, ઘરે પરત ફરીને ફોનને છાપાના ઢગલામાં કે ઓશિકા નીચે મૂકી દઈ અને પછી રઘવાયા થઈને આખા ઘરમાં શોધીએ! રિંગ તો સંભળાય નહીં, હવે?

તેનો ઉપાય આ વ્હેર ઇઝ માય ડ્રોઇડ એપ આપે છે. આ એપ ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરીએ ત્યારે અથવા પાછળથી તેનાં સેટિંગ્સમાં જઈને એપને આપણે કેટલીય કાયમી સૂચના આપી શકીએ છીએ (આ એપ ફ્રી અને પ્રો (પેઇડ) એમ બે વર્ઝનમાં ઉપલબ્ધ છે, ફ્રી વર્ઝનમાં સ્વાભાવિક રીતે જાહેરાતો અને બીજી એપ્સ ડાઉનલોડ કરવાની લિંક, ફોર્મ વગેરે મળશે).

આ દરેક સેટઅપ સમજતાં પહેલાં, આ એપ કઈ રીતે કામ કરે છે એ સમજીએ. રીત બહુ સાદી છે. આ એપનું સેટઅપ કરેલો આપણો સ્માર્ટફોન ખોવાય તો આપણે બીજા કોઈ ફોનમાંથી એસએમએસ દ્વારા તેને સૂચના મોકલવાની, જેનું આપણો સ્માર્ટફોન પાલન કરે!

રિંગ સેટઅપ : આ સેટિંગ મુજબ, કોઈ ચોક્કસ ફોન નંબર પરથી, કોઈ ચોક્કસ શબ્દનો એસએમએસ મળે, તો આપણો સ્માર્ટફોન વાઇબ્રેટર પર હોય તો પણ નોર્મલ મોડમાં આવી, ફૂલ વોલ્યુમ પર રિંગ ચાલુ કરે છે. આપણે ફોનને વાઇબ્રેટ થવાની કે કેમેરા ફ્લેશ કરવાની સૂચના પણ સેટ કરી શકીએ છીએ.

જીપીએસ સેટઅપ : રિંગની જેમ, ચોક્કસ ફોન નંબર પરથી, ચોક્કસ શબ્દનો એસએમએસ મળતાં, આપણા ફોન પરી, આપણા બીજા ફોન (જે ફોન પરથી આપણે કોડ મોકલ્યો હોય) પર એસએમએસ મળે છે કે ‘તમારી સૂચના મળી ગઈ છે, પાંચેક મિનિટમાં જીપીએસની વિગતો મોકલું છું!’ આપણા ખોવાયેલા ફોનમાં જીપીએસ એક્ટિવેટેડ ન હોય તો ‘જીપીએસ ફેઇલ્ડ, ગેટિંગ નેટવર્ક બેઝ્ડ લોકેશન’ એવો મેસેજ બીજા નંબર પર મળે છે (જો જીપીએસ ઓન હોય તો વધુ ચોક્સાઈભર્યુ પરિણામ મળે છે).

ત્યાર પછી આવતા મેસેજમાં, આપણો ક્યો અત્યારે કયા અક્ષાંશ, રેખાંશ પર છે તેની વિગતો મળે છે અને તે સ્થળનું સરનામું અને મેપ પર તેનું સ્થાન દશર્વિતા ગૂગલ મેપની લિંક પણ મળે છે (આપણે જાતે ગૂગલ મેપમાં અક્ષાંશ, રેખાંશના માત્ર આંકડા વચ્ચે ફક્ત કોમા મૂકીને સર્ચ કરીએ તો પણ ફોનનું લોકેશન મળી જાય છે.) આપણે કોઈ મિત્રના ઘરે ફોન ભૂલી ગયા હોઈએ (સોફાનાં કુશન વચ્ચે, જેથી મિત્રને પણ મળ્યો ન હોય!) ત્યારે આ સુવિધા કામ લાગી શકે છે.

આ સિવાય, ફોનનો કેમેરા ઓટોમેટિક ઓન થાય, તસવીર ખેંચે, તે ફોનમાંથી એપની સાઇટ પર અપલોડ થઈ જાય અને આપણે તેને તપાસીને નક્કી કરી શકીએ કે ફોન ક્યાં હશે, એવું પણ શક્ય છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!