(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

એસએમએસને બનાવો સ્માર્ટ!

સ્માર્ટફોનની મજા એ છે કે તેમાં જુદા જુદા કામ કરવા માટે આપણને એક નહીં અનેક એપના ઓપ્શન મળે છે.

જેમ કે, એસએમએસ.

સામાન્ય રીતે આપણે સ્માર્ટફોનમાં પહેલેથી જે મેસેજિંગ એપ ઇન્સ્ટોલ થયેલી હોય તેનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ અને તેના વિકલ્પ તરફ નજર દોડાવતા નથી, પરંતુ પ્લેસ્ટોરમાં એસએમએસ સર્ચ કરીએ તો અનેક એપ જોવા મળે.

અહીંથી આગળ વધતાં પહેલાં, આપણે એક મુદ્દો ખાસ ધ્યાન રાખવો જોઈએ કે સ્માર્ટફોનમાં આપણા ડેટાની સલામતીમાં જો કોઈ સૌથી નબળી કડી હોય તો તે એસએમએસ છે.

એસએમએસ એક યુનિવર્સલ સર્વિસ છે એટલે કે દરેક વ્યક્તિના સ્માર્ટફોનમાં વોટ્સએ, ફેસબુક મેસેન્જર જેવી અન્ય કોઈ મેસેજિંગ એપ હોય કે ન હોય, એસએમએસ સર્વિસ તો તેમાં હોય જ અને એ ફોન નંબર પર મોકલાયેલો એસએમએસ ચોક્કસપણે ડિલિવર થાય (અન્ય કોઈ ટેકનિકલ મુશ્કેલી ન હોય તો).

આ કારણે બેન્ક, ઓનલાઇન પેમેન્ટ સર્વિસીઝ, ઓનલાઇન શોપિંગ સાઇટ્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેરબજાર વગેરેમાં રોકાણની સગવડ આપતી સર્વિસીઝ વગેરે તમામ તેના ક્લાયન્ટસ/કસ્ટમર એટલે કે આપણને કોઈ પણ માહિતી મોકલવા માટે હંમેશાં એસએમએસ સર્વિસ પર આધાર રાખે છે.

તમે કદાચ જાણતા હશો કે કેટલીક ઇન્વેસ્ટમેન્ટ સર્વિસીઝની એપ જો આપણે ઇન્સ્ટોલ કરી હોય તો આપણા બેન્ક કાર્ડઝથી કરેલ ઓનલાઇન પેમેન્ટસ કે ઓનલાઇન ખરીદીની વિગતો પણ આ એપમાં જોવા મળતી હોય છે.

પહેલી નજરે આપણને નવાઈ લાગે કે આપણી ખરીદીની માહિતી એ એપ સુધી કેવી રીતે પહોંચી ગઈ, પરંતુ તેનું કારણ આપણે પોતે એ એપને આપણા એસએમએસ રીડ કરવા માટે આપેલી મંજૂરીમાં હોય છે!

આ કારણે એસએમએસ આપણે માટે સૌથી મહત્ત્વના બની જાય છે. આપણા ડેટાની સલામતી માટે ડિફોલ્ટ એસએમએસ એપને બદલે બીજી કોઈ પણ એપનો ઉપયોગ કરતી વખતે આ મુદ્દો ધ્યાને રાખવો જરૂરી છે.

સાદા એસએમએસની તુલનામાં ઘણા સ્માર્ટ ફિચર્સ

મફત એપ, કોઈ ઇન-એપ પરચેઝ નહીં

કોઈ જાહેરાત બતાવવામાં આવતી નથી

તમામ ડેટા આપણા મોબાઇલમાં જ રહે છે

તમારા સ્માર્ટફોનમાં કોઈ પણ એસએમએસ એપ્સ ઇન્સ્ટોલ કરો ત્યારે આપણી પ્રાઇવસી પરની અસર ધ્યાનમાં રાખીને જ તેનો ઉપયોગ કરશો. અલબત્ત આપણા સ્માર્ટફોનમાં પહેલેથી આવતી મેસેજિંગ એપ પણ આખરે તો ઓરેટિંગ સિસ્ટમે આપેલી એક એપ જ છે એ પણ યાદ રાખવા જેવું છે!


આ પૂર્વભૂમિકા સાથે જો તમને સ્માર્ટફોનમાંની મેસેજિંગ એપમાં ઘણું બધું ખૂટતું લાગતું હોય તો તમે પ્લે સ્ટોરમાં અન્ય એપ્સ તરફ નજર દોડાવી શકો છો.

આવી એપ્સના ડેવલપરમાં એક સૌથી વધુ જાણીતું નામ છે માઇક્રોસોફ્ટ.

માઇક્રોસોફ્ટ કંપનીએ ‘એસએમએસ ઓર્ગેનાઇઝર’ નામે એક એપ ડેવલપ કરી છે. આ એપ પ્યોર એસએમએસ એપ છે અને તે એસએમએસ સંબંધિત આપણી લગભગ બધી જ જરૂરિયાતો સરસ રીતે પૂરી કરી શકે છે.

સૌથી પહેલાં તો, આ એપ માઇક્રોસોફ્ટે ડેવલપ કરી છે, જે વિશ્વની અગ્રગણ્ય ટેક કંપની હોવાથી આપણે તેના પર અન્ય અજાણી કંપની કરતાં વધુ વિશ્વાસ મૂકી શકીએ છીએ.

બીજું એ કે આપણે પ્લેસ્ટોરમાંથી આ એપ ઇન્સ્ટોલ કરી ઓપન કરીએ એ સાથે તે આપણને ખાતરી આપે છે કે આપણા તમામ એસએમએસ આપણા મોબાઇલમાં જ રહે છે અને તેને ક્લાઉડમાં લઈ જવામાં આવતા નથી કે ક્લાઉડમાં કોપી કરવામાં આવતા નથી.

આ એપ પોતે આપણા ફોનમાં માંડ ૪ એમબી જેટલી જગ્યા રોકે છે. પણ એવું તે શું છે આ એસએમએસ એપમાં જે સ્માર્ટફોનમાં પહેલેથી મોજૂદ મેસેજિંગ એપમાં નથી? આવો જોઈએ!

મેસેજ સોર્ટિંગ

એસએમએસનો ઉપયોગ હવે ઘટ્યો છે, પરંતુ આપણને આવતા એસએમએસની સંખ્યા ઘટી નથી. જો આપણે ‘ડુ નોટ ડિસ્ટર્બ’ માટે રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોય તો આપણા પર આવતા એસએમએસની સંખ્યા હજી ઘણી વધુ હોઈ શકે છે. આપણા બેન્ક ખાતામાંથી રકમ ઉપાડ્યા અંગેનો એસએમએસ પણ આવે અને ખરતા વાળની સમસ્યાનો ઉકેલ આપતા ડોકટરના મેસેજ પણ આવે!

જેમ જીમેઇલમાં આપણા એસએમએસ આપોઆપ પ્રાઇમરી, સોશિયલ, પ્રમોશન, અપડેટ્સ વગેરે કેટેગરીમાં સોર્ટ થાય છે તેમ માઇક્રોસોફ્ટની એસએમએસ ઓર્ગેનાઇઝર એપમાં પણ આપણા એસએમએસ આપોઆપ પર્સનલ, ટ્રાન્ઝેકશનલ, પ્રમોશનલ એવી કેટેગરીમાં સોર્ટ થાય છે. આ કારણે આપણે માટે મહત્ત્વના એસએમએસ પર નજર ફેરવવી ઘણી સરળ બની જાય છે.

ફિલ્ટર

તમે જાણતા હશો કે આપણે ઈ-મેઇલમાં કોઈ પણ મેઇલને ફિલ્ટર કરી શકીએ છીએ.

જેમ કે આપણી બેન્ક તરફથી આવતા ઈ-મેઇલ માટે ફિલ્ટર સેટ કરીને તેને હમેશાં બેન્કનું લેબલ લાગે તેવું સેટિંગ કરી શકાય છે.

આ એપ માઇક્રોસોફ્ટની ‘ગરાજ’ (સતત કંઈક નવું શોધતા રહેલા લોકોની) ટીમના સભ્યોએ ડેવલ કરી છે. આ ટીમના સભ્યોમાં એક નામ આપણે ખાસ ગમે એવું છે – આશિષ શાહ!

એસએમએસ ઓર્ગેનાઇઝર એપમાં આ રીતે મેસેજને ફિલ્ટર કરી શકાય છે. કોઈ પણ મેસેજને ફિલ્ટર કરવા માટે તેને લોંગ પ્રેસ કરવાથી આપણે એ મેસેજને ક્યા ફોલ્ડરમાં મોકલવું છે તે નક્કી કરી શકીએ છીએ.

અહીં જો ‘મૂવ ફ્યુચર એસએમએસ’ના વિકલ્પમાં ટીક કરી રાખીએ તો એ નિશ્ચિત સેન્ડર તરફથી આવતા ભવિષ્યના તમામ મેસેજ આપણે નક્કી કરેલા ફોલ્ડરમાં જ જશે.

ઓટીપી ડિટેક્શન

ઓનલાઇન પેમેન્ટ વખતે કે ટુ-સ્ટે-વેરિફિકેશ જેવા અન્ય ઘણા સંજોગમાં અલગ અલગ સર્વિસ તરફથી આપણને વન ટાઇમ પાસવર્ડ (ઓટીપી) મોકલવામાં આવતો હોય છે. સામાન્ય રીતે આપણે એ ઓટીપી ધરાવતો એસએમએસ ઓપન કરવો પડે, તેમાં આપેલા ઓટીપીને કોપી કરીને પેલી સર્વિસના લોગ-ઇન સ્ક્રીન પર એ ઓટીપી પેસ્ટ કરવો પડે.

એસએમએસ ઓર્ગેનાઇઝર આ કામ સહેલું બનાવે છે. જો આપણા પર આવેલા એસએમએસમાં ઓટીપી હોય તો આ એપ તેને મોટા ફોન્ટમાં બતાવે છે અને નોટિફિકેશન મેનુમાંથી ઓટીપીને કોપી કરી લેવાનો વિકલ્પ પણ આપે છે. આપણે એસએમએસ ઓપન કરવાની પણ જરૂર રહેતી નથી. વાત નાની લાગશે, પણ ઉપયોગ કરશો તો એનું મૂલ્ય સમજાશે!

ગૂગલ ડ્રાઇવ સાથે સંકલન

એસએમએસ ઓર્ગેનાઇઝરમાં આગળ જણાવ્યું તેમ જુદા જુદા પ્રકારા મેસેજ આપોઆપ અલગ તારવવાની સુવિધા તો છે જ પરંતુ આપણા એસએમએસ આપણી ગૂગલ ડ્રાઇવમાં ઓટોમેટિક બેકઅપ લેવાની સગવડ પણ મળે છે.

તમે ઇચ્છો તો મેન્યુઅલી બેકઅપ લઈ શકો છો અથવા દરરોજ કે દર અઠવાડિયે એસએમએસનો બેકઅપ લેવાય તેવી વ્યવસ્થા કરી શકો છો. ભવિષ્યમાં તમે નવા સ્માર્ટફોનનો ઉપયોગ શરૂ કરો તો તો જીમેઇલમાંના કોન્ટેક્ટસની જેમ ગૂગલ ડ્રાઇવમાંના એસએમએસ નવા હેન્ડસેટમાં ટ્રાન્સફર કરી શકાય છે!

સ્માર્ટ રિમાઇન્ડર

સાદા એસએમએસને સ્માર્ટ બનાવતી વધુ એક સુવિધા. જો તમારા પર આવેલા એસએમએસમાં કોઈ ડ્યુ ડેટ હોય તો એસએમએસ ઓર્ગેનાઇઝરમાં પ્રકારના મેસેજ અલગ તારવવામાં આવે છે અને સ્ક્રીન પર નીચે, નોટિફિકેશ બેલના આઇકન પર ક્લિક કરવાથી, ડ્યુ ડેટાવાળા તમામ મેસેજ એક સાથે, પણ તારીખવાર જોઈ શકાય છે! તમે પોતાનો રીમાઇન્ડર ઉમેરીને તેને સંબંધિત મેસેજ એટેચ પણ કરી શકો.

ફ્રી એસએમએસ

આ એપની મદદથી તમે દર મહિને ૩૦ ટેક્સ્ટ મેસેજિસ મફત મોકલી શકો છો. ભારતમાં કોઈ પણ મોબાઇલ નંબર પર આ રીતે ફ્રી એસએમએસ મોકલી શકાય છે. આ એસએમએસ વોટ્સએપ મેસેજની જેમ ઇન્ટરનેટ દ્વારા મોકલાતા હોવાથી મોબાઇલ કનેકશન વિના પણ આપણે એસએમએસ મોકલી શકીએ છીએ.

કેટલીક એપ એવી હોય છે જેનો ઉપયોગ કર્યા પછી આપણને લાગે કે અત્યાર સુધી આના વિના આપણું કામ કેમ ચાલ્યું? આ એપ એ કેટેગરીમાંની છે! અને હા, એ કહેવાની જરૂર ખરી કે આ એપમાં પણ મશીન લર્નિંગ ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે?!

આમ તો, આખી એસએમએસ ટેકનોલોજીમાં જ મોટાં પરિવર્તનો આવી રહ્યાં છે, એની વાત કરીશું આગળ ક્યારેક.

એપ ઓપન કરતાં, આપણા મેસેજ ક્લાઉડમાં જતા ન હોવાની ખાતરી મળે છે.

આ એપ આપણે કામના અને પ્રમોશનલ મેસેજને અલગ તારવે છે, આપોઆપ.

બિલ, મુસાફરી, મૂવી ટિકિટ વગેરેની તારીખ મુજબ, તેના રીમાઇન્ડર પણ આ એપ આપે છે.

આપણે ઇચ્છીએ ત્યારે મેસેજીસનો આપણા ગૂગલ એકાઉન્ડમાં બેકઅપ લઈ શકીએ છીએ.

આ એપમાંથી કોઈ પણ નંબર્સ પર દર મહિને 30 મફત એએમએસ મોકલી શકાય.

આપણો ફોન નંબર આપી, વેરિફાય કરીને આ એપનો ઉપયોગ શરૂ કરી શકાય.

એપ આપણા કામના અને જાહેરાતના મેસેજીસ અલગ તારવીને તેની સંખ્યા પણ જણાવશે.

મહત્ત્વના મેસેજ, તારીખ મુજબ જોવાની સુવિધા અને વોટ્સએપની જેમ સ્ટાર કરવાની સુવિધા.

ઓટીપી, પ્રમોશનલ, બ્લોક્ડ મેસેજ નિશ્ચિત દિવસ પછી આપોઆપ ડિલીટ કરવાની સગવડ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!