બિઝનેસ માટે કંઈક નવો આઇડિયા, કરવાનાં કામનું લિસ્ટ, ખરીદીની યાદી, અખબારમાં જોયેલી કોઈ એડ જેના પર ફોલોઅપ કરવું છે… આ બધું તરત ને તરત સાચવી લેવું હોય અને ભવિષ્યમાં સહેલાઈથી શોધવું હોય તો કામની છે આ એપ.
કલ્પના કરો કે તમે (પતિ-પત્ની બંને) એક બીઝી, વર્કિંગ પર્સન છો. સાંજે તમે દીકરીની બર્થ-ડે પાર્ટી રાખી છે અને ઓફિસેથી ઘરે પહોંચતાં પહેલાં, પોતપોતાની ઓફિસની નજીકના મોલમાં જઈને અને ત્યાર પછી બીજી બે-ચાર શોપ ફરીને તમારે કેટલીય વસ્તુની ખરીદી કરવાની છે. તમે ખરીદવાની ચીજવસ્તુઓનું લિસ્ટ તો બનાવી લીધું છે, પણ તકલીફ એ છે કે બંનેની ઓફિસ અલગ અલગ જગ્યાએ છે અને તમારે ખરીદી અલગ અલગ રીતે, અલગ અલગ જગ્યાએથી કરવાની છે!
કઈ વસ્તુ કોણે ખરીદી લીધી અને કઈ વસ્તુ બાકી છે એ કેમ કમ્યુનિકેટ કરશો?
તમે મેનેજમેન્ટમાં ભલે એમબીએ કર્યું હોય અને ખરીદવાની ચીજવસ્તુઓ બંને વચ્ચે પહેલેથી બરાબર વહેંચી લીધી હોય, પણ લાસ્ટ મોમેન્ટ ઇમરજન્સી કેવી રીતે મેનેજ કરશો? પત્નીના લિસ્ટમાં રીટર્ન ગિફ્ટસ લખી હોય અને એ એમને ન મળે તો? આવું તો કેટલીય વસ્તુઓમાં બને અને કેટલી વાર તમે એકબીજાને ફોન કે વોટ્સએપ કર્યા કરશો?
આવે સમયે આપણને જરૂર હોય છે કોઈ સિમ્પલ સોલ્યુશનની, જે આપણું સ્ટ્રેસ લેવલ વધાર્યા વિના, બધી ખરીદી યોગ્ય રીતે પતાવીને પાર્ટી એન્જોય કરવાનો મૂડ પણ જાળવી રાખે.
આવી એક ખરેખર સિમ્પલ એપ છે ગૂગલ કીપ (http://www.google.com/keep/), જે વેબ પર, ક્રોમ એક્સટેન્શન સ્વરૂપે અને એન્ડ્રોઇડ એપ તરીકે ઉપલબ્ધ છે (વિન્ડોઝ અને આઇઓએસમાં તેની ઓફિશિયલ નહીં, પણ વર્કએરાઉન્ડ એપ ઉપલબ્ધ છે).
આ ગૂગલ કીપ શું છે એ સમજવા માટે આપણે આગલું ઉદાહરણ જ આગળ ધપાવીએ.
માની લો કે પતિ-પત્ની બંને પોતપોતાના ગૂગલ એકાઉન્ટની મદદથી ગૂગલ કીપનો લાભ લઈ રહ્યાં છે. હવે પાર્ટીની બાબત છે એટલે પત્નીનું દિમાગ વધુ ચાલશે, એ સવારના પહોરમાં ઓફિસે જવા નીકળતાં પહેલાં, પોતાના લેપટોપ કે પીસીમાં ગૂગલ કીપમાં, પાર્ટી માટેની ખરીદીની ચીજવસ્તુઓનું ચેકલિસ્ટ બનાવી લેશે. આ લિસ્ટ એ પોતાના પતિ સાથે શેર કરી લેશે. બંને ઓફિસે જવા નીકળશે અને યાદ આવતી જશે એ વસ્તુઓ, પોતપોતાના એન્ડ્રોઇડ ફોન (કે વેરેબલ ડિવાઇસમાં પણ) પોતાની ગૂગલ કીપ એપ ઓપન કરી, પેલા લિસ્ટમાં ઉમેરતાં જશે. બંનેનું લિસ્ટ શેર્ડ છે એટલે ચીજવસ્તુઓ કોઈ પણ ઉમેરે, બંનેના લિસ્ટમાં એ જોવા મળશે. હવે સાંજે જ્યારે બંને ખરીદી કરવા નીકળશે ત્યારે પણ જે ચીજ જેને મળતી જશે તે પોતાની એપમાં તેને ટીક કરશે અને બીજી વ્યક્તિને તરત ખબર પડશે કે આ ચીજ લેવાઈ ગઈ!
બિઝનેસ પાર્ટનર્સ, સ્ટુડન્ટ્સ ગ્રૂપ, ટીચર્સ અને સ્ટુડન્ટ વગેરે અલગ અલગ વ્યક્તિઓએ સાથે મળીને કામ કરવાનાં હોય ત્યારે આ રીતે શેર્ડ ટુ-ડુ લિસ્ટ બહુ ઉપયોગી થાય છે. એ સિવાય ગૂગલ કીપ જેવી સર્વિસ વ્યક્તિગત રીતે પણ ઘણી ઉપયોગી છે. કોઈ પ્રોજેક્ટનું કામ તમારા મનમાં રમી રહ્યું હોય, એના સફળ અમલ માટે તમને કોઈ આઇડિયાનો ઝબકારો થાય તો તરત એ ક્યાંક ટપકાવી લેવો પડે. પેટ્રોલ બિલ કે એટીએમ રીસિપ્ટ જેવા હાથવગા કાગળમાં પણ એ લખી લઈ શકાય, પણ પછી એ ક્યારે ધોબી પાસે પહોંચી જાય એ કહેવાય નહીં! એના બદલે ગૂગલ કીપ જેવી એપ ઓપન કરી, એ આઇડિયા નોંધી લો કે તમારા વોઇસમાં જ તેને રેકોર્ડ કરી લો તો એ હંમેશા હાથવગો રહેશે.
માઇક્રોસોફ્ટની વનનોટ કે એવરનોટ જેવી સર્વિસ ચોક્કસપણે ગૂગલ કીપ કરતાં ઘણાં વધુ ફીચર્સ ધરાવે છે, પણ એ બંનેનાં ફ્રી વર્ઝન ઉપરાંત પેઇડ વર્ઝન છે, જ્યારે ગૂગલ કીપ ફ્રી છે.
ઉપરાંત, ટુ-ડુ લિસ્ટ કોઈ પણ રીતે, સહેજ પણ કોમ્પ્લિકેટેડ હોય તો પછી એ એક વધારાનું કામ બની જાય છે. એ તો ફટાફટ, આંખના પલકારામાં થાય તો જ કામનું. એ રીતે ગૂગલ કીપ ખરેખર સિમ્પલ છે. ચાહો તો લિસ્ટ બનાવો, ફક્ત મુદ્દો ટપકાવો, કોઈ ફોટોગ્રાફ લઈને સ્ટોર કરી લો, કોઈ બિલ કે રીસિપ્ટનો ફોટો કેપ્ચર કરી લો, ફ્રેન્ડસ અને ફેમિલી સાથે શેર કરો… આ બધું ગૂગલ કીપમાં એકદમ અસરકારક રીતે અને ખાસ કશું જ નવું શીખ્યા વિના કરી શકાય છે. જે કંઈ સ્ટોર કરો એ વેબ પર કે મોબાઇલ ડિવાઇસ પર અવેલેબલ રહે છે, વખતોવખત તેના પર નજર ફેરવતા રહો. ગૂગલ છે એટલે આપણી ક્વિક નોટ્સ સર્ચ કરવી એકદમ સહેલી છે. દરેક બાબત માટે રીમાઇન્ડર્સ પણ સેટ કરી શકાય.
તમે તમારા કાયમી મેડિકલ સ્ટોરમાં પહોંચો ત્યારે જ ત્યાંથી લેવાની દવા વિશે રીમાઇન્ડર મળે કે ચોક્કસ ટાઇમે રીમાઇન્ડર મળે એવું સેટિંગ પણ શક્ય છે! ટૂંકમાં સાધન છે, સર્વિસ છે, તો પછી સ્માર્ટ લાઇફ આડે એક જ અવરોધ છે એનો બરાબર ઉપયોગ કરવા માટે જરૂરી આપણી પોતાની વિચારશક્તિ ઓછી પડવાનો!

