વિકિપીડિયાનો જૂનોપુરાણો લેઆઉટ જોઈને કંટાળ્યા છો? એક મજાના એક્સ્ટેન્શનની મદદથી તમે પલકવારમાં વિકિપીડિયાનું સ્વરુપ બિલકુલ બદલી શકો છો, પણ આ વાતમાં ડિઝાઇન ઉપરાંત પણ ઘણું જાણવા જેવું છે!
આગળ શું વાંચશો
- વિકિપીડિયાની શરૂઆત કેવી રીતે થઈ?
- કહાની મેં જાદુઈ ટ્વીસ્ટ
- વિકિવેન્ડનો ઉપયોગ કેવી રીતે કરશો
- વિકિપીડિયાના લેખનો આ રીતે ઉપયોગ થઈ શકે?
- વિકિવેન્ડ શી કમાલ કરે છે?
- વિકિવેન્ડની ખૂબીઓ
- આકર્ષક કવર ફોટોગ્રાફ
- સતત સાથે રહેતું ટેબલ ઓફ કન્ટેન્ટસ
- લિંકનો ક્વિક પ્રિવ્યુ
- સિમ્પલ ફોટોવ્યૂ
- સ્માર્ટ સર્ચ
- કસ્ટમાઈઝેશન
- બીજી ભાષાઓ
- મોબાઈલ વર્ઝન
- બીજી કેટલીક વાત
- વિકિપીડિયાની વિશાળતા

ઉપરની બંને તસવીરો વિકિપીડિયાના એક જ લેખની છે એવું કહેવામાં આવે તો તમે માનો? એ તો દેખીતું છે કે લેખ ખરેખર એક જ છે, હિમાલય વિશેનો, પણ વેબપેજ અલગ અલગ છે! ઉપલી તસવીર મૂળ, અસલ વિકિપીડિયાના વેબપેજની છે અને જમણા પેજ પરની તસવીર વિકિવેન્ડ નામની એક વેબસાઇટના પેજની છે – લખાણ બંનેમાં બિલકુલ સરખું છે, તફાવત ફક્ત ડિઝાઇનનો, લૂક એન્ડ ફીલનો છે!
આપણે કોરીધાકોડ, વેરાન જમીનમાં ઊભેલી કોઈ વ્યક્તિની તસવીર લઈએ અને પછી ફોટોશોપમાં તેમાંથી વ્યક્તિ સિવાયનું બેકગ્રાઉન્ડ કાઢી નાખીને લીલીછમ વનરાજીનું બેકગ્રાઉન્ડ મૂકી દઈએ તો તસવીર કેવી બદલાઈ જાય?! કંઈક એવી જ કરામત વિકિપીડિયા સાથે કરવામાં આવી છે. નોંધવાની વાત એ છે કે આમાં વિકિપીડિયાની પોતાની કોઈ ભૂમિકા જ નથી.
આખી વાત તેના પાયાથી સમજીએ.
વિકિપીડિયાનાં મૂળ છેક ૨૦૦૧માં છે અને આ પંદર વર્ષમાં વિકિપીડિયા પરના લેખોની સંખ્યા જબરજસ્ત વધતી ગઈ છે પણ દેખાવમાં લગભગ કોઈ જ ફેરફાર થયો નથી. બીજી તરફ વેબડિઝાઇનના ક્ષેત્રે મોટાં પરિવર્તનો આવી ગયાં છે, તમે કોઈ વેબસાઇટ લાંબા સમયથી ફોલો કરતા હો તો તેની ડિઝાઇનમાં હવે ધરખમ ફેરફાર નોંધ્યા હશે, પણ વિકિપીડિયાનો લેઆઉટ લગભગ એનો એ જ રહ્યો છે, જે જોઈને આપણને પણ પેલી ઝવેરાતની ટીવી એડનાં દાદીમાની જેમ કહેવાનું મન થાય, ‘હાઉ બોરિંગ!’
મજાની વાત અને ખાસ તો આજની વેબટેક્નોલોજીની કમાલ એ છે કે હવે આપણે ફક્ત બે-ત્રણ ક્લિકમાં વિકિપીડિયાના આ ‘બોરિંગ’ લાગતા લેઆઉટને ‘સ્ટનિંગ લૂક’માં ફેરવી શકીએ છીએ. એ વિશે વધુ જાણતાં પહેલાં વિકિપીડિયાનો લેઆઉટ અત્યારે છે એવો કેમ છે તેની થો઼ડી વાત કરી લઈએ.
વિકિપીડિયાની શરૂઆત
વિકિપીડિયાની શરુઆત જાન્યુઆરી ૧૫, ૨૦૦૧માં થઈ પણ તેનાં મૂળ ન્યુપીડિયા નામના એક પ્રોજેક્ટમાં હતાં. ન્યુપીડિયાનો પ્રોજેક્ટ વિકિપીડિયાના અત્યારના સ્વરુપ કરતાં તદ્દન જુદો હતો. વિકિપીડિયાના સ્થાપક જિમ્મી વેલ્સ અને લોરેન્સ સેંગરે વર્ષ ૨૦૦૦માં જ્યારે ઓનલાઇન એનસાયક્લોપીડિયા તૈયાર કરવાનું વિચાર્યું ત્યારે તેમનો વિચાર એવો હતો કે જુદા જુદા વિષયના નિષ્ણાતો પાસે લેખ લખાવવા અને એ વિષયના બીજા નિષ્ણાતો પાસે તેની સમીક્ષા કરાવવી, પછી લેખ ઓનલાઇન મૂકવો. આ રીતે કામ શરુ તો કરવામાં આવ્યું, પણ તકલીફ એ થઈ કે પહેલા છ મહિનામાં ફક્ત બે જ લેખ તૈયાર થયા. કામ ઝડપી બને એટલે એવો આઇડિયા લડાવવામાં આવ્યો કે એક એવું પ્લેટફોર્મ બનાવવું જેના પર કોઈ પણ વ્યક્તિ લેખ મૂકી શકે અને બીજી કોઈ પણ વ્યક્તિ તેમાં સુધારા-વધારા કે બાદબાકી કરી શકે!
લોરેન્સ સેંગરે આ પ્લેટફોર્મ માટે ‘વિકિ’ અને ‘એન્સાયક્લોપીડિયા’ એ શબ્દો ભેગા કરીને ‘વિકિપીડિયા’ નામ સૂચવ્યું.
આ બંને શબ્દ કેવી રીતે જન્મ્યા એ પણ જાણવા જેવું છે. એન્સાયક્લોપીડિયા શબ્દ છેક ૧૬મી સદીમાં ચલણમાં આવ્યો. તેનાં મૂળ ગ્રીક શબ્દ ‘એન્કુક્લિઓસ પેઇડિઇયા’માં છે, જેનો અર્થ થાય છે ‘ઓલ-રાઉન્ડ એજ્યુકેશન’ એટલે કે સર્વાંગી શિક્ષણ!
તેના પ્રમાણમાં ‘વિકિ’ શબ્દ બિલકુલ નવો કહી શકાય, એ ૧૯૯૫થી ચલણમાં આવ્યો. એ વર્ષે, હાવર્ડ જી. કનિંગહામ નામના એક ડેવલપરે એક બિલકુલ નવું વેબ પ્લેટફોર્મ (એક પ્રકારનું સોફ્ટવેર) વિકસાવ્યું હતું, જેની મદદથી ઇન્ટરનેટ પર જુદા જુદા લોકો સાથે મળીને લેખનકાર્ય કરી શકે અને એકબીજાના લખાણમાં સુધારા-વધારા કરી શકે. કનિંગહામ પોતાના આ નવા પ્લેટફોર્મ માટે કોઈ ચોટડુક નામની શોધમાં હતા. એ દરમિયાન એ હવાઈ ટાપુની મુલાકાતે ગયા અને ત્યાં એરપોર્ટ પર તેમને કોઈએ કહ્યું કે એરપોર્ટના એક ટર્મિનલ પરથી બીજા ટર્મિનલ પર જવા તેમણે ‘વિકિ વિકિ’ બસ પકડવી પડશે. કનિંગહામને કંઈ ગડ બેઠી નહીં એટલે પેલા કર્મચારીએ કહ્યું કે હવાઇ ભાષામાં વિકિ એટલે ઝડપી, ફટાફટ. તેના પરથી બસ સર્વિસનું નામ ‘વિકિ વિકિ’ પડ્યું છે. ક્નિંગહામને એ નામ એટલું ગમી ગયું કે તેમણે પોતાના પ્લેટફોર્મને એ જ નામ આપ્યું – વિકિ.
વિકિપીડિયાના આજના લેઆઉટનું કારણ તેના આ ‘વિકિ’ સ્વરૂપમાં છે. કોઈ પણ લખી શકે અને કોઈ પણ એડિટ કરી શકે એવી સુવિધાને કારણે વિકિપીડિયાની આખી સાઇટ ચોક્કસ પ્રકારના સોફ્ટવેરની મદદથી ચલાવવામાં આવે છે અને તેના દરેક લેખનો લેઆઉટ પણ ઘણે અંશે આપોઆપ જ તૈયાર થાયા છે. આ સોફ્ટવેર જે તે લેખમાં થતા ફેરફારનો પાકો હિસાબ રાખે છે, પરિણામે જે લોકો લેખમાંની હકીકતો સાથે સતત ચેડાં કરતા રહે છે તેમને વિકિપીડિયા નો એન્ટ્રીનું બોર્ડ બતાવી શકે છે.
કોઈ પણ લખી શકે એવા આ એન્સાયક્લોપીડિયાનો આઇડિયા લોકોને એવો પસંદ પડી ગયો કે સાઇટ લોન્ચ થયાના હજી એક વર્ષ પૂરું થાય એ પહેલાં તો તેના પર ૧૮ ભાષામાં ૨૦,૦૦૦ કરતાં વધુ લેખ તૈયાર થઈ ગયા! વિકિપીડિયા પર હંમેશા બધું જ ધ્યાન લેખની સામગ્રી પર અપાયું છે, સજાવટ પર નહીં.
બીજી તરફ, વિકિપીડિયા પરના લેખ કોઈ પણ એડિટ કરી શકે તેમ હોવાથી તેના લેખની ચોક્સાઈ વિશે સૌથી વધુ સવાલો ઊઠતા રહ્યા છે. આ જ મુદ્દે, તેના સહસ્થાપક લોરેન્સ સેંગર પણ તેનાથી અલગ થઈ ગયા. પરંતુ વર્ષ ૨૦૦૫માં વિખ્યાત સામાયિક નેચરે એક અભ્યાસ હાથ ધરીને વિકિપીડિયામાંના વિજ્ઞાનને લગતા લેખો કેટલાક સચોટ છે તે તપાસ્યું હતું અને તેની એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા સાથે સરખામણી કરી હતી. ત્યારે બહાર આવ્યું હતું કે નિષ્ણાતો દ્વારા લખાયેલા એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકામાં દરેક લેખ દીઠ ૨.૯૨ ભૂલો હતી, તેની સાથે જુદા જુદા લોકોએ સાથે મળીને લખેલા અને સતત સુધારેલા વિકિપીડિયાના લેખોમાં લેખદીઠ ૩.૮૬ ભૂલો હતો, મતલબ કે વિકિપીડિયાના લેખો પણ ચોક્સાઈની દૃષ્ટિએ ઊતરતા નથી.
વિકિપીડિયાના એડિટર્સ પેજ ડિઝાઇનમાં ગૂંચવાતા રહે તેના બદલે જુદી જુદી સામગ્રી સહેલાઈથી ઉમેરવા તરફ પૂરતું ધ્યાન આપી શકે એ માટે વિકિપીડિયામાં વર્ષોથી એક સરખો, સાદો છતાં એડિટર્સ માટે સુવિધાજનક લેઆઉટ અપનાવવામાં આવ્યો છે. ઉપરાંત, આ જ કારણે, આ લેઆઉટ વાચકો માટે બોરિંગ બનવા લાગ્યો છે!
કહાની મેં જાદૂઈ ટવીસ્ટ
દુનિયાના અસંખ્ય વેબયુઝર્સની જેમ લાયોર ગ્રોસમેન નામના ઇઝરાયલના એક સાહસિકને પણ વિકિપીડિયા પ્રત્યે અઢળક પ્રેમ હતો પણ એનો લેઆઉટ, લેખ રજૂ કરવાની રીત તેમને તદ્દન બોરિંગ લાગતી હતી. તેમને લાગ્યું કે “વિકિપીડિયાની શરૂઆત થયા પછીનાં દસ-પંદર વર્ષમાં વેબ અને મોબાઇલ એપ્લિકેશન્સની ટેક્નોલોજીમાં ધરમૂળથી પરિવર્તન આવ્યાં છે. લોકોના ઉપયોગ અને તેમની સુવિધાની દૃષ્ટિએ ઘણું બધું બદલાયું છે, આ નવી ટેક્નોલોજીની નવી સુવિધાઓનો લાભ વિકિપીડિયાને શા માટે ન આપવો?
આ સવાલના જવાબમાંં ગ્રોસમેન અને તેમની નાનકડી ટીમે ‘વિકિવેન્ડ’ નામની એક એપ્લિકેશન સર્જી. જાદૂગરના હાથમાં જે લાકડી હોય છે, જેને આમતેમ ફેરવીને જાદૂગર છાપાના રદ્દી કાગળોને રંગબેરંગી ફૂલોમાં ફેરવી નાખે છે, એ લાકડીને અંગ્રેજીમાં ‘વેન્ડ’ કહેવાય છે. વિકિવેન્ડ આ જાદૂઈ લાકડી જેવો જ કરતબ વિકિપીડિયા પર અજમાવે છે.
વિકિવેન્ડનો ઉપયોગ કેવી રીતે કરશો?
વિકિવેન્ડ શું છે એ બરાબર સમજવા માટે આપણે તેનો ઉપયોગ કરવાનું જ શરુ કરવું પડે! એ માટેનાં પગલાં તદ્દન સરળ છે.
- વિકિવેન્ડની વેબસાઇટ પર (http://www.wikiwand.com/) જાઓ.
- અહીં ‘ડાઉનલોડ ફોર ક્રોમ’ અને ‘ડાઉનલોડ ફોર આઇફોન’ની લિંક જોવા મળશે. ફાયરફોક્સ કે સફારી માટે પણ ઉપલબ્ધ છે (એન્ડ્રોઇડ એપ ટૂંક સમયમાં આવી રહી છે).
- ‘ડાઉનલોડ ફોર ક્રોમ’ પર ક્લિક કરશો એટલે ક્રોમ બ્રાઉઝરના વેબસ્ટોરમાં આ વિકિવેન્ડના એક્સટેન્શનની લિંક ખૂલશે. અહીં ‘એડ ટુ ક્રોમ’ લિંક પર ક્લિક કરી દો. નવું એક્સટેન્શન ઉમેરવા વિશે ખરાઈ કરતો મેસેજ આવે તે વાંચીને એક્સટેન્શન એડ કરી દો. એ સાથે વિકિવેન્ડ તરફથી એક થેંક્યુ મેસેજ મળશે અને સાથોસાથ જુદા જુદા પ્રકારના ગ્લાસ વિશેના વિકિપીડિયાના જુદા જુદા લેખ વિકિવેન્ડ પર ચકાસી જોવાનું કહેવામાં આવશે.
- એમાંથી કોઈ પણ લેખ પર ક્લિક કરશો એટલે વિકિપીડિયા પર વિકિવેન્ડ શો જાદુ કરે છે તે તરત સમજાઈ જશે!
- જો તમે ગૂગલ ગ્લાસ પર ક્લિક કરશો તો વિકિપીડિયાનો એ વિશેનો લેખ ખૂલશે, પણ તમે માની જ નહીં શકો કે એ વિકિપીડાયનો લેખ છે! એડ્રેસબાર તપાસશો તો ત્યાં વિકિપીડિયાને બદલે વિકિવેન્ડ વેબસાઇટનું એડ્રેસ જોવા મળશે!
- લખાણ, તસવીરો વગેરે બધું જ વિકિપીડિયાનું, ફક્ત સર્વર અને ડિઝાઇન વિકિવેન્ડની!
- વિકિવેન્ડ ફાયરફોક્સ મોઝિલા બ્રાઉઝરના એડ-ઓન તરીકે પણ ઉપલબ્ધ છે, પરંતુ તેમાં રેગ્યુલર વિકિપીડિયાનો ગૂગલ ગ્લાસ વિશેનો લેખ ઓપન કરીને તેને વિકિવેન્ડ પર એ જ લેખ સાથે સરખાવશો તો બંનેનો તફાવત એકદમ સ્પષ્ટ થશે.
- વિકિવેન્ડ વિકિપીડિયાની ડિઝાઇનમાં કેવા ફેરફાર કરે છે એની વાત કરતાં પહેલાં, કાયદાને લગતી થોડી વાત કરી લઈએ.
વિકિપીડિયાના લેખનો આ રીતે ઉપયોગ થઈ શકે?
વિકિપીડિયાનો મૂળ હેતુ દુનિયાભરના જ્ઞાનને બિલકુલ નિ:શુલ્ક દુનિયાના લોકો સમક્ષ ઉપલબ્ધ કરવાનો છે. આ સાઇટ ચલાવવાનો ગંજાવર ખર્ચ આવતો હોવા છતાં, સાઇટના સંચાલક તેના પર જાહેરાત બતાવીને તેમાંથી કમાણી કરવા પણ તૈયાર નથી. વિકિપીડિયા સંપૂર્ણપણે, તેને મળતા દાન પર ચાલે છે.
ઉપરાંત, વિકિપીડિયા પરના બધા જ લેખ જુદા જુદા લોકોએ સાથે મળીને લખ્યા હોવાથી તેનો કોઈ એક લેખક કે માલિક નથી! આ તમામ લેખ ફ્રી લાઇસન્સ હેઠળ મૂકવામાં આવે છે, જેથી અમુક શરતોને આધીન, તેનો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ રીતે ઉપયોગ કરી શકે છે! વિકિવેન્ડ આ સુવિધાનો લાભ લે છે. આપણે આપણા બ્રાઉઝરમાં એક વાર વિકિવેન્ડ એક્સટેન્શન ઉમેરી દઈએ પછી ગૂગલમાં ગમે તે સર્ચ કરીને વિકિપીડિયાની લિંક પર ક્લિક કરીએ એટલે પેલું એકસટેન્શન કામે લાગી જાય છે અને પલકવારમાં, વિકિપીડિયાનો આખો લેખ પોતાના સર્વર પર લઈ, તેના પર પોતાની નવી ડિઝાઇન અને તેની ખૂબીઓનું નવું લેયર ઉમેરીને આપણી સમક્ષ રજૂ કરે છે!
આમ, વિકિપીડિયાના મુક્ત સ્વરૂપને કારણે, કમ સે કમ હાલ પૂરતો તો વિકિવેન્ડ સામે કોઈ કાયદાકીય અવરોધ નથી.
વિકિવેન્ડ શી કમાલ કરે છે?
આગળ વાત કરી તેમ, વિકિવેન્ડ વિકિપીડિયાના ક્ધટેન્ટમાં કોઈ જ ફેરફાર કરતું નથી, તે ફક્ત તેની રજૂઆત બદલે છે. પણ આ કામ એ એટલી સફાઈથી કરે છે કે જો તમે વિકિવેન્ડનો ઉપયોગ શરુ કરો અને થોડા દિવસ વિકિવેન્ડનાં ચશ્મા પહેરીને વિકિપીડિયાના લેખ જોતા રહેશો તો પછી ક્યારેય ફરી જૂના લેઆઉટ જોવાની ઇચ્છા થશે નહીં!
વિકિપીડિયાના જૂના લેઆઉટમાં લેખનું સામાન્ય માળખું એવું હોય છે કે ડાબી તરફની પેનલમાં વિકિપીડિયાની અઢળક લિંક્સ હોય, વચ્ચેના ભાગમાં શરૂઆતમાં જે તે લેખની પૂર્વભૂમિકા હોય, પછી તેના જુદા જુદા પેટાભાગનાં શીર્ષકની લિંક્સ હોય, તેની નીચે એક પછી એક પેટા વિભાગમાં વધુ માહિતી હોય, સૌથી છેલ્લે વધારાની લિંક્સ, રેફરન્સ વગેરે બધું હોય. સૌથી છેલ્લે જમણી પેનલમાં એ જ લેખના સારરૂપ વિવિધ માહિતી, ફોટોગ્રાફ વગેરે આપવામાં આવ્યાં હોય.
વિકિવેન્ડમાં આ બધી જ બાબતોને સ્માર્ટ નવા લૂકમાં રજૂ કરવામાં આવે છે.
કવર ફોટોગ્રાફ
વિકિવેન્ડ સૌથી પહેલાં તો જે તે લેખનો સૌથી ધ્યાનાકર્ષક ફોટોગ્રાફ પસેદ કરીને તેને સૌથી મથાશે, પેજનો મોટો ભાગ રોકી લે એ રીતે મૂકે છે. પરિણામે પહેલી જ નજરમાં આપણને આખો લેખ વાંચવાની ઇચ્છા જાગે!
સતત સાથે રહેતું ટેબલ ઓફ કન્ટેન્ટસ
ડાબી તરફની વિકિપીડિયાની સંખ્યાંબંધ લિંક્સ (જેનો આપણે ભાગ્યે જ ઉપયોગ કરીએ છીએ) વિકિવેન્ડમાં બિલકુલ દૂર કરવામાં આવી છે (છતાં તેમાંની ઉપયોગી લિંક્સ સ્માર્ટ રીતે, અલગ જગ્યાએ જાળવી પણ લેવાઈ છે). તના બદલે, ડાબી તરફની પેનલમાં આખા લેખના જુદા જુદા પેટાશીર્ષકોની લિંક આપવામાં આવી છે. આપણે ભલે લેખમાં ઊંડે ઊતરતા જઈએ, આખા લેખની અનુક્રમણિકા સતત આપણી નજર સામે રહે છે. મૂળ વિકિપીડિયામાં આ સવલત નથી.
વિકિવેન્ડમાં ફોન્ટ, ફોન્ટની સાઇઝ, લાઇન વચ્ચેનું સ્પેસિંગ વગેરે નાની નાની વાતની પણ સરસ કાળજી લેવાઈ છે. પરિણામે ભારેખમ લેખ વાંચવાનું પણ કંટાળાજનક લાગતું નથી.
લિંકનો ક્વિક પ્રીવ્યૂ
તમે હંમેશા જોયું હશે તેમ વિકિપીડિયાના તમામ લેખમાં વાક્યે વાક્યે અનેક લિંક્સ હોય છે. તેનું કારણ એ છે કે વિકિપીડિયાના તમામ લેખ ઇન્ટરલિંક્ડ છે. જે શબ્દ વિશે વિકિપીડિયામાં અન્ય લેખમાં વધુ માહિતી હોય તેની મૂળ લેખમાં લિંક આપવામાં આવી હોય. જેમ કે હિમાલય વિશેના લેખમાં હિન્દુકુશ પર્વતમાળાનો ઉલ્લેખ આવે તો વિકિપીડિયામાં હિન્દુકુશ વિશે અલગ આખો લેખ પણ છે, આથી તેની લિંક હિમાલયના લેખમાં જોવા મળે. પરંતુ થાય એવું કે આપણે હિમાલય વિશે વાંચતાં-વાંચતાં હિન્દુકુશ વિશે ફક્ત થોડો સંદર્ભ મેળવવો હોય તો પણ લિંક પર ક્લિક કરતાં તેનો આખો લેખ ઓપન થાય.
વિકિવેન્ડમાં આવી લિંક્સ તો છે, પણ તેના પર માઉસ લઈ જતાં, ત્યાં ને ત્યાં એક નાની વિન્ડો ખૂલે અને એ બીજા લેખનો થોડો ભાગ વાંચવા મળે! આપણે મોટા ભાગે એટલી જ માહિતી જોઈતી હોય, છતાં વધુ વાંચવું હોય તો પછી માઉસથી ક્લિક કરીને આખા લેખને ઓપન કરી શકાય.
સિમ્પલ ફોટોવ્યૂ
વિકિપીડિયામાં હવે ઘણા લેખોમાં સુંદર પેનોરમિક ફોટોગ્રાફ્સ પણ જોવા મળે છે (હિમાલય કે ગંગા વિશેના લેખમાં આવા ફોટોગ્રાફ્સ મળશે). આવા પેનોરમાની પહોળાઇ પેજ કરતાં વધુ હોય એટલે અસલ વિકિપીડિયામાં ફોટોગ્રાફની નીચેના સ્ક્રોલબારની મદદથી ફોટોગ્રાફને ડાબે જમણે સ્ક્રોલ કરવો પડે છે. વિકિવેન્ડમાં આખા ફોટોગ્રાફમાં ગમે ત્યાંથી માઉસથી ડ્રેગ કરીને ફોટોગ્રાફને સ્ક્રોલ કરી શકાય છે. સગવડ સાવ નાની છે, પણ બહુ બારીક રીતે કામની છે!
સ્માર્ટ સર્ચ

મૂળ વિકિપીડિયામાં તમે ‘એપલ’ સર્ચ કરી જુઓ. પછી વિકિવેન્ડમાં ફરી ‘એપલ’ સર્ચ કરી જુઓ અને તફાવત જુઓ. દરેક પ્રકારના એપલ વિશે નાની-નાની તસવીર, લેખના પ્રકાર મુજબના આઇકોનથી સર્ચની આપણી કલ્પના જ બદલાઈ જાય છે. અહીં પણ, દરેક લેખના શીર્ષક પર માઉસ લઈ જતાં તેનો ક્વિક પ્રીવ્યૂ જોવા મળે છે, લેખ કામનો લાગે તો જ આગળ જાઓ!
કસ્ટમાઇઝેશન
વિકિવેન્ડ પોતે તો લેઆઉટ ફેરવી જ નાખે છે, તે ઉપરાંત આપણે ઇચ્છીએ તેવા તેમાં ફેરફાર કરવાની સુવિધા પણ આપે છે. તમે ઇચ્છો તો ફોન્ટનો પ્રકાર બદલો, બેકગ્રાઉન્ડ ડાર્ક કરો, ફોન્ટ નાના-મોટા કરો, કોલમની પહોળાઈ નાની-મોટી કરો, કવર ફોટોગ્રાફ્સ સાથેનો રીચ લેઆઉટ રાખો અથવા ટેક્સ્ટ પર વધુ ભાર હોય તેવો સાદો લેઆઉટ રાખો. પસંદગી તમારી. વિકિવેન્ડમાં ફોટોગ્રાફ અને લખાણને સહેલાઈથી શેર કરવાની સગવડ પણ છે.
અને આ બધાના અંતે, નીચે જમણા ખૂણે એક ડબલ્યુ જોવા મળશે, જેના પર માઉસ લઈ જતાં, એ લેખને મૂળ વિકિપીડિયા અથવા વિકિવેન્ડમાં જોવાની પસંદગી કરવા મળશે! આ અનુભવ કરી જોયા પછી પણ તમને જૂનો લેઆઉટ જ સારો લાગતો હોય તો તમે વિકિવેન્ડના મેઇન મેનુમાં જઈ, એક ક્લિકથી વિકિવેન્ડ અનઇન્સ્ટોલ કરી શકો છો.
બીજી ભાષાઓ

વિકિપીડિયાની વિશાળતા કોઈને પણ ચકરાવે ચઢાવે તેવી છે. અહીં કુલ ગુજરાતી અને હિન્દી સહિત ૨૮૩ ભાષાઓમાં લખાયેલા લેખ વાંચી શકાય છે. પરંતુ વિકિપીડિયાના મૂળ સ્વરૂપમાં, એક ભાષામાં લેખ વાંચતા હોઈએ ત્યારે એ જ લેખ બીજી ભાષામાં વાંચવાનું મુશ્કેલ છે.
વિકિવેન્ડમાં ઇંગ્લિશમાં લેખ વાંચતા હોઈએ ત્યારે જમણી તરફ ઉપર ઇએન પર ક્લિક કરતાં, એ જ લેખ બીજી કેટલી ભાષાઓમાં ઉપલબ્ધ છે તે જાણી શકાય છે. અહીં લેંગ્વેજ પ્રેફરન્સીઝમાં તમે તમારી ફેવરિટ ભાષાઓ ઉમેરી શકો છો, જેથી આગળ જતાં ફક્ત એક ક્લિકથી ઇંગ્લિશ લેખ ગુજરાતી કે હિન્દીમાં વાંચી શકાય.
મોબાઇલ વર્ઝન

વિકિપીડિયાની મોબાઇલ એપ છે, તેમ વિકિવેન્ડનું મોબાઇલ વર્ઝન પણ છે. અત્યારે ફક્ત આઇઓએસ માટે આ એપ ડાઉનલોડ કરી શકાય છે. એન્ડ્રોઇડના વર્ઝન પર કામ ચાલી રહ્યું છે. તમે ઇચ્છો તો આ એપ તૈયાર થઈ જાય ત્યારે તેના ટેસ્ટિંગ માટેનું વહેલું આમંત્રણ મેળવવા માટે http://invites.wikiwand.com/ પર જઈને તમારું ઈ-મેઇલ આઈડી આપી શકો છો.
બીજી કેટલીક વાત…
વિકિપીડિયા પર અત્યાર સુધી કોઈ જ જાહેરાત મૂકવામાં આવી નથી, પણ વિકિવેન્ડ કંપનીના સંચાલકો સમય જતાં, જ્યારે લોકો તેની સર્વિસનો ઉપયોગ કરીને વિકિપીડિયાના લેખ એક્સેસ કરે ત્યારે તેમને વિવિધ જાહેરાત જોવા મળે એવું બિઝનેસ મોડેલ વિચારી રહ્યા છે.
હવે આખી વાતને ફરીથી તપાસો. જેમ અત્યારે ગૂગલ ઇન્ટરનેટ પરની તમામ સાઇટ્સમાંના ક્ધટેન્ટને સર્ચ કરવાની સુવિધા આપીને, બાજુમાં જાહેરાતો બતાવીને કમાણી કરે છે, તેમ વિકિવેન્ડ કંપની પણ દુનિયાની સૌથી વધુ જોવાતી સાઇટ્સમાંની એક વિકિપીડિયા પરના વિરાટ ખજાનાનો રેડિમેડ ક્ધટેન્ટ તરીકે ઉપયોગ કરશે અને તેમાંથી કમાણી કરશે. અલબત્ત, આપણને યુઝર્સને તેમાં ફાયદો જ છે અને વિકિવેન્ડ કંપની કહે છે કે તે તેની કમાણીના ૩૦ ટકા જેટલી રકમ વિકિપીડિયાને દાન પણ આપશે. કંપનીને તેના પ્લાન્સ આગળ ધપાવવા માટે ૬ લાખ ડોલર્સ (અંદાજે ૩.૬ કરોડ પિયા)નું ફંડિંગ પણ મળી ગયું છે.
ટૂંકમાં આ આખી વાત, વિકિપીડિયાના યુઝર્સ, વેબટેકનોલોજીના અભ્યાસુઓ અને બિઝનેસ સ્ટ્રેટેજીમાં રસ ધરાવતા સૌ કોઈએ ઊંડાણપૂર્વક સમજવા જેવી છે!
ખરેખર તો આવી વાત માટે કહી શકાય કે ‘એક આઇડિયા બદલ દે આપકી દુનિયા!’
વિકિપીડિયાની વિશાળતા
ફક્ત અંગ્રેજી ભાષામાં લેખોની સખ્યા ૪૮,૭૭,૯૭૬ સુધી પહોંચી છે. આટલા લેખ સમાવવા માટે એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકાનાં ૨૦૦૦ પ્રિન્ટ વોલ્યુમ જોઈએ.- કુલ ૨૮૮ ભાષામાં લેખો લખાયા છે.
- તમામ ભાષાના લેખની સંખ્યા ૩.૪ કરોડે પહોંચી છે. તેને માટે ૧૫,૦૦૦ પ્રિન્ટ વોલ્યુમની જરુર પડે.
- વિકિપીડિયાના ૨,૫૨,૩૪,૬૨૧ રજિસ્ટર્ડ યુઝર્સ છે, જેમાં ૧,૩૫૦ એડમિનિસ્ટ્રેટર્સ છે.
- તેના એક્ટિવ કન્ટ્રીબ્યુટર્સની સંખ્યા ૭૫,૦૦૦થી વધુ છે.
- વિકિપીડિયા મીડિયાવિકિ નામના સોફ્ટવેરથી ચાલે છે. જે દરેક લેખમાં થતા ફેરફારોની નોંધ રાખે છે, એટલે વિકિપીડિયા પર લખાયેલી કોઈ પણ બાબત, ક્યારેય હંમેશ માટે ભૂંસાતી નથી.

