(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વોટ્સએપમાંથી જુદી જુદી રીતે લોકેશન શેરિંગના 6 રસ્તા

વોટ્સએપ હવે આપણને જુદી જુદી ઘણી રીતે ઉપયોગી થઈ શકે છે - એમાંની એક રીત એટલે લોકેશન શેરિંગ.

વોટ્સએપ પર આપણે પોતાનું લોકેશન જુદી જુદી ઘણી રીતે અન્ય લોકો સાથે શેર કરી શકીએ છીએ.

એન્ડ્રોઇડ અને આઇફોન બંને માટે વોટ્સએપ એપમાં લોકેશન શેર કરવાની પદ્ધતિ એકદમ સરળ છે. પરંતુ જુદા જુદા પ્રકારે લોકેશન શેર કરી શકાતું હોવાથી આપણે ગૂંચવાઈ શકીએ છીએ.

વોટ્સએપમાંથી લોકેશન શેર કરી શકીએ એ માટે સૌથી પહેલાં તો આપણે વોટ્સએપ એપને આપણું લોકેશન જાણવાની મંજૂરી આપવી પડે. એ માટે એન્ડ્રોઇડમાં ફોનના સેટિંગ્સમાં, એપ્સમાં વોટ્સએપ અને તેમાં પરમિશન્સમાં જઇને લોકેશન એક્સેસની મંજૂરી આપો. આઇફોનમાં ફોનના સેટિંગ્સમાં વોટ્સએપ, તેમાં લોકેશન અને તેમાં ઓલવેઝ પસંદ કરી લો.

જો આ રીતે આપણે પહેલેથી વોટ્સએપને લોકેશન જાણવાની મંજૂરી આપી નહીં હોય તો જ્યારે પણ વોટ્સએપ એપમાંથી લોકેશન શેર કરવાનો પ્રયાસ કરીશું ત્યારે આ મંજૂરી આપવા કહેવામાં આવશે.

વોટ્સએપમાં લોકેશન શેરિંગ સહેલું છે, નવી ચેટ ઓપન કરો, એટેચમેન્ટ આઇકન ક્લિક કરો, લોકેશન પસંદ કરો… વાત આટલી જ છે, પણ તમને જાણીને નવાઈ લાગશે કે વોટ્સએપમાં લગભગ છ પ્રકારે લોકેશન શેરિંગ થઈ શકે. બધી વાત આખરે લોકેશન શેરિંગની છે, પણ એ દરેકમાં નાના-નાના તફાવત છે. થોડી ગૂંચવણ થાય તો પણ ટ્રાય કરો.

તમને જાણીને કદાચ નવાઈ લાગશે, વોટ્સએપમાંથી આપણે કુલ છ જેટલા પ્રકારે લોકેશન શેર કરી શકીએ છીએ! એ મુજબ આપણી પાસે છ રસ્તા છે…

  1. આપણે જે તે સમયે જ્યાં હોઇએ તે કરંટ લોકેશન શેર કરવું
  2. કોઈ અન્ય જગ્યાનું લોકેશન શેર કરવું.
  3. પોતાનું લાઇવ લોકેશન શેર કરવું.
  4. પોતાના વોટ્સએપ સ્ટેટસમાં લોકેશન શેર કરવું.
  5. વોટ્સએપમાં ગૂગલ મેપ્સમાંથી લોકેશન શેર કરવું.
  6. વોટ્સએપમાં ગૂગલ મેપ્સમાંથી લાઇવ લોકેશન શેર કરવું.

તમે જોશો તેમ આ બધા મુદ્દા લોકેશન શેર કરવા સંબંધિત જ છે, પરંતુ બધામાં થોડો થોડો ફેર છે. આવો સમજીએ સ્ટેપ-બાય-સ્ટેપ.

વોટ્સએપ હવે ધીમે ધીમે સુપર એપ બની રહી છે, રોજબરોજના જીવનમાં ઉપયોગી કેટલાંય કામ તેમાં થઈ શકે છે.

વોટ્સએપમાં આપણે સહેલાઈથી પોતાનું કરંટ લોકેશન એટલે કે રિઅલ ટાઇમ લોકેશન અન્ય સાથે શેર કરી શકીએ છીએ. એ પછી આપણે જ્યાં પણ હોઇએ તે સ્થળનું લોકેશન અન્ય લોકો મેપ્સ પર જોઈ શકે છે.

એ માટે એન્ડ્રોઇડમાં વોટ્સએપમાં મેસેજ ટાઇપ કરવાના બોક્સમાં એટેચમેન્ટના પેપર ક્લિક જેવા આઇકન પર ક્લિક કરો.

જે વિકલ્પો ખુલે તેમાં લોકેશન સિલેક્ટ કરો. હવે ‘નીયર બાય’ અથવા ‘કરંટ લોકેશન’ શેર કરવાનો વિકલ્પ મળશે.

તેમાં ‘સેન્ડ યોર કરંટ’ લોકેશન પસંદ કરો.

આપણે કોઈ નિશ્ચિત જગ્યાએ બીજી વ્યક્તિને મળવાનું હોય અને એ વ્યક્તિ એ જગ્યા જાણતી ન હોય તો તેનું લોકેશન પણ વોટ્સએપ પર શેર કરી શકાય.

એ માટે ફરી એ જ વિધિ કરવાની છે.

ફક્ત લોકેશન શેર કરતી વખતે સર્ચ આઇકન પર ક્લિક કરીને જે લોકેશન શેર કરવાનું હોય તેને સર્ચ કરી તેને ક્લિક કરવાનું રહેશે.

આ પછી સામેની વ્યક્તિને આપણે શેર કરેલું લોકેશન જોવા મળશે.

પહેલા વિકલ્પમાં આપણે લોકેશન શેર કરતી વખતે જ્યાં હોઇએ તે સ્થળનું સ્ટેટિક – સ્થિર લોકેશન શેર થાય છે. તે સ્થળેથી આપણે બીજી કોઈ જગ્યાએ જઇએ તો પણ શેર થયેલું લોકેશન બદલાતું નથી.

આપણે જ્યાં જ્યાં જઇએ તે સ્થળનું લાઇવ લોકેશન પણ શેર કરી શકાય. એ માટે પણ આગળ જણાવ્યા મુજબ લોકેશન શેર કરવાનું રહેશે અને ત્યારે શેર લાઇવ લોકેશનનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.

આપણે લોકેશન શેરિંગ શરૂ કરીએ ત્યારથી ૧૫ મિનિટથી લઇને આઠ કલાક સુધી લાઇવ લોકેશન શેરિંગ ચાલુ રહે તેવો વિકલ્પ પસંદ કરી શકીએ છીએ.

બાય ડિફોલ્ટ એક કલાકનો સમય પસંદ થયેલો રહે છે.

સામાન્ય રીતે આપણે વોટ્સએપ પર કોઈ પણ સ્ટેટસ શેર કરીએ તે,  આપણો નંબર જેમના ફોનમાં સેવ્ડ હોય તે બધા લોકો જોઈ શકે છે. આથી સ્ટેટસમાં પોતાનું લોકેશન શેર કરવું હિતાવહ નથી. પરંતુ તમે ઇચ્છો તો એવું પણ થઈ શકે ખરું.

એ માટે વોટ્સએપ એપમાં અપડેટ્સ ટેબમાં જાઓ.

તેમાં સ્ટિકર આઇકનમાં જાઓ.

તેમાં કન્ટેન્ટ સ્ટિકર્સમાં લોકેશન્સ સ્ટિકર જોવા મળશે. તેને પસંદ કરીને સિલેક્ટ યોર કરંટ લોકેશન પસંદ કરો.

તમે ઇચ્છો તો સર્ચની મદદથી બીજું કોઈ લોકેશન પણ પસંદ કરી શકો. લોકેશનનું સ્ટિકર્સ થઈ જાય એ પછી આપણે તેનો કલર બદલી શકીએ અને સ્ક્રીન પર જ્યાં મરજી પડે ત્યાં ખસેડી શકીએ. એ પછી સેન્ડ બટન ક્લિક કરતાં તમે પસંદ કરેલું લોકેશન સ્ટેટસ તરીકે શેર્ડ થશે.

આપણે ઇચ્છીએ તો ગૂગલ મેપ્સમાં કોઈ લોકેશન શેર કરીને તેની લિંક વોટ્સએપ પર શેર્ડ કરી શકીએ છીએ.

એ માટે ગૂગલ મેપ્સ એપ ઓપન કરીને કોઈ પણ લોકેશન પસંદ કરી શકાય.

આપણે પોતે જ્યાં હોઇએ તે સ્થળ ગૂગલ મેપ પર  બ્લૂ ડોટ સ્વરૂપે જોવા મળે છે. તેને અથવા મેપ પરના અન્ય કોઈ પણ લોકેશન પર જરા લાંબો સમય આંગળી પ્રેસ કરીને તેને સિલેક્ટ કરતાં, સ્ક્રીન પર નીચેની તરફ એ લોકેશનને સેવ, શેર, પોસ્ટ, એડિટ વગેરે કરવાના વિકલ્પો મળે.

તેમાંથી શેર વિકલ્પ પસંદ કરતાં, ફોનમાંની જે જે એપ્સમાં શેર કરી શકાય તે બધી એપ્સ દર્શાવતું મેનૂ ખુલશે.

તેમાં વોટ્સએપ પસંદ કરી, જે તે લોકેશનની લિંક આપણે વોટ્સએપ પર શેર કરી શકીએ.

જે રીતે ડાઇરેક્ટ વોટ્સએપમાંથી આપણે જે તે સમયનું સ્થિર લોકેશન અથવા સતત બદલાતું લોકેશન અન્યો સાથે શેર કરી શકીએ, એ જ રીતે ગૂગલ મેપ્સમાંથી પણ સ્થિર ઉપરાંત લાઇવ લોકેશન, વોટ્સએપમાં શેર કરી શકાય. એ માટે ઉપર લખ્યા મુજબનાં જ સ્ટેપ્સ લેવાનાં છે. ગૂગલ મેપ્સ ઓપન કરો, તેમાં તમારા બ્લૂ લોકેશન ડોટને ટેપ કરો.

સ્ક્રીન પર અન્ય વિકલ્પો સાથે ‘શેર લોકેશન’નું બટન જોવા મળશે.

તેને ક્લિક કરતાં, એક કલાક કે વધુ-ઓછા સમય માટે લોકેશન શેર કરવાનો અથા તમે ટર્ન ઓફ ન કરો ત્યાં સુધી તમારું લાઇવ લોકેશન શેર કરવાના વિકલ્પ મળશે.

જોઈતો વિકલ્પ પસંદ કરો અને વોટ્સએપ પર શેર કરો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!