શીર્ષક વાંચીને આંચકો લાગ્યો? આપણે તો પોતાની દુકાન કે બિઝનેસના ઓનલાઇન પ્રમોશન માટે સોશિયલ મીડિયા ઉપરાંત, ખાસ કરીને ગૂગલ સર્ચ પર મોટો આધાર રાખીએ છીએ. આપણે એ પણ જાણીએ છીએ કે નજીકમાં કોઈ રેસ્ટોરાં, બ્યુટી પાર્લર, ઝેરોક્સ શોપ વગેરે શોધતા હોઈએ તો ગૂગલ કે એપલની મેપ્સ એપમાં સર્ચ કરી લેતાં સંખ્યાબંધ વિકલ્પો મળી જાય છે. તેના પર જે તે શોપ કે બિઝનેસ આપણાથી કેટલા અંતરે છે, ત્યાં શું શું મળશે, રેસ્ટોરાં હોય તો તેનું મેનૂ, ઇન્ટિરિયરના ફોટોઝ, કામકાજના કલાકો, અન્ય લોકોના રિવ્યૂ વગેરે ઘણું જોવા મળે શકે છે. તો, એ ગૂગલ કે એપલ આપણી દુકાન કે બિઝનેસ હવે કાયમ માટે બંધ છે એવું કેમ કહે?

શીર્ષકમાં માત્ર, ઓનલાઇન બિઝનેસ લિસ્ટિંગની સગવડ આપતી બે સૌથી મોટી કંપની તરીકે ગૂગલ-એપલનાં નામ લખ્યાં છે. અગાઉની ‘યલો પેજિસ ડિરેક્ટરી’ જેવી અનેક વેબસાઇટ્સ, એપ્સ પણ છે, જેના પર તમારા બિઝનેસની વિગતો મળી શકે છે.
આવી સાઇટ કે એપ જાહેર રીતે ઉપલબ્ધ ડેટામાંથી આપણા બિઝનેસનું લિસ્ટિંગ કરે છે. ગૂગલ-એપલની મેપ્સ સર્વિસ અત્યંત પોપ્યુલર હોવાને કારણે, તેમાં બિઝનેસનું લિસ્ટિંગ વધુ મહત્ત્વનું છે. તકલીફ એ છે કે – અમુક શરતોને આધીન – કોઈ પણ વ્યક્તિ તેના પરના તમારા બિઝનેસની વિગતોમાં ફેરફાર કરી શકે છે – તમારી દુકાન કે બિઝનેસ કાયમ માટે બંધ થઈ ગયો હોવાનું પણ કહી શકે છે!
બિઝનેસ પ્રોફાઇલમાં કેવું જોખમ છે?
તમારી કોઈ નાની મોટી શોપ કે રેસ્ટોરાં હોય, તેમાં સામાન્ય રીતે કસ્ટમર્સની સારી એવી આવનજાવન રહેતી હોય અને અચાનક કસ્ટમર્સ સાવ ગાયબ થઈ જાય તો? દેખીતું છે કે બિઝનેસ સાવ ઠપ્પ થઈ જાય.
ગૂગલ, એપલ તથા બીજી કેટલીય કંપની આપણા બિઝનેસનો મફત પ્રોફાઇલ તૈયાર કરવાની સગવડ આપે છે. ઘણી વાર જાહેર રીતે ઉપલબ્ધ વિગતોમાંથી પણ જુદા જુદા બિઝનેસના પ્રોફાઇલ તૈયાર કરવામાં આવે છે. આ બિઝનેસને ઉપયોગી વાત છે, પરંતુ આ વિગતોમાં કોઈ પણ યૂઝર ફેરફાર સૂચવી શકે છે – મૂળ માલિકને જાણ વિના!
ઓસ્ટ્રેલિયાના એક રેસ્ટોરાં માલિક – આપણે એમને ‘માઇકલ’ તરીકે ઓળખીએ – સાથે આવું જ કંઈક થયું. માઇકલ એમની પત્ની સાથે મળીને ઓસ્ટ્રેલિયાના એક શહેરમાં દરિયા કિનારે એક રેસ્ટોરાં ચલાવે. રેસ્ટોરાં દસેક વર્ષ જૂની અને કસ્ટમર્સમાં ઠીક ઠીક પોપ્યુલર.
પછી અચાનક કંઈક એવું થયું કે નવેમ્બર ૨૦૨૩થી તેમના રેસ્ટોરાંમાં કસ્ટમર્સ આવવાનું પ્રમાણ એકદમ ઓછું થવા લાગ્યું. માઇકલને આમ થવાનું કોઈ કારણ સમજાયું નહીં. પછી તેમના કોઈ ઓળખીતાએ કહ્યું કે એપલની મેપ એપમાં તો તેમની રેસ્ટોરાં ‘પરમેનન્ટલી ક્લોઝ્ડ – કાયમ માટે બંધ’ થઈ ગઈ હોવાનું બતાવે છે!

કોરોનાના સમયગાળામાં વિવિધ બિઝનેસ ખરેખર બંધ થાય એવું મોટા પાયે થતું હતું. આપણા આસપાસના વિસ્તારોમાં સંખ્યાબંધ દુકાનો કે બિઝનેસ આપણે બંધ થતા જોયા હતા. એવી શોપ્સ કે અન્ય બિઝનેસ વિશે આપણે ગૂગલ કે એપલની મેપ્સ એપમાં સર્ચ કરીએ તો એ કાયમ માટે બંધ થઈ હોવાનું જોવા મળતું હતું. મોટા ભાગના કિસ્સાઓમાં મેપ એપમાં આ વિશે સાચી જ માહિતી મળતી હતી.
પરંતુ માઇકલના કિસ્સામાં, એમની રેસ્ટોરાં બંધ થઈ જ નહોતી. ફક્ત એપલની મેપ્સ એપમાં તે પરમેનન્ટલી ક્લોઝ્ડ હોવાનું દર્શાવાતું હતું.
આવું કેમ થયું?
હવેના સમયમાં લોકો કોઈ પણ નવી જગ્યાએ જતાં પહેલાં મોટા ભાગે તેના વિશે ગૂગલ કે એપલની મેપ્સ એપમાં સર્ચ કરતા હોય છે. બ્રાઉઝર કે સર્ચ એન્જિનમાં સર્ચ કરીએ તો પણ આપણે આખરે મેપ્સમાં એ બિઝનેસની વિગતો સુધી પહોંચી શકીએ.
સામાન્ય રીતે મેપ્સ એપમાં જે તે બિઝનેસના લોકેશન ઉપરાંત તેના ફોટોગ્રાફ, વીડિયો, કામકાજના કલાક, રજાના દિવસ, બિઝનેસ કઈ કઈ રીતે પેમેન્ટ સ્વીકારે છે વગેરે વિગતો સામેલ હોય છે.
આ બધી વિગતો જે તે બિઝનેસના માલિક પોતે ગૂગલ કે એપલમાં પોતાના બિઝનેસનો પ્રોફાઇલ તૈયાર કરે ત્યારે તેમાં ઉમેરી શકતા હોય છે.
એ ઉપરાંત જો બિઝનેસના માલિકે પોતે પ્રોફાઇલ ક્રિએટ કરેલ ન હોય તો પણ તેના વિશે જુદા જુદા સોર્સમાંથી માહિતી મેળવીને મેપ્સ એપમાં તેનું લોકેશન અને અન્ય વિગતો દર્શાવવામાં આવતી હોય છે. તમે જોતા જ હશો તેમ મેપ્સ એપમાં આપણે જુદા જુદા બિઝનેસ વિશે પોતાના રિવ્યૂ પણ આપી શકીએ છીએ.
કોઈ પણ એડિટ કરી શકે!
કોઈ પણ બિઝનેસને વધુ કસ્ટમર્સ મેળવવામાં આ બધી સુવિધા બહુ ઉપયોગી થઈ શકે પરંતુ મોટી તકલીફ એ છે કે આવી મેપ્સ એપ વધુ પડતી લોકશાહી ઢબે કામ કરતી હોય છે. તેમાં અન્ય લોકો વિવિધ બિઝનેસ વિશે ફોટોગ્રાફ કે રિવ્યૂ ઉમેરી શકે છે એ જ રીતે તેની વિગતો પણ એડિટ કરી શકે છે! કંઈક અંશે વિકિપીડિયા જેવો જ માહોલ અહીં પણ છે!

આ કારણે પેલા ઓસ્ટ્રેલિયાના માઇકલની રેસ્ટોરાં હવે બંધ થઈ ગયું હોવાનું કોઈ યૂઝરે એપલની મેપ્સ એપમાં જણાવી દીધું અને મેપ્સ એપમાં એ રેસ્ટોરાં ‘પરમેનન્ટલી ક્લોઝ્ડ’ હોવાનું લેબલ લાગી ગયું. માઇકલની રેસ્ટોરાંમાં કસ્ટમર્સનો પ્રવાહ અટકી ગયો!
વધુ પરેશાનીની વાત
માઇકલ માટે વધુ મુશ્કેલીની વાત એ હતી કે તેને રેસ્ટોરાં ચલાવતાં તો આવડતું હતું પરંતુ મેપ્સ એપમાં પોતાના બિઝનેસની વિગતો કેવી રીતે એડિટ કરવી તે આવડતું નહોતું!
હજી મોટી તકલીફ એ વાતની હતી કે માઇકલ કે તેની પત્ની પાસે આઇફોન પણ નહોતો (એપલ આઇડી વિના એપલ મેપ્સમાંના બિઝનેસ લિસ્ટિંગને આપણે એ પોતાનું છે એવો ક્લેઇમ કરી શકીએ નહીં, બીજો અર્થ એ કે કંઈ ખોટું હોય તો સુધારી પણ ન શકીએ).

છેવટે માઇકલે એપલ કંપનીનો સંપર્ક કર્યો.
કંપનીએ માંડમાંડ તેના બિઝનેસ લિસ્ટિંગમાં ફેરફાર કરીને રેસ્ટોરાં ચાલુ હોવાનું દર્શાવી આપ્યું. એ સાથે તેના કામકાજના કલાકોની વિગતો પણ સુધારી આપવામાં આવી.
માઇકલ કહે છે કે આ આખી ગરબડને કારણે તેની રેસ્ટોરાંને મોટો ફટકો પડ્યો અને બારેક હજાર ડોલર જેટલી સંભવિત આવક ગુમાવવાની થઈ.
હવે રેસ્ટોરાંમાં ફરી કસ્ટમર આવવાનું શરૂ તો થયું છે. પરંતુ વાત પહેલાં જેવી રહી નથી! માઇકલ ફક્ત એક ઉદાહરણ છે – બિઝનેસ પ્રોફાઇલમાં ફેરફારથી દાઝેલા સંખ્યાબંધ લોકોએ આ સર્વિસ આપતી કંપનીઓ સામે કેસ પણ માંડ્યા છે.

તમારા બિઝનેસનો પ્રોફાઇલ ગૂગલ કે એપલની મેપ્સમાં છે કે નહીં તે તપાસવાનો સૌથી સહેલો રસ્તો, જે તે એપમાં જઈને તેને વિશે સર્ચ કરવાનો છે. જો પ્રોફાઇલ જોવા મળે તો તેની સાથે ‘ક્લેઇમ યોર બિઝનેસ’ જેવી કોઈ લિંક જોવા મળી શકે છે. જો પ્રોફાઇલ જોવા ન મળે તો https://www.google.com/business/ અથવા https://www.apple.com/in/business/connect/ વેબસાઇટ પર જઈને તમારા બિઝનેસની વિગતો આપવા આગળ વધી શકો છો (બધું ફ્રી જ છે). આ પછી ઇચ્છો ત્યારે, બ્રાઉઝરમાં જે તે એકાઉન્ટથી લોગ્ડ ઇન હો ત્યારે ‘માય બિઝનેસ’ સર્ચ કરીને તેના પેજ સુધી પહોંચી તેમાં બિઝનેસની ઘણી વિગતો ઉમેરી શકો છો.
ફેસબુકના બિઝનેસ પેજની જેમ ગૂગલ-એપલ પરના બિઝનેસ પ્રોફાઇલના ઘણા બધા લાભ છે.

આવા બિઝનેસ પ્રોફાઇલનો વિશેષ ફાયદો એ છે કે તે, જે તે કંપની મેપ્સ એપ સાથે કનેક્ટેડ હોવાથી સર્ચ સમયે લોકેશન સહિત, બિઝનેસની ઘણી વિગતો સંભવિત કસ્ટમરને મળી શકે છે.
એ ઉપરાંત, જે તે કંપનીની સર્વિસ અનુસાર વધારાના લાભ પણ છે. જેમ કે ગૂગલના બિઝનેસ પ્રોફાઇલ સાથે તમે નિયમિત વિવિધ અપડેટ પોસ્ટ કરી શકો, ઓફર ક્રિએટ કરી શકો, પ્રોડક્ટના વેચાણ કે સર્વિસના બુકિંગ માટેની સવલતો આપી શકો, ત્યાંથી જ પ્રમોશનલ એડ સેટઅપ કરી શકો, વિઝિટર્સ વિશે જાણી શકો…
ગૂગલ કે એપલ જેવી મેપ્સ એપમાં બિઝનેસ પ્રોફાઇલ દરેક બિઝનેસને ઉપયોગી થઈ શકે છે. પરંતુ હજી પણ ઘણા બધા લોકોને આ ઉપયોગી સુવિધા વિશે પૂરતી સમજ હોતી નથી.
સૌથી પહેલાં ધ્યાન પર લેવા જેવી વાત બે છે ઃ
પહેલી વાત, મેપ્સ એપ પોતાની સર્વિસમાં પોતાની રીતે કોઈ પણ બિઝનેસ સંબંધિત વિગતો ઉમેરી શકે છે. એ માટે તે જે તે બિઝનેસને સંબંધિત પબ્લિકલી અવેલેબલ ડેટાનો ઉપયોગ કરી શકે છે. ગૂગલ જેવી કંપની ‘યૂઝર જનરેટેડ કન્ટેન્ટ’ પર બહુ મોટો આધાર રાખે છે. આથી બિઝનેસની વિગતો મેપ એપમાં દર્શાવતી વખતે યૂઝર્સ તરફથી મળતી માહિતીને પણ મહત્ત્વ આપવામાં આવે છે.
બીજી વાત, જો તમને મેપ એપમાં તમારા બિઝનેસનો પ્રોફાઇલ જોવા મળે તો તે બિઝનેસ પોતાનો હોવાનો ક્લેઇમ કરી શકો છો. એ પછી મેપ એપ કંપની જુદી જુદી રીતે તમારા બિઝનેસનું વેરિફિકેશન કરે છે.

આ માટે આપણે બિઝનેસ સંબંધિત ડોક્યુમેન્ટ્સ સબમિટ કરવા પડે છે તથા અમુક સંજોગમાં વીડિયો કોલમાં પોતાની ઓફિસ, શોપ, રેસ્ટોરાં વગેરે બતાવવાં પડે છે.
આ રીતે વેરિફિકેશન થયા પછી જે તે બિઝનેસના પ્રોફાઇલને કંપનીના વેરિફાઇડ માલિક એડિટ કરી શકે છે.
મતલબ કે તમારા બિઝનેસની વિગતો મેપ એપમાં જોવા મળતી હોય, પરંતુ એ બિઝનેસ તમારો પોતાનો હોવાનો કંપની સમક્ષ દાવો કર્યો ન હોય તથા તેનું વેરિફિકેશન પૂરું કર્યું ન હોય તો એવી પૂરી સંભાવના છે કે તમારા બિઝનેસ પ્રોફાઇલમાંની વિગતો કોઈ પણ એડિટ કરી શકે.
એ પણ જાણી લો કે વેરિફિકેશન પછી પણ, કોઈ પણ વ્યક્તિ વિગતોમાં સુધારો સૂચવી શકે છે અને કંપની પોતાની રીતે તપાસ કર્યા પછી તેને મંજૂર કરી શકે છે. સામાન્ય રીતે, જ્યારે આ રીતે બિઝનેસ પ્રોફાઇલને કોઈ પણ વ્યક્તિ એડિટ કરે ત્યારે કંપની તરફથી એ બિઝનેસના ઓનર તરીકે જે ઇમેઇલ એડ્રેસ દર્શાવવામાં આવ્યું હોય તેના પર એક ઇમેઇલ મોકલીને પ્રોફાઇલમાં સુધારો કરવામાં આવી રહ્યો હોવાનું ધ્યાન દોરવામાં આવે છે – ધ્યાન આપજો, આવી ચેતવણી હંમેશાં મળે જ તેવી કોઈ ખાતરી નથી.

