આગળ શું વાંચશો?
- માઇક્રોસોફ્ટની સહયોગી કંપનીએ લાખો કમ્પ્યૂટર્સ ઠપ્પ કરી દીધાં : આપણે પોતાનું કામકાજ કે ડેટા સલામત રાખવા કેવાં પગલાં લેવાં?
- વોટ્સએપમાં વીડિયો કોલિંગમાં નવાં ફીચર્સ
- સેમસંગ-વોટ્સએપમાં વાતચીતનું લાઇવ ટ્રાન્સલેશન!
ગયા મહિને, માઇક્રોસોફ્ટ કંપનીની વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં એક ગંભીર ખામી સર્જાઇ અને તેના પર આધારિત દુનિયાભરનાં લાખો કમ્પ્યૂટર્સ અટકી પડ્યાં. અનેક દેશોની એરલાઇન્સ, હોસ્પિટલ્સ અને અન્ય ઇમરજન્સી સર્વિસિસ ખોરવાઈ ગઈ. અનેક બિઝનેસ પણ અટકી પડ્યા. આમ થવાનું કારણ મૂળ માઇક્રોસોફ્ટમાં નહોતું. તેને માટે સિક્યોરિટી અપડેટ્સ આપતી કંપનીના અપડેટ્સમાં ખામીને કારણે કમ્પ્યૂટર્સ ઠપ્પ થઈ ગયાં. આપણાં વ્યક્તિગત કમ્પ્યૂટર્સ એ કંપનીની સેવા લેતાં નહોતાં એટલે આપણે બચી ગયા.

આ પ્રકારના ગ્લોબલ આઉટેજ ભાગ્યે જ સર્જાય છે. એટલે આપણે વ્યક્તિગત બહુ ચિંતા કરવાની જરૂર નથી – જે બધાનું થાય તે આપણું થાય! આમ છતાં આવા ગ્લોબલ આઉટેજથી બચવાના ઉપાય છે (જે સચોટ નથી).
- વિન્ડોઝ અપડેટ ન કરવાઃ આમાં દેખીતી રીતે જોખમ છે. આવા ઉપાયનો વિચાર પણ ન કરી શકાય.
- વિન્ડોઝને બદલે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવોઃ લિનક્સ ચોક્કસપણે વધુ સલામત ઓએસ છે. પરંતુ આપણે જેનો નિયમિત રીતે ઉપયોગ કરતા હોઇએ એ તેમાં ઘણાં સોફ્ટવેર તેમાં ન ચાલી શકે તેવું બની શકે. સૌ માટે આ સહેલો ઉપાય નથી.
- વિન્ડોઝને બદલે એપલની મેક ઓએસનો ઉપયોગ કરવોઃ આ પણ સૌ માટે સહેલો ઉપાય નથી કેમ કે વિન્ડોઝની સરખામણીમાં મેક કમ્પ્યૂટર્સ ખાસ્સા મોંઘા છે!
આમ આપણે રોજિંદા ઉપયોગ માટે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ અને તેના અપડેટ્સ પર આધાર રાખ્યા વિના છૂટકો નથી. જ્યારે આપણું કામકાજ માઇક્રોસોફ્ટ વિન્ડોઝ કમ્પ્યૂટર પર તથા તેની ક્લાઉડ સ્ટોરેજ પર આધારિત હોય ત્યારે બે પ્રકારના જોખમ રહે છે.
એક જોખમ એ કે આપણું કમ્પ્યૂટર ઠપ્પ થાય અને કામકાજ અટકી પડે, એથી પણ મોટું બીજું જોખમ એ કે ક્લાઉડમાં સ્ટોર કરેલો આપણો ડેટા અનિશ્ચિત સમય સુધી કે કાયમ માટે ગુમાવવાનો વારો આવે.
કમ્પ્યૂટર ઠપ્પ થાય તો તેને કમ્પ્યૂટર એન્જિનીયરની મદદથી ફરી શરૂ કરી શકાય. પરંતુ મહત્ત્વનો ડેટા ગુમાવવાનું પાલવે નહીં. એ જ કારણે આપણે માટે ખરેખર બહુ મહત્ત્વની ફાઇલ્સ ફક્ત ક્લાઉડમાં સ્ટોર કરવાને બદલે તેની એક કોપી વનડ્રાઇવ, ગૂગલ ડ્રાઇવ કે અન્ય કોઈ પણ ક્લાઉડ સ્ટોરેજ સર્વિસમાં સેવ્ડ રહે, બીજી કોપી આપણા કમ્પ્યૂટરમાં રહે અને એ ઉપરાંત ત્રીજી કોપી કમ્પ્યૂટરથી અલગ કોઈ ફિઝિકલ ડ્રાઇવમાં સ્ટોર્ડ રહે એ સૌથી સારી સ્થિતિ છે. હાલમાં જે બન્યું તે માત્ર ટેકનિકલ ભૂલને કારણે બન્યું. પરંતુ અવારનવાર બને છે તેમ વ્યાપક સાયબર એટેક કે રેનસમવેર એટેકનો આપણે ભોગ બનીએ ત્યારે તેનાથી બચવા માટે ડેટાનો ત્રણ જગ્યાએ બેકઅપ એ જ સૌથી મોટો હથિયાર બની શકે.
હવે આપણે સૌ મેસેજિંગ ઉપરાંત, ફોન કોલની જેમ સામાન્ય વાતચીત માટે પણ વોટ્સએપ કોલની મદદ લેવા લાગ્યા છીએ.
આમ તો વોટ્સએપમાં કોલિંગની સુવિધા આપણને છેક ૨૦૧૫થી મળી ગઈ છે અને ત્યારથી કંપનીએ તેમાં સતત ગ્રૂપ કોલ્સ, વીડિયો કોલ્સ અને ફોન ઉપરાંત ડેસ્કટોપ માટેની એપમાં પણ કોલિંગની સુવિધા ઉમેરી છે.

હવે કંપનીએ વોટ્સએપ પર વીડિયો કોલિંગની સુવિધામાં હજી નવાં ફીચર્સ ઉમેર્યાં છે, જે આગામી થોડા સમયમાં તમારા વોટ્સએપમાં પહોંચી જવાં જોઇએ. આ ફીચર્સ અન્ય વીડિયો કોલિંગ એપ્સમાં છે, પણ વોટ્સએપમાં વાત વધુ સહેલી બને છે.
સ્પીકર સ્પોટલાઇટ : ગ્રૂપ વીડિયો કોલિંગ સમયે જો ગ્રૂપમાં સભ્યોની સંખ્યા વધુ હોય તો સૌમાંથી કોણ બોલી રહ્યું છે એ જાણવું અત્યાર સુધી થોડું મુશ્કેલ હતું. હવે એ કામ સહેલું બનશે, હવે જે વ્યક્તિ બોલી રહી હોય તેનો ચહેરો દર્શાવતી ફ્રેમ હાઇલાઇટ થશે અને એ વ્યક્તિ સ્ક્રીન પર સૌથી પહેલાં જોવા મળશે.
વીડિયો કોલમાં વધુ સભ્યો : હવે વોટ્સએપ પર વીડિયો કોલ કરો ત્યારે તેમાં એક સાથે ૩૨ લોકો જોડાઈ શકે છે.
ઓડિયો સાથે સ્ક્રીન શેરિંગ : તમે જાણતા જ હશો કે વોટ્સએપમાં આપણે અન્ય લોકો સાથે પોતાનો સ્ક્રીન શેર કરી શકીએ છીએ. હવે સ્ક્રીન શેરિંગ સમયે ઓડિયો પણ શેર કરી શકાશે, મતલબ કે હવે તમે ઇચ્છો તો ઓટીટીની જેમ વોટ્સએપ પર પણ મિત્રો સાથે ‘વોચ પાર્ટી’ ગોઠવી શકો છો.
આ વર્ષની શરૂઆતમાં, જાન્યુઆરી મહિનામાં સેમસંગ કંપનીએ તેના સ્માર્ટફોનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત વિવિધ ફીચર્સ ઉમેરવાની શરૂઆત કરી.
કંપનીએ જાહેરાત કરી છે કે આ ફીચર્સનો વર્ષ ૨૦૨૫ સુધી સૌ કોઈ મફત ઉપયોગ કરી શકશે. કંપનીના નવા લોન્ચ થયેલા એસ ૨૪ સીરિઝના સ્માર્ટફોનમાં એઆઇ ફીચર્સ ફોનના માર્કેટિંગ માટે યુનિક સેલિંગ પોઇન્ટ (યુએસપી) બન્યાં છે.
આમ તો, સેમસંગના ફોનમાં એઆઇ આધારિત ઘણાં બધાં ફીચર ઉમેરાયા છે. એમાંનું એક નોંધપાત્ર ફીચર છે – લાઇવ ટ્રાન્સલેટ. આ ફીચરની ખાસિયત એ છે કે આપણા પર કોઈ વ્યક્તિનો મેસેજ કે કોલ આવે અને તેમાં આપણે જાણતા ન હોઇએ તેવી ભાષાનો ઉપયોગ થતો હોય તો તેનું તરત ને તરત, રિઅલ ટાઇમમાં ટ્રાન્સલેશન કરી શકાય છે!
આપણા મેસેજ અને વાતચીતની પ્રાયવસી જાળવવા માટે યૂઝરનો બધો ડેટા જે તે ફોનમાં જ રહે છે અને ફોનમાં જ થતા પ્રોસેસિંગથી ટેકસ્ટ અથવા વોઇસનું ટ્રાન્સલેશન કરવામાં આવે છે.
આ ફીચર સેમસંગના ફોનમાં અને સેમસંગની વિવિધ એપ્સમાં ઉપલબ્ધ થઈ ગયું છે. પરંતુ તે અન્ય વોટ્સએપ જેવી થર્ડ પાર્ટી એપમાં પણ ઉપલબ્ધ થાય એવી શક્યતા દેખાઈ રહી હતી.
એટલું જ નહીં, મૂળ વોટ્સએપમાં જ મેટા એઆઇની મદદથી આવી સુવિધા ઉમેરાય તેવી શક્યતા છે.


