
આપણે સૌ વર્ષોથી ગૂગલ સર્ચનો સતત ઉપયોગ કરતા રહ્યા છીએ. ઘણા સમય અગાઉ ગૂગલ.કોમ પર પહોંચીને સર્ચ બોક્સમાં કંઈ પણ ટાઇપ કરવાનો એક માત્ર રસ્તો હતો. એ પછી સર્ચ કરવાના જુદા જુદા રસ્તાઓ મળતા ગયા.
જેમ કે આપણે પીસી કે મોબાઇલના બ્રાઉઝરમાં એડ્રેસ બારમાં જ કંઈ પણ લખીને સર્ચ કરી શકીએ. તે ઉપરાંત સ્માર્ટફોનમાં અલગથી ગૂગલ સર્ચ એપ ઇન્સ્ટોલ કરીએ અને હોમપેજ પર તેનું વિજેટ સેટ કરી રાખીએ તો ત્યાં જોવા મળતા સર્ચ બોક્સમાં કંઈ પણ લખીને પણ સર્ચ કરી શકાય. આમ સર્ચ કરવાના રસ્તા જુદા જુદા પરંતુ તેના મૂળમાં એક જ વાત – ગૂગલનું પાવરફુલ સર્ચ એન્જિન.
પાછલા એકાદ વર્ષથી માઇક્રોસોફ્ટની હરીફાઈમાં ગૂગલે સર્ચ એન્જિનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) આધારિત વિવિધ ફીચર્સ પણ ઉમેર્યાં છે.

‘સાયબરસફર’માં અગાઉ વાત કરી છે તેમ ગૂગલ સર્ચમાં આપણે ગૂગલ સર્ચ લેબ્સના વિવિધ એક્સપરિમેન્ટ ટ્રાય કરી શકીએ છીએ. આ ફીચર ઓન કર્યા પછી ગૂગલમાં કંઈ પણ સર્ચ કરીએ તો વિવિધ વેબસાઇટ્સના લિસ્ટ ઉપરાંત ડાઇરેક્ટ એઆઇ દ્વારા જનરેટ થતો આન્સર પણ આપણે જાણી શકીએ છીએ. સવાલના જવાબ માટે જુદાં જુદાં વેબપેજિસમાં ખાંખાંખોળાં કરવાની ઝંઝટ નહીં.
એ સિવાય, તમે ગૂગલમાં જ ‘ગૂગલ સર્ચ ઓપરેટર્સ’ સર્ચ કરો તો ગૂગલ પાસેથી જોઈતી માહિતી મેળવવા માટે કેવી નિશાનીઓ સાથે કઈ રીતે સર્ચ કરી શકાય એ પણ જાણી શકાશે.
એઆઇના ઉપયોગ ઉપરાંત, ગૂગલ કંપની પરંપરાગત રીતે થતા સર્ચને વધુ યૂઝર ફ્રેન્ડલી બનાવવાની પણ કોશિશ કરે છે.
તમે કદાચ જાણતા હશો કે ગૂગલમાં આપણે કંઈ પણ સર્ચ કરીએ એ ત્યારે સર્ચ બોક્સની નીચે સર્ચ એન્જિનનો વિવિધ પ્રકારે ઉપયોગ કરવાની સગવડ મળે છે. તે મુજબ આપણે પોતાની સર્ચ ક્વેરીનાં રિઝલ્ટ્સ ફક્ત ઇમેજિસ, ન્યૂઝ, વીડિયો, શોપિંગ, બુક, મેપ્સ, ફ્લાઇટ્સ, ફાઇનાન્સ વગેરે કેટેગરીમાં તપાસી શકીએ છીએ.
આ કેટેગરીઝના અંતે ‘સર્ચ ટૂલ્સ’નું એક બટન મળે છે. તેને ક્લિક કરતાં આપણે પોતાની ક્વેરીનાં પરિણામો સમય મુજબ, શબ્દશઃ કે તમામ પ્રકારનાં પરિણામોમાં સોર્ટ કરી શકીએ છીએ. એ ઉપરાંત ‘એડવાન્સ્ડ સર્ચ’નાં વધુ ટૂલ પણ મળે છે.
ગૂગલ સર્ચમાં ‘એડવાન્સ્ડ સર્ચ’ની સુવિધા ઉમેરાઈ છે, જેની મદદથી વિવિધ ફિલ્ટરથી સર્ચને એકદમ ફોકસ્ડ બનાવી શકાય છે.
હમણાં ગૂગલે, જે રીતે જીમેઇલ કે ડ્રાઇવમાં આપણને પોતાની સર્ચને વધુ ફોક્સ્ડ બનાવવાની સગવડ મળે છે, એવી જ સગવડ ગૂગલ સર્ચમાં પણ આપી છે.
હવે આપણે એડવાન્સ્ડ સર્ચ પર ક્લિક કરીએ ત્યારે એક આખું ફોર્મ જેવું પેજ ખૂલે છે અને તેમાં આપણે વિવિધ માહિતી આપીને પોતાની સર્ચ વિશે વધુ સચોટ પરિણામો મેળવી શકીએ છીએ.
અગાઉ એડવાન્સ્ડ સર્ચના આ વિકલ્પો સર્ચના સેટિંગ્સ મેનૂમાં દર્શાવવામાં આવતા હતા, એ કારણે મોટા ભાગના યૂઝર્સને સર્ચ માટે આવાં એડવાન્સ્ડ ટૂલ્સ ઉપલબ્ધ છે એવી ખબર પણ નહોતી.
હવે વાત સહેલી બની છે!

