થોડા સમય પહેલાં આપણે ‘સાયબરસફર’માં ભારત સ્માર્ટફોનની સાથોસાથ સ્માર્ટ રિંગનું પણ હબ બનવાની તૈયારીમાં છે એ વિશે વાત કરી હતી. અત્યારે તો ભારતની કંપનીઓ ચીનમાં મેન્યુફેકચર થતી સ્માર્ટ રિંગથી વેરેબલ ડિવાઇસિસના ફીલ્ડમાં હલચલ મચાવી રહી છે. આ ફીલ્ડમાં હાર્ડવેરની બાબતે એપલ અને સેમસંગ જેવી કંપની અગ્રેસર છે, પરંતુ સ્માર્ટ રિંગ માટે આ બંને કંપની તરફથી ખાસ કોઈ હલચલ દેખાતી નહોતી.

હવે આ સ્થિતિ બદલાઈ રહી છે. એપલ સ્માર્ટ વોચ સાથે સ્માર્ટ રિંગમાં પણ તહેલકો મચાવે તેવી શક્યતા દેખાય છે. કંપનીએ રિંગ જેવી સાઇઝ અને રિંગ જેવા શેપનાં સ્માર્ટ ડિવાઇસિસ માટે સંખ્યાબંધ પેટન્ટ ફાઇલ કરી છે.
નવી ટેકનોલોજીની પેટન્ટની વાત આવે ત્યારે મોટા ભાગની ટેકનોલોજી કંપની શક્ય એટલી વ્યાપક રીતે પોતાની ટેકનોલોજીનું વર્ણન આપવાની કોશિશ કરે છે, જેથી ભવિષ્યમાં પોતાની પ્રોડક્ટ્સને જુદી જુદી ઘણી રીતે વિકસાવી અને વિસ્તારી શકાય. એ મુજબ એપલે પણ સ્માર્ટ રિંગ માટેની ટેકનોલોજીને બને તેટલી વધુ વિસ્તૃત રીતે દર્શાવવાની કોશિશ કરી છે. કંપની પોતાની આ નવી ટેકનોલોજીને આંગળીમાં પહેરી શકાય તેવી વીંટી ઉપરાંત કાંડા પર, પગમાં, ગોઠણ પર, બાવડાં પર, ગળા પર, માથા પર વગેરે શરીરના કોઈ પણ ભાગ પર પહેરી શકાય એવા ડિવાઇસ તરીકે વિકસાવવા માગે છે.

પેટન્ટ માટે આપવામાં આવેલી વિગતો અનુસાર આ ડિવાઇસ સાથે યૂઝર કઈ રીતે ‘વાતચીત’ કરી શકે એ વિશે પણ જાત ભાતની વાતોનો ઉલ્લેખ છે. જેમ કે સ્માર્ટફોન, સ્માર્ટ વોચ વગેરે ડિવાઇસને નવી સ્માર્ટ રિંગ સાથે પેર કરીને સ્માર્ટ રિંગમાં જુદાં જુદાં કામ કરી શકાય એ તો દેખીતું છે. એ ઉપરાંત યૂઝર ફક્ત હાથના હલનચલનથી, વિવિધ જેસ્ચર્સ બતાવીને, ફક્ત આંગળી ચીંધીને કે આખા શરીરને અમુક પોઝિશનમાં ગોઠવીને પણ સ્માર્ટ રિંગ સાથે ઇન્ટરએક્ટ કરી શકશે!
આ પ્રકારની રિંગ દિવસના ચોવીસે કલાક પહેરી શકાય તેવી હોવાથી તે આસપાસની અન્ય વસ્તુઓ સાથે પણ જુદી જુદી રીતે ઇન્ટરએક્ટ કરતી રહેશે.
જેમ કે તમે આ સ્માર્ટ રિંગ પહેરીને કોઈ બિલ્ડિંગમાંના શોપિંગ મોલમાં આંટા મારી રહ્યા હો ત્યારે મોલમાં કોઈ શોપમાં શેલ્ફ પર કોઈ વસ્તુ પડી હોય, જેના પર ‘નીયર ફીલ્ડ કમ્યુનિકેશન (એનએફસી)’ ટેગ હોય તો સ્માર્ટ રિંગ તેના પરથી અલગ અલગ એકશન લઈ શકશે. સ્માર્ટ રિંગ એનએફસી ટેગને સ્કેન કરશે અને તેને આધારે યૂઝરના સ્માર્ટફોનમાં એક વેબપેજ પોપ-અપ થાય અને તેમાં પેલી પ્રોડક્ટને સંબંધિત ઇમેજ તથા અન્ય વિગતો જોવા મળે એવું બની શકે. અત્યારે બધા પ્રકારની ટેકનોલોજી અને ડિવાઇસિસમાં ઇન્ફર્મેશનના ઇનપુટ અને આઉટપુટ પર ભાર મૂકવામાં આવે છે એ મુજબ સ્માર્ટ રિંગ પણ ખાસ કરીને સ્માર્ટ વોચની જેમ યૂઝર વિશે પાર વગરનો ડેટા એકઠો કરશે.

